આજના ડિજિટલ યુગમાં માનવી અને પુસ્તકો વચ્ચેનું અંતર ખાસ્સું વધતું ચાલ્યું છે. જગત આખું ઇન્ટરનેટમાં સતત વ્યસ્ત થઈ ગયું છે. હવે માત્ર એક દિવસ એપ્રિલની ૨૩મી તારીખે ‘વિશ્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવાય છે, એટલું તો પુસ્તકોનું અહોભાગ્ય છે!
ઉત્તમ સાહિત્યના પ્રખર સર્જક વિલિયમ શેક્રેસપિયરનો જન્મ અને મૃત્યુ બંને આ દિવસે જ. તેથી તેમની યાદમાં યુનેસ્કો દ્વારા એપ્રિલ મહિનાની ૨૩મી તારીખને “વિશ્વ પુસ્તક દિન” તરીકે મનાવવામાં આવે છે.
છંદઃ મંદાક્રાંતાઃ
ખોલી ખોલી, મન ભરીભરી, કેટલું શોધતાં’તાં
પામી વાંચી, ખુશ થઈથઈ, પ્રેમથી શીખતાં’તાં.
પૂંઠા વચ્ચે, સુખદુઃખ બધાં, પાનપાને સમાવી
પ્રેમીહૈયાં, છલક છલકી, દિલથી ગીત ગાતાં.
શબ્દોના આ, ઉપવન મહીં, પુસ્તકોની સુગંધી
મ્હેકે એવી પવનરજથી દૂર દેશે જતી’તી.
આખેઆખી ગતિવિધિ હવે આજની સાવ નોખી
રોજ્જે જોઉં, સતત વધતાં, સૌ જનો જિંદગીમાં.
પૃથ્વીથી તે ગગન ઉપરે પ્હોંચતાં હું નિહાળું.
ખોલે કોઈ નહિ, નહિ અરે, પુસ્તકો છાજલીપે.
શોભાવે સૌ, અવનવી રીતે કાચ કેરાં કબાટે
‘એ આઈ’ કે ‘ગુગલ’ રમતે બાળ નાનાં ભણાવે.
ઓહો..કેવું હજી ઉજવતું એક તો દિન વિશ્વે!
આનંદે છે, કવિહૃદય સૌ થોડુંથોડું હસીને.
હ્યુસ્ટન
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com