Opinion Magazine
Number of visits: 9446891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋગ્વેદકાલીન યુદ્ધવિદ્યા અને યુદ્ધો

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|30 August 2019

दूरस्था पर्वता: रम्या: वेश्या च मुखमण्डने ।

युध्ध्स्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरतः ।।

યુદ્ધની કથા જોવા સાંભળવામાં દૂરથી  જેટલી રમ્ય કે સુંદર લાગે છે, વાસ્તવમાં લોહિયાળ અને ભયાવહ હોય છે. ઋગ્વેદકાળથી ભારતવર્ષનો ઇતિહાસ એવા અનેક ભયંકર યુદ્ધોથી ભર્યો પડ્યો છે. ઋગ્વેદકાલીન યુદ્ધો અને યુદ્ધવિદ્યા અંગે ચર્ચાનો ઉપક્રમ શરૂ કરતા પહેલાં ઋગ્વેદકાલીન સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર એક નજર કરીએ તો, આ સમયમાં જીવવું એટલે ચોમેરના જોખમો વચ્ચે જીવવું. ભારતમાં આર્યોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું, એના આરંભના ઘણા શતકો સુધી તો આવી જ અસલામત સ્થિતિ હતી.

'પૂર્વ ઈરાનમાં દાસ – દસ્યુઓ સાથેના સંઘર્ષ પછી આર્યો અફઘાનિસ્તાન થઈ સપ્તસિંધુના પ્રદેશમાં પ્રવેશ્યા, ત્યારે અહીં બિલકુલ નવા જ વાતાવરણનો અનુભવ તેમને થયો. ભારતના મૂળ વતનીઓ સાથેનો તેમનો પહેલો સંપર્ક સંઘર્ષ રૂપે થયો. ઋગ્વેદમાં આર્ય – આર્યેતર સંઘર્ષનું વર્ણન મળે છે.' (પૃ. ૨૧ ભા. દ., જ્ઞાન ગંગોત્રી ગ્રંથશ્રેણી -૨૨) ‘ઋગ્વેદ મૂળનિવાસી ભારતીયો તથા આક્રમણકારી આર્યો વચ્ચેના યુદ્ધોનો પ્રાચીન દસ્તાવેજ છે.' (પૃ. ૮ કૃષ્ણ)

ઋગ્વેદના સમયમાં થયેલ આ સંઘર્ષના મૂળમાં આપણી ગુજરાતી ‘જર, જમીન અને જોરુ, ત્રણે ય કજિયાના છોરું' કહેવત પ્રમાણે ‘જર, જમીન અને જોરુ' રહેલા છે. સંપત્તિ, પશુઓ, ફળદ્રુપ જમીન (Fertile land) અને પાણી (નદીઓ) પર વર્ચસ્વ જમાવતા આધિપત્યની આ લડાઈએ બંને પક્ષે સંઘર્ષને જન્મ આપ્યો અને પરિણામ સ્વરૂપે લોહિયાળ યુદ્ધો થયા. યુદ્ધના ભયને કારણે બંને પક્ષોએ યુદ્ધ માટે તૈયાર રહેવું પડતું. વિશેષ કરીને ઋગ્વેદકાલીન આર્યોમાં અતિ વૃદ્ધ ન હોય એવા એકેએક પુરુષ અને (કેટલીક સ્ત્રીઓ પણ) નિરંતર યુયુત્સુ રહેતા. કદાચ આ કારણે જ સમાજમાં પુત્રેષણા જન્મી હશે. આ કાળના ઉપાસકો પોતાના દેવ પાસે ‘અત્યુત્તમ, વીર્યશાળી, પ્રતાપી અને શત્રુનાશક પુત્રની યાચના કરતા.’ ( ઋ. મં. ૧૦ સૂ .૪૭ ઋચા. ૪ )

યુદ્ધનો ભય અને તૈયારી.

આર્યો લડાયક વૃત્તિ ધરાવતી પ્રજા હોવાને કારણે તેમ જ યુદ્ધના ભયને કારણે સંઘર્ષ કે યુદ્ધ સિવાયના સમયમાં પણ યુદ્ધવિદ્યા શીખતા રહેતા. વિશેષ કરીને શાંતિના સમયમાં તેમના જનપદોમાં અશ્વદોડ અને રથદોડની મર્દાનગીભરી રમતો રમાતી. પ્રાચીન આર્યો અશ્વઉછેર, સંભાળ અને તાલીમમાં નિપુણ હતા. ચોથા મંડળના બે સૂક્તોમાં અશ્વારીનો આનંદ જોવા મળે છે.

યુદ્ધ માટેનાં અગત્યનાં સાધનો તૈયાર કરવામાં પણ તેઓ નિપુણ હતા. રથ બનાવવાની કળા પણ તેમની પાસે હતી. શીશુ અને ખદીર નામનાં કઠણ લાકડાંમાંથી રથ તૈયાર કરવામાં આવતો અને તેને ગાયના મજબૂત ચામડાથી મઢવામાં આવતો. યોદ્ધાઓ તૈયાર કરવા માટે તેઓ જુદી જુદી રમતોનું આયોજન પણ કરતા. જેમાં અશ્વદોડ અને રથદોડની સ્પર્ધા યોજાતી, આ સરત જ્યાં યોજાતી તે મેદાનને 'કાષ્ઠા' અથવા 'આજિ' કહેવામાં આવતું. 'આજિ'ને વિશાળ અને માપસર બનાવવામાં આવતું. ઉત્સવના દિવસે આર્ય યુવાનો તેમાં ઉત્સાહભેર ભાગ લેતા અને ઇનામ જીતતા. આમ દરેક જનપદમાં યુવાનો શારીરિક રીતે સુદ્રઢ અને મજબૂત, કસાયેલા બને તે માટેની પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહેતી. યુવાનો અને  યોદ્ધાઓ માટે શસ્ત્રાસ્ત્રના ઉપયોગનો મહાવરો તેમ જ આયુધખેલ માટે મૃગયા પણ કરવામાં આવતી.  શાંતિના સમયમાં પ્રજામાં વીરત્વની ભાવના જળવાઈ રહે તેની જવાબદારી દરેક ગ્રામીણને માથે રહેતી. ગ્રામના રક્ષણ માટે ગ્રામસેના તૈયાર રહેતી, રાજા દ્વારા મદદે આવવાનું ફરમાન થતાં તે સર્વ યુદ્ધસામગ્રીથી સજ્જ થઇ રાજાની મદદે પહોંચતા. યુદ્ધમાં બંને અરિદળો સામસામે આવે પછી જે શૌર્યથી, જે ઉમળકાથી ને અભિનિવેશથી, યુદ્ધકૌશલ્ય દ્વારા દુ:શ્મન પર ત્રાટકતા.

શસ્ત્રાસ્ત્ર –

ઋગ્વેદકાલીન આર્ય – અનાર્ય પ્રજા યુદ્ધવિદ્યામાં જેમ જેમ વિકાસ સાધતી ગઈ તેમ તેમ પોતાના રક્ષણ માટે જુદા જુદા પ્રકારના બચાવના સાધનો વિકસાવ્યા. જેમાં પથ્થરમાંથી 'ગદા', હાડકાં તથા શીંગડાં ઘસીને અણીદાર હથિયારોનો ઉપયોગ શરૂ કર્યો. શરીર અને મનની શક્તિનો ઉપયોગ કરી અચૂક નિશાન સાધતા પથ્થરો ફેંકવાની 'ગોફણ' બનાવી. વિકાસના આગળના તબક્કે પ્રાથમિક કક્ષાનાં તીર કામઠાં બનાવ્યા. જે સમયે ધાતુના ઉપયોગથી તેઓ અજાણ હતા ત્યારે તીરનું ફળું અણિયાળા ને કોઈવાર ઝેર પાયેલા લાકડાં કે શીંગડાંનું બનાવતા અને ત્યાર બાદ તેમણે જે શસ્ત્ર/અસ્ત્ર તૈયાર કર્યું તે લોહાદિ, ધાતુઓના બાણવાળું રીતસરનું ધનુષ્ય -બાણ. આયુધોમાં શ્રેષ્ઠ, તેમની સમગ્ર યુદ્ધવિદ્યાના પરિપાક સમું.

ધનુષ્ય- બાણ બનાવવા માટે વનમાંથી મજબૂત લાકડાં કાપી લાવી તેની માપસરની યષ્ટિ કાપી, મઠારી તેને વક્રાકારે વાળવામાં આવતી. પછી તેના 'આત્નિ' નામના બે છેડાને ચિવ્વટ ગો ચર્મની પટ્ટીથી બાંધતા. તે સુવલિત યષ્ટિ તે ધનુષ્ય અથવા ધન્વન, એ પટ્ટી તે ધનુજ્યા અથવા ધનુષની પણછ, જે ઉપયોગ વખતે ચઢાવવામાં આવતી. બાણના મુખ્ય ત્રણ અંગ હતા

૧, તીક્ષ્ણ અયોમુખી અણી

૨, શલ્ય એટલે બરુની લાકડી

૩,પર્ણધિ – પીંછાવાળો ભાગ.

બાણનાં બીજાં નામ – શરુ, શર્ય, શર્યા, ઇષુ અને કર્ણયોનિ (કાન સુધી પણછ ખેંચીને છોડાતું બાણ)

સૈન્યના પ્રકાર –

 ઋગ્વેદકાલીન સૈન્યમાં હયદળ, પાયદળ અને રથદળ જેવા મુખ્ય અંગો હતા. હસ્તીદળનો ઉપયોગ લડાઈમાં ખાસ થતો નહિ, રાજસવારીમાં ભપકા અને દબદબા ખાતર હાથીનો ઉપયોગ થતો. યુદ્ધસામગ્રીના વહન માટે અને રેતાળ રણો વીંધીને ભાગતા શત્રુનો પીછો કરવા ઊંટદળનો ઉપયોગ થતો.

યુદ્ધના આરંભે વાગતાં વાદ્યો અને ગવાતા મંત્રો –

બધી તૈયારીઓ પછી બંને સૈન્યો રણધ્વજ સાથે (ધ્વજ નીચે પડી જાય તો તે પક્ષની હાર સૂચવતું ચિહ્ન ગણાતું) એક મેકની સામે આગળ વધતા ત્યારે ત્યારે યુદ્ધ વાદ્યો વાગતાં, બળવાન અશ્વોના હણહણાટ સમો ધ્વનિ ઉપજાવતું 'કરકરી' (રણશીંગડું) વાગતું. આભને ચીરતાં દુંદુભિઓ વાગતાં – યુદ્ધ પૂર્વેના આ વીરધ્વનિઓ શૂરવીરોને બલોન્મત બનાવતા, બંને પક્ષ અમાનુષી કીકિયારીઓ વડે એક બીજાને ભયગ્રસ્ત કરવા મથતા. આવો યુદ્ધોન્માદ પ્રેરવામાં 'સોમરસ'નો હિસ્સો પણ ઘણો મોટો હતો. ( ઋ. ૬- ૪૭-૬) યુદ્ધ આરંભે રાજપુરોહિતો અને બીજા ઋષિઓ સમરાંગણની નજીક જ તારસ્વરે ઈન્દ્રાવરુણનાં સૂક્તો ભણતા. સોમયાગ અને બીજા વિજયાવહ યજ્ઞ યાગો કરતા. તેમ જ ઇન્દ્રને સોમરસનું નૈવેધ ધરાવી પરિતૃપ્ત કરતા અને આર્ય પક્ષના વિજય માટે યુદ્ધદેવને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતા. 

રક્ષા વ્યવસ્થા –

ઋગ્વેદકાલીન આર્ય – અનાર્ય પ્રજા દુ:શ્મનોના (એક બીજાના) આક્રમણથી બચવા અને ધનસંપત્તિના રક્ષણ માટે દુર્ગો(કિલ્લાઓ)ની રચના કરતી. મજબૂત અને વિશાળ દુર્ગોમાં મુખ્યત્વે રાજા અને રાજન્યો રહેતા, આ ઉપરાંત પ્રજાનો કુલીન વર્ગ, મોટા વ્યાપારીઓ અને ધનિક લોકો રહેતા. આ લોકોની સઘળી સંપત્તિ, સોનું, રૂપું, ઝવેરાત અને ધાન્યના કોઠારો દુર્ગની અંદર સુરક્ષિત રહેતા. દુ:શ્મનો હુમલો કરે ત્યારે સીમમાં, ખેતરમાં કે ગામડાંઓમાં વસતો પ્રજા વર્ગ પણ પોતાની માલમત્તા સાથે દુર્ગોમાં આવીને વસતો.

રક્ષણના આશયથી બનાવવામાં આવતા દુર્ગો મુખ્યત્વે પથ્થર કે લોખંડના બનાવવામાં આવતા. પથ્થરના દુર્ગને 'અશ્મમયી' અને લોખંડના દુર્ગને 'આયીસવિ:પૂર્વી:' કહેતા. આમ 'પુર' શબ્દ એ સમયના લોખંડના (કદીક સુવર્ણમય) નગરો માટે વપરાતો. દુર્ગનો વિસ્તાર વિશાળ હોવાને કારણે દુર્ગ માટે ક્યારેક વિસ્તારસૂચક અર્થવાહી શબ્દો 'પૃથ્વી' અને 'ઉર્વી' વપરાયેલા જોવા મળે છે. કેટલાક દુર્ગો 'શતભુજી' (સો દિવાલના (સ્તર) પડવાળા કિલ્લા) હતા. અસૂરોના કિલ્લા 'શારદી' એટલે શરદઋતુના દુર્ગ કહેવાતા. આર્યોના આક્રમણથી બચવા કે નદીના પૂરથી બચવા તેઓ તેમાં આશ્રય લેતા. શંબર આવા ૧૦૦ દુર્ગોનો સ્વામી હતો.

ઋગ્વેદના છઠ્ઠા મંડળના પંચોતેરમાં સૂક્તમાં ઋષિ ભારદ્વાજે કરેલા યુદ્ધવર્ણન દ્વારા તે સમયના યુદ્ધની પરિસ્થિતિનું યથાર્થ વર્ણન અને બંને પ્રજાઓની માનસિકતા નિમ્ન અનુવાદમાં પ્રગટે છે.

– 'લોહકવચધારી યોદ્ધો જયારે સૈન્યને મોખરે ઝૂઝતો ઝૂઝતો ધસે છે, ત્યારે તેનું સ્વરૂપ મેઘ જેવું સુહાય છે. હે રાજન ! આ યુદ્ધમાં વણ ઘવાયે દેહે તું વિજયવંત થજે. તારા કવચની દૃઢતા તારું રક્ષણ કરો.' ૧

–  'આપણી સેના ધનુષ્યની શક્તિ વડે કરીને શત્રુઓના પશુઓને જીતી લાવો; તે ધનુષ્યની શક્તિ વડે વિજયને વરો. ધનુષ્ય વડે તે ભયંકર, મદોન્મત રિપુદળનો પરાભવ કરો; આપણા ધનુષ્યો તેની આશા માત્રને છેડી નાખો, એ ધનુષ્યોને પ્રભાવે આપણા સૈનિકો સર્વ દુ:શ્મન દેશોને સર કરો. ૨

– 'અશ્વો હણહણાટ કરતા રથ સમેત આગળ ધસે છે, તેમ તેમ એમનાં દાબડા ચોમેર ધૂળના ગોટા ઉરાડે છે. તેઓ ધસારો કરતા કદી પાછા હઠતા નથી; ઊલટા, પોતાના આગલા પગો હેઠળ શત્રુને ચગદે છે અને હણે છે.’ ૭

– ' યુદ્ધાંતે યોદ્ધો પાછો ફરે ત્યારે, રથમાં તેના શસ્ત્રો અને કવચની સાથે લડાઈની લૂંટનો જે માલ ખડકેલો હોય છે તે જ તેને મળનાર ખરો ઘટતો બદલો છે …' ૮

– ' …. રથને ફરતા તેના જે રક્ષકો છે, તે સર્વ 'શક્તિ'ધારી છે. પોતાને પુષ્કળ કીમતી લૂંટ મળે ત્યારે તેઓ હરખઘેલા બની જાય છે.' ૯

– ' હે મંત્રેલા ઇષુ ! જેવું તું ધનુષ્યમાંથી વિછોડાય તેવું જ ઊડજે જા સારા ય શત્રુ દળ પર ઊતર હવે, એમાંના એકાદને પણ જતો કરીશ મા.' ૧૬

– 'આ બાણોએ જાણે પિચ્છમય પાંખો ધારણ કરી છે. તેનું ફળું હરણના શીંગડાનું બનાવ્યું છે. ગાયના સ્નાયુએ કરીને તેને બાંધ્યું છે. એ તીર જે નિશાને તકાય, ત્યાં એને જ બરાબર વીંધે છે. રણમાં જ્યાં જ્યાં મનુષ્યો ઘેરકો વળીને એકઠાં થયાં હોય કે, વેરાઈને નાસી છૂટતા હોય, ત્યાં ત્યાં આ બાણાવળીઓના બાણો વાગો અને આપણને લાભદાયી નીવડો'. ૧૧

– 'જે કોઈ અમને હણવા ઈચ્છતો હોય, પછી તેવ કોઈ ખારીલો સગો સાંઈ હોય કે બહારનો અજાણ્યો દુ:શ્મન હોય, એ ગમે તે હોય, તેનો સર્વ દેવો નાશ કરો.' ૧૯ 

ઋગ્વેદકાલીન યુદ્ધો – ઋગ્વેદ કાળમાં થયેલ સંઘર્ષનું વર્ણન ઋગ્વેદમાં તો મળે જ છે. આ ઉપરાંત કેટલાક ગ્રંથોમાં આર્ય – આર્યેતર વચ્ચેના ઘોર સંગ્રામમાં આર્યોએ આર્યેતર પર ગુજારેલા પાશવી શારીરિક અત્યાચારના બયાન મળે છે. (પૃ. ૧૯ ભા.દ.)

આર્ય -આર્યેતર સંઘર્ષ – પૂર્વ ઈરાનના દાસ – દસ્યુ લોકો સાથે યુદ્ધ કરતાં કરતાં આર્યો અફઘાનિસ્તાન વચ્ચેની ઘાટીઓમાં થઇ સપ્ત સિન્ધુના પ્રદેશમાં ઊતર્યા ત્યારે ભારતના મૂળ વતનીઓ સાથે તેમનો પ્રારંભિક સંપર્ક સંઘર્ષ રૂપે થયો. ઋગ્વેદ અનુસાર આર્યોનો વિરોધ કરનાર લોકોને કાળા રંગના, નીચા કદના, વૈદિક વ્રતોનું પાલન નહિ કરનારા, અનાસ (ચપટા નાકવાળા ) 'શિશ્નવા' (લિંગપૂજક), દાસ અને દસ્યુ કહ્યા છે.

''અમે ચારે ય તરફ દસ્યુઓથી ઘેરાયેલા છીએ. તેઓ યજ્ઞ નથી કરતા, વેદોક્ત કર્મમાં નથી માનતા. તેઓ આસુરી સ્વભાવના છે. તેમનો ધર્મ બીજો છે. હે શત્રુહન્તા ઇન્દ્ર, તું એમનો વધ કરવા વાળો છે, દાસને કાપી નાંખો / આ દસ્યુ જાતિનો વિનાશ કરો ‘.(ઋ. ૧૦-૨૨, ૮ ) (પૃ. ૮ ક્રા. જનનાયક કૃષ્ણ.)

"ઇન્દ્ર તું યજ્ઞનો ચાહક છો. જે તારી નિંદા કરે છે તેના ધનને પડાવી લઇને તું પ્રસન્ન થાય છે. પ્રચુર ધન ઇન્દ્ર, તું અમને (પોતાની) બંને જાંઘોની વચ્ચે છુપાવી લો. શત્રુઓને મારો, અસ્ત્રથી દાસને મારી નાખો. ( ઋ. ૮ -૫૯, ૧૦ ) (પૃ. ૯  ક્રા. જનનાયક કૃષ્ણ.)

– "હે ઇન્દ્ર તેં પચાસ હાજર કાળા લોકોને માર્યા" (ઋ. ૪- ૧૬, ૧૩) (પૃ. ૯ ક્રા. જનનાયક કૃષ્ણ.)

– "હે ઇન્દ્ર તું બધા અનાર્યોને સમાપ્ત કર"( ઋ. ૧-૧૧૩, ૭) (પૃ. ૯  ક્રા. જનનાયક કૃષ્ણ.)

– "ઇન્દ્રએ અસુરો(અનાર્યો)ના ધન પર એવી રીતે તરત અધિકાર કરી લીધો જે રીતે સૂતેલા માનવીઓના ધન પર અધિકાર જમાવાય છે."( ઋ. ૧-૫૩, ૧) (પૃ. ૯  ક્રા. જનનાયક કૃષ્ણ.)

– "(ઇન્દ્ર કહે છે) મેં સોમરસથી મસ્ત બનીને શંબર(દાસ રાજ)નાં ૯૯ નગરોનો એક જ કાળમાં નાશ કર્યો હતો.” (ઋ. ૪- ૨૬, ૩ ) (પૃ. ૯  ક્રા .જનનાયક કૃષ્ણ.)

– "(ઇન્દ્ર કહે છે) મારા માટે ઇન્દ્રાણી દ્વારા પ્રેરાયેલા યજ્ઞ કરનાર લોકો ૧૫-૨૦ સાંઢ કે બળદ પકાવે છે જેને ખાઈને હું મોટો થાઉં છું. મારા બંને પડખાંઓ યજ્ઞ કરવાવાળા લોકો સોમરસથી ભરે છે.’ (ઋ. ૧૦-૮૬, ૧૪)  (પૃ. ૯  ક્રા. જનનાયક કૃષ્ણ.)

યજ્ઞમાં ગાય, સાંઢ કે બળદનો બલી ચઢાવવાના વિરોધી અસુર કૃષ્ણને ઇન્દ્ર સાથે સંઘર્ષ થયો જેને કારણે ઇન્દ્રે કૃષ્ણ નામના અસુરની બધી ગર્ભવતી સ્ત્રીઓને મારી નાખી હતી '' (ઋ. ૧-૧૦૧, ૧) (પૃ. ૯  ક્રા. જનનાયક કૃષ્ણ.)

આવી ઇન્દ્રને પ્રાર્થના કરતી અનેક  ઋચાઓ  ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદમાં ઇન્દ્રને 'પુરંદર' એટલે દુર્ગનગરોને રોળી નાખનાર કહ્યો છે. ઋગ્વેદમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ઇન્દ્રે એક બ્રાહ્મણકુળના ત્વષ્ટા પાસે એક વજ્ર તૈયાર કરાવી દસ્યુ લોકોના નગરોનો નાશ કર્યો દસ્યુઓ શૂરવીર પ્રજા હતી. નમુચિ નામના દાસે પોતાના રાજ્યની સ્ત્રીઓને પણ આર્યો સામે યુદ્ધે ચઢવા સજ્જ કરેલી (ઋગ્વેદ ૫-૩૦, ૯)  ઇન્દ્રે દસ્યુ શંબરના ૧૦૦ પુરોનો નાશ કર્યો હતો તો વળી બીજા એક સ્થાને આર્ય રાજા દિવોદાસે ઇન્દ્રની સહાયથી પર્વતરાજ શંબરના ૯૦ પુરોનો નાશ કર્યાના ઉલ્લેખો મળે છે. શંબરે ચાલીસ વર્ષ સુધી પર્વતોની આડમાં છુપાઈને ઇન્દ્ર સામે લડાઈ જારી રાખી હતી. અંતે ઇન્દ્રે તેનો વધ કર્યો. આર્ય રાજા સુદાસની સહાયથી ઇન્દ્રે કરંજ અને પર્ણયનો વધ કર્યો હતો. રાજા ઋજિસ્વાએ ઇન્દ્રની સહાયથી વૃન્ગદનાં ૧૦૦ પુરોને ઘેરી તેનો નાશ કર્યો હતો. આર્ય રાજા સુશ્રવાએ અનાર્ય ૨૦ રાજા અને તેમના ૬૦,૦૦૦ સૈનિકોને હરાવ્યા. પુરંદર ઇન્દ્રે કૃષ્ણ યોનિ દાસોની ૫૦,૦૦૦ની  સેનાનો નાશ ક ર્યો. ચમુરિના ૬૦,૦૦૦ દાસોને માર્યા, અંશુમતિને કિનારે રહેતા અસૂર કૃષ્ણને ૧૦,૦૦૦ સૈનિકો સહિત હરાવ્યો. બીજી એક ઋચામાં ઇન્દ્રે કૃષ્ણની ગર્ભવતી સ્ત્રીઓને મારી નાખ્યાંનો ઉલ્લેખ મળે છે. ( य: कृष्णगर्भा:निरहन' i ऋ १/१०१/१)   ' (પૃ. ૨૨ ભા.દ.)

'ઇન્દ્રે બ્રાહ્મણ વર્ણના વૃત્રનો વધ કર્યો તેથી તે વૃત્રહા તરીકે વગોવાયો હતો, ઐત્તરેય બ્રાહ્મણના પાંત્રીસમાં અધ્યાયના બીજા ખંડમાં એવી કથા છે કે દેવતાઓએ આર્યોના પરમદેવ ઇન્દ્ર પર વિશ્વરૂપનો વધ કરવાનો, વૃત્રનો વધ કરવાનો, યતિઓને કૂતરાઓને ખવડાવી દેવાનો, અરુર્મંધોંની હત્યા કરવાનો અને બૃહસ્પતિ પર પ્રતિસંહાર કરવાનો આરોપ મૂક્યો હતો. વૃત્ર મૂળ બ્રાહ્મણ હોવાનું મનાય છે. તેની સામે દાઝે બળેલા ત્વષ્ટા નામના એક બ્રાહ્મણે જ ઇન્દ્રને વજ્ર તૈયાર કરી આપ્યું હતું. આ વજ્રની શક્તિ  વડે જ ઇન્દ્રે દસ્યુઓના નગરોનો ધ્વંસ કર્યો. આથી તેણે પ્રસન્ન થઇ ત્વષ્ટાના પુત્ર ત્રિશીર્ષકને પોતાનો પુરોહિત બનાવ્યો. પરંતુ ત્રિશીર્ષક અથવા વિશ્વરૂપ જ વિદ્રોહ કરે એવો ભય જણાતા ઇન્દ્રે તેની પણ હત્યા કરી. આથી ઇન્દ્ર બ્રાહ્મણોનો હત્યારો (બ્રહ્મ -હા) ગણાયો.' ( પૃ. ૨૧ ભા.દ.)

– દેવાસુર સંગ્રામ.

સપ્તસિંધુની ઉત્તરે ઇશાનમાં ખેલાયેલ દેવ અને દૈત્યશાખા વચ્ચેનો આ દારુણ સંગ્રામ લગભગ બત્રીસ વર્ષ ચાલ્યો. પુરાણોમાં દેવાસૂર સંગ્રામનું કારણ પ્રજાપતિની પત્ની અદિતિથી થયેલ પુત્ર આદિત્ય (દેવ) અને દિતિથી થયેલ દૈત્ય (અસૂર) છે. બંને સાવકા ભાઈઓ હતા. અર્થાત્‌એક કુળની બે શાખા હતા. વર્ચસ્વની લડાઈમાં દૈત્યો, આદિત્યોના યજ્ઞોમાં વિઘ્ન કરવા લાગ્યા જેથી બંને વચ્ચે સંઘર્ષ થયો. ધાર્મિક શ્રદ્ધાની બાબતમાં મતભેદ થવાથી બંને શાખા અલગ થઈ અને દેવપૂજક આર્યો ઈરાનમાંથી ભારત તરફ આગળ વધ્યા. (પૃ. ૨૧. ભા.દ.)

