જુલિયસ સીઝર વિશે તવારીખમાં પ્રશસ્તિરૂપ એક પંક્તિ સુખ્યાત છે : He Came, he saw and he conquered. (એ આવ્યો, એણે જોયું અને એ જીત્યો.) પાંચમી ઑગસ્ટે હાલના દિલ્હીશાહોએ જમ્મુ-કાશ્મીર સબબ કલમ ત્રણસો સિત્તેર બાબતે દાખવેલ વલણ અને ભરેલ કદમ અંગે દેશભરમાં રાષ્ટ્રવાદી ઉછાળ (અને ખુદ હુકમરાનોનો મિજાજ) કંઈક એવો જ છે. તે પછી તરતના દિવસોમાં ‘રાષ્ટ્રજોગ સંબોધન’માં વડાપ્રધાને બીજી કેટલીક વાતો સાથે ઘૂંટેલી છાપ એ હતી કે સમસ્યાના મૂળમાં ત્રણસો સિત્તેરમી કલમ હતી અને એ જતાં (જો કે અંશતઃ ચાલુ રહીને) હવે સૌ સારાં વાનાં થશે. અને અલબત્ત, એ સાથે ત્યાં વિકાસ જ વિકાસ હશે.
જ્યાં સુધી વિકાસનો સવાલ છે, જમ્મુ-કાશ્મીરમાં પ્રજાવર્ગો વચ્ચે જે વિષમતા સ્વરાજના બોંતેર વરસે છે તે બાકી ભારતથી તત્ત્વતઃ ઓછી નથી. બેત્રણ કુટુંબો બધું ચરી ગયાં એવી લાગણી વડાપ્રધાને પણ બોલી બતાવી એમાં દેશભરના, રિપીટ, દેશભરના રાજકીય-શાસકીય અગ્રવર્ગે પ્રજાને ભોગે ચલાવેલ ભ્રષ્ટાચાર કરતાં તાત્ત્વિક રીતે શું જુદું છે, કોઈ તો કહો. વિકાસ અને ભ્રષ્ટાચાર સંદર્ભે બે પેરેલલ, લગરીક હટકે : આપણે જાણીએસમજીએ છીએ કે વિકાસની ચર્ચાને નકરી જિડિપીબધ્ધ નહીં રાખતાં માનવ વિકાસ આંકની રીતે પણ વિચારવું જોઈએ. આ નિકષ લાગુ પાડીએ તો એક હેરતઅંગેજ હકીકત એ છે કે દેશનાં સંખ્યાબંધ રાજ્યો કરતાં માનવ વિકાસ આંકમાં જમ્મુ-કાશ્મીર આગળ છે. અને ભ્રષ્ટાચાર: જમ્મુ-કાશ્મીરના રાજકીય અગ્રવર્ગની બચાવબ્રીફ તરીકે નહીં પણ એક વિગત તરીકે અહીં નોંધવું જોઈએ કે ઇલેક્ટોરલ બોન્ડની દાતા યાદી ગુપ્ત રાખવામાં ભા.જ.પ. અને કૉંગ્રેસ એકમત છે. જ્યાં સુધી કોર્પોરેટ વિભાગ મારફત નાણાંપ્રાપ્તિનો સવાલ છે, છેલ્લાં વર્ષોમાં ભા.જ.પ. વિધિવત્ મોખરે છે.
હાલના પ્રાયોજિત અને પ્રેરિત એટલા જ કંઈક સ્વયંભૂ જેવા રાષ્ટ્રીય મિજાજ વખતે આ બધું કહેવું કંઈક એકલા પડી જવા જેવું કે ટીકાનિશાન બનવા જેવું લાગે તે આ લખનાર સમજે છે. તેમ છતાં, તે કહેવાનો આશય કોઈ વીરનાયકીનો નથી. હા, આખી વાત એકંદર પરિપ્રેક્ષ્યમાં જોઈને મૂકતા થઈએ તે માટેની એ એક ચેષ્ટા જરૂર છે.
૩૭૦ વિશે એટલું બધું બોલાયું અને લખાયું છે આ દિવસોમાં કે એની વિગતોમાં નહીં જતાં ઉતાવળે એટલું જ ઇતિહાસદર્જ કરીશું કે ભારત સંઘમાં જોડાવા બાબતે આનાકાનીની ભૂમિકાએ કીમતી સમય ગુમાવનાર મહારાજા હરિસિંહ આખરે (પાક આક્રમણની કૃષ્ણછાયામાં) સમ્મત થયા ત્યારે એમના આગ્રહથી દસ્તાવેજબધ્ધ સ્પષ્ટતા આ હતી : Nothing in this instrument of accession shall be deemed to committ me to acceptance of any future Consititution of India or to fetter my discretion to enter into arrangements with the government of India under any such future Constitution. (આ જોડાણખતથી ભારતના ભાવિ બંધારણ બાબતે મારી કોઈ પરબારી સંમતિ મળી ગણાશે નહીં – અને આવા કોઈ ભાવિ બંધારણ હેઠળ ભારત સરકાર સાથે કશી ગોઠવણમાં જોડાવા ન જોડાવા અંગે મારી મુનસફીને તે બંધનકર્તા લેખાશે નહીં.)
જવાહરલાલ નેહરુ અને શેખ અબદુલ્લાને ૩૭૦ સહિતનો સઘળો યશ એટલે કે અપયશ ખતવવાનો જે સત્તાવાર રવૈયો છે એને મહારાજા હરિસિંહના આ વલણના સંદર્ભમાં તપાસવો ઘટે છે. જ્યાં સુધી વલ્લભભાઈનો સવાલ છે, મુત્સદ્દી તરીકેની એમની મહારત અને લોહપુરુષ-પ્રતિભા વિદિત અને સ્વીકૃત છે. ભાગલા પડી રહ્યા છે ત્યારે મુસ્લિમમબહુલ કાશ્મીર ખીણ પાકિસ્તાનમાં જાય તો એમાં આપણે આડે આવવાનું કોઈ કારણ નથી એવો એમનો અધીન મત રિયાસતી મામલામાં એમના વિશ્વાસુ સાથી વી.પી. મેનને અને મંત્રી વી. શંકરે નોંધેલો છે. પાકિસ્તાનની આક્રમક કારવાઈથી ચિત્ર બદલાયું અને ૩૭૦ને રસ્તે ચડવાનું થયું ત્યારે નેહરુ પરદેશ હતા અને અહીં સઘળો ફોલો અપ સરદારની નિગેહબાનીમાં ગોઠવાયો હતો. ઇતિહાસવસ્તુ તરીકે તો, પાછળથી, પટેલના માઉન્ટબેટન જોગ એ ઉદ્ગારો પણ નોંધવા જોઈએ કે એક તબક્કે તમે સૂચવ્યું હતું તેમ કાશ્મીરનું વિભાજન સ્વીકાર્યું હોત તો ઠીક થયું હોત. (અલબત્ત, નેહરુના યુનો નિર્ણયને વલ્લભભાઈ ભૂલ ગણતા હતા.)
અહીં નેહરુ વિશેના મૂલ્યાંકનમાં વિચારણીય હોઈ શકતો એક વળાંક પણ બુનિયાદી સમજની સફાઈ સારુ ઉલ્લેખવો જોઈએ. નેહરુએ જમ્મુ-કાશ્મીર સમગ્રનો આગ્રહ રાખ્યો તે એક રીતે હાલના ‘૩૭૦ હટાઓ’ની હિંદુત્વ રાજનીતિ અંતર્ગત રાષ્ટ્રવાદી વલણનો હતો જે આરંભે વલ્લભભાઈનો નહોતો. આંબેડકર પ્રધાનમંડળ છોડી ગયા કેમ કે વડાપ્રધાન નેહરુ હિંદુ કોડ બિલ આંબેડકરના આગ્રહ પ્રમાણે અબઘડી પસાર કરાવવા તૈયાર નહોતા. જો સંઘ પરિવારની પ્રિય શબ્દાવલી બીજે છેડેથી વાપરીએ તો આંબેડકર ચોક્કસ કહી શકે કે આ કિસ્સો નેહરુ અને કૉંગ્રેસ શ્રેષ્ઠીઓને પક્ષે હિંદુ તુષ્ટીકરણનો હતો.
હાલના હાકેમો સ્વાતંત્ર્યસંગ્રામના સર્વાધિક નોંધપાત્ર હોઈ શકતા સેનાનીઓને આરોપીના પાંજરામાં મૂકવા જરી વધારે જ ઉત્સાહી માલૂમ પડે છે, એમને સામસામે મૂકી મારા વિ. તમારા કરવા તડેપેંગડે છે, અને એ માટે ઇતિહાસની તોડમરોડનો એમને બાધ નથી એ બધું યથાપ્રસંગ યથાવકાશ ચર્ચીશું. માત્ર, કાશ્મીર હમણાં ચર્ચામાં છે એટલા પૂરતું કેટલાક ઉલ્લેખ કરી લેવા જોઈએ, માટે આટલું.
અને બે શબ્દો ૩૭૦ વિશે. ૨૦૧૮ સુધી સર્વોચ્ચ અદાલતના એકાધિક ફેંસલામાં તે અફર કલમ મનાયેલ છે. અત્યારે પણ એની નાબૂદી સામે સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલ થઈ છે. આ ક્ષણે, જો કે, એ અંગે કાનૂની પેચમાં નહીં જતાં લક્ષમાં રાખવાની વિગત એ છે કે સર્વોચ્ચ અદાલત અને ચૂંટણી પંચ સહિત ભારત સંઘની ઉચ્ચ સંસ્થાઓની આણ ઉપરાંત સંખ્યાબંધ વાનાંની રીતે આ કલમ વહેવારમાં છેક જ ઘસાઈ ગયા જેવી છે. માત્ર, અમારી પાસે કંઈક છે એવી કાશ્મીર છેડે પ્રવર્તતી લાગણી અને એકતા ઓછી છે અથવા નથી એવી દિલ્હી છેડે હોઈ શકતી લાગણીઃ ૩૭૦, આમ, વાસ્તવિક કમ અને મનોવૈજ્ઞાનિક વધુ એવો મામલો છે.
ઓછી એકતા અગર નહીંએકતાનું આ મનોવાસ્તવ હાલના હાકેમો હસ્તક વધુને વધુ વળ અને આમળા ચડાવી ઓર અથાતું વરતાતું હોય તો તે એમણે રાષ્ટ્રવાદના વ્યવહાર અને વિચારની જે વ્યાખ્યા કરી છે એને આભારી છે. કૉંગ્રેસ દ્વિધાવિભક્ત પેશ આવતી જણાતી હોય તો તે ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચલિત થવાને આભારી છે.
વસ્તુતઃ અને તત્ત્વતઃ સ્વરાજસંગ્રામ દરમિયાન અને સ્વરાજના ઉષઃ કાળનાં વર્ષોમાં કાચીપાકી જે પણ રાષ્ટ્રવાદની સર્વસમાવેશી અને મોકળાશભરી એકંદરમતી બની એને નવા સંદર્ભમાં જરૂરી શોધન-સંમાર્જનપૂર્વક આગળ લઈ જવાની જરૂર છે. જમ્હુરિયત, કાશ્મીરિયત, ઇન્સાનિયતની વાજપેયી ત્રિસૂત્રી આ ધારામાં હતી. (દેશબાહ્ય પરિબળો અને એમની સાથે અહીં ભળેલા થકી થતી હરકત એક જુદો સવાલ છે. પરંતુ ઘરઆંગણે આપણે હમણાં સૂચવેલો અભિગમ હોય તો આ હરકતને પહોંચી વળવાનું દુઃસાધ્ય હશે, અસાધ્ય નથી.) પી.ડી.પી. સાથે મળીને રાજ ચલાવવાના પ્રયાસમાં આ ત્રિસૂત્રી અભિગમ બેઉ પક્ષે કેળવાઈ શક્યો હોત તો કશુંક ધોરણસર બનવાની શક્યતા હતી. ઇશાન ભારત આખું કેટલું અન્ આશ્વસ્ત અને સંત્રસ્ત છે એનો અંદાજ હોય તો તીક્ષ્ણ દંડથી હટી યથાર્હ દંડની રીતે રાજવટ ગોઠવવાની અને રાષ્ટ્રવાદને નમનીય બનાવવાની રગ જરૂર શક્ય છે, પણ –
ઑગસ્ટ ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 01-02