Opinion Magazine
Number of visits: 9509148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રિપબ્લિક ઑફ રિઝન’માં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|4 January 2016

નવા વર્ષમાં નવાં પુસ્તકોને આભાર સાથે આવકાર. યજ્ઞ પ્રકાશન પાસેથી બહુ મહત્ત્વનું પુસ્તક મળે છે ‘નોખો રાજા શિવાજી’. રેશનાલિસ્ટ ગોવિંદ પાનસરેના ‘શિવાજી કોણ હોતા’ (૧૯૮૮) નામના મરાઠી પુસ્તકના આ અનુવાદ માટે, શ્રમજીવીઓની સલામતી માટે મથનારા કર્મશીલ જગદીશ પટેલને ધન્યવાદ. કટ્ટરતાવાદી શિવસેના, કોમવાદી ભારતીય જનતાપક્ષ અને અન્ય સાંપ્રદાયિક સંગઠનોએ રાજા શિવાજીની માત્ર હિંદુત્વવાદી રાજા તરીકેની જે છબી વર્ષોથી ઠસાવી છે. તે છબીને કૉમરેડ પાનસરેએ દૃષ્ટિપૂર્વક, આધાર સહિત અને પ્રતીતિજનક રીતે વિવેકપૂર્ણ ભાષામાં બદલી છે. તેમણે બતાવ્યું છે કે શિવાજી ખેડૂતો-દલિતો-સ્ત્રીઓના સમતાવાદી સર્વધર્મસમભાવી રાજા હતા. મરાઠીમાં આ પુસ્તકની આડત્રીસ આવૃત્તિઓ થકી દોઢ લાખ નકલો વાચકો સુધી પહોંચી છે. કન્નડ, ઉર્દૂ અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. પુસ્તકમાં જગદીશભાઈએ બિરાદર પાનસરે વિશે લખેલો લેખ પણ મહત્ત્વનો  છે. પાનસરેની જ વાત નીકળી છે, ત્યારે બીજા એક મહત્ત્વના અંગ્રેજી પુસ્તકની માહિતી પણ આપવી જોઈએ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ.એમ. કલબુર્ગીનાં ચૂંટેલા લખાણોનો એકસો વીસ  પાનાં અને એટલા જ રૂપિયાની કિંમતનો એક સંચય દિલ્હીની ‘સહમત’ સંસ્થાએ બહાર પાડ્યો છે. તેનું સરસ નામ છે : રિપબ્લિક ઑફ રિઝન : વર્ડ્સ ધે કુડ નોટ કિલ્.

‘જનપથ’ સંસ્થાના ‘માહિતી-અધિકાર પહેલ’ ઉપક્રમના નિષ્ઠાવાન યુવા કાર્યકર્તા પંક્તિ જોગની ‘સત્યાગ્રહનું ઓજાર… માહિતીનો અધિકાર’ પુસ્તિકા પણ યજ્ઞ આપે છે. તદુપરાંત નવા વર્ષ માટેનું પ્લાનર (વાર્ષિક આયોજિની કહીશું ?) ‘વિનોબાનું ચિંતન – આપણું આયોજન’ પણ યજ્ઞએ શુભેચ્છકને ‘કસ્ટમાઇઝ’ કરીને ભેટ તરીકે મોકલ્યું છે.

રજનીકુમાર પંડ્યા માણસોમાં રહેલાં કેટલાં ય શુભ તત્ત્વોનો ઝબકાર તેમના હજારો વાચકોને ચારેક દાયકાથી કરાવતા રહ્યા છે. તેમણે લખેલી ચરિત્રનવલ ‘પરભવના પિતરાઈ’ (આર.આર. શેઠ પ્રકાશન)ની ત્રીજી આવૃત્તિ તાજેતરમાં થઈ છે. આ પુસ્તક સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ અને જંગલઘેરા વિસ્તારના વનવાસીઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને સુધારાને પહોંચાડનારા ભેખધારી નરસિંહભાઈ ભાવસાર (૧૯૧૬-૧૯૯૪) વિશે છે. તે પુસ્તક વાંચતાં, અત્યાર સુધી એમના વિશે કશું નહીં જાણતા હોવાનો રંજ થાય છે. દિલીપ રાણપુરાને અર્પણ કરેલું આ પુસ્તક પણ રજનીકુમારે – પોતાનાં કેટલાં ય પુસ્તકોની જેમ – ઘણી રખડપટ્ટી પછી લખ્યું છે. તેને આધારે નિમેષ દેસાઈએ ટેલિફિલ્મ પણ બનાવી છે. લોકશિક્ષણનું કામ અમરેલી પાસેના બાબાપુરમાં સત્તાણું વર્ષની વયે પણ ચાલુ રાખનારા ‘એક આક્રમક ગાંધીવાદી’ ગુણવંત પુરોહિત વિશે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના દિવાળી અંકમાં જ્વલંત છાયાએ લખ્યું છે. કેતન ત્રિવેદીએ પહેલા મહાયુદ્ધમાં અંગ્રેજોના સૈનિકો બનીને લડેલા ‘ભાવનગર, જામનગર અને વાંકાનેરના નરબંકાઓ’ વિશે લખેલા લેખનું મથાળું છે ‘જોરુભા જરમન જીતીને વેલેરા આવજો’ ! ‘શબ્દસૃષ્ટિ’ના હર્ષદ ત્રિવેદી વિનાના  દિવાળી અંકમાં વધારે પાનાંથી વધુ કશું નથી. હર્ષદભાઈએ બહુ સૂઝ અને મહેનતથી ઊભી કરેલી દિવાળી અંકોની શ્રેણી તૂટી છે.  

‘સકલ તીરથ જેના મનમાં રે!’ એવા કાવ્યાત્મક નામ સાથે ડંકેશ ઓઝા વતનનાં સંભારણાં આલેખે છે. ડિવાઇન પ્રકાશનના આ પુસ્તકનો બીજો ભાગ નર્મદા પરકમ્મા વર્ણવે છે. સામાજિક-સાહિત્યિક બાબતોના અભ્યાસી ડંકેશભાઈએ, જુદાં-જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે કરેલાં લખાણોનો સંગ્રહ ‘બહોત યાદ આયે’ પણ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારમાં જોવા મળ્યો. પુસ્તકો અને વાચન વિશેના તેમના લેખોનો સંચય ‘સાહિત્ય-સંદર્ભ’ પણ અહીં યાદ આવે.  કિશોરસિંહ સોલંકીના ‘અંગારો’ કાવ્યસંગ્રહમાં મોટા ભાગની ‘અંગારા’ને મુખ્ય શબ્દ તરીકે લઈને કે સંબોધીને કરવામાં આવી છે. લતા જગદીશ હિરાણી ‘ઝળહળિયાં’ સંગ્રહમાં લાગણીભીનાં કાવ્યો આપે છે. લતાબહેને લખેલું ‘ઉજાસનું પહેલું કિરણ’ ગુજરાતમાં મહિલાઓનાં પરિચય-પુસ્તકો લખાણોમાંનું એક નોંધપાત્ર પુસ્તક છે. તેનું પેટાશીર્ષક છે ‘વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી ભારતીય સ્ત્રીઓ’. બેલા ઠાકર, યશવંત મહેતાએ પણ આ પ્રકારનાં પુસ્તકો આપ્યાં છે.

‘વસાહતીનું જનગણમન’ ગણાયેલા દેશાવરના વિચારપત્ર ‘ઓપિનિયન’ની ડીવીડીનું સ્વાગત છે. તેમાં ઓપિનિયનની ૨૩ એપ્રિલ ૧૯૯૫થી ૨૬ માર્ચ ૨૦૧૩ સુધીની ‘અક્ષર-અને-વિચાર યાત્રા’માંથી લેખક અને શીર્ષક બતાવતી ડિજિટલ સોઈની મદદથી પસાર થઈ શકાશે. અભિનંદન વિપુલ કલ્યાણી, આભાર મૈત્રીબહેન સહિતના ગુજરાતીલેક્સિકોનના સાથીઓ.

જ્ઞાનપીઠ સન્માનિત રઘુવીર ચૌધરી, જે ગોવર્ધનરામને પોતાના હરીફ ગણે છે તેમની સરસ્વતીચંદ્રનો હિન્દી અનુવાદ તાજેતરમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. અધ્યાપક અનુવાદકો રઘુવીરના જ પૂર્વ વિદ્યાર્થીઓ છે – વીરેન્દ્રનારાયણસિંહ અને આલોક ગુપ્તા.

પ્રમુખ સમકાલીન મરાઠી નવલકથાકાર વિશ્વાસ પાટીલની ૮૦૪ પાનાંની તદ્દન નવી નવલકથા ‘લસ્ટ ફોર લાલબાગ’નું વાચન ચાલુ છે. પુસ્તકના નામમાં વાન ગૉગના જીવન પર ઇરવિંગ સ્ટોને લખેલી ‘લસ્ટ ફોર લાઇફ’(‘સળગતાં સૂરજમુખી’ નામે ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણી)નો રણકો છે. મુંબઈના દાદર પાસેનાં લાલબાગ-પરળ ગામો સહિતનાં દસેક ગામોમાં વિસ્તરેલા કાપડમિલોના ‘ગિરણગાવ’ તરીકે ઓળખાતા વિસ્તાર વિશેની આ મહાનવલ છે. કાપડમિલોની પડતીના ૧૯૮૨ના વર્ષથી ૨૦૦૮ સુધીના ગાળાના લાલબાગના જીવનને અને તેના ઇતિહાસને તેની સમગ્રતામાં આવરી લેવાનો લેખકનો બહુ પ્રભાવક પ્રયત્ન તેમાં છે. ઉદારીકરણ-વૈશ્વિકીકરણના ભરડામાં નાશ પામેલા મિલ કામદારવર્ગનાં વીતકની સાથે એક તરબતર પ્રેમકથા વણી લેવામાં આવી છે. આ નવલકથાની હસ્તપ્રત પ્રકાશક દ્વારા સ્વીકાર પામ્યા બાદ વિષયની કેટલીક વધુ મહત્ત્વની માહિતી હાથ લાગતાં લેખકે તેનાં ચારસો પાનાં ફરીથી લખ્યાં. નવેમ્બરના વીસ દિવસમાં આઠસો રૂપિયાના આ પુસ્તકની બે આવૃત્તિઓ વાચકોએ વસાવી છે. ગુજરાતના કાપડઉદ્યોગ વિશે ચંદ્રાભાઈ ભટ્ટની અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત ‘ભઠ્ઠી’ (૧૯૩૨) અને રઘુવીર ચૌધરીની ‘કાચા સૂતરને તાંતણે’ (૧૯૯૫) નવલકથાઓ ઉપરાંત સાહિત્યકૃતિ રૂપે કંઈ લખાયું હોય, તો તે જાણવું રસપ્રદ બને. વિશ્વાસ પાટીલની ત્રણ મોટી નવલકથાઓનાં ઓગણીસો, રિપીટ ઓગણીસો પાનાં, ગુજરાતીમાં ઉતારવાનું જંગમ કામ, પ્રતિભા રાયની ‘યાજ્ઞસેની’ નવલકથાના ‘દ્રૌપદી’ નામે કરેલા અનુવાદ માટે જાણીતાં મુંબઈસ્થિત પ્રતિભા મ. દવેએ પાર પાડ્યું છે. એ ત્રણ અનુવાદ છે : સુભાષચંદ્રની જીવનકથા ‘મહાનાયક’ (૨૦૦૦), મોટા બંધના વિસ્થાપિતોની કથા ‘લોહીનાં આંસુ’ (૨૦૦૩) અને ઐતિહાસિક ‘પાનિપત’ (૨૦૦૫).

રાજસ્થાનનાં ઊંટ પર ૧૯૯૧થી સંશોધન કરનાર અને તેમને ટકાવી રાખવા મથનારાં કર્મશીલ જર્મન મહિલા પશુતબીબ ‘Ise Kohler-Rollefsonના ‘ધ કૅમલ કર્મા : ટ્વેન્ટી યર્સ અમન્ગ ઇન્ડિયાઝ કૅમલ નૉમાડ્સ’ પુસ્તકનો ઉલ્લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૨/૧૧)ના એક લેખમાં વાંચવા મળ્યો. આ લેખ ઊંટોની રાજસ્થાનમાં ઘટતી જતી વસ્તી વિશેનો છે. આ જ અખબાર ‘વિશ્વ હિંદુ પરિષદના કડક જાપ્તા’ને કારણે પુષ્કરના પશુધનમેળામાં વેચાણ ૯૪% ઘટ્યું છે, એવા સમાચાર પણ આપે છે (૩૦/૧૧). ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એ ૧૭/૧૧થી સળંગ ત્રણ દિવસ એ સાબિત કર્યું કે ગૌરક્ષણ દળોની બેલગામ દાદાગીરીને કારણે કાયદેસરના માંસ ઉદ્યોગ, તેની સાથે સંકળાયેલા વ્યવસાયો અને ગરીબો માટેના સસ્તા પોષણયુક્ત આહારને કેટલો મોટો ફટકો પડ્યો છે. ટાઇમ્સે શબ્દરમતના તેના શોખ મુજબ ‘gai pe charcha’ અને  governance to gaivernance જેવા શબ્દપ્રયોગો કર્યા છે.

ગોવામાં યોજયેલા છેતાળીસમા આંતરરાષ્ટ્રીય સિનેમા-ઉત્સવમાં શાસકપક્ષના સત્તાવાદના છાંટા ઊડ્યા. પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(એફટીઆઇઆઇ)ના વિદ્યાર્થીઓએ બનાવેલી ફિલ્મો માટે તેમાં દર વર્ષે રાખવામાં આવતો વિભાગ કાઢી નાખવામાં આવ્યો. અનેક વિદ્યાર્થીઓને પ્રવેશપાસ આપવામાં ન આવ્યા. ઉદ્ઘાટન-સમારોહમાં પાટિયાં બતાવીને વિરોધ કરનારા બે વિદ્યાર્થીઓની સામે પોલીસપગલાં લેવામાં આવ્યાં.  સંસ્થાનું ટી-શર્ટ પહેરીને આવેલા વિદ્યાર્થી આશુતોષ વંદનાને પોલીસે ફિલ્મસ્થળેથી કાઢી મૂકીને તેની અપમાનજનક રીતે પૂછપરછ કરી. આ અત્યાચાર વિશે તેણે ૩૦/૧૧ના  ‘એક્સપ્રેસ’માં લખ્યું અને  એ જ દિવસે દૈનિકે ચોટદાર તંત્રીલેખ લખ્યો ‘અનલાઇક અ ફૅસ્ટિવલ’.

એક્સપ્રેસે ૨૫/૧૧થી ચાર દિવસ એક સમાચારશ્રેણી ચલાવી – ‘ઇનસાઇડ ધ કોટા કોચિંગ ફૅક્ટરી’. આઈઆઇટી અને અન્ય અભ્યાસક્રમોની પ્રવેશપરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે રાજસ્થાનના કોટામાં ચાલતી ખાનગી તાલીમ સંસ્થાઓની કાળી બાજુ આ શ્રેણીમાં રજૂ થઈ છે. સ્પર્ધાના દબાણ હેઠળ બાળકોની થતી દુર્દશાને પત્રકાર અંકિતા દ્વિવેદી જોહરીએ તમામ નામઠામ સાથે ખુલ્લી પાડી છે. ગયાં ત્રણ વર્ષ દરમિયાન આ સંસ્થાઓના દર વર્ષે સરાસરી સોળ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે!  

વીતેલાં વર્ષના છેલ્લા દિવસે હિટલરના આત્મકથાત્મક જાહેરનામા ‘મેઇન કામ્ફ’નો કૉપીરાઇટ પૂરો થાય છે. તે અત્યાર સુધી બેવેરિયા પ્રાંતની સરકાર પાસે હતો અને એણે પુસ્તક ન છાપવાનું નક્કી કર્યું હતું. પણ હવે મ્યુિનકની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી હિસ્ટ્રીએ હિટલરની આત્મકથાની નોંધો સાથેની સટીક આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું છે. ‘એક્સપ્રેસ’ લખે છે કે આ આવૃત્તિ એવી હશે કે હિટલરના પુસ્તકને જ એની સામેનું હથિયાર બનાવશે!

ખાસ કરીને તત્ત્વજ્ઞાન વિષય પરના કચ્છના જાણીતા લેખક માવજી કે.સાવલાનું નવેમ્બરના મધ્યમાં પંચ્યાશી વર્ષની વયે અવસાન થયું. ‘સૉક્રેટીસથી સાર્ત્ર’ અને ‘કિતાબી દુનિયા’ સહિત નાનાં-મોટાં અનેક પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. આ લખનારને ઍટ્ટીની ‘રોજનીશી’ મહત્ત્વનો અનુવાદ લાગે છે. વિચારવલોણું પરિવારે શરૂઆતના ગાળામાં બહાર પાડેલી આ પુસ્તિકાનું પેટાશીર્ષક ‘આસ્થાની આંતરખોજ’ છે. જર્મનીની ઍન  ફ્રૅન્કની જેમ ઍટ્ટી પણ હોલોકૉસ્ટ કહેતા હિટલરના માનવસંહારનો ભોગ બનેલી તરુણી છે. અલબત્ત, તેની ડાયરી ઍનની ડાયરી કરતાં જુદી એ અર્થમાં છે કે ઍટ્ટીનો ઝુકાવ લૌકિક કરતાં અલૌકિક, પાર્થિવ કરતાં આધ્યાત્મિક તરફ વધારે છે એવી મારી છાપ છે. આ હોલોકૉસ્ટ લિટરેચરમાંના એક પુસ્તકની વાત સત્વરે પ્રસ્તુત છે.

૨૨/૨૯ ડિસેમ્બર, ૨૦૧૫

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 08-09

Loading

4 January 2016 admin
← એક હતાં સાવિત્રીબાઈ ફૂલે
કાળાં ડિબાંગ વાદળાં ચારેકોર ઘેરાય ત્યારે →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved