વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે-૨૦૧૬માં શરૂ થયેલી આ યોજના ધૂમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે છે. ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને શહેરી પરિવારની મહિલાઓને આ યોજનામાં રાંધણ ગેસનું નિ:શુલ્ક જોડાણ આપવામાં આવે છે. બીજા તબક્કામાં સરકારે વધુ ઉદાર બનીને માત્ર એલ.પી.જી. કનેકશન જ નહીં, પહેલું સિલિન્ડર અને એક સગડી પણ મફત આપવાની જોગવાઈ કરી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ૮.૨ કરોડ રાંધણ ગેસ કનેકશનો આપ્યાંનું જણાવે છે. હવે સરકારનું લક્ષ્ય ૧૦ કરોડ કનેકશનનું છે.
૨૪ કરોડ પરિવારોના બનેલા ભારત દેશમાં ૧૦ કરોડ કરતાં વધુ પરિવારો પાસે રાંધવા માટેના ગેસનો અભાવ છે. તેઓ રાંધવા માટે લાકડાં, કોલસા, છાણાં અને કેરોસીનનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની ઘરોની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૪૯ ટકા લોકો રસોઈ માટે જલાઉ લાકડાનો, ૨૮.૬ ટકા એલ.પી.જી.નો અને ૮.૯ ટકા છાણાંનો વપરાશ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અભ્યાસમાં સમગ્ર દેશના ૬૭.૪ ટકા ઘરોમાં રાંધવા માટે ઘન ઈંધણોનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે. ગામડાંઓમાં તેનું પ્રમાણ ૮૬.૫ ટકા અને શહેરોમાં ૨૬.૧ ટકા છે.
માટી કે લોખંડના ચૂલા પર લાકડાં, છાણાં, કોલસા અને બીજાં ઘન ઈંધણોથી રાંધવાને કારણે ધૂમાડો ઉત્પન્ન થાય છે. ઘન ઈંધણોથી પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણની રસોઈ કરતી સ્ત્રીઓ અને તેમનાં બાળકોનાં આરોગ્ય પર માઠી અસર થાય છે. ધૂમાડો અને મેશ તેમનાં ફેફસાંમાં જાય છે, જે અનેક ગંભીર બીમારીઓ સર્જે છે. ગ્રામીણ ભારત અને શહેરી ઝૂંપડપટ્ટીઓની મહિલાઓ ફેફસાં બાળીને રોટલા બનાવે છે. રસોઈ કરતી સ્ત્રીઓ જ નહીં ઘરના અડધોઅડધ સભ્યો ધૂમાડા અને મેંશની અસરો સહન કરે છે.
દર કલાકે ચારસો સિગારેટ પીવા જેટલો ધૂમાડો લાકડાં અને બીજા ઈંધણાથી રાંધતી મહિલાઓનાં ફેફસાંમાં જાય છે. ઘન બળતણોથી રાંધવાને કારણે પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણથી શ્વસન રોગ, ટી.બી., ન્યૂમોનિયા, સ્વરયંત્ર અને ફેફસાંનું કેન્સર, દમ, મોતિયો, અંધાપો અને અન્ય રોગો થાય છે. બાહ્ય કરતાં ગૃહ પ્રદૂષણ દસ ગણી વધારે ખરાબ અસરો જન્માવે છે. પ્રદૂષણકારી બળતણના રાંધવામાં ઉપયોગથી ભારતમાં વરસે ૧૩ લાખ લોકોના મોત થતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. ગરીબી અને જાણકારીના અભાવે લોકોને પ્રદૂષિત બળતણનો વપરાશ કરવાની મજબૂરી છે. પ્રદૂષિત ઈંધણના વપરાશથી પેદા થતા કાર્બન મોનોક્સાઈડની અસર ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભના બાળકો પર પણ પડે છે. પ્રદૂષિત ઘન બળતણ વાપરીને રસોઈ કરતી ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ દરમિયાન મોત થવાની અને ઓછા વજનનાં બાળકો જન્મવાની અસરો જોવા મળે છે.
રોટલા નહીં, ફેફસાં શેકતી સ્ત્રીઓને આવાં હાનિકારક બળતણના ઉપયોગમાંથી મુક્તિ અપાવી મોત અને આરોગ્યના જોખમોથી ઊગારવા સાથે પ્રદૂષણ નિયંત્રણ, વનસંરક્ષણ અને બહેતર જીવનના હેતુથી ઉજ્જવલા યોજનાનો આરંભ થયો હતો. તેનાં કેટલાંક સારાં પરિણામો પણ જોવા મળ્યા છે. તો યોજનાની મર્યાદાઓ પણ જણાઈ છે. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં મહિલાઓના નામે મફત ગેસ કનેકશન અને ગેસ સિલિન્ડરમાં સબસિડી મળી હતી. પરંતુ ગેસની સગડી લાભાર્થી મહિલાએ સ્વખર્ચે કે લોનના નાણાંથી ખરીદવાની હતી. બી.પી.એલ. કે ગરીબીની રેખા તળેના કુટુંબોને આ લાભ મળવાનો હતો. તેમણે ગરીબી-અભાવ અને મોત-બીમારી વચ્ચે પસંદગી કરવાની હતી. શરૂઆતમાં તેમણે આરોગ્યની પસંદગી કરી પણ તેમના ખાલી ખિસ્સાને આ પસંદગી ભારે પડી. રસોઈ ગેસનો બાટલો ખાલી થાય પછી ભરાવવાનો ભારે પડવાના અનેક બનાવો જોવા મળ્યા છે.
૨૦૧૯માં પ્રકાશિત, ૨૦૧૬થી ૨૦૧૮ના અઢીએક વરસોના ઓડિટનો, ‘કેગ’નો અહેવાલ જણાવે છે કે દેશમાં ૨૦૧૫-૧૬માં કુલ એલ.પી.જી. કવરેજ ૬૧.૯ ટકા હતું. તે ૨૦૧૮-૧૯માં વધીને ૯૪.૩ ટકા થયું છે. અર્થાત્ એલ.પી.જી.ધારકોનું પ્રમાણ ચાર વરસમાં ૩૨.૪ ટકા વધ્યું છે. કુલ એલ.પી.જી. વપરાશકારકોમાં ઉજ્જવલાના લાભાર્થીઓ અને ઉજ્જવલા સિવાયના વપરાશકારકોમાં ગેસ સિલિન્ડર રિફિલ કરાવવાના પ્રમાણની સરખામણી કરતાં કેગને જાણવા મળ્યું કે ઉજ્જવલાના લાભાર્થીઓ ગેસનું જોડાણ તો મેળવી લે છે, પરંતુ તેનો નિરંતર વપરાશ કરી શકતા નથી. ઉજ્જવલા લાભાર્થીઓ બિનલાભાર્થીઓની તુલનામાં અડધા જ સિલિન્ડર રિફિલ કરાવે છે. ૨૦૧૮-૧૯માં બિન-ઉજ્જવલા લાભાર્થી વરસે સરેરાશ ૬.૭ ગેસ સિલિન્ડર વાપરતા હતા જ્યારે ઉજ્જવલાના લાભાર્થી ૩.૦ સિલિન્ડર જ વાપરતા હતા.
કન્ટ્રોલર જનરલ એકાઉન્ટના જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે રાંધણગેસની સબસિડી પેટે રૂ. ૨૮,૩૮૫ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂ. ૧૬,૪૬૧ કરોડ અને ૨૦૨૧-૨૨ના શરૂઆતના ચાર મહિનામાં માત્ર રૂ. ૧,૨૩૩ કરોડનો જ ખર્ચ કર્યો છે. રાંધણ ગેસની સબસિડીમાં આટલો મોટો ઘટાડો રાંધણ ગેસના સિલિન્ડરના વપરાશમાં ઘટાડો દર્શાવે છે. એક અભ્યાસ મુજબ માત્ર આર્થિક રીતે ન પરવડતા હોઈ ઉત્તર ભારતમાં જ ૮૫ ટકા લોકોએ ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર ખરીદવાના બંધ કરી દીધા છે.
નિ:શુલ્ક મળવાને કારણે ગેસ કનેકશનો વધ્યા હતા, પણ એલ,પી,જી,ના ભાવો લાભાર્થી ગરીબોને પરવડતા ન હોઈ, જોડાણના પ્રમાણમાં ગેસના બાટલાનો ઉપાડ વધ્યો નથી. રસોઈ સગડી અને સિલિન્ડર ઉજ્જવલાના લાભાર્થીએ સ્વખર્ચે કે લોનથી મેળવવાના હતા. ગરીબીને કારણે લોકો જેમ સિલિન્ડર રિફિલ કરાવી શકતા નથી, તેમ લોનના હપ્તા પણ ભરી શકતા નથી. તેને કારણે રૂ. ૧,૨૩૫ કરોડની લોન રિકવરી બાધિત થયાનો અંદાજ છે.
નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસનો ૨૦૧૮નો સર્વે જણાવે છે કે ઉજ્જવલા યોજનાના ૪૩ ટકા લાભાર્થીઓ એકવાર ગેસનો ઉપયોગ કર્યા પછી તેમના પરંપરાગત બળતણનો આશરો લે છે. કેમ કે ગામડાંઓમાં લગભગ ૬૦થી ૭૦ ટકા લોકોને બળતણનાં લાકડાં અને છાણાં મફત મળે છે. ઉજ્જવલા યોજનાના ૭૦ ટકા લાભાર્થીઓમાંથી ૪૦ ટકા તો દેશના તળિયાના ગરીબો છે. એન.એસ.ઓ.નો સર્વે દેશના ૨૦ ટકા ગરીબોનો સરેરાશ માસિક ખર્ચ રૂ. ૧,૦૬૫/- આંકે છે. જ્યારે ગેસનું એક સિલિન્ડર આશરે રૂ.૯૦૦ થી ૧,૦૦૦/-નું છે. જે તેના સરેરાશ માસિક ખર્ચ રૂ.૧,૦૬૫/-નો એટલો મોટો હિસ્સો છે કે તેને ગેસ સિલિન્ડર ખરીદવાનું માંડી વાળવું પડે છે.
જો સ્થિતિ આ હોય તો કરવું શું ? ઉજ્જવલા યોજનાના લાભ તેના ગરીબ લાભાર્થીઓના ગળે ઉતારવા સરકારે યોજનાના કારણે ઘરેલુ વાયુ પ્રદૂષણ ઘટ્યાના અને આરોગ્યમાં સુધારો થયાના માપદંડો તાકીદે ઊભા કરવા જોઈએ. સરકાર કોરોનાકાળમાં પ્રધાન મંત્રી અન્ન યોજના હેઠળ ગરીબોને થોડું અન્ન મફત આપે છે તેમ ઉજ્જવલાના લાભાર્થીઓને વરસે ત્રણ સિલિન્ડર મફત આપવાની છે. આ યોજનાનો સમયગાળો લંબાવી શકાય. હાલમાં ઉજ્જવલાના લાભાર્થી ગરીબોના ઘરોમાં એલ.પી.જી.ના વપરાશ માટે જરૂરી સલામતી જોવા મળતી નથી. લાભાર્થીઓના ઘરો ઘણાં નાના છે, હવા ઉજાસનો અભાવ છે, અલાયદા રસોડાં જ નથી તો પછી એલ.પી.જી.ના સલામત વપરાશ માટેના સ્ટેન્ડિંગ કિચનની તો વાત ક્યાંથી થઈ શકે. એટલે ગ્રામીણો અને શહેરી ગરીબો જે પરંપરાગત ઈંધણો રસોઈ માટે વાપરે છે તેને બિનજોખમી અને વધુ કુશળતાથી વાપરવાના વિકલ્પો વિચારવા જોઈએ. ઉર્જાના અન્ય વિકલ્પોની શોધ સતત ચાલે છે. તેમાં સૂર્ય ઉર્જાનો વિકલ્પ અજમાવી શકાય. બિનકૃષિ ક્ષેત્રોમાં વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધાર્યા સિવાય પરંપરાગત બળતણનો ઉપયોગ વધશે નહીં તે બાબત ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.
e.mail : maheriyachandu@gmail.com