
ચંદુ મહેરિયા
૨૦૨૪-૨૫ના નવા શૈક્ષણિક વરસની શરૂઆત થઈ ગઈ છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પછી સત્ર શરૂ થતાં જ રેગિંગના સમાચારો પણ આવવા માંડશે. રેગિંગ આમ તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતાં નવાં વિદ્યાર્થીઓને જૂના વિદ્યા ર્થઓ દ્વારા આવકારવાની પ્રથા છે, પરંતુ આવકારની તેમની રીત પરપીડાથી ક્રૂર આનંદ મેળવવાની છે. રેગિંગને કારણે નવા દાખલ થતા વિદ્યાર્થીઓના મનમાં માનસિક ડર, ભય અને આશંકા જન્મે છે. તેમણે શારીરિક ઈજા, પરેશાની અને હેરાનગતિ સહન કરવી પડે છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાંથી રેગિંગનો ડર જીવનભર જતો નથી. ક્યારેક તેમને અભ્યાસ છોડી દેવો પડે છે. ઘણીવાર રેગિંગને કારણે થતી સતામણી એ હદની હોય છે કે ભોગ બનેલ ગંભીર ઈજા કે મૃત્યુ પણ પામે છે. કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરે છે. રેગિંગ એટલે તો સિનિયર્સ દ્વારા જુનિયર્સની થતી નિર્દોષ મજાક – મશ્કરી અને ધમાચકડી છે. પણ વાત ઈજા, મૃત્યુ અને આત્મહત્યા સુધી પહોંચતા હવે રેગિંગ કુખ્યાત પ્રથા બની ગઈ છે, કાયદેસર ગુનો છે અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.
રેગિંગ મૂળે તો પશ્ચિમની અવધારણા છે. યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં તે આરંભાઈને વિશ્વભરમાં પ્રસરી છે. ભારતમાં બ્રિટિશકાળમાં તે શરૂ થઈ હતી અને તેના મૂળિયાં એટલાં તો ઊંડા છે કે આખી દુનિયામાં રેગિંગનું સૌથી ખરાબ અને ક્રૂર સ્વરૂપ ભારતમાં જોવા મળે છે. જો માનવીની કલ્પનાને કોઈ સીમા ન હોય તો તેની વિકૃત કલ્પના જ્યારે સીમા કે મર્યાદાહીન બને, હાનિરહિત મનોરંજન કે હસી-મજાકનો રેગિંગનો ઉદ્દેશ અમાનવીય અને યાતનાપૂર્ણ બને, શાલીનતા, શિસ્ત અને નૈતિકતાને તડકે મૂકે ત્યારે તે કેટલું ભયાનક હોઈ શકે તેનો અનુભવ રેગિંગપીડિત ભારતીય યુવાઓને વરસોવરસ થાય છે.
કોલેજો અને યુનિવર્સિટીઓમાં જુનિયર્સને સિનિયર્સ દ્વારા માથામાં તેલ નાંખી વિચિત્ર હેરસ્ટાઈલ અને કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા કહેવું, અશ્લીલ શબ્દો કે ફિલ્મી ડાયલોગ બોલાવવા, ગામઠી કે અન્ય વસ્ત્રો પહેરવા, પુરુષને સ્ત્રીના કે સ્ત્રીને પુરુષનાં વસ્ત્રો પહેરાવવા, સિનિયર્સને અપમાનજનક ભાષામાં બોલાવવા, જૂના વિદ્યાર્થીના કપડાં ધોવા, કપડાંને ઈસ્ત્રી કરવા, હોસ્ટેલના તેમના રૂમની સફાઈ કરવા, જર્નલ્સ કે એસાઈમેન્ટ લખવા કહેવું, ફિલ્મી કલાકારોની મિમિક્રી કરાવવી, જૂના ભજનો ગવડાવવા જેવા થોડા સહ્ય કે જુનિયર્સને અસહજ લાગે તેવાં કામો કરાવવામાં આવે છે અને બધા સાથે મળી આનંદ માણે છે. પરંતુ ઘણીવાર તેમાં મર્યાદા ભંગ થાય છે અને જુનિયર્સને શરાબ કે નશીલી ચીજોનું સેવન કરાવવામાં આવે છે , મારવામાં આવે છે અને અસહ્ય યાતના આપવામાં આવે છે ત્યારે રેગિંગનું સૌથી ભયાનક સ્વરૂપ સામે આવે છે.
તમિલનાડુના કોઈમ્બતુરની પી.એસ.જી. કોલેજ ઓફ ટેકનોલોજીના એન્જિનિયરીંગના આઠ સિનિયર્સે રેગિંગમાં એક જુનિયર્સ પાસે દારુ પીવા પૈસા માંગ્યા. પેલાએ ના આપ્યા તો તેને બેલ્ટ વડે સખત માર્યો. એનું માથું અસ્ત્રાથી મૂંડી નાંખ્યું, હોસ્ટેલના રૂમમાં તેને કલાકો સુધી ગોંધી રાખ્યો. પીડિત વિદ્યાર્થી માટે આ પીડા અસહ્ય હતી. એટલે તેણે પોલીસ ફરિયાદ કરી. રેગિંગ કરનારા છાત્રોએ માફી માંગી ભૂલ સ્વીકારી અને આવી ભૂલ ફરી ક્યારે ય નહીં કરવાનું વચન આપ્યું. નવેમ્બર-૨૦૨૩ના આ બનાવની મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. વેંકટેશે આરોપી યુવાનોને કહ્યું કે જો ઈજનેરીનું ભણતા છાત્રો આવા ઘૃણિત કાર્યોમાં લિપ્ત હોય તો તમે અભણ રહોને, ભાઈ. તમારા ભણવાનો શું અર્થ છે.
ભારતીય દંડ સંહિતા અને કેટલાક રાજ્યોના રેગિંગ વિરોધી કાયદા પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓને સજા અને દંડ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા ઘડી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિયમો બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓ પર માઠી અસર કરનાર રેગિંગના દૂષણ અંગે પ્રવેશ ફોર્મમાં જ સ્પષ્ટતા કરવા સુપ્રીમે જણાવ્યું છે. રેગિંગમાં ન જોડાવા વિદ્યાર્થી અને વાલી પાસે લેખિત ખાતરી પણ માંગવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓને તેના વડાના અધ્યક્ષસ્થાને એન્ટી રેગિંગ કમિટી બનાવવી ફરજિયાત છે. તેમાં જૂના-નવા વિદ્યાર્થી, વાલી, સંસ્થાના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફના પ્રતિનિધિઓ સભ્યો હોય છે. રેગિંગ સંસ્થાની પ્રતિષ્ઠાને ખરડે છે અને તેની છાપ બગડે છે તેથી સંસ્થાઓ પણ રેગિંગ અટકાવવા માટે પૂરતા સાવચેતીના પગલાં લે તે જરૂરી છે.
કેન્દ્ર સરકારનો પ્રિવેન્શન ઓફ રેગિંગ એકટ , ૧૯૯૭ અને તેમાં સુધારા, અડધો ડઝન રાજ્ય સરકારોના કાયદા અને ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર મૂકેલ પ્રતિબંધ છતાં આ દૂષણને ડામી શકાયું નથી. કેનેડા અને જાપાનમાં રેગિંગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયું છે. દુનિયાના ઘણા દેશોમાં પણ તે હયાત નથી. પરંતુ ભારત અને શ્રીલંકામાં આજે ય રેગિંગ તેના ભયાનક રૂપે યથાવત છે. માર્ગદર્શિકાઓ અને કાયદા છતાં તે અટક્યું નથી. ઉચ્ચ શિક્ષણની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજોમાં તે સવિશેષ જોવા મળે છે.
છત્તીસગઢમાં ૫ વરસની, ત્રિપુરામાં ૪ વરસની, કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કાયદામાં ૨ વરસની કેદ અને રૂ.૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ના દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રેગિંગ વિરોધી કાયદો તો ઘડાયો નથી, પરંતુ તે અંગેની ગાઈડલાઈનમાં ૨ વરસની કેદ અને ૧૦ હજારના દંડની જોગવાઈ છે. ગુજરાતની ગાઈડલાઈનમાં રેગિંગનો ભોગ બનનાર જો ફરિયાદ ન કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વિચિત્ર જોગવાઈ પણ છે. ગયા વરસે અમદાવાદના મણિનગર વિસ્તારની નરેન્દ્ર મોદી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. તેમાં ચાર સિનિયર ડોકટર્સે ચાર જુનિયર ડોકટરોનું રેગિંગ કર્યું હતું. આઘાતજનક બાબત એ છે કે ભોગ બનનારા અને સતામણી કરનારામાં મહિલાઓ સામેલ હતી!
દેશની સૌથી પ્રખ્યાત અને શિસ્તમાં ટોચે ગણાતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ થાય છે. દેશનો કોઈ ખૂણો કે રાજ્ય રેગિંગના દૂષણથી મુક્ત નથી. એટલે તેને અટકાવવા માટેના માત્ર કાયદાકીય પગલાં જ પર્યાપ્ત નહીં બને. વિદ્યાર્થીઓ, તેમાં પણ તબીબી-ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ, કેમ આવું વર્તન કરે છે તેના સાચા કારણો શોધવાની જરૂર છે. રેગિંગમાં સંડોવાયેલા પર પ્રવેશથી પરીક્ષા સુધીના પ્રતિબંધના પગલાં કારગર નીવડ્યાં નથી. રેગિંગમાં સિનિયર્સની હક – અધિકાર કે સત્તાની ભાવના કે નવા પર ધાક જમાવવાની અને પ્રભુત્વ સ્થાપિત કરવાની ભાવના કઈ રીતે દૂર કરી શકાય તે વિચારવું રહ્યું. ભોગ બનેલ નવો વિદ્યાર્થી પછીના વરસોમાં રેગિંગથી દૂર રહેવાને બદલે વધુ ક્રૂર રેગિંગ ટાસ્ક આપતો હોય તો તેમાં પ્રતિશોધ કે બદલાની ભાવના છે. તેનો હલ શોધવાનો છે. પરપીડાના આનંદ અને સંતોષની લાગણી, ભીડનો ભાગ બની જવાની વૃત્તિ કે જો આ બધામાં ભાગ નહીં લે તો એકલા પડી જવાનો ડર પણ રેગિંગ માટે જવાબદાર હોય છે. આખરે આ દેશનો યુવાન કેમ અશિસ્ત્ભર્યું, ઉગ્ર અને છાટકું વર્તન કરે છે તે શોધી શકાય તો તેને ડામવાના માર્ગો હાથ લાગે. આ થોડાક બદમાશ કે તોફાની વિદ્યાર્થીઓનું કૃત્ય હોય છે અને તેમાં બહુમતી વિદ્યાર્થીઓ સામેલ હોતા નથી તેવો આત્મસંતોષ લેવાને બદલે એકાદ વિદ્યાર્થી પણ કેમ આવું વિચારે છે તે દૃષ્ટિએ વિચારીને ઉપાય શોધી શકાશે.
e.mail : maheriyachandu@gmail.com