Opinion Magazine
Number of visits: 9448704
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ, કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 September 2018

હૈયાને દરબાર

જન્માષ્ટમીના આનંદમય અવસરની અસર વિદેશી ધરતી પર વર્તાઇ રહી છે. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી … જેવાં ગીતો મોરેશિયસના સ્થાનિક રેડિયો પર બજી રહ્યાં છે. ટર્કોઇશ ગ્રીન કલરના દરિયાની લહેરો પરથી લહેરાતા પવનની સરસરાહટ ચિત્તને પ્રસન્ન કરી રહી છે. ચોમેર ગાઢ હરિયાળી અને નીરવ શાંતિ છે. બસ, થોડી ચહલપહલ છે પરદેશી પ્રવાસીઓની. મોરેશિયસના બીચ પર બિકિનીધારી લલનાઓ ટહેલી રહી છે. આ નીરવ શાંતિમાં દૂરથી મંદિરમાં ઘંટારવ સંભળાય છે. સાંજ ઢળવાની તૈયારીમાં છે. આરતી ટાણું થયું છે. અહીં જ રહેતાં મારાં સ્વાતિભાભી મોરેશિયસના ઇસ્કોન મંદિરનો સંકેત આપે છે.

આ નાનકડા આઈલેન્ડ પર સંખ્યાબંધ હિન્દુ મંદિર આવેલાં છે. લોકો આધ્યાત્મિક છે. મોરેશિયસના ઇસ્કોનમાં જન્માષ્ટમીએ લગભગ પચીસ હજાર ભક્તો રાધાકૃષ્ણના દર્શન કરવા આવે છે. સ્વચ્છ સુંદર રસ્તાઓ ધીમે ધીમે રંગબેરંગી લાઈટોથી ઝળહળવા લાગ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કૃષ્ણ સમગ્ર જીવનને પ્રેમ કરનારા યુગ પુરુષ છે. એ એકમાત્ર એવા યોગેશ્વર છે જેમણે સ્ત્રીઓની લાગણીઓનો સ્વીકાર કોઇ જાતના ભેદભાવ રાખ્યા વિના કર્યો છે. કોઈ અવતારી પુરુષ રાસલીલા રમતા હોય એવી કલ્પના કરી શકાય? પૂર્ણ પુરુષોત્તમ સુદામાના તાંદુલ આરોગી શકે? અર્જુનનો રથ બની શકે? કૃષ્ણના જીવનમાં દંભને કોઈ સ્થાન નથી. જ્યાં દંભની બોલબાલા હોય ત્યાં કૃષ્ણ રાજી ન જ હોય. રાધા-કૃષ્ણનાં ગીતો વિના કોઈ ગીતકાર જામતો નથી. પ્રેમપંથ પાવકની જ્વાળાની અનુભૂતિ પામનારાને કૃષ્ણની વાંસળીના સૂર સંભળાય છે. કૃષ્ણ ગીતોની વણઝાર મનને તર-બ-તર કરી રહી છે. રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, ધેનુકાની આંખોમાં જોયાં મેં શ્યામ, નેજવાને પાંદડે, એકવાર ગોકુળ છોડી ગયા ને … ઓહો, કેટલાં ગીતો યાદ કરવાં?

દેહ મોરેશિયસના દરિયા કિનારે છે પણ મન જઈ પહોંચ્યું છે ગોકુળ, મથુરા-વૃંદાવનમાં. કાનાની મોરલીના સ્વર જાણે દૂર સુદૂરથી સંમોહિત કરી રહ્યા છે. અત્યંત સુંદર આછા લીલાશ પડતાં-સી ગ્રીન ઇન્ડિયન ઓશનમાંથી એક આકૃતિ પ્રગટે છે, રાધા-કૃષ્ણની. રાધા બિના કાના આધા ઔર કાના બિન અધૂરી રાધા. રાધાને કોઈ પૂછે છે કે કાનો તો તને છોડી ગયો છે તો એના વિના તું શું કરશે? રાધા તરત કહે છે કે કાનો તો મારા નામમાં જ સમાયેલો છે, રને કાનો રા અને ધને કાનો ધા. હવે કહો, કાનો ક્યાં દૂર છે મારાથી? આવી કૃષ્ણ સમર્પિત રાધાના કૃષ્ણપ્રેમની મિસાલ જગતમાં ક્યાં ય ન જડે. કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી અને ગોપીઓ સાથેની શૃંગારિક ક્રીડાઓ તો ખરી જ. કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે સમય વિતાવે એટલે લોકો રાધાને સવાલ કરતા કે તને કંઈ તકલીફ નથી થતી? ત્યારે રાધા નિશ્ચિંતપણે જવાબ આપે, "મુઝે છોડ કર વો ખુશ રહતે હૈ તો શિકાયત કૈસી, ઔર મૈં ઉન્હેં ખુશ ન દેખું તો મુહોબ્બત કૈસી?” રાધાભાવે પ્રેમ કરવો એ કાચાપોચાનું કામ નહીં. જો કે, સામે કૃષ્ણ જેવો પૂર્ણ પુરુષોત્તમ હોવો પણ એટલો જ જરૂરી. મોરપીંછને માંડવે આજે સવાલ-જવાબનું એક અદ્દભુત, અનોખું ગીત સ્મરણ પટ પર ઊભરી રહ્યું છે. તમે માની ન શકો એવા કવિ છે અને કલ્પી ન શકાય એવી કવિની કલ્પના છે આ ગીતમાં. કૃષ્ણ ગીતો તો અઢળક રચાયાં છે, પણ ફક્ત રાધા ગીતો કેટલાં? કવિને અહીં રાધા ગીત રચવાનું મન થાય છે. હાસ્યલેખક તરીકે જ ઓળખાતા બકુલ ત્રિપાઠી અહીં કવિ તરીકે સાવ ભિન્ન પ્રકારનું ગીત લઈને આવે છે. કવિની હિંમત તો જુઓ! તેઓ રાધા પાસે જઇ એક પ્રસ્તાવ મૂકે છે:

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે?
વાંક નથી તારો વેર નથી મારા મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ના એકે કવિ,
પાડ્યો છે એણે કેવો છાકો,
બીજા છો ડરતાં ને ભરતાં છો ખંડણી,
હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી,
ડરતો ના કૃષ્ણથી હું કવિઓને કહેતો કે,
દુનિયા છે કનૈયાથી થાકી …!
માઠું લગાડજે મા ભોળુડી રાધિકા,
કૃષ્ણનો ય વાંક નથી ઝાઝો,
અમે અક્કરમી કલ્પનાના કંજૂસિયા,
મળતો વિષય ન બીજો તાજો,
પ્રેમની જ્યાં વાત આવી, ટપક્યું ગોકુળિયું ને ગાયો જમના કિનારો,
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાં ય નથી, પાક્કો છે ગોઠવ્યો ઇજારો,
તારાં હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો ..!

આમ, કવિને ૧૦૧ ગીત એવાં રચવાનું મન છે જેમાં કાનુડો ક્યાં ય ન આવે. કાનાના નામ વિનાની ફક્ત રાધાની કવિતા રચીને નવો ચીલો ચાતરવો છે. આ પ્રસ્તાવ રાધા સમક્ષ મૂકીને કવિ ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી કવિ રાધાની સંમતિ લેવા પરત ફરે છે ત્યારે રાધા જે જવાબ આપે છે એ જવાબરૂપી ઉત્કૃષ્ટ ગીત આશિત-હેમા દેસાઈએ અદ્દભુત ગાયું છે. આજે મોરેશિયસના સાગર કિનારે અચાનક આ ગીત યાદ આવે છે ને થાય છે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવ્યા પછી હવે રાધિકાને ગાઈએ. વિદેશની ધરતી પર મનમાં રાસલીલા ચાલી રહી છે. આવી જ અનુભૂતિ એકવાર અમેરિકાની ધરતી પર થઇ હતી. લોસ એન્જલસથી લાસ વેગાસની લોન્ગ ડ્રાઈવ પર યજમાને હંસા દવેના સૂરીલા કંઠે રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી … ગીત કાર ડેકમાં સંભળાવ્યું ત્યારે વિદેશની ધરતી પર ગુજરાતી ગીતના સૂરોની રંગીનિયત બહુ મીઠી લાગી હતી. આ લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ આઠમની તિથિ છે અને રાત્રિના બરાબર બાર વાગ્યા છે. વિશ્વભરમાં નાદ ગુંજી ઊઠ્યો હશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી …!

અમે પણ અહીં દરિયાકિનારેથી ઘરે પહોંચીને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા છે. ગુજરાતના નારેશ્વરથી ગુરૂજી ખાસ પધાર્યા છે. હોમ-હવન, દત્ત બાવની અને અવધૂત સ્તુિત સાથે ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનાં ભજન-કીર્તન ચાલી રહ્યાં છે, પરંતુ મારે તો રાધા ભાવથી કૃષ્ણને નિરખવા છે. એટલે જ એક અનોખું ગીત આજે આ કોલમમાં રજૂ કરવું છે. એ ગીત છે ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા …! આ પ્રકારનું ગીત સ્વરકારની પારખું નજરે ચઢે, સ્વરબદ્ધ થાય અને લોકપ્રિય પણ થાય એ ય અનોખી ઘટના. આ ગીતમાં રાધાજી કવિને પ્રત્યુત્તર આપતાં કહે છે કે મારી પરવાનગી શું માંગો છો? એકસો ને એક શું, એક લાખ ગીતડાં ગાશો તો ય કાનો તો બધે આવશે જ. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો, આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડો ને કૃષ્ણથી છૂટવાની વાતો!

આ ગીતના સંદર્ભમાં ગાયક-સ્વરકાર આશિત દેસાઇ કહે છે, "વર્ષો પહેલાં નડિયાદમાં એક લાઈબ્રેરીના ઉદ્દઘાટન નિમિત્તે અમને ગાવા માટે નિમંત્રણ હતું. આયોજકોએ દસેક ગીતો આપીને કહ્યું કે આમાંથી બે-ત્રણ નડિયાદના કવિ છે એટલે એમનાં ગીત ખાસ ગાજો. અમે એમને કહ્યું કે પહેલાં જણાવ્યું હોત તો સારું થાત, અમે એ ગીતો તૈયાર કરીને આવત. પણ હવે તો છૂટકો નહોતો. કાગળિયાં ઉથલાવતા બે કંઇક જુદાં ગીત પર નજર પડી. વાંચીને વધારે મજા એટલે આવી કે કવિ બકુલ ત્રિપાઠી હતા. એક હાસ્યલેખક આવી ઉમદા કવિતા લખી શકે એ જ આશ્ચર્યજનક વાત હતી. શબ્દો બહાર આવે એ રીતે કમ્પોઝ કરવું એ પડકારજનક કામ હતું. છેવટે, રાધા સમક્ષ જે પ્રસ્તાવ મુકવામાં આવે છે એનું પઠન કરવાનું મેં નક્કી કર્યું અને રાધાનો જવાબ ગીત તરીકે સ્વરબદ્ધ કર્યો. ઓન ધ સ્પોટ, ગીત તૈયાર કરી રજૂ કર્યું ને એવું ઉપડ્યું કે હવે તો દરેક પ્રોગ્રામમાં એની ફરમાઇશ આવે છે. સામાન્ય રીતે ગીત ગાતાં પહેલાં હું કવિ પરિચય હંમેશાં આપું પણ આ ગીત લોકોની ધારણા પર છોડું છું. શ્રોતાઓ રમેશ પારેખથી માંડીને કેટલા ય કવિઓનાં નામ ધારે અને છેલ્લે હું બકુલ ત્રિપાઠીનું નામ કહું ત્યારે એમના અચરજનો પાર ન રહે. કવિ હંમેશાં કંઈક નવું કરવા ઈચ્છે છે પણ આ હદે કલ્પના કરે એ કાબિલે તારીફ છે. મારી આ ફેવરિટ કૃતિ છે.

ખૂબ ગમતાં કૃષ્ણ ગીતોમાં હવે અમે પણ આ ગીતનો સમાવેશ કરી દીધો છે. તમે પણ સાંભળજો. ચોક્કસ મજા આવશે.

—————————

ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા કે,
મારી પરવાનગી શું માગો?
કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું,
એક લાખ ગીતડાં ગાઓ, પણ કેમ કરી ગાશો એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો?
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો ને પાંપણ ઢાળો તો સામે આવે,
આંખો ખોલો તો હાશ! કૃષ્ણ નથી ક્યાં ય, અરે હૈયે આ નટખટ સંતાયો,
હું યે રિસાણી’તી એક દિ’ને હૈયેથી, વાળી-ઝૂડીને બહાર કાઢ્યો,
હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ,
અને મારો ન ક્યાં ય અણસારો,
કપરું છે કામ, ભલી તમને આ હોંશ છે કે કાનાનું નામ નહીં લેવું,
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો,
કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો,
આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડોને છૂટવાની વાતો …!

• કવિ : બકુલ ત્રિપાઠી • સ્વરકાર : આશિત દેસાઇ • ગાયક કલાકારો: આશિત-હેમા દેસાઇ

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=438152

Loading

6 September 2018 admin
← વિનોદ ભટ્ટ – અમારું સ્નેહનું સરનામું
ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની ગયો છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved