આવતીકાલે [૧૮.૦૪.૨૦૧૯] ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સાથે કુલ બેઠકોની ત્રીજાભાગની બેઠકોનું મતદાન સમાપ્ત થશે. આગામી અઠવાડિયે ગુજરાતની ૨૬ બેઠકોનું મતદાન છે એટલે રાજ્યમાં અને દેશમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. રાજકીય નેતાઓ એમનાં ચૂંટણી ભાષણોમાં વિરોધીઓ પર આક્ષેપો કરે છે અને મતદારોને તેમના ભવિષ્ય માટે ડર બતાવી વાયદા, વચનો અને પ્રલોભનો આપે છે. ચૂંટણી ઢંઢેરા ચૂંટણી પ્રચારનું મહત્ત્વનું હથિયાર છે. જો કોઈપણ સત્તાપક્ષના ચૂંટણી વચનોના અમલના આધારે મતદારે વોટ આપવાનો હોય તો ભાગ્યે જ કોઈ પક્ષ ખરો ઊતરે તેમ હોય છે . તેમ છતાં ચૂંટણી ઘોષણાપત્રોએ તેમનું વજૂદ સાવ ગુમાવી દીધું નથી. એટલે જ દેશના રાજકીય પક્ષો જ નહીં વિવિધ મતદાર મંડળો અને નાગરિક સમાજો પણ ચૂંટણી ઢંઢેરા જાહેર કરે છે.
સત્તાનશીન બી.જે.પી.એ પ્રથમ તબક્કાના મતદાનના માંડ બે જ દિવસ પહેલાં તેનું ચૂંટણી “સંકલ્પપત્ર” જાહેર કર્યું છે. જેમાં પક્ષની આગવી ઓળખ એવા રામમંદિર, આર્ટિકલ ૩૭૦ની નાબૂદી, સમાન નાગરિક ધારો, તીન તલ્લાક, નાગરિકતા બિલ, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા તો છે. પણ પક્ષના અંત્યોદય દર્શનમાં આર્થિક મુદાઓને પણ ગૌણ સ્થાન મળ્યું છે. ખેડૂતો અને નાના વેપારીઓને નિવૃત્તિ પછી પેન્શન એ સૌથી મોટું ચૂંટણી વચન છે. ખેડૂતના ખાતામાં વરસે છ હજાર રૂપિયા જમા કરાવવાની યોજના ચાલુ રખાશે તો જલશક્તિ અને માછીમારીનું નવું મંત્રાલય ખોલાશે.
કૉન્ગ્રેસના ચૂંટણી ઘોષણાપત્ર “હમ નિભાયેંગે”માં, ગેમચેન્જરની આશાવાળું, ગરીબોને વરસે ૭૨,૦૦૦/- રૂપિયા આપવાનું ન્યૂનતમ આય યોજના, “ન્યાય”નું વચન છે. આર્થિક સાથે સામાજિક ન્યાય ચીંધતા કે સામાજિક સ્થિતિમાં ભારે પરિવર્તનની આશા આપતા આ ચૂંટણી ઢંઢેરામાં કૉન્ગ્રેસે દેશ સમક્ષના વાસ્તવિક મુદ્દા ઉઠાવીને ગરીબી, બેકારી, આરોગ્ય, કૃષિસંકટ અને ભયના વાતાવરણની નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક જમાનામાં કૉન્ગ્રેસની મજબૂત વોટ બેંક ગણાતા દલિતો, આદિવાસીઓ, અન્ય પછાતો અને લઘુમતીઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આણવા માટેનાં સંખ્યાબંધ વચનો આ ઢંઢેરામાં છે. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદ અને અન્ય મુદા સામે કૉન્ગ્રેસે કશ્મીરનો અલગ દરજ્જો જાળવી રાખવાના વચન સાથે રાષ્ટ્રદ્રોહ અને બદનક્ષી કાયદાની નાબૂદી તથા આફસ્પામાં સુધારાનું વચન આપ્યું છે.
કૉન્ગ્રેસની “ન્યાય ‘યોજનાના નાણાં કઈ રીતે ઊભાં કરાશે તેવા વાજબી સવાલનો કોઈ નકકર જવાબ પક્ષ પાસે નથી. પરંતુ અખિલેશ યાદવના સમાજવાદી પક્ષે તેના ચૂંટણી ઢંઢેરામાં અઢી કરોડથી વધુ આવક ધરાવતા ધનિકો પર વધારાનો ૨% કર નાંખવાનું ચૂંટણી વચન આપ્યું છે ! કૉન્ગ્રેસની જેમ સમાજવાદી પક્ષ પણ જી.ડી.પી.ના ૬% શિક્ષણ માટે વાપરવાની પ્રતિબધ્ધતા જાહેર કરે છે. ખેડૂતોનું તમામ દેવું પૂરેપૂરું માફ, લશ્કરમાં આહિર રેજિમેન્ટની સ્થાપના અને સમાજવાદી પેન્શન યોજનાનો ચુનાવી વાયદો પણ સમાજવાદી પક્ષ કરે છે.
પ્રાદેશિક પક્ષોના ચૂંટણી ઘોષણા પત્રોમાં પ્રાદેશિક અસ્મિતા અને જાતિનો મુદ્દો છવાયેલો હોય છે. તમિળનાડુના બંને દ્રમુક પક્ષોએ રાજીવ ગાંધીના હત્યારાઓને સજામાંથી મુક્તિનું વચન આપ્યું છે તો મેડિકલ પ્રવેશ માટેની ફરજિયાત પરીક્ષા “નીટ”(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની નાબૂદીનું પણ વચન આપ્યું છે. ભા.જ.પે. કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજમુક્ત લોનનું તો તેમના એન.ડી.એ. સાથી નીતિશકુમારના પક્ષે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડની ઘોષણા કરી છે. ૨૦૦૪માં કૉન્ગ્રેસે ખાનગી ક્ષેત્રોમાં અનામતનું વચન આપેલું તે પછી ભૂલાવી દેવાયું છે, પણ લાલુપ્રસાદના આર.જે.ડી.એ ખાનગી ક્ષેત્રમાં અનામત, મંડલ કમિશનનો વાસ્તવિક અમલ અને જાતિવાર વસ્તી ગણતરીનું વચન આપ્યું છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશના મતદારોની રોટી, કપડાં અને મકાનની મૂળભૂત જરૂરિયાત સંતોષાઈ નથી. એટલે લગભગ સઘળા રાજકીય પક્ષોને આ માટેના વચનો આપવા પડે છે. સુદૂર પૂર્વોત્તરના સિક્કિમ રાજ્યના દીર્ઘકાળના શાસક મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ અને તેમના પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે તો રાજ્યમાં કુંટુંબ દીઠ એકને સરકારી નોકરીનું વચન આપ્યું છે ! ચંદ્રાબાબુ નાયડુએ દરેક કુટુંબના ખાતામાં વરસે બે લાખ રૂપિયા જમા કરાવવાનું તો મમતાદીદીની તૃણમૂલ કોંગ્રેસે ૫૦ હજાર બેરોજગાર યુવાનોને ૧ લાખ રૂપિયાની સહાયનું વચન આપ્યું છે.
રાજકીય પક્ષોના દાવા હોય છે કે તેઓ તેમના ઈલેકશન મૅનિફેસ્ટોમાં મતદારોનો અવાજ રજૂ કરે છે. પણ જુદાજુદા વંચિત સમુદાયો અને નાગરિક સમાજો પણ નગારખાનામાં તતૂડીની જેમ મતદારોની માંગણીઓના મૅનિફેસ્ટો જાહેર કરે છે. દેશના સૌથી વધુ ઉપેક્ષિત અને ગરીબ એવા સફાઈ કામદારોની માંગણીઓનું ખતપત્ર “સફાઈ કર્મચારી આંદોલન” દ્વારા પ્રગટ થયું છે. તેમણે સફાઈ કામદારોના સવાલો માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની, તેમની સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરી છે. બંધારણના ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકાર સંબંધી આર્ટિકલ ૨૧નો હવાલો આપીને રાઈટ ટુ લાઈફ કાર્ડ(આર.એલ.૨૧)ની માંગ કરી છે. આધાર કાર્ડ સહિતના જાતભાતના કાર્ડમાં એક વધુનો તેથી ઉમેરો થશે. ગટર કામદારો અને હાથથી મળ સફાઈના મોતના કિસ્સામાં વળતરની રકમ રૂપિયા દસ લાખથી વધારી એક કરોડની અને વૈકલ્પિક રોજગાર, પુનર્વાસ અને શિક્ષણની માંગ તો કરી છે પણ સફાઈ કામદારોના માથે જાતિના ધોરણે થોપાયેલા આ બધાં કામોને ફગાવી દેવાની નક્કર માંગ નથી. જાણે કે ડો. આંબેડકરના નિર્વાણ સાથે તેમનો જાતિનિર્મૂલનનો એજન્ડા પણ દેશમાંથી નિર્વાણ પામી ગયો ગયો છે !
દેશની અરધી આલમ એવી મહિલાઓનું વસ્તીના ધોરણે વિધાનગૃહોમાં પ્રતિનિધિત્વ નથી, એટલે મતદાર તરીકે પણ તેનો અવાજ સંભળાતો નથી. મહિલા અનામતનું બિલ વરસોથી સંસદમાં લટકે છે. એ સંજોગોમાં સેક્સવર્કર્સની માંગણીઓનું રાજકીય પક્ષોને મૂલ્ય કેટલું એવો પ્રશ્ન થાય. “ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સવર્કર્સ” દ્વારા ૪૫ કે તેથી વધુ વયના સેકસવર્કર્સને પેન્શન અને સેક્સવર્કસને પણ અન્ય કામના જેવો વ્યવસાય ગણી ગુનો ન ગણવાની માંગણી છે.
ઘર આંગણે ગુજરાતના નાગરિક સમાજના એક વર્ગે ”પ્રજા ઝંખે છે પરિવર્તન” મથાળે પીપલ્સ મૅનિફેસ્ટો પ્રગટ કર્યો છે તો. “વોઈસ ઓફ માઈનોરિટી”ના શીર્ષકે ગુજરાતના લઘુમતીઓએ તેમની સુરક્ષા અને વિકાસના સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી પ્રચારના ઘોંઘાટ વચ્ચે મતદારો ચૂંટણી વચનોને ધ્યાનથી પરખે, જૂના વચનો યાદ કરે અને રાજકીય પક્ષો મતદારોનો અવાજ સાંભળે તો લોકશાહીનું આ પર્વ દીપી ઊઠે.
e.mail : maheriyachandu@gmail.com
‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, સંદેશ”, 17 ઍપ્રિલ 2019