શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ મહિનામાં ત્રીજી વખત રેપોરેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 4.90 પરથી 5.40 પર લાવીને મૂકયો છે. એને પરિણામે હાઉસિંગ લોન સહિત તમામ લોન મોંઘી થશે. આમ તો આ બધું મોંઘવારી ઘટાડવા થાય છે, કાઁગ્રેસ પણ દેશમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ કરે છે, પણ મોંઘવારી ઘટતી નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ પણ મોંઘવારી ઘટે એ અંગે શંકાશીલ છે. રેપોરેટ એ દર છે જેનાં પર બેન્કો, રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. રેપોરેટ ઘટે તો બેન્કો પણ ગ્રાહકો માટેનો વ્યાજ દર ઘટાડે ને જો રેપોરેટ વધે તો બેન્કો પણ વ્યાજ દર વધારે. વ્યાજ દર ઘટે તો લોન અને તેનાં હપ્તા સસ્તા થાય ને વધે તો લોન મોંઘી થાય ને એમ જ ઈ.એમ.આઈ. પણ વધે. એક વાત સ્પષ્ટ છે કે બાંધકામનાં કાચામાલ સિમેન્ટ, લોખંડ વગેરેમાં અસહ્ય ભાવવધારો થતાં મકાનો વધુ મોંઘાં થયાં છે, તેમાં રેપોરેટના વધારાએ લોન ને હપ્તા વધુ મોંઘાં કર્યાં છે. એ સ્થિતિમાં મકાનો ખરીદવાની ગતિમાં ઘટાડો થાય એમ બને. રેપોરેટમાં વધારો થતાં બજારમાંથી લિક્વિડિટી પાછી ખેંચાય ને તો ફુગાવો નીચે લાવી શકાય એવી રિઝર્વ બેન્કની ધારણા છે. જોકે જૂનનો ફુગાવો સાત ટકાથી વધુ રહ્યો હતો જે રિઝર્વ બેન્કની છ ટકાની મર્યાદાથી વધુ હતો એટલે ફુગાવો નીચે જાય એમ માનવું વધારે પડતું છે. એ જ રીતે બેન્કો રિઝર્વ બેંકમાં પૈસા જમા કરે છે ને તે તેનાં પર બેન્કોને વ્યાજ આપે છે. આ વ્યાજ દર તે રિવર્સ રેપોરેટ છે. અત્યારે તે 3.35 ટકા છે. એટલે બેન્કો લોન લે તો તેનાં પર બેન્કે 5.40 ટકા વ્યાજ ચૂકવવું પડે ને જો બેન્ક, રિઝર્વ બેંકમાં પૈસા જમા કરાવે તો તેનાં પર તેને 3.35 ટકા જ વ્યાજ મળે છે. ઉદાહરણ તરીકે કોઈ બેન્ક પાસેથી 30 લાખની લોન 20 વર્ષે પૂરી કરવાની ગણતરીએ લે છે તો તેને અત્યાર સુધી 24,260નો હપ્તો આવતો હતો તે હવે 927 વધીને 25,187નો આવે એમ છે.
આ લોન પાછી બે પ્રકારની હોય છે. એક ફ્લોટર અને બીજી ફ્લેક્સિબલ. ફ્લોટરમાં લોન લેતી વખતનો જે વ્યાજ દર હોય તે છેવટ સુધી બદલાતો નથી એટલે જે હપ્તો નક્કી થયો હોય તે જ લોન પૂરી થતાં સુધી ચાલુ રહે છે. ફ્લેક્સિબલમાં રેપોરેટ વધે તો હપ્તો પણ વધે ને રેપોરેટ ઘટે તો હપ્તાની રકમ પણ ઘટે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની મીટિંગ એપ્રિલમાં મળી ત્યારે રેપોરેટ 4 ટકા પર સ્થિર રહ્યો હતો, પણ પછી, રિઝર્વ બેન્કે મેમાં ઇમરજન્સી મીટિંગ બોલાવી ને રેપોરેટ 0.40 ટકા વધારી 4.40 કરી દીધો. તે પછી જૂનમાં પણ 0.50 ટકા દર વધ્યો ને હવે ઓગસ્ટમાં બીજો 0.50 ટકાનો વધારો થતાં રેપોરેટ 5.40 ટકા થયો છે. એટલે કે આ વર્ષમાં કુલ 1.40 ટકાનો વધારો રેપોરેટમાં થયો છે. રિઝર્વ બેન્કના ગવર્નર દાસે જી.ડી.પી. ગ્રોથ અંદાજે 7.2 ટકા યથાવત રહેવાની વાત કરી છે, તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ તથા ગ્લોબલ સ્તરે મોંઘવારી દાસને ચિંતાનો વિષય લાગ્યા નથી. એમને ચિંતા ન થાય તે સમજી શકાય એવું છે, પણ મધ્યમવર્ગ અને સિનિયર્સ સતત ચિંતાગ્રસ્ત રહે તેવી સ્થિતિ છે.
એક સમય હતો જ્યારે એક કમાનાર ને દસ ખાનાર હોય તો ચાલી જતું, આજે દસ કમાય તો પણ એકને પૂરું ન પડે એવા દિવસો છે. આ કુદરતી નથી. માનવ સર્જિત છે. લોન મોંઘી થાય તો હપ્તા તરત વધે છે, પણ તેની સાથે ડિપોઝિટ પરના વ્યાજના દર પણ સમાંતરે વધવા જોઈએ, પણ તેવું ઓછું જ બને છે. કેટલીક બેન્કો ડિપોઝિટના દર વધારે છે તો કેટલીક બેન્કો તેમ કરી શકતી નથી. એની અસર થાપણદારને થાય છે. બેન્કોની મુનસફી પર પણ કેટલુંક છોડવામાં આવે છે એટલે વસૂલાત ચુકાતી નથી, પણ આપવાનું હોય તો યાદશક્તિના પ્રશ્નો ઊભાં થાય છે. એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા, તે હવે લોનના ટાર્ગેટ પર આવીને અટક્યા છે. એમ પણ લાગે છે કે ડિપોઝિટ વગર બેન્કોને ચાલી જાય છે, નહિતર ડિપોઝિટર્સની આટલી અવગણના થાય ખરી?
એમાં સૌથી વધુ અવગણના સિનિયર સિટિઝનની થઈ રહી છે. પેન્શન રાજકારણીઓ પૂરતું સીમિત રહી ગયું છે ને બીજી તરફ પેન્શનેબલ જોબ લગભગ રહી નથી. જ્યાં જૂનાં લોકો છે ને જેમણે પેન્શનનો ઓપ્શન સ્વીકાર્યો છે તેમને બાદ કરતાં જેમણે વ્યાજની આવક પર જીવવાનું સ્વીકારેલું તે મરવાને વાંકે જીવી રહ્યા છે. તેમને 12-14 ટકા વ્યાજ ખાઈને જીવવાની આશા હતી તે 5-6 ટકા વ્યાજ પર જેમ તેમ ટકવા મથે છે. સિનિયર્સ ઘરમાં તો અવગણાય જ છે ને સરકાર પણ તેનાં તરફ બેધ્યાન જ રહે છે. વાતો મોટી મોટી થાય છે, પણ વરિષ્ઠોની ઠેર ઠેર ઉપેક્ષા થાય છે ને તેને છેતરાયાનો અનુભવ વારંવાર થતો રહે છે. લોન પાછી આવવાની આશા ન લાગતાં તેને લોન આપવા કોઈ ભાગ્યે જ તૈયાર થાય છે. તેણે તબીબી સુવિધા પોતાની ક્ષમતા પર જ મેળવવાની રહે છે. આમે ય તે રિટાયર છે, ત્યાં બે છેડા ભેગા કરવા કોઈ સિનિયર નોકરી કરવા ઈચ્છે તો તેને નોકરી આપવા ય કોઈ તૈયાર થતું નથી. યુવાનો જ નોકરી માટે ફાંફાં મારતા હોય ત્યાં ખર્ચાઈ ચૂકેલા વૃદ્ધને નોકરી કોણ આપે? ઘણાંને તો પેન્શન પણ નથી મળતું, પણ તેણે બધાં જ વેરા ભરવા પડે છે. કોર્પોરેશનનો વેરો ને વેરા પર બીજા વેરા, લાઇટબિલ ને તેનાં પર ટેક્સ, ગેસ બિલ અને તેનાં પર વેરા, એમાં પીછો ન છોડતો જી.એસ.ટી. તે ખાતર પર દિવેલ જેવો નવો ઉમેરાયો છે. ડિપોઝિટ પર વ્યાજ અડધું ને તેનાં પર ટી.ડી.એસ. નફામાં. નોકરી કરી ત્યારે વેરો ભર્યો, નિવૃત્તિ પછી આવક બંધ થઈ, પણ વેરા ચાલુ જ રહ્યા છે. લેવાનું કશું બંધ ના થયું, પણ આપવાનું ધીમે ધીમે બધેથી બંધ થતું ગયું છે. ટ્રેનમાં સિનિયર્સને કન્સેશન મળતું હતું, પણ રેલવે સિનિયર્સ કરતાં વધારે ગરીબ થઈ ગઈ એટલે તે બંધ થયું. વરિષ્ઠને પેન્શન ન મળે, પણ એના ટેક્સમાંથી સાંસદને એકથી વધારે પેન્શન મળે તેનો કોઈને વાંધો નથી. વરિષ્ઠનું પેન્શન પગાર નથી, પણ તેને પગાર ગણીને તેનાં પર વખતોવખત ટેક્સ તો વસૂલાતા જ રહે છે. લોકોના ટેકસમાંથી સરકાર રસ્તા, રેલવે બનાવે અને એને ઉદ્યોગપતિઓ ખરીદે ને તેની પાસેથી લોકો એ જ સેવાઓ ઊંચા દામે ખરીદે એ સિલસિલો છે. સાંસદોને એ સેવા મફત મળે છે. વરિષ્ઠને પગાર ન મળે, પણ તેણે ટેક્સ બધા ભરવાના ને સાંસદને પગાર મળે પણ તેણે ટેક્સ કોઈ નહીં ભરવાનો. તેને કોઈ ટેક્સ લાગે જ નહીં.
આ બધું રિઝર્વ બેંકને કારણે થાય છે એવું કહેવાનું નથી, પણ રેપોરેટ ઘટે તે સાથે થાપણ પરના વ્યાજ દર પણ ઘટે છે ને તેની સીધી અસર વરિષ્ઠ નાગરિકની વ્યાજની આવક પર પડે છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. રેપોરેટ ઘટે તો લોન સસ્તી થાય, છતાં તેના પર વ્યાજનો દર ઘટાડવાનું જે તે બેન્ક પર નિર્ભર છે, તો સિનિયર્સને વ્યાજ ઓછું મળતું થાય તો તે રોકવાનું બેન્કો કે રિઝર્વ બેન્ક કરી શકે કે કેમ તે વિચારવાનું રહે. અથવા વ્યાજ વધુ મળે કે વ્યાજની આવક ઘટે નહીં તેવી યોજનાઓ પણ સિનિયર્સ માટે રિઝર્વ બેન્ક કરી શકે.
ટૂંકમાં, સિનિયર્સ આર્થિક સ્થિતિ ઠીક હોય તો જ આ મોંઘવારીમાં ટકી શકે એમ છે. એ જો આવક વગરના થાય કે ઓછાં વ્યાજને કારણે તંગી અનુભવે તો તેનો કોઈ ભાવ ન પૂછે એમ બને. આજે કુટુંબમાં કોઈ કોઈને નભાવે એવી સ્થિતિ ખાસ રહી નથી. દરેક જણ પોતાની આવકમાંથી જ માંડ પેટ ભરે એવી મોંઘવારી છે, ત્યાં વરિષ્ઠને એમ જ પોષવાનું, ઈચ્છા હોય તો પણ પરવડે એમ ઘણાંને હોતું નથી. એવામાં સરકારે, બેન્કોએ, સમાજે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે તે પ્રશંસાની જાહેરાતોથી નહીં, પણ પોતાનાં પૈસાથી પેટ ભરે. કોઈ પણ વરિષ્ઠ અપમાનિત જિંદગીથી બચીને રહે ને માનભેર જીવે એટલું થઈ ન શકે એટલો ગરીબ તો આ દેશ ક્યારે ય ન હતો, તો હવે પણ ન રહે એટલું ઈચ્છીએ.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑગસ્ટ 2022