ગામ છોડી નગર નગર રઝળે;
વેઠિયા બસ લઘરલઘર રઝળે.
આંગળી છૂટતા ગઈ છૂટી,
એક માતા ડગર ડગર રઝળે!
કોઈને કોઈની પડી છે ક્યાં?
જિંદગી જિંદગી વગર રઝળે.
ઘર જો હોતે તો એ ય ઘરમાં હોત,
ઘરવિહોણા જે હાડ-ઘર રઝળે.
બારણું કોઈ તો ખૂલે ‘બેદિલ’,
ચાર રસ્તે સતત નજર રઝળે.
(પાર્થમાં ગણના તમારી, પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ, પ્રકાશ્ય)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020