
ચંદુ મહેરિયા
પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલાં ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવાં તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો, નદીઓ, ઝરણાં, પર્વતો, સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર, ભગતસિંઘનાં જન્મ અને સ્મારક સ્થળો છે, તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌદ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્ત્વનાં અને કેટલાંક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃદ્ધિ ધરાવે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખાં પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓનાં કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯માં તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમાં સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.
પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું છે. જો કે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દૃષ્ટિએ ભારતમાં ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો ઊભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી. પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે, પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃદ્ધ અતીત ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી. ૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.
જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉદ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાના પ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.
દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જી.ડી.પી.માં તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઊભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉદ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જો કે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.
ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી. દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા. ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલાં નાણાં અનેક ગણાં વધારે છે.
ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દૃષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણાં રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી. રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.
પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઊભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાલયોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરા ય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરુચિનું ભોજન તથા આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણાં પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે અડચણ દૂર કરવાની જરૂર છે.
વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દૃઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.
e.mail : maheriyachandu@gmail.com