આર્યોની દૈત્ય શાખા બળવાન અને યુદ્ધ પ્રવીણ હતી, આથી તેઓ નિરંકુશ અને મદોન્મત બન્યા. કાસ્પિયન કાંઠે હિર્કેનિયામાં રાજ કરતા દૈત્યરાજા હિરણ્યકશિપુના નાના ભાઈ હિરણ્યક્ષા પોતાના બાહુબળના અભિમાને યુદ્ધ શોધતો દેવજાતિના આર્યો જ્યાં રહેતા હતા તે ત્રિવિષ્ટપ (તિબેટ) આવ્યો. તેના ભયથી સર્વ જાતિ (સાપ, ગરુડ, દેવ) સંતાઈ ગઈ આથી મદમત્ત અને ગર્વિષ્ઠ દૈત્યે ગર્જના કરી જેનો જવાબ વરાહે આપ્યો. તિબેટમાં તે કયારેક જ આવતો. આ સમયે તે ત્યાં હતો અને સર્વ વિલાસી દેવો ને ભયભીત જોઈ તેમનો નાશ રોકવા તે મેદાને પડ્યો. વરાહ અને હિરણ્યક્ષા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે દન્દ્વ યુદ્ધમાં વરાહે દૈત્યના ગળામાં મુષ્ટિનો પ્રહાર કર્યો જે પ્રાણઘાતક નીવડ્યો અને તે મૃત્યુ પામ્યો.

બંધુવધના સમાચાર મળતાં જ હિરણ્યકશિપુ ક્રોધિત થયો, બદલાની આગમાં તેણે આખી દેવભૂમિનો નાશ કરવા ફરમાન કર્યું. પરિણામ સ્વરૂપે દૈત્યોએ સર્વનાશ કર્યો.(ગામ, શહેર, રાજધાની, કિલ્લા સઘળું બાળી મુક્યું. ખેતર, વાડી, વૃક્ષો અને ઘરોનો નાશ કર્યો.)  દૈત્યોના રાક્ષસી આક્રમણ સામે દેવો હાર પામ્યા. જેમના કેટલાક ભાગીને આર્યભૂમિમાં આવ્યા કેટલાકે હિરણ્યકશિપુની આણ સ્વીકારી. ઇન્દ્રાદિક દેવો આર્યદેશમાં આવ્યા અને સપ્તસિંધુના ઋષિઓ અને ક્ષત્રિયો આગળ પોતાની આપવીતી રજૂ કરી. પોતાના પરમ હિતૈષી દેવાર્યોને સ્વતંત્રતા પછી અપાવવા તેમણે નરસિંહ નામના બલાઢય યોદ્ધાની આગેવાનીમાં ત્રિવિષ્ટપ (તિબેટ) તરફ કૂચ કરી. દેવો પરના વિજય અને ઇન્દ્રપુરી પરના શાસનથી એશોઆરામમાં ડૂબેલા દૈત્યો પર નરસિંહની સેનાએ આક્રમણ કર્યું. દૈત્ય સેનાનો પરાજય થયો. હિરણ્યકશિપુ અને નરસિંહ વચ્ચે ભીષણ દ્વંદ્વ યુદ્ધ થયું, બે એક વાર જીતવાની અણી પર આવેલો હિરણ્યકશિપુ આખરે નરસિંહને હાથે હણાયો. દેવોને એમનું રાજ્ય પાછું મળ્યું જયારે નરસિંહે હિરણ્યકશિપુના ધર્મિષ્ઠ પુત્ર પ્રહલાદને હિર્કેનિયામાં રાજા તરીકે સ્થાપ્યો. થોડા સમય પછી પ્રહલાદે પોતાના પુત્ર બલિને રાજ્ય સોપ્યું. બલિની મહાનતા ને કારણે આર્યોએ બ્રાહ્મણ અગ્રણી શુક્રાચાર્યને દૈત્યોના ગુરુ ઠરાવી મોકલ્યા. બલિએ ફરી યુદ્ધની તૈયારી શરૂ કરી અને મોટી સેના સાથે દેવો પર આક્રમણ કર્યું. દેવોનો પરાજય થયો અને દેવો બલિને તાબે થયા. દેવોએ ફરી આર્યોની મદદ માંગી પણ આર્યોને દૈત્યોને સાથે સારો સંબંધ હોવાથી તેઓએ લશ્કરને બદલે દેવોને બલિના બંધનમાંથી છોડાવવા વામન નામના ઋષિને મોકલ્યા. વામન તેની રાજધાની ગયા ત્યારે વેદધર્મ પરાયણ બલિ વૈદિક યજ્ઞ કરી રહ્યો હતો. અહીં વામન અને બલિ વચ્ચે સંવાદ થયો. બલિ રાજા વામનની વિદ્યાથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું … વામને આખું સામ્રાજ્ય માંગ્યું અને બલિએ ખુશીથી તે આપ્યું. દાનથી પ્રસન્ન થયેલ વામને દેવોના રાજ્યનો ભાગ રાખી બાકીનો ભાગ રાજાને પાછો આપ્યો. તથા બલિને પોતાની સાથે કાશ્મીર લાવી ઊંચું આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. જેને કારણે બલિ દેવર્ષિ કહેવાયા.

આમ ત્રણ દસકાના દેવાસૂર સંગ્રામથી દેવ અને દૈત્ય પ્રજામાં મહત્ત્વના   સામાજિક, રાજકીય અને ધાર્મિક સંદર્ભે દૂરગામી પરિણામો આવ્યાં.                                        

સામાન્ય રીતે એવી માન્યતા છે કે 'અસુર' એટલે જે 'દેવ નથી તે' અથવા તો 'દેવના શત્રુ' પરંતુ આ અવધારણા ખોટી છે. વૈદિક સાહિત્યમાં તેને વિષે કોઈ આધાર નથી. વૈદિક સાહિત્યમાં 'સૂર'શબ્દ ક્યાં ય મળતો નથી. અને 'અસૂર' વિશેષણ તો ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ વગેરે માટે વપરાયું છે. (પૃ.૨૫ ભા.દ.)  अनायुधोसोअसूरा अदेवा :i ( ऋ. ८/९६/९) આ ઋચામાં સઘળા દેવોનો સમાવેશ અસૂરમાં કરાયો છે. આનો અર્થ એ કે દેવો અસૂરોમાના જ હતા. દેવનો અર્થ પ્રકાશમાન અને અસૂરનો અર્થ શક્તિમાન – બળવાન, ઋગ્વેદમાં શરૂઆતમાં 'અસૂર' શબ્દ દેવો માટે વપરાયેલો જોવા મળે છે. પાછળથી આ બંને શાખાઓ વચ્ચે પરસ્પર વિરોધ થયો અને 'અસૂર' શબ્દ દેવ વિરોધી થઇ ગયો. અસૂરનો વિરોધી ‘સૂર' શબ્દ દેવો માટે પ્રયોજવા લાગ્યો. એક શાખાના આર્યો દેવોના ઉપાસક બન્યા જ્યારે બીજી શાખાના આર્યો અહૂર મઝદ(અગ્નિ)ના ઉપાસક બન્યા. પારસીઓ આજે પણ અગ્નિની પૂજા કરે છે. અવેસ્તામાં ઇન્દ્રને અસૂર વિરોધી, પાપમતી કહીને નિંદવામાં આવ્યો છે. તેના ઉપાસકોને પણ સંસાર બહાર કાઢવા કહ્યું છે. બીજી બાજુ ઋગ્વેદમાં ઇન્દ્રના વિરોધીઓના નાશની કામના કરવામાં આવી છે. સંભવતઃ આ ધાર્મિક મતભેદને કારણે ઈરાનમાં વસતા આર્યોના બે વિભાગ થયા. જેના સંકેત ઋગ્વેદ અને ઝંદ અવેસ્તામાં મળે છે.

– દાશરાજ્ઞ વિગ્રહ – (ઈ.સ.પૂ. ૨૬૦૦) 

ઋગ્વેદના સમયમાં થયેલ એક મહાવિનાશક અને વિશિષ્ઠ યુદ્ધ એટલે ઋગ્વેદકાળના આખર ભાગમાં (ઈ.સ.પૂ. ૨૩૦૭૨ – ઈ.સ.પૂ. ૨૫૦૦ આશરે) થયેલ- દાશરાજ્ઞ વિગ્રહ – (ઈ.સ.પૂ. ૨૬૦૦) આજથી લગભગ ૪૫૦૦ વર્ષ પૂર્વે પરુષ્ણી (રાવી) નદીને તીરે આર્ય પ્રજાના જૂથો વચ્ચે થયેલું યુદ્ધ. તે સમયની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે રાવી હિમાલયથી લાહોર સુધી ઉત્તરથી દક્ષિણમાં વહેતી અને પછી ફંટાઈને છેક મુલતાન આગળ તે સિંધુને મળતી. (પૃ. ૧૪૦ ઋગ્વેદકાળના જીવન અને સંસ્કૃતિ)

દાશરાજ્ઞ વિગ્રહ  પરુષ્ણી (રાવી) નદીને તીરે આર્ય રાજા દિવોદાસના પુત્ર પૈજવનના વંશજ સુદાસ અને બીજે પક્ષે ત્યારની દસ મુખ્ય આર્ય (દ્વિજ તથા કેટલીક દાસ) જાતિઓ વચ્ચે થયો હતો.(પૃ. ૧૩૧ ઋગ્વેદકાળના જીવન અને સંસ્કૃતિ) ઋગ્વેદકાળના વિગ્રહોમાં સૌથી મહાન ગણાતા આ વિગ્રહની નોંધ માત્ર વશિષ્ઠ ઋષિ રચિત સાતમાં મંડળના ૧૮,૩૩ અને ૮૩મા સૂક્તમાં મળે છે. વશિષ્ઠ ઋષિ સુદાસના કુલગુરુ હતા. સુદાસ પોતાના સમયમાં (ઈ.સ.પૂ. ૨૬૦૫) સર્વશ્રેષ્ઠ વીરેન્દ્ર હતો. અશ્વમેધ યજ્ઞ દ્વારા તે ચક્રવર્તી બન્યો હતો.

સુદાસને વારસામાં રાજ્યની સાથે પિતાએ વહોરેલા વેર પણ મળ્યાં. તો વળી દિગ્વિજયના ફળ તરીકે નવા શત્રુઓ પણ ઊભા થયા. અપમાન, તેજોદ્વેષ અને ઈર્ષાની આગમાં બળતા શત્રુ રાજાઓએ એના ગર્વને ઊતારવા એકત્રિત થઇ લડવાનો નિર્ણય કર્યો . આથી દ્રહ્યુ,અનુ, પુરુ, યદુ, તુર્વશ, મત્સ્ય, ભૃગુ, કવષ, શ્રુત, અને વૃદ્ધ એ દસ આર્ય જાતિઓએ સુદાસને હરાવવાના સાહસની આગેવાની લીધી. આ ઉપરાંત સુદાસથી જુદા જુદા કારણે અસંતુષ્ટ એવી કેટલીક અનાર્ય જાતિઓ પક્થો, ભલાનો, અલિનો, વિષાણીઓ, શિવો, વિકર્ણો અને શિમ્પુઓને પણ પોતાના બૃહદ્દ સંગઠનમાં સામેલ કર્યા.

પરુષ્ણી (રાવી) નદીને ડાબે – જમણે કિનારે અનુક્રમે સુદાસ અને તેના અઢાર આર્ય-અનાર્ય શત્રુઓની સેના વ્યૂહબંધ ગોઠવાઈ. જમણા કિનારા પર, ઉપરવાસથી લેતાં, પહેલા તુર્વશો પછી મત્સ્યો અને ભૃગુઓ, દ્રુહ્યુઓ અને અનુઓ, ને તેમની પણ આગળ મોખરે, વૈકર્ણ જાતિનું સેનાદળ, એ પ્રમાણે શત્રુ સેના ગોઠવાઈ હતી. એ સમગ્ર સેનાનું નાયકપદ ભૃગુવંશી કવિને આપવામાં આવ્યું હતું.

સુદાસને પોતાના શૌર્યવાન ભરતો અને તત્સુઓના બનેલા સૈન્ય અને ભુજબળ પર અડગ વિશ્વાસ હતો છતાં તેને રાષ્ટ્રીય આપત્તિ સમા આ યુદ્ધમાં કોઈ વિચક્ષણ યુદ્ધ સલાહકારની અનિવાર્યતા જણાઈ, જેથી તેણે વિશ્વામિત્રને પડતા મૂકી પોતાના જૂના ગુરુ વશિષ્ઠ પાસે માફી માગી અને મદદ કરવા વિનંતી કરી. વશિષ્ઠ યુદ્ધના અધિષ્ઠાતા દેવ ઇન્દ્રનું મંત્ર બળથી આહ્વાન કરવાનું, સહાયતા મેળવવાનું સામર્થ્ય વિશ્વામિત્ર કરતાં વધુ ધરાવતા હતા, માટે ગુરુની શરણાગતિ સ્વીકારી. વશિષ્ઠે સુદાસને ભયંકર દાશરાજ્ઞ વિગ્રહમાં વિજય અપાવ્યો. પોતાના અપમાન અને વશિષ્ઠની પુનઃ પ્રતિષ્ઠાથી ગુસ્સે ભરાયેલા વિશ્વામિત્ર દશ રાજાઓની સાથે મળી ગયા.

નદીની સુદાસ પક્ષની ભૂમિ નીચાણમાં હોઈ પૂરથી રક્ષણ કરવા માટે તેમણે આડબંધ બનાવ્યો હતો. યુદ્ધમાં એક અંધારી રાતે તુર્વશોએ નદીનો બંધ તોડી નાંખ્યો. રાવી નદી તે સમયે ભરપુર હોવાથી એનું પાણી સુદાસની સેના પર ફરી વળવાની તૈયારીમાં હતું, ત્યારે ગુરુ વશિષ્ઠે મરુતોને પ્રાર્થના કરી અને પૂરને સામી દિશાએ સેના સામેથી હટાવ્યા અને સુદાસને ઉગારી લીધો. એ પછી સુદાસે અંધારી રાતે સેના સાથે નદી ઓળંગી પાછળથી તુર્વશો પર હુમલો કર્યો અને તેઓને પરુષ્ણી અને સેના વચ્ચે ઘેરી લીધા. અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું .આખા વિગ્રહનું આ નિર્ણાયક યુદ્ધ હતું. સુદાસે પરાક્રમ દાખવતાં શત્રુ સેનાના ચયમાન સૂત કવિ અને વૈકર્ણના એકવીસ નેતાઓને હણ્યા. તેના સૈનિકોએ પણ દસ આર્ય અને આઠ અનાર્ય જાતિના ઘણા સૈનિકોનો સંહાર કર્યો. ઘણા શ્રુતો, કવષો, વૃદ્ધો અને દ્રહ્યુઓ આ સંહારથી બચવા નદીમાં પડ્યા અને ડૂબી મર્યા તો કેટલાક સુદાસસેનાને હાથે કપાઈ મર્યા.

  નદી તીરનું યુદ્ધ પૂરું થતાં વિજયવંત સુદાસ દુ:શ્મન દેશમાં આગળ વધ્યો, તેમના સર્વ કિલ્લાઓ તોડ્યા, સાત શહેરોનો નાશ કર્યો , સૈનિકોએ તે સ્થળની સંપત્તિની લૂંટ ચલાવી અને પ્રજા પર જુલમ ગુજાર્યો. દાશરાજ્ઞ વિગ્રહમાં રોકાયેલ સુદાસની ગેરહાજરીનો લાભ લઈ તેના યમુનાની ઉત્તર અને પશ્ચિમના રાજ્ય પર યમુનાની દક્ષિણ અને પૂર્વના અનાર્ય રાજાઓ અજ, શિગ્રુ, ભેદ, યદુવંશી આર્ય દુર્દમનની ઉશ્કેરણીથી ચઢી આવ્યા. દુર્દમને પિતા ભદ્રશ્રેણયના વખતમાં હાથથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું. પરંતુ સુદાસે દાશરાજ્ઞ વિગ્રહમાંથી પરવારી એ સઘળા રાજાઓને હરાવી પોતાનું રાજ્ય પરત મેળવ્યું અને યમુનાથી કુભા (કાબુલ) સુધી રાજ્ય સ્થાપિત કર્યું.

ઋગ્વેદકાળના આવા કાતિલ સંઘર્ષને અંતે સમૃદ્ધ આર્યેતર સંસ્કૃતિ અને તેના સેંકડો સુવિકસિત નગરોનો નાશ થયો એ હકીકત છે. અલબત્ત, ત્યાર પછી બંને સંસ્કૃતિઓના સમન્વયથી એક સમૃદ્ધ સંસ્કૃતિનો વિકાસ થયો અને તે જગતના ઇતિહાસની અનન્ય એવી ભારતીય સંસ્કૃતિ.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – 380 001

સંદર્ભ ગ્રંથ

૧. ઋગ્વેદકાળના જીવન અને સંસ્કૃતિ – વિજયરાય વૈદ્ય

૨. ભારત દર્શન (આદિયુગ) – જ્ઞાન ગંગોત્રી ગ્રંથશ્રેણી – ૨૨

૩. ક્રાંતિકારી મૂળનિવાસી જનનાયક કૃષ્ણ – જયંતીભાઈ મનાણી

૪. ભારતનો આદ્ય ઈતિહાસ – ભારતી શેલત       

Loading

30 August 2019 admin
← ‘થેંક્યુ ,ખૈયામ સા’બ : તમે મને જેલમાં જતા બચાવ્યો!’
નવાં અંગ્રેજી પુસ્તકો : ઑગસ્ટ 2019 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved