મીરાંને મંદિરમાં ‘મને ચાકર રાખો જી’ ગાતી સાંભળીને પસાર થતા સંત રઈદાસ થંભી જાય છે, ‘બેટી, બડા પ્રેમ, બડી શ્રદ્ધા હૈ તુમ્હારી આવાઝ મેં. બૈરાગનોં કા દર્દ હૈ, સુહાગનોં કા રસ હૈ. હરપલ મિલતી હો, હરપલ બિછડતી હો. જૈસા મેલ હૈ, વૈસા હી વિરહ …’ અને પછી પોતાનો એકતારો મીરાંના હાથમાં મૂકે છે, ‘લે, આની સાથે ગાજે.’
દિવાળી નજીક છે ત્યારે પ્રેમ અને શ્રદ્ધાની શાશ્વત શગ સમી મીરાંને યાદ કરવાનું મન થાય છે – દંતકથાની મીરાં નહીં ગુલઝારની ‘મીરાં’ ફિલ્મની મીરાં. સંત અને ભક્ત તરીકેના તેના આધ્યાત્મિક પાસાને જરા પણ ઝાંખું પડવા દીધા વગર ગુલઝારે તેને વધુ માનવીય, વધુ ઐતિહાસિક, ઓછી ચમત્કારિક, પોતાના સમયથી આગળ અને મુક્ત આત્માનું પ્રતીક બતાવી છે. જો કે અનેક ઉમદા ફિલ્મોની જેમ બૉક્સ ઓફિસે ‘મીરાં’ની સરિયામ ઉપેક્ષા કરી છે; પણ પરિસ્થિતિથી ઉપર ઊઠતી અને સ્વત્વ સાથે સમાધાન ન કરવા માગતી મીરાંનો સંઘર્ષ કોઈક રીતે આપણા બધાનો પણ છે.
‘મીરાં’ 1979માં બની. ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મ બનાવવાનું એક કારણ એ પણ હતું કે 1981ની સાલ વિમેન્સ લિબરેટેડ યર હતી અને હું મીરાંને આપણા દેશની “મોસ્ટ લિબરેટેડ વુમન” ગણું છું. તેનામાં ભારોભાર આત્મગૌરવ હતું. તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકાર્યો ન હતો.’ મીરાંનું પિયર કૃષ્ણને માનતું, સાસરું શિવને.
સંશોધન આદર્યું ત્યારે ગુલઝારને ખ્યાલ આવ્યો કે માત્ર 400 વર્ષ પહેલા થઈ ગઈ હોવા છતાં મીરાં વિષે જે કઈં મળે છે તે દંતકથાઓ છે, ઇતિહાસ નથી. એક તો એ મૌખિક ઇતિહાસનો યુગ અને એ ઇતિહાસ જ્યારે એક સ્ત્રીનો – એક ભક્ત, કવયિત્રી અને રાજરાણીનો હોય ત્યારે એ દંતકથા બની જવાનો સંભવ વધારે જ હોય છે. છેવટે એમને કર્નલ ટોડના ‘હિસ્ટ્રી ઑફ રાજસ્થાન’માંથી જોઈતા સંદર્ભો મળ્યા.
1480નો સમય છે. મેડતાના રાજા વીરમદેવની ભત્રીજી મીરાં (હેમા માલિની) ભગવાન કૃષ્ણને અત્યંત ચાહતી અને પતિ માનતી – મેરે તો ગિરિધર ગોપાલ. મોગલ સમ્રાટ અકબરની વધતી તાકાત સામે રાજપૂતોએ એક થવું જોઈશે એમ માનતા વીરમદેવ એક રાજકીય પગલા રૂપે મીરાંનાં લગ્ન રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે કરે છે. મીરાં કહે છે કે હું કૃષ્ણને પરણી ચૂકી છું ત્યારે રાણાને પત્નીના ભોળપણ પર હસવું આવે છે. પણ દિવસો જતા જાય છે તેમ તે સમજતો જાય છે કે મીરાંનું જગત જ જુદું છે. ભોજરાજ પૂછે છે, ‘કૃષ્ણ કે સાથ તુમ્હારા કયા રિશ્તા હૈ?’ ત્યારે મીરાં કહે છે, ‘જૈસા સ્વામી કે સાથ હોના ચાહિયે’ ‘ઔર હમારે સાથ?’ ‘આપ તો મેરે રાણા હૈ’ બહુ સ્પષ્ટ છે મીરાં – રાણા સાથે તેને જોડતી રાજકીય અને સામાજિક કડીનો તે આદર કરશે, પણ પતિ તો કૃષ્ણને જ માનશે.
મીરાં કે રાણા બેમાંથી કોઈ એકબીજાને દુ:ખ દેવા માગતા નથી, બલકે પરસ્પરને સ્નેહથી જોનારાં છે. પણ ઘટનાઓ એવી રીતે બનતી આવે છે કે મીરાંને બહિષ્કૃત થવું પડે છે. તેના પર પત્ની અને કુલવધૂ તરીકેનો ધર્મ ચૂક્યાનો અને સમાજની મર્યાદાનો ભંગ કર્યાનો આરોપ મુકાય છે. ધર્મઅદાલત ‘મીરાં માફી માગે અને પતિનો ધર્મ સ્વીકારે તો ક્ષમા, અન્યથા મૃત્યુદંડ’ એવો નિર્ણય લે છે. મીરાં મૃત્યુદંડ સ્વીકારી વિષ પી લે છે અને મંદિરમાં જઈ કૃષ્ણ સાથે એકાકાર થઈ જાય છે.

ગુલઝાર
ખરી ખૂબી ફિલ્માંકનમાં છે. ગુલઝારની મીરાં જન્મજાત સંત નથી. એ વાસ્તવિક છે. રાજકન્યા મીરાં રાજરાણી બને છે, દુન્યવી બાબતોથી પર થતી જાય છે અને અંતે આત્મજ્ઞાનયુક્ત સંત બને છે. આ ગતિ ક્રમશ: છે. દરેક પગલે તેની શ્રદ્ધા વધુ ઊંડી, વિસ્તૃત અને પૂર્ણ બનતી જાય છે. મીરાંને મંદિરમાં ગાતી સાંભળીને પસાર થતા સંત રઈદાસ થંભી જાય છે, ‘બડા પ્રેમ, બડી શ્રદ્ધા હૈ તુમ્હારી આવાઝ મેં. બૈરાગનોં કા દર્દ હૈ, સુહાગનોં કા રસ હૈ. હરપલ મિલતી હો, હરપલ બિછડતી હો. જૈસા મેલ હૈ, વૈસા હી વિરહ …’ અને પછી પોતાનો એકતારો મીરાંના હાથમાં મૂકે છે, ‘લે, આની સાથે ગાજે.’ એ જ પળથી એકતારો મીરાંના અસ્તિત્વનો હિસ્સો બની જાય છે.
વારંવાર પોતાને મુશ્કેલ સ્થિતિમાં મૂકતી પત્નીને રાણા ચાહે છે, પણ સમજી શકતો નથી. ‘એની સામે જોઉં છું ને આંખ અંજાઈ જાય છે, દૃશ્ય ધૂંધળું થઈ જાય છે.’ પરંપરાથી અને રાજકુલની મર્યાદાથી બંધાયેલા રાણાની પીડાને, તેની અનિર્ણયાત્મકતાને મીરાં સમજે છે, પણ એ માટે કશું કરી શકતી નથી. આ આંતરવહેણ શબ્દોની ઝંઝટ વિનાનું છતાં અનુભવાય તેવું છે. એ વખતે વિનોદ ખન્ના ઓશોનો સંન્યાસી બની ચૂક્યો હતો અને ફિલ્મો છોડી અમેરિકા રજનીશપુરમ્ જવાની તૈયારીમાં હતો. રાણાની સ્થિતિ તે બરાબર સમજ્યો હતો અને મેલોડ્રામેટિક થયા વગર તેને અભિનયમાં ઉતારી શક્યો હતો. ભાનુ અથૈયાએ મીરાંના પરિવર્તનને ખૂલતાં રંગોથી શરૂ કરી પીળા, ભગવા, બેજ અને સફેદ રંગોમાં કલાત્મક રીતે બતાવ્યું હતું.
તાનસેન અને અકબર છૂપા વેશે મીરાંને સાંભળવા આવે છે. ભજન એ જ છે, જે તે તરુણાવસ્થામાં પણ ગાતી – મેરે તો ગિરિધર ગોપાલ – પણ હવે ‘અસુંવન જળ સીંચ સીંચ પ્રેમબેલ બોઈ, અબ તો બેલ ફૈલ ગઈ, આનંદફલ હોઈ’ની ભૂમિકા છે. વિરહ-મિલન, પીડા-પ્રસન્નતા એક થઈ ગયાં છે. તાનસેન મીરાંના ભજનમાં સાથ પુરાવે છે ત્યારે મીરાં કહે છે, ‘આ પ્રેમ અને પ્રાર્થનાભર્યા કંઠને તમે બાદશાહના દરબારમાં કેદ થવા દીધો?’ તાનસેન જવાબ આપે છે, ‘કેદ? દરબારમાં સ્થાન આપીને બાદશાહે તો મારું માન વધાર્યું છે.’ મીરાં કહે છે, ‘માન ઔર બઢ જાતા અગર બાદશાહ અપને દરબારસે નિકલકર આપ કી પ્રાર્થના મેં શામિલ હો જાતા.’ મીરાંનું સંગીત પંડિત રવિશંકરે આપ્યું હતું અને આ પદ ગાઈ વાણી જયરામે ઍવોર્ડ મેળવ્યો હતો.
ધર્મઅદાલતના કુલગુરુ અને મીરાંના સંવાદો જુઓ :
‘મીરાં, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇનકાર કિયા?’
‘મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવસાગર સંસાર સબ કાચો.’
‘ક્યા તુમ સ્વીકાર કરતી હો કિ રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?’
‘જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.’
‘તો અદાલત યે માન લે કિ તુમ્હારે એક નહીં દો પતિ હૈ?’
‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.’
‘જો પરિવાર તુમ્હે ઝિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?’
‘આજ, ઇસ પલ, મૈં અપને પરિવાર ઔર આપકે સમાજ દોનોં કા પરિત્યાગ કરતી હૂં.’
‘અપને અપરાધ કા દંડ જાનતી હો?’
‘મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મૈં ભી જાનતી હૂં. મૈં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.’
રાણા મીરાંને માફી માંગી લેવાનું કહે છે ત્યારે મીરાં કહે છે, ‘હું મારા સત્યના યુદ્ધ પર જાઉં છું. યુદ્ધમાં જતા હોય તેને પાછળથી સાદ ન કરાય.’
આમ વાર્તા કૃષ્ણભક્તિની છે, સાથે પોતાના સત્ય માટે પરંપરા અને સમાજ સામે યુદ્ધ કરતી અને પોતાની નિયતિને, પોતાની એકલતા અને સભરતાને ખુદ સર્જતી સ્ત્રીની પણ છે. વિષપાન પછી મીરાં જેમાં તેનો આત્મા વસતો એ જૂના મંદિર તરફ જાય છે, આખું ગામ તેની સાથે ચાલી રહ્યું છે પણ મીરાંનું દર્દ એમાનું કોઈ જાણી શક્યું નથી. દર્દની પણ એક ભવ્ય રેન્જ હોય છે, એને સમજવાનું ભાગ્યે જ કોઈનું ગજું હોય છે. ડિકશનરીમાં દર્દનો એક અર્થ પ્રેમ પણ છે. એના નામનો પણ એક દીપ આ દિવાળીએ પ્રગટાવીએ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઑક્ટોબર 2024