સ્વરાજના સાત દાયકે પણ એ જ સાંસ્થાનિક માનસિકતા, એ જ મૂઠ, એ જ મૂર્છાનો ગેરસ્વરાજ દોર જારી છે
વારાણસી પંથકમાં મતદાનપૂર્વ જંગેઝુંબેશના આખરી કલાકો આજે છે. તે પૂર્વે ભોંય કેળવવાની દૃષ્ટિએ હોય તેમ ગુરુવારે વારાણસીની મુલાકાત લઈ અરુણ જેટલીએ અફસોસ અને આક્રોશના અંદાજમાં એ વાતે ધોખો કીધો છે કે દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રાષ્ટ્રવાદને ખરાબ ગણવામાં આવે છે. દિલ્હીની છાત્રા ગુરમેહર કૌરે સોશિયલ મીડિયામાં જે એક વિધાન કર્યું એને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આકાશપાતાળ એક કરવાની હદે ગામ માથે લીધું તેના સમર્થનમાં આવી પડેલા અવાજ તરીકે પણ તમે અરુણ જેટલીના ઉદ્ગારને જોઈ શકો. પણ રાષ્ટ્ર એટલે અમે કહી તે જ અને રાષ્ટ્રવાદ એટલે અમે કહીએ તેમ જ એ જે હવા સત્તાવર્તુળોએ બનાવી છે તે ટીકાતીત નથી, અને તેની ટીકા કરવી તે કોઈ દેશપ્રેમ નહીં હોવાની નિશાની નથી એ સાદો હિસાબ છે. વસ્તુત: આ પ્રશ્ન ઉપડ્યો એના થોડા દિવસ પહેલાં જ સરસંઘચાલક મોહન ભાગવતે કોઈએ કોઈની દેશભક્તિ સારુ સર્ટિફિકેટ આપવાલેવાની જરૂર નથી એ મતલબનું સ્પષ્ટ કથન કર્યું ત્યારે જ સમજાઈ રહ્યું હતું કે દિલ્હી પહોંચેલો સંઘ કોઈ અાત્યંતિકતામાં ભેરવાઈ ન પડે એવી સભાનતા ભાગવતને પક્ષે હોઈ શકે છે.
અલબત્ત, સભાનતા અને સતર્કતાનો આ પથ અઘરો, અત્યંત અઘરો છે. ચઢાણ કપરાં જ નથી, સીધાં પણ છે. એક તો રાષ્ટ્ર જ કેમ જાણે ઈશ્વરની એકમાત્ર વિભૂતિ હોય એવી જાડી સમજ અને વળી એની વ્યાખ્યા બાબતે છેક જ ટૂંકી સમજ, એના નવ નવ દાયકા પછી પ્રજાસત્તાક સ્વરાજમાં શીર્ષસત્તાસ્થાને શોભીતી રીતે સંયમમાં પેશ આવવું એ ખાવાના ખેલ નથી જ નથી. ખરું જોતાં, રાષ્ટ્રપ્રેમ એ સ્વત: વિવાદનો મુદ્દો શા વાસ્તે હોય? ભાઈ, જે બધી તકરાર છે તે ઘણુંખરું તો રાષ્ટ્ર નામનો (અને વળી સંકીર્ણ વ્યાખ્યાવશ) જે સંપ્રદાય ઊભો કરાય છે એને આભારી છે. એક વાર સંપ્રદાય બન્યો એટલે તરતમવિવેક રહે શાનો. ઉજેણીની ધરતી પર બાણું લાખ માળવાના ધણી વીર વિક્રમની ગાદીએ સહસા કુંદન ચંદ્રાવત નામે જે પ્રતિભા આ દિવસોમાં ઉભરી તે એનો નાદર નમૂનો છે. ગુરમેહર કૌરમાં દાઉદ ઇબ્રાાહિમને જોઈ શકતી જમાતના આ જણે સંઘ પ્રાયોજિત જનઅધિકાર મંચ પરથી કેરળના મુખ્યમંત્રીના માથા સાટે પદરના કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું એ કમનસીબ બીના આપણે હજુ હમણે જ જોઈ છે.
ચંદ્રાવત જે બોલ્યા એનો વીડિયો પણ સમાચાર ચેનલોમાં સુલભ છે, અને એમાં એમણે કરેલી ગર્જના પણ ચોખ્ખી સંભળાય છે: ‘ભૂલ ગયે ક્યા ગોધરાકો?’ એમણે પૂછ્યું છે અને ઉમેર્યું છે, ‘છપ્પન મરે થે … દો હજાર કબ્રિસ્તાન મેં ચલે ગયે – ઘુસા દિયા ઉનકો અંદર, ઇસી હિંદુ સમાજને.’ સંઘના સત્તાવાળાઓએ સદ્ભાગ્યે પોતાના ઉજ્જૈનસ્થિત સહપ્રચાર પ્રમુખનાં વચનોથી ઉતાવળે કિનારો કર્યો છે. પણ, બુંદ સે ગઈ હોજ સે નહીં આતી … અને હોજ સે ગઈ?ખરી વાત એ છે કે આ પ્રકારના ઉદ્ગારો લાંબા સમયથી કેળવાયેલી ચોક્કસ માનસિકતામાંથી આવી પડતા હોય છે. ચંદ્રાવતે જે નિમિત્તે એકત્ર આવેલા સમુદાયને સંબોધન કર્યું હતું એમાં એ માટેનો ધક્કો જો કે જરી જુદી રીતે પડેલો પણ હતો. કેરળમાં સંઘના કુડીબંધ કાર્યકરો માર્ક્સવાદી પક્ષ (સી.પી.એમ.) તરફથી હિંસ્ર હુમલાનો ભોગ બન્યા છે તે મુદ્દે જાગૃતિના દેશવ્યાપી અભિયાનનો ઉજ્જૈનની પ્રસ્તુત સભા પણ એક ભાગ હતી.
અનુગોધરા હવાલો આપી (પ્રકારાન્તરે જવાબદારી સ્વીકારી) સંઘના સ્થાનીય સહપ્રચાર પ્રમુખે, અમને મારનારના શા હાલહવાલ થઈ શકે એનો ખયાલ આપી સી.પી.એમ.ને આપવા ઇચ્છ્યું હશે. કેરળમાં આર.એસ.એસ. – સી.પી.એમ. હિંસ્ર આપલેનો એક સિલસિલો રહેલો છે, અને બંને એકબીજાને દોષી ગણાવતા રહ્યા છે. હિંસ્ર આપલે એ અલબત્ત કોઈ લોકશાહી અને નાગરિક તરીકો નથી, પણ એક છેડે કથિત રાષ્ટ્રચેતના તો બીજે છેડે કથિત વર્ગચેતના આ પ્રકારની આપલેને ‘ધર્મ્ય’ લેખવાનો અફીણી જોસ્સો આપતી હશે, એમ જ માનવું રહ્યું. નંદિગ્રામમાં પણ કોઈક તબક્કે સી.પી.એમ.ની ભળતીસળતી સંડોવણી હતી, અને એની એ હિંસ્ર ભૂમિકા સાથે અસમ્મત તટસ્થ બૌદ્ધિકોએ બુદ્ધદેવની ડાબેરી સરકાર સામે ઝીંક લેવાપણું જોયું હતું. પણ સંઘ પરિવારની માનસિકતા ‘સાથે નહીં તે સામે’ – પ્રકારની છે અને અરુણ જેટલીએ એમના વારાણસી દર્શનમાં ‘એવોર્ડ વાપસી’ પ્રકરણને અંગે પણ ઘસાતી રીતે વાત કરવાનો આનંદ લીધો છે.
રાષ્ટ્રની વ્યાપક સંકલ્પના જો નમો-ટ્રમ્પની પહોંચની બહાર છે તો બીજા મોજાની સરજતરૂપ કૉંગ્રેસ જેવા પક્ષોને સારુ પણ એ કેટલીક વાર કાઠી જણાય છે. 1915માં ગાંધીજીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો એ વર્ષોમાં મેઘાણીએ એમનામાં એક ‘કોસ્મોપોલિટન’ જોયો હતો, અને ગાંધીજીએ પણ આશ્રમ અંગેની લેખી નોંધની શરૂઆત વિશ્વહિતને અવિરોધી એવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓના ઉલ્લેખથી કરી હતી. કૉંગ્રેસ સાથે આત્મીય છતાં આઉટસાઇડર એવા ગાંધીસંબંધનું રહસ્ય એક આ પણ છે. જેમ જેમ દાયકાઓ વીતતા જાય છે તેમ તેમ રાષ્ટ્રવાદની ભયાવહ મર્યાદાઓ અને વિસ્તરતી સંકલ્પના બંને ઉત્તરોત્તર સ્પષ્ટ થતાં આવે છે. હવે રાષ્ટ્ર એ કોઈ અમૂર્ત ખયાલાત નથી, કે દેવીરૂપ સંપ્રદાય નથી. (ગોળવલકર ચિત્રાત્મક શૈલીમાં કહેતા કે ભારતમાતા એ વિષ્ણુપત્ની છે, કોઈના બાપની મિલકત નથી.) રાષ્ટ્રની ઓળખપરખ એના મૂર્ત માનવદ્રવ્યથી થાય છે.
નાગરિકમાત્રનાં વાસ્તવિક સુખદુ:ખની સંભાળના સહભાગી અભિગમથી ઉફરી કોઈ અમૂર્ત રાષ્ટ્રપ્રીતિ નથી. આ સંદર્ભમાં નમૂના દાખલ ગુરમેહર પ્રકરણમાંથી જ એક આનુષંગિક ઉદાહરણ આપું. ડખો એમાંથી થયો કે પરિસંવાદમાં જે.એન.યુ.ના પીએચ.ડી. છાત્ર ઉમર ખાલીદને એક વક્તા તરીકે નિમંત્રણ હતું. ઉમરનો વિષય કાશ્મીરને લગતો નહોતો. એના વર્તમાન શોધવિષય એવા આદિવાસી પ્રશ્નને લગતો હતો. એને બોલવાનું બન્યું નહીં પણ એણે તૈયાર કરેલું પેપર હમણાં બહાર આવ્યું છે. એમાં મુદ્દો એ છે કે સાંસ્થાનિક સામ્રાજ્યશાહીએ આદિવાસીઓ અને એમનો પ્રદેશ એ સુવાંગ રાજમાલિકીની બાબત હોય એવો અભિગમ લીધો હતો. સ્વરાજના સાત દાયકે પણ દિલ્હી સરકારને આ અભિગમની વાસ્તવિક કળ વળી નથી.
એ જ સાંસ્થાનિક માનસિકતા, એ જ મૂઠ, એ જ મૂર્છા – એવો એક ગેરસ્વરાજ દોર જારી છે. જવાહરલાલથી આરંભી વાયા વાજપેયી-મનમોહન આજે પણ આ જ સ્થિતિ છે. (નવો ફોરેસ્ટ ઍક્ટ જરૂર થયો, પણ ગુજરાત મોડેલમાંયે આદિવાસી વાસ્તવિક અધિકારવંચિત છે.) એટલે જેમ સ્વરાજ જણે જણનું તેમ રાષ્ટ્રની વ્યાખ્યામાં પણ જણે જણ, એ અંતર આપણે કાપવાનું છે.પોતપોતાના પક્ષસંધાનવાળાં છાત્રયુવા સંગઠનો સામસામા મોરચાઓ અત્યારે તો કાઢી રહ્યાં છે. એની વચ્ચે દિલ્હીમાં આજે નાગરિક મોરચાનું એલાન છે એ તત્ત્વત: જુદું પડી શકે છે. રાષ્ટ્ર એ કોઈ પક્ષસંપ્રદાયની બપૌતી કે ઇજારો નથી … મૂર્ત માનવ્યમંડિત નિરામય નાગરિકતાનો સહિયારો આવિષ્કાર હોય તો ભલે!
સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 04 માર્ચ 2017