‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના જ્ઞાનસત્રમાં આજે પુરસ્કારથી સન્માનિત થનાર પુસ્તકોમાં જ્ઞાનમાર્ગી અધ્યાપક રમેશ બી. શાહનું ‘અર્થવાસ્તવ’ પુસ્તક છે. આ પુસ્તકને 2018-2019ના વર્ષ માટેનું રામુ પંડિત પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ પહેલાંનો તેમનો એક સંચય ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ (2004) વીતેલા બે દાયકાના સર્વશ્રેષ્ઠ વૈચારિક પુસ્તકોમાં એક છે.
અચૂક પ્રગતિશીલ મૂલ્યો, બહુધા ક્રિટિકલ અભિગમ, વૈચારિક સ્પષ્ટતા અને વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન કરીને સંઘેડાઉતાર શૈલીમાં ગુજરાતીમાં જ લેખન કરીને વિદ્યાજગતને સમૃદ્ધ બનાવ્યું છે.
અત્યારની પેઢી માટે સંભવત: ઓછા જાણીતા રૅશનલ, ઓછાબોલા, અંતર્મુખ અને માનવીય અભિગમ ધરાવનાર આ બૌદ્ધિકને પોંખવાનું નિમિત્ત મળે તેનો આનંદ હોય.
અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ (એચ.કે.) આર્ટસ કૉલેજના અર્થશાસ્ત્રના 86 વર્ષના પૂર્વ અધ્યાપક રમેશભાઈના નામે ત્રીસેક પુસ્તકો છે. છ જેટલાં મૌલિક પુસ્તકો ઉપરાંત પંદરેક પુસ્તકોના તેઓ સહલેખક છે. તેમના અન્ય પુસ્તકોમાં સંપાદનો અને તેમની વ્યાખ્યાન-પુસ્તિકાઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતી વિશ્વકોશમાં અધિકરણ લેખન સાથે તેમણે પરામર્શક તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તેઓ ‘અભિદૃષ્ટિ’ અને ‘અર્થસંકલન’ સામયિકોના સંપાદક પણ રહી ચૂક્યા છે.
તેમણે લેખનમાં અર્થશાસ્ત્રની સિદ્ધાન્તચર્ચાના પાસાં ઉપરાંત અર્થશાસ્ત્રનો ઇતિહાસ, ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેતીનું અર્થશાસ્ત્ર, આંતરાષ્ટ્રીય તેમ જ વિકાસશીલ દેશોનું અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લીધા છે.
‘અર્થશાસ્ત્રનો પારિભાષિક કોશ’ તેમણે વિદ્યાશાખાને આપેલી દેણ છે. અમેરિકન અર્થશાસ્ત્રી W.C.Baumolના Economics Theory and Operation Analysis નામના સાડા આઠસો જેટલાં પાનાંના ગ્રંથનો ‘અર્થશાસ્ત્રના સિદ્ધાન્તો અને કાર્યાત્મક પૃથ:કરણ’ નામે, બંને ભાષાની પરિભાષા સૂચિ સહિતનો, સુવાચ્ય અનુવાદ તેમનું આકર કાર્ય છે.
‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’માં સમાજ, સાહિત્ય, રાજકારણ અને શિક્ષણ વિશેના ઝકઝોળી દેનારા 43 લેખો છે. એકંદરે રૅડિકલ વિચારોની સાફ નિર્ભિક અભિવ્યક્તિ આ પુસ્તકનો વિશેષ છે.
પરિષદ-પુરસ્કાર સન્માનિત ‘અર્થવાસ્તવ’ (2019) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે : ‘મારા ગુજરાતીમાં લખાયેલા અર્થશાત્રીય લેખો ગ્રંથસ્થ થાય એ મારા માટે કલ્પનાતીત હતું.’ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલા આ ગંભીર અને વિષયકેન્દ્રી પુસ્તકના 21 લેખોમાં 18 લેખો અર્થશાસ્ત્રીય મુદ્દાઓ પર લખાયેલા છે.
અન્ય વિષયો પરનાં ત્રણ લેખોમાં એક છે ‘હિંદ સ્વરાજ’ : સાંસ્કૃતિક સ્વરાજની ખોજ’. લેખક સ્પષ્ટતા કરે છે કે ‘ત્રીજા વાચને મને ‘હિંદ સ્વરાજ’ જે રીતે સમજાયું તે આ લેખમાં દર્શાવ્યું છે’. અઢાર પાનાંના આ લેખને અંતે તારણ છે : ‘હિંદ સ્વરાજને એક બ્લૂ પ્રિન્ટ’ તરીકે જોવાનું નથી, પણ તેને એક દિશાદર્શક તરીકે જોવાનું છે; તેના શબ્દોને પકડવાના નથી, પણ તેની પાછળ રહેલા વિચારને પકડવાનો છે.’
‘ભારતના વિકાસ અંગે ગાંધીજી અને નહેરુ વચ્ચે વિચારભેદ’ લેખમાં તે તારણ આપે છે : ‘દેશમાં ચાલી રહેલા વસ્તીવિસ્ફોટને ગાંધીમાર્ગે રોકવાના ઉપાયો શોધવા જોઈએ અને અહિંસક માર્ગે તેમનો વિકાસ કરી બતાવવો જોઈએ.’
અર્થશાસ્ત્રથી જુદા વિષય પરનો ત્રીજો લેખ છે ‘સ્ત્રીઓની ‘ખાદ્ય’’. પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી સંખ્યા- સેક્સ રેશ્યો – નો પ્રશ્ન ભ્રૂણહત્યાના સંદર્ભમાં ચર્ચવામાં આવે છે. પણ ગુજરાતામાં આ પ્રશ્ન કેટલીક જ્ઞાતિઓમાં 19મી સદીના છેલ્લા બે દાયકાથી માલૂમ પડ્યો હતો. એટલે સ્ત્રીઓની ખાધનો આ પ્રશ્ન કેવળ ભ્રૂણ હત્યાનું પરિણામ નથી. એની પાછળ બીજાં કારણો પણ હોવા જોઈએ એમ લેખક સૂચવે છે.
અર્થશાસ્ત્રને લગતા લેખોમાં ભારતની આર્થિક નીતિ અને દેશના અર્થતંત્ર પરના દસેક લેખો છે. ‘નોટબંધીનું પોસ્ટમૉર્ટમ’ લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતોરાત લાદેલી નોટબંધીની તર્કપૂર્ણ ટીકા છે. સરકારે ‘કપોળકલ્પિત આંકડાઓ’ ને આધારે અપનાવેલી નોટબંધી, નિર્દોષ નબળા વર્ગોને તેનાથી વેઠવી પડેલી હાડમારી, સરકારની નિંભરતા જેવી અનેક બાબતોનો લેખક મુખર બન્યા વિના ઉલ્લેખ કરે છે.
‘માનવવિકાસ-અભિગમ: એક સમાલોચના’ વ્યાખાનનું ચોટડુક સમાપન છે : ‘આ અભિગમ પાસે ઊંચા આદર્શો છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રોડ-મૅપ નથી.’ ‘ગુજરાત વાઇબ્રન્ટ ક્યારથી બન્યું ?’ લેખનું તારણ : ‘ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત વાઇબ્રન્ટ છે, પણ એ વાઇબ્રન્સીનો મોટો લાભ ગુજરાતની પચીસેક ટકા વસ્તીને જ મળી રહ્યો છે.’
‘દૃઢ નેતૃત્વ અને વિકાસ’ લેખમાં હંમેશ મુજબ પાકા આધાર સાથે લેખક તારણ આપે છે : ‘આખરે પ્રજાનો વિકાસ પ્રજાના પોતાના પુરુષાર્થથી થાય છે. કોઈ વિભૂતી ઉપરથી અવતરીને પ્રજાનો ઉદ્ધાર કરતી નથી. આપણે ‘સંભવામિ યુગેયુગે’ની માનસિકતામાંથી ઉગરવાનું છે.’
પુસ્તકનો છેલ્લો લેખ ‘અમદાવાદનાં 600 વર્ષ : આર્થિક આલેખ’ રસપ્રદ માહિતીથી ભરપૂર છે. જો કે એકંદર પુસ્તક અતિસરલતા, લોકભોગ્યતા કે રંજકતાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.
‘બૌદ્ધિકોની ભૂમિકા’ પુસ્તકનો આ લખનાર પર પ્રભાવ છે. હમણાં તેનાં પાનાં ફેરવતાં ફરીથી અજવાળું થયું. પુસ્તકનો વિગતે પરિચય કરાવવાનો આશય નથી.
પણ કેટલાક શીર્ષકો તો નોંધવા જ રહ્યાં : ‘ગુજરાતમાં બૌદ્ધિકો છે ખરા?’, ‘વિજ્ઞાનવિમુખ ભારતીય પરંપરા’, ‘ઈનામો-ચંદ્રકોનો લીલો દુકાળ’, ‘ભારતમાં મુસ્લિમોની બહુમતી થઈ જશે?’, ‘ભદ્ર વર્ગને અળખામણો ગાંધી’ ,‘આપણે લોકશાહીની વ્યાખ્યા બદલી નાખી છે’, ‘વિષમતા સર્જી રહેલા શૈક્ષણિક પ્રવાહો’, ‘શિક્ષણની એક નબળી કડી : પાઠ્યપુસ્તકો’, ‘ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ : કાર્યક્ષમતાના પ્રશ્નો’.
પુસ્તકના કેટલાક લેખોના વિષયો છે : લોકોનું વાચન, રાજકારણીઓની વર્તણૂક, બિનસાંપ્રદાયિકતા, મુસ્લિમો પ્રત્યેનો અભિગમ, ભારતીય સનદી સેવા, અધ્યાપકનો વિકાસ, સ્વનિર્ભર કૉલેજો, ગુજરાતમાં શિક્ષણનું ભાવિ.
The Public Intellectual in India સંચયમાં રોમિલા થાપરના આ વિષય પરના બે મોટા લેખો દિલ્હીની જે.એન.યુ. પરની તવાઈના ફેબ્રુઆરી-માર્ચ 2016ના અરસામાં વાંચ્યા.
રામચન્દ્ર ગુહાનો Caravan માસિકના ફેબ્રુઆરી 20015ના અંકમાં આવેલો લેખ Where are India’s Conservative Intellectuals એ વર્ષાના ઉનાળાની રજાઓમાં વાંચ્યો હતો (જે પછી તેમના Democrats and Dissenters પુસ્તકમાં સહેજ જુદા મથાળા હેઠળ આવ્યો).
વિદ્વાન પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીનું મુસ્લિમો વસ્તીવધારો કરે છે એવી ગેરમાન્યતા તોડતું સંશોધનાત્મક પુસ્તક The Population Myth 2021માં બહાર પડ્યું છે. પછી તેના વિશેના લેખો વાંચવાનું થયું.
હમણાં બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષે સમાન નાગરિક ધારાનું ગાજર મતદારોની સામે લટકાવ્યું હતું. એ વખતે અંગ્રેજી અખબારોમાં તેના વિશે વાંચવા મળ્યું. સાંપ્રત બનાવોના નીડર ટીકાકાર હેમન્તકુમાર શાહે પણ એની છણાવટ કરી હતી.
જાહેર જીવનના આ ત્રણેય મહત્ત્વના વિષયોની – બૌદ્ધિકોની ભૂમિકા, મુસ્લિમ વસ્તીવધારાની ગેરમાન્યતા અને સમાન નાગરિક ધારો – વાત આવે ત્યારે અચૂક રમેશ બી. શાહ યાદ આવે.
આ વિષયો પર અતિવિખ્યાત બૌદ્ધિકોની કલમે અંગ્રેજીમાં વાંચ્યું તેના દસેક વર્ષ પહેલાં આ વિષયોનો ધોરણસરનો પરિચય મને રમેશભાઈએ આપણી ગુજરાતીમાં લખેલા લેખો થકી થઈ ચૂક્યો હતો.
એટલે કે થાપર કે ગુહા કે કુરેશીએ જે લખ્યું તેની ઓળખ તો મુજ ગરીબને આપણા રમેશભાઈએ કરાવી જ આપી હતી ! રમેશભાઈ તમને વંદન !
++++++++
આભાર :
- શ્રી એચ.કે. આર્ટસ કૉલેજનું ગ્રંથાલય, અને ગ્રંથપાલ તોરલબહેન પટેલ
- મેહુલ હિરુભાઈ ભટ્ટ
- કોલાજ : નીતિન કાપૂરે (નોંધ : કોલાજમાં સાત જ પુસ્તકો સમાવ્યાં છે)
16 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર