
રમેશ ઓઝા
વાત બંગલાદેશની કરવી છે, પણ એ પહેલાં પાકિસ્તાનની વાત કરવી જરૂરી છે, કારણ કે બંગલાદેશ પાકિસ્તાનનાં વિભાજનનું પરિણામ છે અને પાકિસ્તાન ભારતનાં વિભાજનનું. અનુભવજન્ય સત્ય એ છે કે રાષ્ટ્રની કલ્પનામાં શરતો ઉમેરાય એટેલે એ દેશનું પતન નિશ્ચિત સમજવું. પાકિસ્તાન અને પાકિસ્તાનની કોખમાંથી જન્મેલા બંગલાદેશનો આ ઇતિહાસ છે. ભારત જ્યારે અવિભાજિત દેશ હતો ત્યારે અંગ્રેજો અને પશ્ચિમના લોકો પ્રશ્ન કરતા હતા કે અને ટોણો પણ મારતા હતા કે ભારત રાષ્ટ્ર કેવી રીતે બનશે એ કહો? ભારત કોનું રાષ્ટ્ર હશે અને એમાં મુસલમાનોનું, દલિતોનું અને અન્ય લઘુમતી કોમ તેમ જ હાંશિયામાં રહેલી પ્રજાનું સ્થાન ક્યાં હશે? કાઁગ્રેસના નેતાઓ જવાબ આપતા હતા કે ભારત સહિયારું રાષ્ટ્ર હશે, કાઁગ્રેસ સહિયારા રાષ્ટ્રની કલ્પનાનું અને તેમાં માનનારી ભારતીય પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. જે લોકો કૉન્ગ્રેસની સહિયારા રાષ્ટ્રની કલ્પનાનો અને તેના સહિયારા પ્રતિનિધિત્વના દાવાનો વિરોધ કરતા હતા તેમને અંગ્રેજો મદદ કરતા હતા.
મુસ્લિમ લીગ અને તેના નેતાઓએ દાવો કર્યો કે મુસ્લિમ હોવાપણું સ્વયં એક રાષ્ટ્રીયતા છે અને મુસ્લિમ લીગ એ રાષ્ટ્રીયતાની કલ્પનાનો અને ભારતનાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરે છે. અંગ્રેજોને લીગના નેતાઓની વાત માફક આવતી હતી એટલે તેમણે લીગને મદદ કરી. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી, બક્ષીસમાં નહીં, લડીને મેળવી પણ વિભાજન સાથે.
કસોટી હવે શરૂ થઈ. ભારત સામે કસોટી હતી સહિયારી રાષ્ટ્રીયતા વિકસાવવાની અને ટકાવી રાખવાની. પાકિસ્તાન સામે કસોટી હતી મુસ્લિમ રાષ્ટ્ર (દાવો કરવામાં આવતો હતો એમ જો હોય તો) આકાર આપવાની. પાકિસ્તાનની સ્થાપના સાથે જ ધર્મઝનૂનીઓ મેદાનમાં આવ્યા કે ઇસ્લામ ધર્મ વિના મુસ્લિમની કલ્પના જ કઈ રીતે થઈ શકે? આનો અર્થ એ થયો કે ઇસ્લામિક રાષ્ટ્ર એ જ મુસ્લિમ રાષ્ટ્ર. હિંદુત્વ એ જ ભારતીયત્વ એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહે છે એમ જ. અને પછી શરતો આવવા લાગી. ગૈર મુસલમાનોનું સ્થાન, સુન્ની બહુમતી દેશમાં શિયાઓ અને અહમદિયાનું સ્થાન, સ્ત્રીઓનું સ્થાન, અર્ધ મુસ્લિમ કબિલાઈ પ્રજાનું સ્થાન, શિક્ષણમાં ઇસ્લામ, હિંદુસંસ્કૃતિનો પ્રભાવ, ભારતીય સંસ્કૃતિનો સહિયારો વારસો, મુસલમાનોની અલાયદી ભાષા (પર્શિયન અરેબિક મિશ્રિત ઉર્દૂ), પાકિસ્તાનમાં સ્થાનિક ભાષાઓનું સ્થાન, સેકયુલરિઝમ, ઇસ્લામ પહેલાની સભ્યતા અને તેનો ઇતિહાસ વગેરે વગેરે. આજકાલ હિન્દુત્વવાદીઓ જે કરતા જોવા મળે છે એ બધું જ પાકિસ્તાનમાં શરૂ થયું.
૨૪મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનમાં ઢાકા યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં તેમણે છાત્રો સમક્ષ ભાષણ કર્યું કે કોઈ પણ રાષ્ટ્ર માટ એક રાષ્ટ્રભાષા જરૂરી છે અને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને સૂચવ્યું કે ઉર્દૂ અને બંગાળી બન્નેને એક સમાન રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવે. ઝીણાએ ગુસ્સે થઈને કહ્યું નો, ઉર્દૂ એન્ડ ઓન્લી ઉર્દૂ. એ પછી એમની સામે જ તાજા અસ્તિત્વમાં આવેલા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા સામે વિદ્યાર્થીઓએ બળવો કર્યો અને ઝીણાનો હુરિયો બોલાવ્યો. સ્વતંત્ર બંગલાદેશની લડતનું નેતૃવ કરનારા મુજીબુર રહેમાને ઝીણાની સામે કરવામાં આવેલા દેખાવોનું નેતૃત્વ કર્યું હતું. પાકિસ્તાનના વિભાજનની અને તેના પતનની શરૂઆત તેની સ્થાપના સાથે જ થઈ ગઈ હતી, કારણ કે શરતો હતી. હિન્દુસ્તાન મેં રેહના હો તો … એમ જે હિન્દુત્વવાદીઓ કહે છે એમ પાકિસ્તાન મેં રહેના હો તો … અને પછી શરતોની વણઝાર.
પાકિસ્તાનનું વિભાજન અને પતન અનિવાર્ય હતાં અને એમ જ થયું, પણ બંગલાદેશમાં પણ એ જ ઇતિહાસનું પુનરાવર્તન થયું. ફરી શરતો. એક શરત બંગાળી તરફીઓની હતી તો સામે બીજી શરત ઇસ્લામ તરફીઓની હતી. બંગલાદેશ મેં રેહના હો તો… શરૂ થયું. ઇસ્લામ સર્વોપરિ કે બંગાળી અસ્મિતા? બન્ને પોતાને અનુકૂળ પ્રજાને ડરાવતા હતા બને પ્રકારના નેતાઓ એકબીજાનો છેદ ઉડાડતા હતા અને ડરાવવાનું રાજકારણ કરતા હતા. શરતો, શરતો અને શરતો. ૧૯૪૭થી પાકિસ્તાનમાં આ ચાલે છે અને ૧૯૭૧થી બંગલાદેશમાં. શરૂઆતના બે દાયકા પછી શ્રી લંકામાં પણ બૌદ્ધ સિંહાલા બહુમતી પ્રજાએ શરતો લાદવા માંડી અને શ્રી લંકાના જે હાલ થયા એ તમે જાણો છો.
પરિવારો તૂટે છે શરતોનાં કારણે. શક્તિશાળીઓને એવો ભ્રમ હોય છે કે તે યાવદ્ચન્દ્ર દિવાકરો પોતાની શરતો મનાવી લેશે, પણ એવું બનતું નથી. શક્તિ પણ યથાસ્વરૂપ કાયમ રહેતી નથી. સમય બદલાય એટલે દબાયેલા લોકો માથું ઊંચકે. આવું પાકિસ્તાનમાં, બંગલાદેશમાં શ્રી લંકામાં, મ્યાનમાર(બર્મા))માં અને જ્યાં જ્યાં શરતો લાદવામાં આવી રહી છે ત્યાં આવું બની રહ્યું છે. બંગલાદેશમાં દોઢ દાયકાથી બંગાળી અસ્મિતાની શરતો લાદીને, બંગાળી ભાષાપ્રેમીઓને ડરાવીને, વિરોધીઓને દબાવીને શેખ હસીના એકહથ્થુ રાજ કરતાં હતાં. એ તાનાશાહી શાસન હતું જેને ન્યાયી ઠરાવવા બંગાળી અસ્મિતાનો ઉપયોગ કરવામાં આવતો હતો. શેખ હસીનાના પતન પછી ઇસ્લામવાદીઓએ માથું ઊંચક્યું છે અને અત્યારે ગૃહયુદ્ધની સ્થિતિ બની છે.
દેશ અંતર્ગત પ્રજાકીય શરતોએ કોઈ દેશને ન્યાલ કર્યો નથી એમ જગતનો ઇતિહાસ કહે છે, ભારતનાં સાખ પાડોશી દેશોનો અનુભવ કહે છે.
આગળ કહ્યું એમ ભારત સામે કસોટી હતી સહિયારી રાષ્ટ્રીયતા વિકસાવવાની અને એને ટકાવી રાખવાની. આઝાદીનાં આંદોલન દરમ્યાન ગાંધીજીના નેય્તૃત્વમાં સહિયારી ભારતીય રાષ્ટ્રીયતા તેનો વિરોધ કરનારા હોવા છતાં ઠીક ઠીક પ્રમાણમાં વિકસી હતી અને જવાહરલાલ નેહરુએ તેને શાસકીય સ્વરૂપ આપ્યું હતું. આઇ.આઇ.ટી., આઈ.ઈ.એમ., ઈસરો, સાહિત્ય અકાદમી જેવી એક ડઝન સંસ્થાઓ સ્થપાઈ અને તેણે દેશને પ્રતિષ્ઠા આપી એ એ અરસામાં. પણ એ પછી કાઁગ્રેસે સત્તા માટેનું રાજકારણ કરવા માંડ્યું અને એ માટે સહિયારી ભારતીય રાષ્ટ્રીયતા સાથે ચેડાં કરવા માંડ્યા અને કાઁગ્રેસનું પતન થયું. અત્યારે એ લોકો શાસન કરી રહ્યા છે જેઓ શરતો લાદવામાં અને કોઈને દબાવીને રાખવામાં મને છે. તેમની પૂરી શક્તિ આમાં ખર્ચાઈ રહી છે અને શાસન કરવા માટે તેમની પાસે સમય અને શક્તિ જ બચતાં નથી. સમર્થકોને પકડી રાખવામાં અને વિરોધીઓને મેનેજ કરવામાં પૂરી શક્તિ ખર્ચાઈ જાય છે. જવાહરલાલ નેહરુ સામે આ સમસ્યા નહોતી.
હું ખાતરીપૂર્વક કહું છું કે જો હિંદુ રાષ્ટ્રવાદીઓ આઝાદી પછી તરત સત્તામાં આવ્યા હોત તો ભારતની હાલત પણ પાકિસ્તાન અને બંગલાદેશ જેવી જ હોત. “બીજા”ઓનું સ્થાન નક્કી કરવામાં, શરતો લાદવામાં, દબાવી રાખવામાં સમય અને શક્તિ વેડફાઈ ગયાં હોત. તેઓ નેહરુને ગાળો એટલા માટે આપે છે કે નેહરુનું શાસકીય મોડેલ તેમને સતાવે છે. મંદિરો આઇ.આઇ.ટી. અને ઈસરોની જગ્યા લઈ શકતાં અને મને એ વાતની પણ ખાતરી છે કે જો આ લોકોનું શાસન લાંબુ ચાલ્યું હોય તો દેશનું પતન નિશ્ચિત છે. શરતોએ કોઈ પરિવારનું, કોઈ સમજનું કે કોઈ દેશનું ભલું કર્યું નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જાન્યુઆરી 2026
![]()

