યોગી આદિત્યનાથની સરકારે ઉત્તરપ્રદેશમાં જ્યારથી એન્ટિ રોમિયો સ્ક્વૉડની રચના કરી છે ત્યારથી સાહિત્યપ્રેમીઓ ઇતિહાસના સૌથી લાડકા પ્રેમી રોમિયોની બદનામીથી જીવ બાળી રહ્યા છે. રોમિયો અત્યાર સુધી આમ લોકોમાં હાંસીનું પાત્ર હતો, પણ હવે એને એક સરકારી તંત્રની અધિકૃતતા પણ મળી છે. ‘રોમિયો’ શોધી રહેલી ઉત્તરપ્રદેશ પોલીસનો દાવો છે કે એ માત્ર આંખ જોઇને જાણી શકે છે કે કોણ ‘શરીફ’ છે અને કોણ ‘બદમાશ’.
દિલ્હીમાં શેક્સપિયર સોસાયટી ઑફ ઇન્ડિયા છે. તેના અધ્યક્ષ અને અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ગીલ હેરીસ કહે છે કે એક સાચા આશિકના પ્રેમ અને બલિદાન માટે જાણીતો રોમિયો એક પાન ચાવતા લંપટ કાસાનોવાની બરાબરી કરતો થઇ જશે, એવું શેક્સપિયરે પણ વિચાર્યું નહીં હોય. કાસાનોવા પણ રોમિયોની માફક ઇટાલીનો જ એક એવો વ્યભિચારી લેખક-પ્રવાસી હતો, જેણે ખુદ એની આત્મકથામાં 200 સ્ત્રીઓ સાથે ચક્કર ચલાવ્યા હોવાનો દાવો કર્યો હતો.
વિલિયમ શેક્સપિયરના મશહૂર નાટક રોમિયો-જુલિયટ(1597)માં ઇટાલીના વેરોના શહેરના બે ઇજ્જતદાર ‘ઠાકુર પરિવાર’ના સંતાન રોમિયો મોન્ટેગ્યુ અને જુલિયટ કેપ્યુલેટ વચ્ચેની પ્રેમકહાની છે. તમે સુભાષ ઘઇએ 1991માં દિલીપકુમાર અને રાજકુમારને લઇને બનાવેલી ‘સોદાગર’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મ રોમિયો-જુલિયટ નાટક આધારિત હતી. એમ તો ‘બોબી’, ‘એક દુજે કે લિયે’, ‘સનમ તેરી કસમ’, ‘કયામત સે કયામત તક’, ‘ઇશ્કજાદે’ અને ‘ગોલિયોં કી રાસલીલા’માં પણ વિશુદ્ધ પ્રેમની વચ્ચે આવતા ‘જાલિમ જમાના’ની કહાની હતી. આ બધા વાસુઓ, રાજ અને રામને તો આપણે મહોબ્બતથી યાદ કરીએ છીએ, તો પછી રોમિયો ખલનાયક કેવી રીતે બની ગયો?
શેક્સપિયરનો અભ્યાસ કરનારા કહે છે કે મહાન પ્રેમી તરીકે રોમિયોના ગુણગાન એક મિથ છે, અને 18મી સદીમાં જ એ ખબર પડી ગઇ હતી કે રોમિયો એક દુષ્ટ પાત્ર છે. શેક્સપિયરની કહાનીમાં રોમિયોની આંખ જુલિયેટ પર ઠરી તે પહેલાં એ જુલિયેટના કાકાની દીકરી રોઝલિન પાછળ પાગલ હતો. રોઝલિને એને ભાવ ન આપ્યો એટલે રોમિયો જુલિયેટ તરફ ઢળ્યો હતો. આ નાટકમાં એક વિધાન જગવિખ્યાત છે, ‘નામમાં શું છે? ગુલાબને બીજા કોઇ નામથી બોલાવો તો પણ એ એટલું જ સુગંધિત હશે.’ આ ગુલાબ એટલે રોઝલિનના નામમાં રહેલું ‘રોઝ’.
એ વખતના વિવેચકો અને ટીકાકારો રોમિયોની આવી વૃત્તિને કલંક ગણતા હતા. એકથી વધુ વ્યક્તિને પ્રેમ કરવો અત્યારે અપરાધ નથી ગણાતો, પરંતુ અંગ્રેજી શબ્દકોશો પરથી તો એવું લાગે છે કે રોમિયોનું નામ ત્યારે પણ લંપટ ગણાતું હતું. ‘કોલિન્સ’ શબ્દકોશમાં રોમિયોનો અર્થ અલગ અલગ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખનારા તરીકેનો છે. અભ્યાસકર્તાઓ કહે છે કે રોમિયો એન્ડ જુલિયટ પરિવારો સામે વિદ્રોહ કરનારા પ્રેમીઓની કહાની નથી, પણ જુલિયટ રોમિયોનો શિકાર બને છે તેની વાર્તા છે. રોમિયો એન્ડ જુલિયેટ મહાન ટ્રેજેડી છે, પણ એ ટ્રેજેડી બંનેના પ્રેમસંબંધની નહીં, જુલિયેટની જે હાલત થાય છે, તેની છે.
આ નાટક 1595ની આસપાસ લખાયું હતું, અને પછી રંગમંચ પર પણ ભજવાયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના ગરીબ વર્ગમાં ભૂખમરો હતો. રોમિયો એન્ડ જુલિયેટ નાટક જોવા આવનારાઓમાં ઘણા ભૂખ્યા હતા. નાટકમાં એક જગ્યાએ રઇસ રોમિયો એના પિતરાઇ ભાઇ બેનવોલિયો પાસે એના પ્રેમનાં રોદણાં રડે છે, અને પછી એને પૂછે છે, ‘આપણે ક્યાં જમવા જઇશું?’ શેક્સપિયરે ઇંગ્લેન્ડના ભૂખ્યા દર્શકો રોમિયોની ઘૃણા કરે તે માટે ‘રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો’ એવો ડ્રામા ઊભો કર્યો હતો.
રોમિયોના પ્રેમનાં રોદણાંમાં પણ ‘રોઝલિન મને કેમ ભાવ ન આપે?’ એવી ચોટ વધારે છે. રોમિયો જક્કી, અવિવેકી અને ક્રોધિત પ્રેમી છે. જુલિયેટનો પરિવાર જ્યારે પેરિસને જમાઇ બનાવવા તૈયાર થાય છે ત્યારે રોમિયો પેરિસનું ખૂન કરી નાખે છે, અને દેશનિકાલ પામીને જુલિયેટને આત્મહત્યા તરફ ધકેલે છે. એની સામે પેરિસનો પ્રેમ જુઓ. મરતી વખતે એના શબ્દો છે: ઓહ, હું મરી ગયો છું … તારામાં જો દયા હોય તો મને જુલિયેટની બાજુમાં દફન કરજો!
છોકરા-છોકરીઓનાં જોડાં બનાવવાનું કામ કરતી પ્રખ્યાત ડેટિંગ સાઇટ ઇહાર્મનીએ હમણાં સાહિત્યનાં પ્રખ્યાત ચરિત્રો ઉપર માનસશાસ્ત્રીઓ પાસે વિશ્લેષણ કરાવેલાં, તેમાં એવું તારણ બહાર આવેલું કે પતિ-પત્ની તરીકે રોમિયો અને જુલિયેટ આમ પણ લાંબું વેંઢારી શક્યાં ન હોત. રોમિયો જે રીતે એનાં માતા-પિતા વિશે અભિપ્રાય રાખે છે, તે જોતાં એના વિચારો ખાસ્સા છીછરા છે, અને શરૂઆતની ચિનગારી ઠંડી પડ્યા પછી એ જુલિયેટની જરૂરતોને સમજી શક્યો હોત કે નહીં તેની શંકા છે.
આ માનસશાસ્ત્રીઓએ એવું પણ સૂચન કરેલું કે ‘ટવલાઇટ’ ફિલ્મની બેલા સ્વાન (જેની ભૂમિકા ક્રિસ્ટિન સ્ટેવર્ટે કરી છે) રોમિયો માટે વધુ અનુરૂપ છે, કારણ કે બંનેના ન્યુરોટિક વ્યવહાર એકદમ સરખા છે. અને જુલિયેટ? નિષ્ણાતોએ કહ્યું હતું જેન ઓસ્ટિનની ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ’નો હીરો ફિત્ઝવિલિયમ ડર્સી જુલિયેટ માટે ઉત્તમ સંગાથી છે, કારણ કે બંનેમાં કર્તવ્યનિષ્ઠા અને શિસ્ત એક સરખી છે. તો પછી યોગી આદિત્યનાથની પોલીસ ઉત્તરપ્રદેશની જુલિયેટને બચાવવા રોમિયોને પાઠ ભણાવે એ યોગ્ય જ કહેવાય ને? ના કહેવાય.
આ આખીય કવાયતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય સમાજ અને પરિવારોમાં સ્ત્રીની ઇજ્જત નહીં થાય, એને માણસ ગણવામાં નહીં આવે અને એને બરાબરની હિસ્સેદાર માનવામાં નહીં આવે ત્યાં સુધી ‘લડકે, લડકે હૈ … ગલતી હો જાતી હૈ’ ચાલતું રહેશે. યોગીના પુરોગામી મુલાયમના આ શબ્દો બળાત્કાર બદલ ફાંસીની સજાના વિરોધમાં બોલાયા હતા. એક રીતે પૂરા ભારતીય સમાજમાં ‘લડકા-લડકી’નો આવો જ ભાવ છે. છોકરીઓની છેડતી અને હેરાનગતિનાં મૂળિયાં સમાજની સ્ત્રી-વિરોધી માનસિકતામાં છે. એનો ઉપાય નહીં કરવામાં આવે ત્યાં સુધી એન્ટિ રોમિયો સ્કવૉડનું નામ એન્ટિ મજનૂ સ્કવોડ હોય તો ય ફર્ક નહીં પડે.
જુલિયેટ કહે છે તેમ, નામમાં બળ્યું શું છે?
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017