રાજા બની ગયો છું, સૌને હવે સતાવું,
સાક્ષી વિના બધાને શૂળી ઉપર ચઢાવું.
હિંમત નથી તમારી, અમથા મરી જવાના,
સામે પડો વિચારી, જેલો ભરી ડરાવું.
મિત્રો બધા ય મારા આવી સલામ કરશે,
આપી ઘણા ખિતાબો ઈર્ષા થકી લડાવું.
જે આંધળા હશે ને, લુચ્ચી શિયાળ જેવા,
એવા પ્રધાન મારા, શોધી અને બનાવું.
માનો નહીં હકૂમત, મારા સ્વરાજની તો,
આવો નજીક લોકો, ઘા 'સાજ'ના બતાવું.