Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રચનાત્મક સમાજ માટેની તાલીમ

વાસુદેવ વોરા|Opinion - Opinion|16 December 2016

સમગ્ર વિશ્વમાં અત્યારે માનવવિકાસનો અર્થ જાણે કે ટેક્નોલૉજી, ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી અને માર્કેટિંગ શબ્દોના વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા સાથે જોડાઈ ગયો છે. વધુ ને વધુ માનવીઓ પોતાનું જીવન આધુનિક સુવિધાઓથી સમૃદ્ધ બનેલું તથા વૈશ્વિક-‘ક્વૉલિટી ઑફ લાઇફ’નાં-ધોરણોને પામવા મથી રહ્યા છે. માર્કેટના સીમાડા ખુલ્લા થતાં, વિસ્તરેલા બિઝનેસને હડપવા દુનિયાભરની ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ બની રહી છે. ભારત પણ તે વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા કમર કસી રહ્યું છે. આ માટે સરકાર મારફત ‘મેક ઇન ઇન્ડિયા’ના આયોજન વડે એક નવી શરૂઆત કરવામાં આવી છે. તે માટે જો કે, એવી વ્યાપક ફલકની કાર્યયોજનાની આવશ્યકતા રહે છે, જે સમગ્રતાલક્ષી સામૂહિક પુરુષાર્થની શક્યતા ધરાવતી હોય.

‘મેક ઇન ઇન્ડિયા’નો ઉદ્દેશ તેના આયોજનમાં ભલે મૂડીરોકાણ માટે સુવિધાઓ વિસ્તારવી, ઇનોવેશનને ગતિશીલ બનાવવું, સ્કિલ ડેવલપમૅન્ટને આગળ વધારવું તથા મૅન્યુફૅક્ચરિંગ માટે બેસ્ટ-ઇન-ક્લાસ માળખાકીય સુવિધા ઊભી કરવાનું દર્શાવાય – તે આવશ્યક છે, પરંતુ આ એટલા માટે છે કે જેથી ભારતીય નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને આનંદમય જીવનની શક્યતાનો વિકાસ થાય. રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સમગ્ર દેશના જનસમૂહને ધ્યાનમાં લઈને લાંબા ગાળાની પ્રક્રિયા રૂપે આરંભાતી હોય છે. ‘મેક ઇન ઇન્ડિયા’ આવી એક મહત્ત્વની રાષ્ટ્રીય પહેલ બની શકે છે, જે બહુમુખી સમગ્રતાલક્ષી વિકાસ માટેનો કાર્યક્રમ હોય. સર્વના વિકાસનું વિઝન સર્વના સાથ વિના કોઈ પણ સરકાર ફલીભૂત ન કરી શકે. નાગરિક-સમૂહનો સાથ એટલે કે સામેલગીરી કેવી અને કેવી રીતે તે આ વિઝનમાં સમાવિષ્ટ હોવું જરૂરી બની જાય છે. નાગરિકોના વ્યવસાયો અને તેના વ્યવહારનાં ધોરણો પણ હવે વૈશ્વિક બજારમાં હરીફાઈ કરી શકે, ટકી શકે અને આગળ વધી શકે તે પ્રકારનાં ક્ષમતાયુક્ત અને કુશળતાભર્યાં હોવાં જરૂરી બનશે. એટલે કે, માનવસંસાધનનો આપણો વિશાળ સ્રોત વૈશ્વિક પડકાર માટે જરૂરી એવી ક્ષમતાલક્ષી ખાસિયતોથી તૈયાર હોવો જોઈએ.

‘મેક ઇન ઇન્ડિયા’ કે પછી વિકાસના અન્ય કાર્યક્રમો હોય, તે બધા જે સ્તરે એટલે કે લેવલ પર નિશાન તાકી રહ્યા હોય છે, તે લેવલ પર આપણો મોટા ભાગનો માનવસમૂહ આજની સ્થિતિએ ઊણો ઊતરી શકે તેવી સ્થિતિનો સ્વીકાર કરવો પડે તેમ છે. પરિણામે, માત્ર અતિ અલ્પ સંખ્યામાં ક્ષમતાયુક્ત વ્યક્તિઓ ઉપલબ્ધ હોય છે. લાંબા ગાળાની જરૂરિયાત માટે વર્તમાન આયોજનો, જેવાં કે સ્કિલડેવલપમેન્ટ કે વૉકેશનલ ટ્રેનિંગ કોર્સિઝ એક ચોક્કસ સંખ્યાનો જ વર્ગસમૂહ ઊભો કરશે, જરૂરી છે પૂરા દેશની વ્યાપક સામેલગીરી. જો વિકાસનાં આયોજનો અમુક વર્ગસમૂહ પૂરતાં મર્યાદિત બનશે અને અન્ય બહુજનસમાજ તેનાથી અલિપ્ત રહી જશે કે તેઓ અળગાપણું મહેસૂસ કરશે, તો આ પ્રકારનાં આયોજનોનો હેતુ પાર પડવાથી ઘણો દૂર રહી જવાની શક્યતા છે. રાષ્ટ્રીય આયોજનમાં આવી અસમાનતાની શક્યતા એક ગંભીર કટોકટીની સ્થિતિ નિર્માણ કરી શકે તે આપણે – નક્સલવાદ જેવા – અનુભવે જાણીએ છીએ. તેથી આવાં રાષ્ટ્રીય આયોજનોને સફળ બનાવવા તેવી જ અગ્રીમતા સાથે નાગરિકસમૂહોના ક્ષમતાલક્ષી કાર્યક્રમોનાં આયોજનો પ્રયોજવાં જરૂરી બને છે.

ઉદ્યોગક્ષમ ભારત માટે નાગરિકક્ષમતા

ભારતદેશ અનેક વૈવિધ્યતાઓ ધરાવે છે, તે તેની વિશેષતા હવે એક ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરવાની જરૂર છે. અત્યારના વૈશ્વિક અર્થકારણમાં ભારતની ગ્રામીણ આર્થિક વ્યવસ્થા ટકી શકી નથી. અંગ્રેજોના શાસન પહેલાં ભારત વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં પ્રવીણતા ધરાવતો દેશ હતો. પરંતુ, વિદેશી શાસનના ગુલામીના કારમા કાળને લીધે દેશના લોકોની ઔદ્યોગિક ક્ષમતામાં વિનાશક પરિવર્તન આવ્યું. સ્વતંત્રતા પછી, દુર્ભાગ્યે ઐતિહાસિક ગુલામીનાં મનોવલણોમાં બદલાવ લાવવામાં સમયે કોઈ વ્યાપક પ્રભાવ પાડ્યો હોવાનાં પ્રમાણ આપણે આપી શકતા નથી. ઉદ્યોગો તો શરૂ થયા, પરંતુ તેની પરિભાષા બદલાઈ ગઈ. વ્યાપક સમાજ હજુ પણ બિનઉત્પાદકતાના ખપ્પરમાં સબડતો રહ્યો. તેથી કરીને ઉદ્યોગક્ષમ ભારતના વિઝન માટે બહુજનસમાજના નાગરિકોની લઘુતમ આવશ્યક ક્ષમતાઓનું લિસ્ટિંગ કરવાની પ્રથમ જરૂરિયાત છે. તે લિસ્ટિંગ તેમની વર્તમાન ઉપલબ્ધ ક્ષમતાઓ અને હવેના વાતાવરણમાં આવશ્યક ક્ષમતાઓનું સંકલિત સ્વરૂપ બની શકે.

નાગરિકક્ષમતાનું લિસ્ટિંગ :

ઉદ્યોગક્ષમ ભારતના વિઝન માટે ભારતીય નાગરિકોની બૌદ્ધિક, વ્યાવસાયિક અને માનસિક ક્ષમતાઓની ચોક્કસ પ્રકારે ક્ષમતાવૃદ્ધિની જરૂરિયાત રહે છે. તે કેવી ને કેવા પ્રકારે કઈ-કઈ ક્ષમતાઓ એ વિશે વિશદ ચર્ચાવિચારણા જરૂરી છે.

નમૂના રૂપે, નાગરિકક્ષમતાઓનું લિસ્ટિંગ આવું હોઈ શકે :

૧. પ્રામાણિકતા

નીડરતા, સાચાપણું, મક્કમતા, ધૈર્ય

૨. દેશના બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ નાગરિકતા

પોતાના તેમ જ અન્યના નાગરિકઅધિકારની સમજ પોતાની તેમ જ સત્તાધીશોની પ્રાથમિક ફરજોની સમજ રાજકીય અધિકારો અને ફરજોની સમજ.

૩. વ્યાવસાયિક કુશળતા

આર્થિક વ્યવહારોની પ્રાથમિક સમજ શોષણ અને નફાખોરી વિશે સાવધાનીની સમજ વ્યાવસાયિક નાવીન્યતાપૂર્ણ અને વૈજ્ઞાનિક અભિગમ  કુશળતાપૂર્ણ વ્યાવસાયિક આવડત

૪. સાંસ્કૃિતક મૂલ્યનિષ્ઠા

સાંસ્કૃિતક મૂલ્યલક્ષી જીવનદૃષ્ટિની સમજ. પ્રકૃતિ અને તેનાં અંગો પ્રત્યેની સાંસ્કૃિતક સમજ સામાજિક સહિષ્ણુતા અને સમાદર. સત્ય, પ્રેમ, કરુણા, મૈત્રી અને ઉદારતા જેવાં મૂલ્યોની ખીલવણીથી આનંદમય જીવનની સમજ.

૫. વૈજ્ઞાનિક અભિગમ

બોધ, આવેગ અને સંકલ્પની સમજ તર્કબુદ્ધિ, ગણિત અને વિજ્ઞાનની બેઝિક જાણકારી માતૃભાષા, રાષ્ટ્રભાષાનાં જ્ઞાન સાથે સંવાદકળા અંગ્રેજીની બેઝિક જાણકારી.

રચનાત્મક તાલીમ કાર્યક્રમ

વિશ્વના વિકસિત દેશો સાથે ઔદ્યોગિક ક્ષેત્રે હરીફાઈ કરવા પ્રયત્નશીલ છીએ, ત્યારે આપણે પોતાના ‘દેશી સમાજ’ની વાસ્તવિકતા પ્રત્યે પણ જાગૃત રહેવું જરૂરી છે. માનવવિકાસ આંક તેમ જ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓની સરેરાશ – એવરેજ – ગણન, વાચન અને લેખનની ક્ષમતાના આંક તેમ જ શિક્ષણમાં જાતિગત – જેન્ડર – અસમાનતાના આંક જેવી બાબતો અવિકસિત કે વિકાસશીલ દેશોમાં પણ ભારતને ઘણા પાછળના સ્થાને ધકેલી દે છે. ભૂખમરા અને કુપોષણમાં આપણા દેશની સ્થિતિ રવાન્ડા અને બાંગ્લાદેશ કરતાં પણ ગઈગુજરી છે, આ તબક્કે, આ દેશે સ્વરાજનાં ફળ ચાખવા કયા લોકોની કઈ ક્ષમતાઓનો વિકાસ સાધ્યો તે સહજ પ્રશ્ન પૂછવો રહ્યો. તાજેતરમાં (૧૪-૧૦-૨૦૧૬), મુંબઈ હાઈકોર્ટના મા. ન્યાયમૂર્તિ શ્રી વી.એમ. કાનડેએ આદિવાસી બાળકોના કુપોષણ બાબતના કેસમાં એક ટીપ્પણી કરી હતીઃ “The unfortunate part is that when the Britishers were here they did not bother about the tribal. The same kind of approach (that existed) before Independence has continued with the bureaucracy.”

સ્વરાજના વ્યવહાર અને અનુભવ માટે ‘ટ્રાન્સફર ઑફ પાવર’ની પ્રક્રિયાથી આગળ વધીને સમાજની પોતીકી જીવનપરંપરાને અનુરૂપ વ્યવસ્થાઓનું નિર્માણ જરૂરી હોય છે. શિક્ષણ તેમાં અતિ અગત્યની વ્યવસ્થા ગણાય. મહાત્મા ગાંધીના શબ્દોમાં, ‘ભારતની સુંદર વૃક્ષ જેવી શિક્ષણવ્યવસ્થાનો અંગ્રેજોએ નાશ કર્યો’, પરંતુ સ્વરાજ આવ્યા પછી પણ તેની સ્થિતિ કંગાળ કેમ બની રહી છે? મેકોલેથી પ્રભાવી સમાજના સાંસ્કૃિતક ધોવાણથી ચિંતિત અનેક મહાનુભાવોએ અને રાષ્ટ્રીય ભાવનાની સંસ્થાઓએ વૈકલ્પિક શૈક્ષણિક પ્રયાસો આદર્યા હતા. ગાંધીજીએ સને ૧૯૩૭માં ‘વર્ધા શિક્ષણ યોજના’ આપી, ત્યારે કહ્યું હતું કે ‘જુઓ, આ કામ મારા જીવનનું છેલ્લું કામ છે, ભગવાને જો તે પૂરું કરવા દીધું, તો હિન્દુસ્તાનનો નકશો જ બદલી જશે.’ જો કે, તેમની ઇચ્છા અધૂરી રહી. આમ છતાં, સ્વતંત્ર ભારતમાં પોતીકી શિક્ષણવ્યવસ્થા અમલી ન બનવા દેવામાં કોઈ અદૃશ્ય હાથની સત્તા કાયમ રહેતી આવી છે.

આ વિશ્લેષણ એ સ્પષ્ટ કરવા માટે છે કે, જે શિક્ષણ – અને પ્રશાસન જેવા અંકુશમાં તે છે – પર આપણે મદાર રાખીએ છીએ, તે વાસ્તવમાં આપણને આગળ લઈ જવા માટે નહીં, પરંતુ આપણને પાછળ રાખવા માટેની યોજના છે. તે સમજીને નવા પ્રયાસની કાર્યયોજના કરવાથી આપણા ઇચ્છવાયોગ્ય પરિણામની તે બની શકે. અહીં એ પણ સ્પષ્ટ થવું જરૂરી છે કે, ઇલિટ સોસાયટી અને ઉચ્ચ મધ્યમવર્ગીય સમાજ તો પોતાનાં સંતાનોને માટે આગળ લઈ જતું શિક્ષણ મેળવી શકે, તેવી વ્યવસ્થા આ જ અદૃશ્ય સત્તાએ ખાનગી શિક્ષણની છૂટથી કરી દીધેલી જ છે. તે સહુ ઔદ્યોગિક ભારતના વિઝન માટે તૈયાર હોય તે સ્વાભાવિક છે.

દેશના વિદ્યાર્થી સમૂહના એંસી ટકા વિદ્યાર્થીઓ તો દશમા ધોરણથી આગળ નથી વધતા કે વધી શકતા, દેશમાં હાલ બાવીશ કરોડથી વધુ બાળકો શાળાઓમાં ભણે છે. તેમાંથી માત્ર દોઢ કરોડ બાળકો જ ઉચ્ચશિક્ષણમાં આગળ અભ્યાસ માટે જાય છે. બાકી રહેતાં બાળકો પોતાની જિંદગીમાં વધુમાં વધુ માત્ર પાંચથી આઠ વર્ષ માટે જ પ્રણાલિકાગત શિક્ષણ પામે છે. પાંચમા ધોરણથી ભણતર છૂટી ગયેલ એક કિશોર કપાસના ખેતરમાં મજૂરીકામ કરતો હતો, તેને અમે જ્યારે પૂછ્યું કે તે જીવનમાં શું બનવા માગે છે, ત્યારે તેનો જવાબ હતો : ‘મજૂર’. આવી વિકટ અને અસહાય પરિસ્થિતિનો નિરૂપાય સામનો કરતા આપણા યુવાનોની સમસ્યાનો ઉકેલ કરવો તે સામાજિક સમાનતા, શાંતિ અને વિકાસ માટે જરૂરી છે. આ કારણથી જ, ભારતના વૈશ્વિક હરીફાઈમાં આગળ વધવાના પડકારોમાં, વિશાળ માનવસંસાધન સમૂહના ક્ષમતાપ્રાપ્તિ માટેના પડકારોને અગ્રતાક્રમે રાખવો અનિવાર્ય બને છે. અને આ પડકાર ઝીલવાની ક્ષમતા, માત્ર રચનાત્મક તાલીમમાં છે, કેમ કે તે સર્વાંગી અને પોતીકી વ્યવસ્થા છે. આવી રચનાત્મક તાલીમ વડે માનવસંસાધન વિકાસ પણ હવે એક અનિવાર્ય આવશ્યકતા બની ગયેલ છે.

રચનાત્મક તાલીમ : સ્વરૂપ અને પદ્ધતિ

રચનાત્મક તાલીમના સ્વરૂપમાં જ્ઞાનના સર્જનની પ્રક્રિયા અંતર્નિહિત હોવી જોઈશે. ભારતીય સમાજવ્યવસ્થામાં જ્ઞાન અને દૈનિક જીવનને અરસપરસ એકરૂપ બનાવીને વિકાસની એ પ્રક્રિયા થતી, જેમાં જ્ઞાનમાંથી વિજ્ઞાનના રૂપાંતરણ તરફની ગતિ રહેતી. તે જ પ્રગતિ ગણાય. આ દર્શન સ્થૂલમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી સ્થૂલ પ્રવૃત્તિના આંતર-સંબંધ અને પ્રભાવની માનવઉત્ક્રાંતિની પ્રક્રિયા બને છે. ટૂંકમાં, ભારતીય સમજ પ્રમાણે માનવ-રૂપાંતરણના પુરુષાર્થનું નામ ઉદ્યોગ છે. રચનાત્મક તાલીમની પદ્ધતિમાં ઉદ્યોગ તે ક્ષમતાપ્રાપ્તિનો આધાર હશે. તાલીમ અને વ્યવસાય તે સમાજ અને સંસ્કૃિતથી અલગ કેમ હોઈ શકે? આમ, એક સંકલિત પ્રક્રિયા બનશે. આધુનિક સમાજના જટિલ સવાલોના ઉકેલ માટે વિશ્વના શાણા લોકો મહાત્મા ગાંધીમાં આશાનું કિરણ ભાળે છે ત્યારે, ભારત સર્વોદયની દિશામાં રચનાત્મક સમાજનું નિર્માણ કરવા આ ક્ષમતાપ્રાપ્તિના પ્રયાસ વડે પોતાનો વિકાસ નિશ્ચિત કરે, તો તે ‘એક સાધે સબ સધે’ બની રહેશે.

આ સ્વરૂપને અનુરૂપ આ તાલીમ કાર્યક્રમની પદ્ધતિ તૈયાર થવી જોઈએ. આ માત્ર શિક્ષણવ્યવસ્થાની બાબત નથી, તેમ તે નથી માત્ર સ્કિલ ડેવલપમેન્ટની બાબત. આ તાલીમમાં તે બંને સંયુક્ત ને સંકલિત રીતે સમાવિષ્ટ બને છે. તેથી કરીને સામાજિક સક્રિય ભાગીદારી તેમાં અનિવાર્ય બને છે.

ઉપસંહાર

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘नास्त्यन्तो विस्तरस्य मे’ મારા વિસ્તારનો અંત નથી. આ જ્ઞાનના આધારે ભારતીય સમાજ એવા પ્રકારના વિકાસથી દૂર જ રહ્યો છે કે જેમાં આગળ વધવાથી માનવગૌરવ અને માનવવિકાસની અધોગતિ સંભવિત હોઈ શકે. વિજ્ઞાન અને જ્ઞાનના સમન્વયની આપણી સંસ્કૃિત રહી છે. તેના થકી વ્યવસાય ને ઉદ્યોગમાં સક્ષમ એક સમાજનું નિર્માણ થયું હતું. પશ્ચિમનો વિકાસ તે પૂર્વના શિક્ષણથી વિપરીત માનવસમાજનું નિર્માણ કરી રહ્યો છે. તેના વિજ્ઞાનમાં તત્ત્વાર્થના જ્ઞાનનો અભાવ તે તેની મૂલગત મર્યાદા છે. તેથી તે પ્રકૃતિભંજક છે. વિજ્ઞાન અને જ્ઞાનના સમન્વયની તે સંસ્કૃિત નથી પણ તેના વિચ્છેદનો વ્યવહાર છે. તેના પણ વિસ્તારનો અંત નથી. આ સમજને આપણે સ્વીકારીએ તો તે દેશને માટે વાસ્તવિક ને વ્યાપક રીતે સર્વને સમાવતો ભારતીય જીવનદર્શનને અનુરૂપ રચનાત્મક વિકાસ બની રહેશે.

વડોદરા

E-mail : vasudevmvora@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 10-11

Loading

16 December 2016 admin
← ડૉ. દક્ષા પટેલઃ સમન્વયી ભાવબુદ્ધિની સેવા યાત્રા
Can Compulsions Elicit Respect? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved