Opinion Magazine
Number of visits: 9446898
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન

રોહિત શુક્લ|Opinion - Opinion|5 May 2017

તમે આપણા ચોથેશ્વર ઉર્ફે ચોથિયાને તો ઓળખોને! આમ તો બહુ ભલો માણસ. તમે એને ચોથિયો કહો તો ય વાંધો નહીં. એ તો કહેશે, ‘ભાઈ, એ તો જેવું કૂવામાં હોય તેવું જ આવેને! મારે તો શા લેવા અને શા દેવા’. અને પછી પેલા પીળચકા દાંત દેખાડીને, અડધું-પડધું હસતો હસતો કો’ક જાણતલ જોશીડાની જેમ પૂછી નાંખે ‘જેવા મિજાજ અને જેવા વિવેક હોય તેવું બધા બોલે. એમાં આપણું હું જાય?’ પણ ચોથિયાના ગૌરવના રખેવાળ એવા ચોથેશ્વરીને આ ગમે નહીં. લાલ ટશિયાફૂટી આંખે અને કાનના ખૂણા ઊંચા કરીને તે આ સાંભળી તો લેતા, પણ જેવો પેલો આગંતુક વિદાય થતો કે તરત ચોથિયાને તે ઝપટમાં લેતા. ‘લ્યા જરા તો લાજ. આ આજકાલના વૈણસંકર જેવા તને ‘ચોથિયો’ શીના કે’? અને તું ય તે પાછો હસતો રહીને વેઠી લે છે?’ ‘લ્યો ત્યારે તમે ય ઉતાવળા જ થયા કે’વાવને.’ ચોથિયાએ ચોથેશ્વરીના ગહન ગાંભીર્યને ટપારતાં કહ્યું. ‘મેં કીધું જ ને કે ‘કૂવામાં હોય તેવું આવે’ – તેનો માયનો શો ? માયનો ઇ કે તેના વંશમાં કોઈએ વિવેક ભાળ્યો હોય, તો વાણીમાં અવતરેને! મતલબ કે ઘરના કોઈને ય કેમ બોલાય કે હળાય મળાય તેની ગતાગમ નથી અને તેથી જ ભચડે રાખે છે. અમે તો શીખેલા કે ‘આવડે તેટલું બોલીએ નહીં અને ભાવે તેટલું ખાઈએ નહીં.’ અને હાવ હાચું કૌ – આ જમાનો જ જાળવી જવા જેવો છે.’ ચોથિયાએ ફળફળતો નિહાહો મેલીને કહ્યું. ચોથેશ્વરીના સદ્ભાવભર્યા ચહેરાથી નજર હટાવી લઈને દૂર આથમતા સૂરજ તરફ જોતાં-જોતાં ઉમેર્યું. પછી તો ભૈ, ચોથિયાએ ડૂબતા સૂરજ સામે જોયું એટલે ચોથેશ્વરીએ પણ જોયું. અને ચોથેશ્વરીએ જોયું, એટલે શ્વેતકેશી, રક્તાક્ષ, એકદંતગૂમ, યપ્પી અને તાજેતરમાં જ મહેમાન બનીને આવેલા શ્વેતકર્ણ અને શ્યામકર્ણે પણ નજરું નોંધી. હવામાં આકડાનાં ફૂલ વહે તે રીતે બધાની નજર આ સૂર્યાસ્ત જોનારા ઉપર પડતી અને એમ કરતા-કરતા સમગ્ર વાનરસમૂહો આથમતા સૂરજ તરફ જોતા થઈ ગયા. પોતાની માના મોંઢા તરફ જોવું કે પછી મા જે તરફ જોઈ રહી છે, તે જોવું – સમગ્ર વાનરજાતના દૃષ્ટિસમાગમબિંદુ સમાન આથમતા સૂરજ તરફ જોવું તે નક્કી નહીં કરી શકનાર એક વાનરબાળે હળવેથી પૂછ્યું. ‘મમ્મા, આપણે બધા આથમતા સૂરજને કેમ તાકી રહ્યાં છીએ?’ એમાંથી કોઈક ફળફળાદિનો રથ આવવાનો છે?’

‘આથમતા સૂરજમાં પણ ફળફળાદિના રથની આશા રાખનાર હે બાલવાનર તું ધન્ય છે’, ચોથિયાએ કહ્યું. તારા જેવાં બાળકો જન્મતાં રહેશે, ત્યાં સુધી આ વાનરજાતનો જયવારો જ થવાનો.’ વાનરબાળની ભૂરી-ભૂરી પ્રશંસા કરતાં ચોથિયાએ કહ્યું.

‘જો ચોથિયા, બીજી બધી આડીઅવળી વાતો પડતી મેલ – અમને કહે કે આથમતા સૂરજ અને આશાના રથના મેળાપનો મુદ્દો શો છે?’

‘ચોથેશ્વરી, વાતનો ફોડ તો હું પાડું, પણ પછીનો કોયડો ઉકેલવાનું મારું કોઈ ગજું નથી. હું તો ભાઈ મારા વાઇફાઇમાં ઝિલાતાં મોજાંનો અહેવાલ, ગીતાના સંજયની જેમ આપવાનો ચાકર. પણ પછીની વાત મારી નહીં’ એમ કહીને ચોથિયાએ વાત માંડી. ‘આ છેલ્લાં અઢી વરસથી આ દેશની આબોહવામાં પલટો આવ્યો છે તે જૂઓ છો ? જૂઓ થોડાક નમૂના પેશ કરુંઃ’

૧. હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીના રોહિત વેમુલાથી શરૂ કરીને જે.એન.યુ.ના કન્હૈયાકુમાર થઈને રામજસ કૉલેજ સુધી પહોંચો.

૨. મહંમદ અસફાકથી આરંભી ઊના થઈને કુલ અગિયાર સ્થાનોએ થઈને અલવર સુધી પહોંચો.

૩. નોટબંધીથી લઈને ખેડૂતોની આત્મહત્યા થઈને ગબડતા અર્થતંત્ર અને રઝળતા બેકાર યુવાધન સુધી પહોંચો.

૪. ખેડૂતોની જમીનો અને પાણી ઝૂંટવી જનારાં ઉદ્યોગગૃહોની કુરનિસમાં ખડેપગે રહેતા તંત્ર સામે નજર નોંધી ‘વિકાસ’ની આભા નીરખો.

૫. મનરેગા, આધારકાર્ડ અને જી.એસ.ટી.ના અત્યાર સુધીના સાવ વિરોધી એવા મહાન નેતાના તાજેતરના ઉદ્ગારો કેટલી ઝડપથી બદલાઈ ગયા છે તે જુઓ.

૬. શિક્ષણની બેહાલી, ઊંચી ફીની નફાખોરી કરતી સંસ્થાઓ તરફ સરકારી રહેમનજર, ગુણવત્તાના નામે મસમોટું મીંડું અને ગરીબો ભણી જ ના શકે તેવાં પરોક્ષ કાવતરાંની ખાંચાખૂંચી જુઓ.

૭. ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી, તેવો લોક-અનુભવ અને સામે પડતા સરકારી દાવા વચ્ચેના સાંકળિયાની રમત નીરખો.

આવી આવી ઘણીબધી બાબતો જોવા જેવી છે – પણ હવે થોડી બીજી વાત. નવી નવેલી વહુવારુઓની જેમ નવી સરકારને ય હૈયામાં હોંશ તો હોય જને! અને આ તો પછી સાત ખોટની! આઝાદીની લડતમાં ભાગ ન લેવાનો તેનો ભવ્ય ભૂતકાળ છે. લોકસભામાં બે બેઠકોથી શરૂ કરો તો અત્યાર સુધીમાં કેટકેટલાં તોફાનો, આંદોલનો અને દાવપેચ પછી સત્તા સાંપડી છે તે તો જુઓ. એમનામાંના કેટલાકના કહેવા પ્રમાણે લગભગ પાંચેક લાખ વરસ પહેલાં જન્મેલા અને અગિયાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને અવતારકાર્ય દીપાવનારા ભગવાન શ્રીરામ માટે આખરે દેશવ્યાપી(?) રથયાત્રા કાઢી. પણ જેમણે રથ દોડાવ્યો, તેમના ગળામાં સત્તાનો હાર આવવાને બદલે ‘વેઇટિંગ’નો ખિતાબ આવી પડ્યો.

પણ હવે તો અમારો વિચાર આ દેશની દુરસ્તીનો જ છે. આખેઆખા દેશને દુરસ્ત કરવો રહ્યો. એ તો અમારું યુગકાર્ય છે. અમારા ‘રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન’માં અમે સૌથી મોખરે ગૌ-માતાને રાખવા માંગીએ છીએ. સઘળા પુરાણો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવા, મહાનતમ આદર્શોના આધારે આ હિંદુસ્તાન અને નહીં કે ભારત નામના દેશની નવરચના કરવા માંગીએ છીએ. ગાયોની વાત લો. તેને સમજવા કે તેના મહત્ત્વને પિછાનવામાં તમારી આધુનિક કેળવણી આડી આવે છે. છતાં અમે વિદેશી યુનિવર્સિટીઓનું શિક્ષણ તો જોગવવાના જ. તમને અહીં આધુનિકતા અને પછાતપણા વચ્ચે ઘર્ષણ થતું દેખાય છે? તો એનો રસ્તો કરીએ. શહેરી, ઉચ્ચ વર્ગના ઉપલા મધ્યમવર્ગના સમૂહો માટે ભલે પશ્ચિમી કેળવણી જોગવાય – પણ આપણી ધરોહરની ઓળખ સમા ગામડાના ગરીબ લોકો માટે તો આપણી ભવ્ય સંસ્કૃિતની ઓળખ જ પૂરતી છે. ગાયો પણ ખરી અને ઉપગ્રહો પણ ખરા.’

પણ આખી વાતનો મરમ નહીં જાણનારા શ્વેતકર્ણે મોટો ડખો ઊભો કર્યો. ‘તે હેં ભઈ, આ પવિત્ર પણ વસૂકી ગયેલી ગાયોને આપણા દેશની સર્વશ્રેષ્ઠ ગણાય તેવી આઈ.આઈ.એ.મો કે આઈ.આઈ.ટી.ઓનાં પરિસરોમાં રાખવાની ફરજ પડાય તો કેવું હેં. એયને બધી ફૅકલ્ટી મહાન અને મોટા પ્રોફેસરો સવાર-સવારમાં છાણ-વાસીદું કરીને સ્વચ્છતા-અભિયાનથી રાષ્ટ્રભક્તિ સાથેની ગૌભક્તિથી દિવસનો પ્રારંભ કરે!’ છાણ-વાસીદું કરતા જાય અને ગણિત અને હોટલથી હૉસ્પિટલો અને બૅંકોથી બજાર સુધીનું સંચાલન પણ શીખવતા જાય. આપણી મહાનતા અને ભવ્યતા. ઉત્તમતા અને ઉદાત્તતા. વીરતા અને પટુતા એમ બધ્ધાના સંસ્કારો અને નૈતિકતા આપણે ગૌસેવા કરતાં કરતાં જ શીખીએ. પછી તો છેને તે દુનિયાભરની શ્રેષ્ઠ એવી હાર્વર્ડ. (‘હાર્ડ વર્ક’ નહીં હોં!) કૅમ્બ્રિજ કે ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં, જગતગુરુના નાતે. અમે પણ વસૂકી ગયેલી ગાયોના પાલન થકી પ્રાપ્ત થનાર ઉત્તમ જ્ઞાન વડે વિશ્વના જ્ઞાનસમુચ્ચયમાં ચિરંજીવ પ્રદાન કરી શકીશું.’

પણ જ્યારે જ્યારે શ્વેતકર્ણ કંઈ પણ બોલે ત્યારે-ત્યારે શ્યામકર્ણને પણ ઝુકાવ્યા વગર ચેન પડતું નહીં. બંને વચ્ચે જાણે કે કોઈક જુગલબંધી હોય તેવું જ સમજોને. શ્યામકર્ણે લાગલું જ ઉમેર્યું, ‘હાસ્તો વળી, એમ થશે, ત્યારે પેલી જે.એન.યુ.ઓ કે રામજસોનાં વિદ્યાક્ષેત્રોમાં જે જ્ઞાનદીપો પ્રગટશે તેની રોશની થકી ‘સામ્યવાદ કે સમાજવાદ’ જેવા વિચારોનો પણ (પડોશી દેશમાં) દેશનિકાલ થઈ શકાશે. આપણે સૂત્ર બનાવીએ – ‘દેશ-દુરસ્તી કાજે દેશનિકાલ’.

‘પણ એ તો કહો કે કોનો કોનો દેશનિકાલ તમે કરશો ?’ ‘શ્વેતકેશીએ સહેજ પોરસાવતા હોય તેમ પૂછ્યું.’ કેમ વળી, એટલું ય સમજતા નથી? સમાજવાદ અને સામ્યવાદનો દેશનિકાલ, માનવવાદ અને વિજ્ઞાનવાદનો દેશનિકાલ, ગાયોની સેવા ન કરનારાનો દેશનિકાલ … ’યપ્પીએ તક ઝડપી દેતાં ઠેકડો મારીને પડમાં આવતાંની સાથે કહ્યું. પણ અતિ ઉત્સાહમાં આ કૂંડાળામાં કૂદી પડવાથી તાલીમમાં ગોખાવાયેલા અન્ય ઠૂમકા લગાવવાનું તે વીસરી ગયો. જરાક ઓઝપાઈને પણ જરા ય હેબતાયા વગર તેણે દંતાવલી દાખવતાં કહ્યું, ‘ધ્યાન રાખજો, આ દેશમાં રહેવું હોય તો સરખા થઈને રહેજો. તમને ઊનાથી અલવર સુધીની મુસાફરી વારેવારે કરાવવી પડે તે ઠીક નહીં.’ શ્વેતકેશીને આવા સંજોગોમાં ચૂપ રહેવાનું ફાવતું નહીં. તેમણે હળવે રહીને પૂછ્યું. ‘ભાઈલા, ઊનામાં તો તમે દલિતો ઉપર કારમો જુલમ ગુજાર્યો. ખરુંને ? અને અલવરમાં તો તમારી સામે એક મુસલમાન હતા. તમે હવે દલિતો અને મુસલમાનો બધાને દેશનિકાલ કરી દેશો ? તમારો આ દલિત અને મુસ્લિમ બંનેનો એક સમાન અને સાવ સહિયારો દેશનિકાલી કાર્યક્રમ સમજાતો નથી, તેથી જાણવા ખાતર પૂછું છું હોં બાપા ખોટું ના લગાડતાં. ‘વાતને આડે કાં ચડાવો? અમે તો માત્ર ગાયને પવિત્ર માનીએ છીએ અને તેમાં આડે આવનાર કોઈને ય અમે છોડીશું નહીં.’ યપ્પીએ ઘૂરકાટ સાથે કહ્યું. ‘ઠીક ભાઈ, એ વાત તો તમારી બરાબર. પણ હવે ગાયો પાળશે કોણ? તમારા ધાર્મિક અખાડા, સંસ્થાઓ, પાંજરાપોળ વગેરેમાં ગાયોનો પાળવા વાસ્તે હવે અનુદાન-સબસિડી આપવાની શરૂઆત કરો. જે ઉદ્યોગોને તમે મફતના ભાવે જમીનો આપી કે બીજા તરસ્યાનું ઝૂંટવીને પાણી આપ્યું તે ઉદ્યોગોને પણ હવે પાંચસો-હજાર ગાયો ભળાવો. આ ગાયો પણ વસૂકી ગયેલી હોવી જોઈએ. એ જ રીતે તમે જે યુનિવર્સિટીઓ કે નિશાળોને મફતના ભાવે જમીનો આપી છે, તેમને પણ હવે ભણવામાં ગો-પાલન, ગોરક્ષ અને ગો-સંવર્ધનના અભ્યાસક્રમો ચલાવવા કહો. હા, આ બધું ભણાવવા માટે કોઈ પણ ધર્મ કે મજહબના નીવડેલા ગોપાલકોને સાતમા પગારપંચના ધોરણે પ્રોફેસર તરીકે પણ રાખવા રહ્યા. ગાયોની બાબતની આપણી પેઢીગત ‘સ્કિલ’ને હવે ‘ડેવલપ’ કરીને સાચવવી પડશેને.’ શ્વેતકેશીને આજકાલ અતિ ગંભીર પ્રકારના પ્રશ્નોની અતિ સરળ ઉકેલો ભળાવા માંડ્યા હતા.

‘ઉદ્યોગોને તો આવી બધી વાતોમાં ભેરવવાનું છોડી જ દેજો હોંકે’, ગળે ટૂંપો દેતી ટાઈનો કાંઠલો ઠીક કરતાં રક્તાક્ષે કહ્યું. ‘અમે કારખાનામાં ગાયો પાળીને ધર્માદા કરવા બેસીએ તો પછી, અમારા ધંધા-ધાપાનું શું? આવા એકમોના હરીફાઈ અને કાર્યક્ષમતાઓ જેવા આર્થિક માપદંડોનું શું? અને તમે તો નવી આર્થિક ફિલસૂફી અનુસાર ગરીબોને પણ સબસિડી આપવાના વિરોધી છો. અમે વસૂકી ગયેલી ગાયો પાળીએ, તો તે માટે તમે બજેટમાં સબસિડીની જોગવાઈ કરવાના છો? તમે તો ભાઈ વાતને વિચિત્ર વાઘા પહેરાવવાના. એમ કરીને – જરાક ગાયોની વધુ સેવા કરીને આવા પ્રશ્નોનો વધારે સારો ઉકેલ શોધી લાવોને!’ ઉદ્યોગપતિ જે બોલે તે હંમેશા વજૂદવાળું જ હોય, એમ માનનારા પાંચ-દસ વાનરોએ એકમેકની સામે સંમતિસૂચક માથાં હલાવ્યાં.

ચોથેશ્વરીએ હવે વાતને પાછી વાળતા કહ્યું, દેશ સામેનો સૌથી મોટો સવાલ ગરીબી અને બેકારીનો ગણાય. તેને સર્વસમાવેશી સ્વરૂપે વિચાર્યા અને ઉકેલ્યા વગર – માત્ર કોમવાદી પ્રતીકો અને માનસિકતાઓને આગળ કરતાં રહીને આ પ્રાણપ્રશ્નોનો ઉકેલ આણી ન શકાય. સમાજજીવનના પ્રાણવાન પ્રવાહો આ દેશમાં સદીઓથી વહેતા આવ્યા જ છે. તમે તેને ગંગાનાં નીર ગણી શકો. વિવિધતા આ દેશનું સામર્થ્ય પણ છે અને સૌંદર્ય પણ છે. સદીઓને પોતાનાં હાડમાંસમજ્જામાં સંગોપિત રાખીન ઊભેલા આદેશમાં આજ લગી તો કોઈએ આત્યંતિકતા આચરીને કોઈને દેશનિકાલની વાતો કરી નથી. આવી વાતો નથી આ દેશના ધર્મ સાથે કે નથી તેના સંસ્કાર સાથે સુસંગત. હું તો એટલું જ કહું, આ દેશની ચિંતા એટલે તેના ગરીબો અને વંચિતોની ચિંતા. આ ચિંતાનાં ધોરણોમાંથી જ તો સમાજવાદ પાંગર્યો છે. દેશના ધર્મ અને સંસ્કારો પણ સમાજવાદી જ છે. જો તમે આ ઉકેલ આણો, તો આ આથમતો સૂરજ પણ કાલે સોનાનો થઈને ઊગી શકે. એ સૂરજ માત્ર મારા તમારા ઘરનો જ થઈને નહીં રહે – એ તો ગામેગામ અને ઘરેઘરનો સૂરજ હશે. દેશને ભાગાકાર નહીં પણ સરવાળાની જરૂર છે, હોંકે.’

અને જેવું તમે આ દેશદુરસ્તીને બદલે વિચાર-દુરસ્તીનું વિચારવા માંડશો, એટલે તરત તમારા રોહિત વેમુલા કે જે.એન.યુ. ખેડૂતોની આત્મહત્યા કે શિક્ષણની અનવસ્યા ઉદ્યોગોને અપાતાં મફત જમીન-પાણી અને ઉદ્યોગ સામે ખેતી સાથેના ઓરમાની વ્યવહાર એમ બધાંની ગાંઠો ખૂલતી જશે. એ જ માર્ગ, થોડી ધીરજ અને સમજ સાથે આગળ વધશો, તો ગરીબી અને બેકારીની સમસ્યાઓના ઉકેલની દિશા પણ દેખાવા માંડશે. ભળભાખરું આપોઆપ જ થતું હોય છે – તેને કોઈ આયોજનો કે સારવારની જરૂર હોતી જ નથી. સવારના કૂણા તડકા તરફ પ્રયાણ પણ આપોઆપ જ – આ ધરતીને ગતિ વડે જ થઈ રહેશે. પેલા ગાંધીબાપુએ આ જ તો શીખ આપી છે. સાદું જીવો – વહેંચીને ખાવ, મહેનત કરો અને સૌમાં રામ જુઓ. રસ્તો તો આ જ છે, પણ જો તમારે સત્તા અને પૈસાની તાબેદારી કરતા રહેવું હોય તો એ વાત તો તમારી અને તમારા ભગવાન વચ્ચેની જ કહેવાય.’ ચોથેશ્વરીએ વાત આટોપી.

આથમતા સૂરજની તામ્રવર્ણી તડકો ચોથેશ્વરીના ચહેરાને ચમકાવતો હતો. તેથી અભિભૂત થયો હોય કે ગમે તેમ – ચોથિયાને લાગ્યું કે ચોથેશ્વરીની વાતમાં આવી જવા જેવું તો હતું જ.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 05-06 

Loading

5 May 2017 admin
← ગરમીથી નહીં, ગરીબીથી મરે છે લોકો
પહલુખાનના પરિવારની મુલાકાત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved