1910માં ઇંગ્લેન્ડના રાજા રહેલા જ્યોર્જ પાંચમા અવિભાજિત ભારતના પણ સર્વેસર્વા બન્યા હતા. પછીના એક જ વર્ષમાં તેમણે જે મહત્ત્વના નિર્ણય લીધા, તેમાં એક નિર્ણય હિંદુસ્તાનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી કરવાનો હતો. દિલ્હી અગાઉ મુઘલો અને સલ્તનતોનું શહેર રહ્યું હતું, જે હવે હિંદુસ્તાનની રાજધાની થવાની હતી. દિલ્હી કેવી રીતે રાજધાની બની અને તેનું આર્કિટેક કેવી રીતે નક્કી થયું તે વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અદ્રિજા રાયચૌધરીએ સુંદર લેખ લખ્યો છે. કેવી રીતે કોઈ શહેર એક ઓળખ મેળવે છે તેનું પણ તેમાં આલેખન છે. તે સમયે દિલ્હીમાં સંસદ ભવન સહિત અન્ય ઇમારતો નિર્માણ પામી રહી હતી. બ્રિટિશ આર્કિટેકોએ કેવી રીતે તેને આકાર આપ્યો હતો તેનું વિસ્તૃત વર્ણન અદ્રિજાએ કર્યું છે. હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં સંસદ ભવન સહિત અન્ય સ્ટ્રક્ચરને નવો ઓપ આપવા માટે ભૂમિપૂજન કર્યું છે, ત્યારે ‘લ્યૂટન્સ દિલ્હી’ નામે ઓળખાતું આ ક્ષેત્ર કેવી રીતે ડેવલપ થયું હતું તે જાણવા જેવું છે.
દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવાનું જ્યારે નિશ્ચિત થઈ ગયું, ત્યારે જ્યોર્જ પાંચમાએ એક વાત ઠોસ રીતે જણાવી દીધી હતી કે, અહીંયા જે કોઈ સરકારી ઇમારતો નિર્માણ કરવામાં આવે તે આ પ્રાચીન શહેરને છાજે એવી હોવી જોઈએ. કલકત્તાથી રાજધાની દિલ્હી લાવવાનો નિર્ણય અંગ્રેજોએ રાતોરાત નહોતો કર્યો, પણ 1905માં બંગાળના ભાગલા થયા બાદ ત્યાં માહોલ સ્થિર નહોતો; ને ત્યાં અવારનવાર ઊભી થતી સ્થિતિથી અંગ્રેજોને વહીવટમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત, દિલ્હીને રાજધાની તરીકે પસંદગી ઊતારવાનું એક કારણ ભારતીયો સાથે આ શહેરનું ઐતિહાસિક જોડાણ હતું. આ સમયગાળા દરમિયાન અંગ્રેજો હિંદુસ્તાનના પ્રાંતીય નેતૃત્વોની વધુ સામેલગીરી માટે તૈયારી દાખવી રહ્યા હતા. રાજધાનીનું સ્થાન બદલીને અંગ્રેજો પોતાના શાસનની ઢબ પણ બદલવાનો અવકાશ જોઈ રહ્યા હતા. પૂરા દેશમાં અંગ્રેજોને દિલ્હીના મુકાબલે આવે તેવું કોઈ અન્ય શહેર મળવાનું નહોતું. આમે ય તેરમી સદીથી વિવિધ શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે અવારનવાર સ્થાન આપ્યું હતું.
દિલ્હીને રાજધાની તરીકે સ્થાપિત કરવાનું નક્કી થયું ત્યાર બાદ તેના પર કામ શરૂ થયું. અંગ્રેજો વતી એવું નક્કી થઈ ચૂક્યું હતું કે રાજધાનીનું મેકઓવર વધુ ‘ઇન્ડિયન ફ્રેન્ડલી’ હોવું જોઈએ. પછી જે વાત આવી તે હતી આર્કિટેક્ચર સ્ટ્રક્ચરની. આર્કિટેકમાં જ્યોર્જ કિંગે તો સૂચના તો આપી હતી, પણ સાથે-સાથે તે સૂચનાનો અમલ કરવા માટે તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગે પણ પ્રયત્ન કર્યા. લોર્ડ હાર્ડિંગનો આગ્રહ હતો કે રાજધાનીનું આર્કિટેક યુરોપિયન ઢબની જેમ ભલે થાય, પણ તેમાં પૂર્વનો આત્મા ધબકવો જોઈએ. હાર્ડિંગ પૂરી બાબતને રાજકીય રીતે પણ મહત્ત્વની જોતા હતા. આ અંગે તેઓ એક અધિકારીને લખેલા જણાવે છે કે, હિંદુસ્તાનીઓને એમ ન લાગવું જોઈએ કે તેઓ રાજધાનીની ડિઝાઈનમાં ક્યાં ય નથી, છતાં તે માટે થનારા ખર્ચમાં તેમણે કિંમત ચૂકવવાની છે!
ચર્ચા આગળ વધી તેમાં આર્કિટેકોના નિષ્ણાતોનો મત એવો પણ આવ્યો કે, દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવા જઈ રહ્યા છે, ત્યારે મુઘલના હૃદયરૂપી આ સ્થાનને વધુ મજબૂત ઓળખથી ઊભી કરવાની તક છે. જેમ અકબરે ફતેહપુર સિકરી અને શાહજહાંએ શાહજહાનબાદ નિર્માણ કરાવ્યું હતું તે રીતે. દિલ્હી રાજધાની નિર્માણ પ્રક્રિયામાં અનેક નિષ્ણાતોનો અભિપ્રાયો મંગાવવામાં આવ્યાં હતાં. તેના પ્રતિક્રિયારૂપે ‘કલકત્તા સ્કૂલ ઓફ આર્ટ’ના નિવૃત્ત પ્રિન્સિપાલ ઇ.બી. હવેલે પણ પોતોની રજૂઆત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીને નિર્માણ કરતી વેળાએ યુરોપિયન આર્કિટેક શૈલીનું ખરાબ અનુકરણ ન થવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી લખ્યું હતું કે, બ્રિટિશ સરકારે આર્કિટેક માટે મંદિરનિર્માણ કરનાર બિલ્ડર્સની સેવા લેવી જોઈએ જેઓ મુઘલ ડિઝાઈને વધુ સારી રીતે લાવીને તેની શોભા વધારી શકશે.
રાજધાની નિર્માણમાં અંગ્રેજોની પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેમાં સમાજ-સંસ્કૃતિ અને ભારતીયોની આશા-આકાંક્ષાનાં પ્રતિબિંબિત થાય છે કે નહીં; તે નિષ્ણાતો જોઈ રહ્યા હતા. જે હિંદુસ્તાન પર અંગ્રેજો શાસન કરી રહ્યા હતા, તે અંગ્રેજોમાંથી જાણીતા આર્ટિસ્ટ, સ્કોલર્સ અને સંસદસભ્યોએ મળીને હિંદુસ્તાનના વાઇસરોયની ઓફિસને એવો પત્ર લખ્યો હતો કે, નવી રાજધાની નિર્માણ માટે વધુને વધુ હિંદુસ્તાનીઓને સામેલ કરવા જોઈએ! એક તરફ રાજધાનીને હિંદુસ્તાનીઓ વડે અને તેનાં આર્કિટેક મુજબ નિર્માણ કરવાની વાત હતી, ત્યાં બીજી તરફ એક જૂથ તેના વિરોધમાં પણ હતું. આ વિરોધમાં મુખ્યત્વે એક હતા, એડવિન લ્યૂટન્સ અને બીજા હતા હાર્બર્ટ બેકર. આજે દિલ્હીમાં અંગ્રેજોના સમયની જે પણ ઇમારતો છે તેનો શ્રેય એડવિન લ્યૂટન્સને આપવામાં આવે છે, પરંતુ ઇન્ડિયન આર્કિટેક્ચર ટ્રેડિશનના સૌથી વધુ ટીકાકાર હોય તો તે એડવિન લ્યૂટન્સ હતા. માર્ચ 1912માં જ્યારે તેઓ હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમણે પત્નીને લખેલાં એક પત્રમાં જે વિગત મળે છે તે કંઈક આવી છે : ‘હું નથી માનતો કે વાસ્તવમાં કોઈ ભારતીય આર્કિટેક હોય અથવા તો તેમની ઇમારતોને અંગે કોઈ મહાન પરંપરા હોય.’ આજે દિલ્હીના સંસદથી માંડીને અન્ય રાજકીય ઇમારતોના ક્ષેત્રને ભલે લ્યૂટન્સ દિલ્હી તરીકે ઓળખ મળી હોય, પણ લ્યૂટન્સને યુરોપિયન આર્કિટેકના તરફદરાર રહ્યા હતા. આ જ કારણે તેમણે તત્કાલિન વાઇસરોય હાર્ડિંગની વાતને પણ ખારીજ કરી દીધી અને લખ્યું છે કે, 'હું જૂના ઇંગ્લન્ડને અહીં નિર્માણ કરવા માંગુ છું જેની મહાન પરંપરા રહી છે, ન કે મુઘલ-હિંદ સ્ટ્રક્ચર.’
આ અંગે ચર્ચા પછી એટલી આગળ વધી કે ત્યારે તે વાત ટાઉન પ્લાનિંગ કમિટિ સુધી પણ પહોંચી. જો કે હાર્બટ બેકરે એડવિન લ્યૂટન્સ અને વાઇસરોય હાર્ડિંગ વચ્ચેના આર્કિટેક સ્ટ્રેક્ચરના ગજગ્રાહનો વચલો માર્ગ કાઢી આપ્યો. હર્બટ બેકર વાઇસરોય હાર્ડિંગની એ વાતથી સહમત થયા કે દિલ્હીમાં સામ્રાજ્યની છબિ પ્રગટ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ ઉદ્દેશને પાર પાડવા અર્થે પૂર્વ-પશ્ચિમ બંનેની શૈલી ઝળકવી જોઈએ. જો કે હાર્બટ બેકર એ વાતથી લ્યૂટન્સના સમર્થક રહ્યા કે રાજધાનીમાં યુરોપિયન શૈલીની સર્વોપરિતા ઝળકવી જોઈએ અને તેમાં સજાવટની રીતે માત્ર ભારતીય પરંપરાનો ઉપયોગ થવો જોઈએ. દિલ્હી નિર્માણના પ્રોજેક્ટમાં એક અન્ય આર્કિટેક સ્ટિન્ટોન જેકબ હતા. તેઓએ ભારતીય આર્કિટક શૈલીમાં ઘણુ કામ કર્યું હતું, જેથી તેઓનો લ્યૂટન્સના દૃષ્ટિકોણ સામે ભારે વિરોધ હતો. તેઓનો આગ્રહ હતો કે આર્કિટેકમાં છજ્જા અને છત્રીનો ઉપયોગ થવો જોઈએ. જેકબનું માનવું હતું કે આમાં હિંદુસ્તાનના જાણીતા આર્કિટેકનો સમાવેશ થવો જોઈએ. તેમ ન થયું અને છેલ્લે જેકબે રાજીનામું આપ્યું હતું.
અંતે ભારતીય આર્કિટેક શૈલીને રાજધાનીના ડિઝાઈનમાં જગ્યા આપવાનું નક્કી થયું. આ માટે લ્યૂટન્સ અને બેકર હિંદુસ્તાનભરમાં ફર્યા અને સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો. અને છેવટે છત્રી, છજ્જા અને જાળીનો ઉપયોગ થયો. તેમાં અર્ધગોળાકારનો પણ ઉપયોગ થયો, જે મહદંશે ભારતીય ડિઝાઈનની ઓળખ છે. આ રીતે રાજધાની દિલ્હી અને તેમાં નિર્માણ પામેલી અગત્યની ઇમારતો જેમ કે રાષ્ટ્રપતિ ભવન, સંસદની ઇમારતોમાં બ્રિટિશ ઢબની સાથે-સાથે ભારતીયપણું પણ દેખાય છે. સંસદ ભવનની ડિઝાઈન તો મધ્યપ્રદેશમાં મોરેના જિલ્લામાં આવેલા ચૌસઠ યોગિની મંદિરની જેમ કરવામાં આવી છે, તેવું અનુમાન અનેક નિષ્ણાતો લગાવે છે. અંગ્રેજોએ આર્કિટેકમાં જે ઉદારતા દાખવી હતી તેને અભ્યાસીઓ એ રીતે પણ જોવે છે કે, અંગ્રેજોને પણ એવો ખ્યાલ હતો કે તેમનું સામ્રાજ્ય લાંબા સમય સુધી ટકવાનું નથી. જો કે આ લાંબી ચર્ચા પછી રાજધાનીનું એક એવું મોડલ બન્યું જે ભારતીયોએ સ્વીકાર્યું અને આજ દિન સુધી તે આપણને પોતીકી લાગતું રહ્યું છે.
હવે આ ડિઝાઈનને ઘરમૂળથી ફેરફાર કરવાનો વર્તમાન સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય સાચો હોય તેમ છતાં જે સંવાદ-ચર્ચાની પ્રક્રિયા થવી જોઈએ તે આ કિસ્સામાં ન થઈ. તેની બ્લ્યુ પ્રિન્ટ બનાવીને સીધી જાહેર કરવામાં આવી. ઉપરાંત જે રીતે આર્કિટેક બિમલ પટેલની કંપનીને આ પ્રોજેકટ મળ્યો છે તેને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે વર્તમાન સરકાર ઊઠતાં સવાલોને અવગણીને આગળ વધવામાં માનતી આવી છે; પછી તે ખેડૂત બિલ હોય કે સંસદની નવી ઇમારતનું નિર્માણ.
e.mail : kirankapure@gmail.com