Opinion Magazine
Number of visits: 9732792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગ-રાગ, હોળી ગીતોની રેલમછેલ ના મારો શ્યામ પિચકારી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 March 2021

હૈયાને દરબાર –

ફાગણ ફોરમતો આયો
આયો રે આયો …
ફાગણ ફોરમતો આયો …!

ચારેકોર ઘૂમતાને લઈ લઈ પિચકારી
હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છૂટે લાડકડો લાડ લૂટે,
ઉરમાં ઉમંગ સમાયો ..!

રંગ અને ઉમંગનો તહેવાર હોળી નજીક આવે ત્યારે આ ફાગણિયું ગીત અચૂક યાદ આવે. ગુજરાતી ભાષામાં ફાગણનો આગવો મિજાજ રજૂ કરતાં અઢળક ગીતો છે. હોળી ગીતોમાં ય અપાર વૈવિધ્ય છે. ઉત્તર પ્રદેશનાં મથુરા-વૃંદાવન અને બરસાનાની હોળી અતિ પ્રખ્યાત છે જ, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા હિન્દી બેલ્ટ તથા ગુજરાતમાં ય હોળીનું અદકેરું મહત્ત્વ છે. પ્રકૃતિ આપણને દરરોજ નવું જીવન આપે છે, દરેક રંગને પોતાનામાં સમાવી લેવાની તક આપે છે. ફાગણમાં પ્રકૃતિને મન ભરીને માણી લઇ, આપણામાં રહેલી વર્ષોની શુષ્કતામાં લીલાશ ભરી દઇને કેસૂડાના રંગથી રંગાવાનો આ અવસર છે.

હોળી-ધુળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ. દેશ હોય કે વિદેશ હોય, આજે ય આ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઊજવાય છે. ચોતરફ રંગોનું સામ્રાજ્ય અને રંગીન વાતાવરણમાં સર્જાતું અનોખું કલરફુલ દૃશ્ય સૌને રોમાંચક બનાવે છે. ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની જુદી જુદી રીત છે. દરેકની ભાવના તો એક જ છે કે હોળી પ્રગટાવીને આસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. આ ઉપરાંત હોળી સાથે સંગીત તો હોય જ. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હજુ ય હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત સુધી તેની આસપાસ બેસીને ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે. તેને હોળીના ‘ફાગ’ તરીકે ઓળખવામાં આવે છે. હોળીના ફાગ એક રીતે વસંતોત્સવનું પ્રતીક છે. તેમાં થોડીક શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીઓ વચ્ચે રમાતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. આ ગીતો મોટા ભાગે વ્રજ ભાષામાં હોય છે. ગુજરાતી, હિન્દી અને અન્ય ભારતીય ફિલ્મોમાં હોળીનાં ગીતો છે તેમ જ ભારતના મહાન ભક્ત કવિઓએ હોળીનું વર્ણન કરતાં ભજનો લખ્યાં છે.

હોળીનાં લોકગીતો એ ઉત્તર ભારતના લોકો માટે અત્યંત લોકપ્રિય લોકગીતો છે. આ ગીતોમાં હોળી રમવાનું વર્ણન આવતું હોય છે. આ ગીતો હિંદી ભાષા ઉપરાંત વ્રજ ભાષા, રાજસ્થાની, પહાડી, બિહારી, બંગાળી વગેરે અનેક પ્રદેશોની અનેક ભાષાઓ અને બોલીઓમાં ગાવામાં આવે છે. આ ગીતોમાં દેવીદેવતાઓના હોળી રમવાથી લઇને અલગ અલગ શહેરોમાં લોકો હોળી રમે તેનું વર્ણન આવતું હોય છે. દેવીદેવતાઓમાં રાધા-કૃષ્ણ, રામ-સીતા તથા શિવ દ્વારા હોળી રમવાનાં વર્ણન જોવા મળે છે. આ સિવાયનાં અન્ય લોકગીતોમાં હોળીના તહેવારના વિભિન્ન રિવાજોનાં વર્ણન પણ જોવા મળે છે.

આ લોકગીતો શાસ્ત્રીય અથવા ઉપશાસ્ત્રીય સંગીતમાં ધ્રુપદ, ધમાર, ઠૂમરી કે ચૈતી રાગોમાં ગવાતાં હોય છે. આજે એવાં કેટલાંક સુંદર હોરી ગીતો વિશે વાત કરવી છે.

હોરી ગીતો ઉત્તર પ્રદેશ-બિહારમાં ગવાતાં ઉપશાસ્ત્રીય ગીતો છે. ઠૂમરી અને દાદરા સ્વરૂપે એ ગવાય છે. બનારસ, મિરઝાપુર, મથુરા, અલાહાબાદ અને બિહારના ભોજપુર પ્રદેશમાં એ ધમાર તરીકે ઓળખાય છે. ધમાર શૈલીમાં ગવાતાં હોરી ગીત મોટે ભાગે રાધા-કૃષ્ણની લીલા તથા હોળીના તહેવાર સાથે સંકળાયેલાં છે.

હોરી ગીતની વાત કરીએ ત્યારે કૌમુદી મુનશી યાદ આવ્યા વિના રહે નહીં. એમની પાસે ઉત્તર પ્રદેશનાં હોરી, ચૈતી, કજરી, દાદરા ગીતોનો ખજાનો હતો. એમનાં શિષ્યો સુરુચિ મહોતા, ઉપજ્ઞા પંડ્યા, નેહા ચિમ્મલગી અને જાહ્નવી શ્રીમાંકર પાસે એમાંનો થોડો પ્રસાદ હશે, પરંતુ કૌમુદીબહેનને કંઠે હોરી-કજરી-ઠૂમરી સાંભળવાં એ એક લહાવો હતો. એવું જ અન્ય નામ છે ધનાશ્રી પંડિત રાયનું. બુલંદ અને કેળવાયેલા કંઠે એ હોરી-રસિયા-ચૈતી ગાય તો મથુરા-વૃંદાવનનું આખું વાતાવરણ નજર સમક્ષ તાદૃશ થઈ જાય. કૌમુદીબહેનને યાદ કરતાં જ ધનાશ્રી પંડિત રાય કહે છે, ‘કૌમુદીબહેન બનારસનાં એટલે એમણે એ વાતાવરણ જોયું તો હશે જ પણ તેઓ બરાબર ઉત્તર પ્રદેશની શૈલીમાં ગાતાં હતાં. નિનુ મઝુમદારે લખેલી એક અનોખી ઠૂમરી મને ખૂબ ગમે છે. એના શબ્દો છે;

કૈસે મૈં ખેલું હોરી, અરે મોરે શ્યામ પે દૂજો રંગ ચઢે ના,
અબીર ગુલાલ કા રંગ ચઢે ના, ના લાગે પિચકારી
જીતનો રંગ મૈં લાયી બિરજ મેં, ઉતનો ડાર કે હારી …!

આવા શબ્દો હોરી ગીતમાં ઓછા જોવા મળે છે.’

હોરી ગીતો વિશે ધનાશ્રીજી રસપ્રદ વાત કરતાં કહે છે, ‘હોરી ગીતોમાં જીવનના ઘણા રસ સમાઈ જાય છે. હોરી ગીત એ આમ તો લોકગીતો જ હતાં, પરંતુ મોગલ કાળમાં એ દરબારમાં ગવાઈને પોલિશ્ડ થયાં. એની ગાયકીમાં વૈવિધ્ય આવ્યું. પછી એ ગીતોની ગણના ઉપશાસ્ત્રીય ઠૂમરી તરીકે થવા લાગી. આ ગીતોમાં મહદંશે છેડછાડનો ભાવ રહ્યો હોય છે, કારણ કે જે સમયે ઠૂમરી શૈલી ઉદ્ભવી એ વખતે સ્ત્રીઓનું સામાજિક સ્થાન બહુ પાછળ હતું. મુક્તપણે એ હરીફરી શકે નહીં એટલે હોળી જ એક એવો તહેવાર હતો જ્યારે સ્ત્રીને બહાર નીકળવાની છૂટ હતી. સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમને ધુળેટીના દિવસે વ્યક્ત થવાનો મોકો આપોઆપ મળી જતો એટલે તમે જોયું હશે કે હોળી ગીતોમાં મીઠી છેડછાડ, અછડતા સ્પર્શની ઉત્તેજના વગેરે ખૂબ જોવા મળે છે. અલબત્ત, એમાં વિરહ રસ પણ છે જેમ કે, ‘કૈસે ખેલુંગી મૈં હોરી, બાલમ નહીં આયે!’ કૃષ્ણ કનૈયો ગોપીઓ સાથે હોળી રમે ત્યારે ક્યારેક ગોપીઓમાં કે રાધામાં છૂપી ઈર્ષાનો ભાવ જોવા મળે છે. એ ભાવ વ્યક્ત કરતી ઠૂમરી પણ છે. વાત્સલ્ય ભાવની એક ઠૂમરી છે જેમાં માતા યશોદા ગોપીઓને કહે છે કે મારા કેલૈયા કુંવર સાથે જરા હળવેથી હોળી ખેલજો કે જેથી એને ઈજા ન પહોંચે. સેલિબ્રેશન અથવા ઉજવણી તો હોરી ગીતોનો સ્થાયી ભાવ છે. નાયિકા કહે છે, ‘મૈં ખેલુંગી ડટ્ટ કે હોરી …!’ આમ, અનેક ભાવસભર ઠૂમરી આપણને સાંભળવા મળે છે. મારાં ફેવરિટ હોરી ગીતોમાં ‘અખિંયન ન ડારો જી ગુલાલ નંદલાલ, મૈં તો ખેલુંગી ઉન્હી સંગ હોલી’ તથા ‘આજ બિરજ મેં હોલી રે રસિયા ..!’ સૌપ્રથમ આવે. ‘આજ બિરજ મેં હોલી …’ તો સૌથી વધુ લોકપ્રિય છે.’

શોભા ગુર્ટુએ ગાયેલી ‘આજ બિરજ મેં હોલી, હોલી ખેલન કૈસે જાઉં’, ગિરિજાદેવીની ઠૂમરી ‘ઉડત અબીર ગુલાલ’ જેવી અનેક ઉપશાસ્ત્રીય રચનાઓ હોળીનો રંગીન મૂડ સર્જે છે.

તાજેતરમાં સ્વરકાર ગાયક આશિત દેસાઈએ લખેલું સુંદર હોરી ગીત સાંભળ્યું. સ્ટુડિયોમાં જઈને ગીત રેકોર્ડ કરી લેવાનું એવું તો હવે રહ્યું નથી એટલે ગીતનો આકર્ષક વીડિયો પણ બને. આશિતભાઈની આ હોરી ઠૂમરી આલાપ દેસાઈએ બહુ જ કર્ણપ્રિય કમ્પોઝ કરી છે. રાગ અભોગી, બાગેશ્રીની આછી અસર ધરાવતી આ ઠૂમરી; ‘ના મારો શ્યામ પિચકારી, મોરી ભીગે ચુનરિયા સારી …’ના વીડિયોમાં વર્સેટાઈલ ગાયિકા હિમાલી વ્યાસ નાયકે કંઠ આપ્યો છે. આશિત દેસાઈએ કેટલાંક ગરબા-ગીતો લખ્યાં છે એ ભાગ્યે જ લોકોને ખબર હશે. ધુળેટીના દિવસે પ્રસિદ્ધ થનારા આ ગીતમાં હોળીના રંગ-રાગ નૃત્ય સાથે હિમાલીનો મુલાયમ કંઠ સાંભળવા મળશે. આ હોરી ગીત વિશે આલાપ દેસાઈ કહે છે, ‘મારા પિતા આશિત દેસાઈ વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ નર્તક પંડિત દુર્ગાલાલજીના કથક નૃત્ય સાથે આ ઠૂમરી રજૂ કરતા હતા. એમણે આ ઠૂમરી રાગ કાફીમાં કમ્પોઝ કરી હતી. ત્રણ-ચાર વર્ષ પહેલાં હું લંડન ગયો ત્યારે કોઈક પ્રોગ્રામ માટે તાત્કાલિક ઠૂમરી કમ્પોઝ કરવાની હોવાથી મારી ડાયરીમાં મને આ ઠૂમરી, ‘ના મારો શ્યામ પિચકારી …’ મળી આવી. હિમાલી મારી સાથે એ પ્રોગ્રામમાં હતી એટલે તાત્કાલિક એની પાસે ગવડાવી. ત્યારથી મનમાં વિચાર હતો કે આ ગીતને વિઝ્યુઅલી સરસ રીતે રજૂ કરવું. અને હોરી ગીત માટે હોળીથી વધારે ઉત્તમ સમય કયો હોઈ શકે? તેથી આ ધુળેટીએ અમે આ હોરી ગીત રિલીઝ કરીશું.’

આમ, સેમી ક્લાસિકલ ઠૂમરીમાં હોરી ગીતોનું માહાત્મ્ય ખૂબ છે. જુદા જુદા કલાકારોનાં ઉપશાસ્ત્રીય હોરી ગીત ઈન્ટરનેટ પર મળી જ જશે. ‘રંગ બરસે …’ જેવાં ફિલ્મી ગીતો કે ‘હોળીનો પૈસો આલો નવાઈલાલ’ જેવાં અનેક ગુજરાતી હોળી ગીતો આપણા સંગીતમાં છે, છતાં આ ઉપશાસ્ત્રીય હોરી ગીતોની મજા જુદી જ છે. કૌમુદી મુનશીના કંઠે ઓથેન્ટિક બનારસી ઠૂમરી સાંભળવા મળે, ધનાશ્રી પંડિત રાયની ઠૂમરીમાં વિવિધ રસ માણવા મળે અને યુવા પેઢીને આકર્ષવા માટે હિમાલી જેવા યુવા કલાકારો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરે. મૂળ મુદ્દો એ છે કે તમને જે સ્વરૂપ ગમે એ, પણ હોરી ગીતો જરૂર સાંભળો. તહેવાર ઉમંગમય બની જશે.

પ્રિય વાચકોને હોળી-ધુળેટીની રંગમય-સંગીતમય શુભેચ્છાઓ!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 માર્ચ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687467  

Loading

25 March 2021 admin
← એક જજ લોકતંત્ર, ન્યાય અને અંતરાત્માનો સોદો રાજ્યસભાની બેઠકની લાલચમાં કરી દે તો, શું કરશો ?
સરકાર લોકોને હોળીનું નાળિયેર બનાવી રહી છે… →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved