
રાજ ગોસ્વામી
દેશના પ્રસિદ્ધ માયથોલોજી લેખક દેવદત્ત પટ્ટનાયક ભગવાન રામને મહત્ત્વાકાંક્ષા વગરના રાજા ગણે છે. અને તે તેમનો સૌથી આદરપાત્ર ગુણ છે. મહત્ત્વાકાંક્ષા પ્રગતિનું ચાલક બળ છે તે સાચું, પરંતુ તે લાલચ અને કુટિલતાની પણ જનક છે. રામ એ અર્થમાં સંતુષ્ઠ રાજવી છે, મહત્ત્વાકાંક્ષી નહીં, અને એટલે જ તેઓ ભૌતિકવાદની વર્તમાન દોડમાં સૌથી આદર્શ વ્યક્તિત્વ છે.
પટ્ટનાયક લખે છે, “વિશ્વના આજના મહત્ત્વાકાંક્ષી અબજોપતિઓને જુવો. તેમની પાસે દુનિયામાં અન્ય કોઈની સરખામણીએ વધુ સંપત્તિ છે, પરંતુ તેમનામાં હજુ પણ પૈસા અને પ્રગતિની ભૂખ છે. આનું કારણ એ છે કે આધુનિક સમાજ અનહદ વિકાસની જેમ અસીમ મહત્ત્વાકાંક્ષાને બીમારીને બદલે સદ્દગુણ તરીકે જુએ છે.”
તમારી પાસે બે ટંક ખાવાનું ના હોય ત્યારે મહત્ત્વાકાંક્ષા હોય તેમાં કશું ખરાબ નથી, પરંતુ તમારી સાત પેઢી ખાય તેટલી સંપત્તિ હોય ત્યારે પણ તમને ‘હવે બસ થયું’ એવું ના થતું હોય તો તેવી મહત્ત્વાકાંક્ષા કઈ રીતે આદર્શ કહેવાય?
એ દૃષ્ટિએ ભગવાન રામ સંતોષી રાજા છે- તે ખાતા નથી, ખવડાવે છે. તપસ્વી રાજા આને કહેવાય. રાવણ મહત્ત્વાકાંક્ષી છે. એવું નથી કે તે તવંગર રાજા હતો. તે તો સોનાની લંકાનો શાસક હતો, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા લોભ અને સ્વાર્થથી રંગાયેલી હતી.
‘રામાયણ’માંથી કશું આત્મસાત કરવા જેવું હોય, તો તે આ બે વિરોધાભાસી રાજાઓના ગુણ અને અવગુણ છે. રામ આપણને જીવનમાં શું ઉતારવા જેવું છે તે શીખવે છે, જ્યારે રાવણ શેનાથી દૂર રહેવા જેવું છે તે શીખવે છે.
સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને દમનકારી હોય છે.
બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે. રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર સ્વાર્થની વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે.
રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી. એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.
રામ તેમના આદર્શ માટે સત્તાનો ત્યાગ કરે છે. રાવણ આવું કરી શકે? સંતોષી અને સ્વાર્થી રાજા વચ્ચે આ ફર્ક છે. ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પરંતુ આપણી રાજનીતિ અને અર્થવ્યવસ્થા મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? કેટલા ધનકુબેરો ગરીબો માટે ખજાનો ખુલ્લો મુકશે?
અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, “આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુવો.”
જે ગુણો-દુર્ગુણો વચ્ચે રામાયણની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. રાવણ લંકાની સત્તામાં છે, અને એને એનો નશો છે. રામ ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે અને કોસલ રાજ્યને ઉચિત શાસન આપવા માંગે છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ રામને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે એવી સમજ આજના ચિંતકો અને મનોવૈજ્ઞાનિકોને છે.
જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતિક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય.
સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું.
ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો હોય, તો એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. સિંહ પ્રતિકૂળ સ્થિતિમાં આરામથી પાછો વળી જાય છે. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.
મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) બદલે, તેનો સ્ટોક વધારતા જાય. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે.
સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશીપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રીઝલ્ટ છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર