
હેમન્તકુમાર શાહ
આજના અખબારમાં એક સમાચાર એવા છે કે પાટણમાં ઠાકોર સમાજનું મહાસમ્મેલન મળ્યું હતું અને તેમાં “સામાજિક પરિવર્તનનો નવો સૂર્યોદય” થયો છે એમ કહેવામાં આવ્યું છે. સમાચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે “સંતાનોની સુરક્ષા અને સમાજની આબરૂ સચવાઈ રહે માટે મૈત્રી કરાર કે સંતાનો દ્વારા ભાગીને કરેલાં લગ્નને સમાજ સ્વીકારશે નહિ.” આ મહાસંમેલનમાં જે બીજા ઠરાવો કરવામાં આવ્યા હતા તેમની સાથે સાથે આ ઠરાવો પણ કરવામાં આવ્યા છે. શિક્ષણ અને દેખાદેખીથી થતા ખર્ચને કાબૂમાં લેવા માટે જે ઠરાવો કરવામાં આવ્યા છે તે આવકારદાયક છે પણ મૈત્રી કરાર અને ભાગીને થતા લગ્નના સંબંધમાં જે ઠરાવો કરવામાં આવ્યા છે તે કેવી રીતે સ્વીકાર્ય છે એ સમજાતું નથી.
સમાજની આબરૂ એટલે શું વળી? આબરૂને નામે દાદાગીરી અને ગુલામી ચાલી રહી છે.
દરેક જ્ઞાતિનું મંડળ હોય છે જ અને તે જાતજાતના નિયમો બનાવે છે અને જો તેની સંસ્થા સરકારી કાયદા અનુસાર નોંધાયેલી હોય તો તેનું બંધારણ પણ હોય છે. પણ અખબારી સમાચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે “નવા બંધારણ અંગે આગેવાનોની બેઠક મળી.” નાતને વળી બંધારણ કેવું?
હવે સવાલ એ છે કે મૈત્રી કરાર કરવો કે નહિ એ તો જે તે બે વ્યક્તિઓ નક્કી કરે છે, એમાં પરિવાર કે સમાજ ક્યાં ય વચ્ચે આવતા જ નથી, આવવા જોઈએ પણ નહીં. કઈ વ્યક્તિએ કઈ વ્યક્તિ સાથે મૈત્રી કરવી અને કોની સાથે કેટલો સમય રહેવું તે નક્કી કરવાનો વ્યક્તિને અધિકાર છે. આ અધિકાર આડકતરી રીતે બંધારણે આપેલો જ છે. એ બંધારણની કલમ-૨૧ સાથે સંબંધિત છે કે જેમાં જીવન જીવવાના અધિકારનો સમાવેશ થયેલો છે. એ કલમનું શીર્ષક છે : “જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ”. વ્યક્તિએ કોની સાથે જીવવું અને કેટલો સમય એની સાથે જીવવું એ વ્યક્તિએ નક્કી કરવાનું હોય અને એને એની આઝાદી હોય જ. તો જ વ્યક્તિના સ્વાતંત્ર્યનું રક્ષણ થાય. આવું કોઈ પણ જ્ઞાતિગત બંધારણ કે જે મૈત્રી કરાર ન સ્વીકારે તે ખરેખર તો દેશના બંધારણની વિરુદ્ધ જાય છે.
બીજો મુદ્દો ભાગીને લગ્ન કરવા અંગેનો છે. સવાલ એ છે કે છોકરો અને છોકરી ભાગીને લગ્ન કરે છે કેમ? એનું કારણ એ છે કે તેમને ડર હોય છે કે તેમનાં માતાપિતા તેમનાં લગ્ન માટે સંમત નથી અથવા તો સંમત થશે નહિ એવી બીક છે. હવે ઠાકોર સમાજ એમ નક્કી કરે કે એ યુગલનાં લગ્નને સમાજ સ્વીકારશે નહિ તો તે સમાજની સમસ્યા છે, ભાગીને લગ્ન કરનારની નહિ. પરંતુ સમાજમાં આવા ઠરાવો કરીને એક પ્રકારનો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે.
‘સંયુક્ત રાષ્ટ્રો’(UN)ની ૧૯૪૮ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની કલમ-૧૫માં બે બાબતો લખવામાં આવી છે :
(૧) જાતિ, રાષ્ટ્રીયતા કે ધર્મને લીધે ઊભી થતી કોઈ પણ મર્યાદા વિના ઉંમરલાયક સ્ત્રી કે પુરુષને લગ્ન કરવાનો અને પરિવારની સ્થાપના કરવાનો અધિકાર છે. લગ્નનો, લગ્ન દરમ્યાન અને લગ્ન વિચ્છેદનો સમાન અધિકાર દરેક વ્યક્તિ ધરાવે છે.
(૨) બંને વ્યક્તિની સંપૂર્ણ સંમતિથી જ લગ્ન થશે.
ઠાકોર સમાજ એમ ઇચ્છે છે કે માતાપિતાની સંમતિથી જ લગ્ન થાય. પણ જેને લગ્ન કરવાનું છે એને એના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન કરવું હોય તો? માતાપિતાની સંમતિ હોય તો સારી વાત છે, પણ સંમતિ ન હોય તો લગ્ન જ ન થઈ શકે એવું સામાજિક બંધન તો નોનસેન્સ વાત છે. એનો અર્થ તો એ થાય કે કોઈએ કોઈને રોમેન્ટિક પ્રેમ કરવાનો જ નહિ અને કરો તો પણ લગ્ન તો કરવાનાં જ નહિ અને ન ફાવે તો પણ છૂટાછેડા લેવાના જ નહિ, કારણ કે છૂટાછેડા પછી પણ બીજા કોઈની સાથે લગ્ન કરવા માટે પણ માતાપિતાની સંમતિ જરૂરી બની જાય.
આ આખી બાબતમાં એક ધારણા એવી છે કે માતાપિતા છોકરા કે છોકરી માટે જે પાત્ર લગ્ન કરવા માટે નક્કી કરશે તે સારું જ હશે અને છોકરો કે છોકરી પોતે જે પાત્ર પસંદ કરશે તે નકામું જ હશે. આ ધારણા તો સાવ બોગસ છે. એવું કેવી રીતે બની શકે?
થોડાં વર્ષો પહેલાં સુરત અને રાજકોટમાં પટેલ સમાજનાં મંડળોએ સેંકડોની સંખ્યામાં યુવકો અને યુવતીઓ પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તેઓ માતાપિતા કહે ત્યાં જ લગ્ન કરશે. કેટલી બધી દાદાગીરી ઊભી થઈ ગઈ છે સમાજમાં! આ સામાજિક તાનાશાહી છે.
હિંદુઓમાં તો કૃષ્ણ અને રાધાની જોડી છે કે જેમાં કૃષ્ણ રાધા કરતાં ઉંમરમાં નાના છે અને રાધા તો પાછી પરણેલી સ્ત્રી છે! એ બેનાં મંદિરો બંધાય છે અને પૂજા થાય છે, આરતી થાય છે. મથુરા અને વૃન્દાવનમાં પેડલ રિક્ષાવાળા માર્ગમાં જગ્યા મેળવવા “રાધે રાધે” કહીને બૂમ પડે છે અને ત્યાં યાત્રાએ જઈ આવેલા પાછા એનું ગૌરવ લે છે. અને અહીં એ જ લોકો પ્રેમ કરવાની ના પાડે છે. કેટલો દંભી અને સરમુખત્યારી સમાજ છે આ. હિંદુ ધર્મગ્રંથોમાં તો પ્રેમની અને પ્રેમલગ્નોની ભરમાર છે. એમાં ક્યાં ય જાતિભેદ છે જ નહિ. તો પછી હિંદુ ધર્મની જ્ઞાતિઓમાં આજકાલ આ દૂષણ કેમ ઘૂસ્યું છે તે સમજાતું નથી.
એક દલીલ એવી છે કે છોકરાછોકરી અણસમજુ હોય છે અને એમને લગ્નની બાબતમાં પસંદગી કરતાં આવડતું નથી. તેઓ પછી ખાડામાં પડે છે અને જિંદગી બરબાદ થઈ જાય છે. અરે, જેની સાથે પ્રેમ થાય એની સાથે લગ્ન ન થાય કે એની સાથે રહી ન શકાય તો જિંદગી બરબાદ થાય એ આ સમાજો કેમ સમજતા નથી એનું આશ્ચર્ય થાય છે. માતાપિતાનો પ્રેમ દીકરાદીકરીને બાંધી રાખે એને પ્રેમ ન કહેવાય, એને જેલ કહેવાય.
જેને જેની સાથે પ્રેમ કરવો હોય તેની સાથે પ્રેમ કરવા દો, જેની સાથે જેને લગ્ન કરવું હોય એને એની સાથે લગ્ન કરવા દો, જેને જેની સાથે જેટલું રહેવું હોય કે ન રહેવું હોય તેટલું રહેવા દો કે ન રહેવાની આઝાદી આપો. કોઈને કોઈ ખીલે પરાણે બાંધી દેવાની જરૂર શી છે? આ આઝાદી બહુ જ મહત્ત્વની છે મનુષ્યની જિંદગીમાં. જુઓ તો ખરા, છૂટાછેડાના કેસ અદાલતમાં વર્ષો સુધી ચાલે છે અને તેમાં બે વ્યક્તિઓની યુવાન જિંદગી પૂરી થઈ જાય છે. કઈ જાતના કાયદા છે અને નિયમો છે એ સમજાતું નથી. જેઓ છૂટાછેડા માટે અરજી કરે તેને જરૂરી કાર્યવાહી કરીને શક્ય તેટલા વહેલાં છૂટાછેડા આપી જ દેવા જોઈએ. એમને એમની રીતે જિંદગી જીવવા દેવી જોઈએ.
ટૂંકમાં, રોમેન્ટિક પ્રેમ એ મૂળભૂત માનવ અધિકાર છે અને હિંદુ જ્ઞાતિઓનાં મંડળો સમાજની આબરૂને નામે આતંકવાદીઓ બનીને ત્રાટકી રહ્યાં છે એ પ્રેમ પર. જેમને જેની સાથે જેમ જીવવું હોય તેની સાથે તેમ જીવે એ જ ખરી આઝાદી છે.
આ માત્ર ઠાકોર સમાજને લાગુ પડતું નથી, પણ હિન્દુઓની બધી જ નાતો અને તેમના સમાજોને માટે લાગુ પડે છે.
૦૨-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

