जो वादा किया सो निभाना पड़ेगा એ RSSને લાગુ પડતું નથી! જય શ્રી રામ!
મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂકેલો. સાથે સાથે અનેક સંઘીઓની અને RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની ધરપકડ કરીને સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવેલા. આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે સરકાર પર દબાણ લાવવા સંઘના લોકો દ્વારા સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કરવામાં આવ્યાં હતાં. એ નિષ્ફળ ગયેલાં. ગોલવલકર પોતાની જેલમુક્તિ માટે હકીકતમાં તરફડતા હતા.
એવા માહોલમાં તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે તા.૨૯-૦૧-૧૯૪૯ના રોજ તે વખતના પ્રાંતોની એક પરિષદ બોલાવી હતી. આ પરિષદમાં RSS પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને સંઘીઓને જેલમાંથી છોડવા માટે આ ચાર શરતો મૂકવામાં આવી હતી :
(૧) RSS તેનું બંધારણ ઘડશે અને તે જાહેર કરશે.
(૨) RSS તમામ ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓનો ત્યાગ કરશે.
(૩) તિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે RSS પોતાની સ્પષ્ટ સ્વીકૃતિ જાહેર કરશે.
(૪) ધર્મનિરપેક્ષ લોકશાહી રાજ્ય તરીકેની ભારતની વિભાવનાને RSS સ્વીકારશે.
આ શરતો પોતે સ્વીકારે છે એવો જે પત્ર ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો હતો તે સરદાર પટેલને તા.૧૧-૦૭-૧૯૪૯ના રોજ સુપરત કરવામાં આવ્યો હતો. સરદાર તે બરાબર વાંચી ગયા અને તેમણે નેહરુને ફોન કર્યો અને એમ કહ્યું કે ગોલવલકર સરકારની બધી શરતો સાથે સંમત છે. અને પછી બીજે દિવસે સવારે એટલે કે તા.૧૨-૦૭-૧૯૪૯ના રોજ પ્રતિબંધ હટાવી દેવાયો અને ગોલવલકરને ૧૩મી જુલાઈએ જેલમુક્ત કરાયા હતા.
આ ચાર શરતો માટે ગોલવલકરે લેખિત સંમતિ આપીને પોતાની સહી કરી હતી. છતાં શું RSS દ્વારા એ શરતોનું પાલન થયું ખરું? ના, સહેજે નહીં.
જવાહરલાલ નેહરુએ તા.૨૬-૦૧-૧૯૪૯ના રોજ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જંગી જાહેર સભામાં આપેલા પ્રવચનમાં RSSના સત્યાગ્રહીઓને જેલમુક્ત કરવા તત્પરતા દાખવી હતી કારણ કે એમાં શાળાઓ અને કોલેજોમાં ભણતા યુવાનો હતા. પરંતુ ત્રીજી ફેબ્રુઆરી-૧૯૪૯ના રોજ નેહરુએ જે પત્ર રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખ્યો હતો તેમાં આમ લખ્યું હતું :
“આપણે એટલું યાદ રાખવું જોઈએ કે RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”
બોલો, નેહરુ સાચા હતા કે નહીં?
જે ચાર શરતો પાળવાનું ગોલવલકર દ્વારા સરદાર પટેલને વચન આપવામાં આવ્યું હતું, એ ખુદ ગોલવલકરે જ પાળ્યું નહોતું. તો પછી એમના ચેલાઓ કેવી રીતે પાળે? અને આ ચેલાઓ હવે સરદાર પટેલના નામનું ભજન ગાતાં થાકતા નથી!
જુઓ, શું થયું છે એ ચાર શરતોનું :
(૧) સંઘ ટ્રસ્ટ કાયદા હેઠળ એક નોંધાયેલી સંસ્થા છે જ નહીં, માટે એનું કોઈ બંધારણ છે જ નહીં. કાયદાની ભાષામાં કોઈ સંસ્થાના બંધારણને આર્ટિકલ્સ ઓફ એસોસીએશન કહેવામાં આવે છે અને તેનું એવું કશું છે જ નહીં.
(૨) ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓ અમલમાં છે જ, કારણ કે સંઘની સંસ્થાઓ હિંસાની વકીલાત કરે જ છે.
(૩) કહેવાય છે કે બાવન વર્ષ સુધી સંઘના નાગપુર ખાતેના વડા મથકે તિરંગો લહેરાવવામાં આવ્યો નહોતો.
(૪) હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની વાત કર્યા કરવી એ ભારતના બંધારણીય મૂલ્યોનો અનાદર અને ઇનકાર છે.
संघकुल रीति सदा चली आई
वचन जाई पर प्राण न जाई।
તા.૧૬-૧૨-૨૦૨૫
(સ્રોત: ‘Golwalkar: The Myth Behind The Man and Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે. ઝા)
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

