Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસ અને હોલીડેમાં તફાવત

આશા બૂચ|Opinion - Opinion|31 July 2017

જુલાઈ-ઓગસ્ટના મહિના એટલે ખાસ કરીને યુનાઇટેડ કિંગ્ડમ નિવાસીઓ માટે ‘હોલીડે સિઝન’. લોકોને અચૂક ક્યાંક ‘ને ક્યાંક હોલીડે પર જતા જોઉં અને મારા સ્મૃિતપટલ પર મેં નાનપણમાં કરેલા પ્રવાસો સાથે તેની સરખામણી થઇ જાય.

‘ચરાતિ ચરતો ભગ:’, ‘ચરે તે ફરે અને બાંધ્યો ભૂખે મરે’, ‘જીવ્યાં કરતાં જોયું ભલું’ આ અને આવી કહેવતો સદીઓથી આપણી સંસ્કૃિતનો અંતર્ગત ભાગ રહી છે. આદમી પેદા થયો ત્યારથી કુતૂહલવશાત્‌ ગામ-પરગામ અને દેશ પરદેશ જતો આવ્યો છે. આજીવિકાની શોધમાં, વ્યાપાર અર્થે, વધુ અભ્યાસાર્થે, સાહસિક પ્રવાસો કરવાના હેતુસર, લડાઈઓ કે અન્ય દેશો પરના શાસન કરવાની ફરજને પરિણામે માણસ જાણે કદી એક જગ્યાએ કાયમ માટે રહ્યો હોય તેવું બન્યું નથી.

ભારતની વાત કરીએ તો આપણા વડવાઓ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં ચાર ધામની યાત્રાએ જતા. ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતાં સ્થાનો પણ જાણે ગણતરીપૂર્વક એવી જગ્યાએ ઊભાં કરેલાં જોવા મળે છે કે શ્રદ્ધાળુઓ એ બહાને રણની બળબળતી રેતમાં મુસાફરી કરે, શીત પર્વતોના શિખરો પર કડકડતી ઠંડીમાં પણ ચડે, નદી અને દરિયો ખેડવાનું સાહસ કરીને પણ ઈશ્વરને શીશ નમાવવા જવાની પરંપરાને અનુસરતો આવ્યો છે. એ રીતે માનવી પ્રકૃતિની નિકટ જતો, તેને પારખતો અને તેના અદ્દભુત સૌંદર્યને પામીને ધન્ય થતો.

આધુનિક સમયમાં આનંદ-પ્રમોદ માટે અને પોતાના દેશની અતિશય ઠંડી કે ગરમીથી છૂટકારો મેળવવા ‘હોલીડે’ પર જવાની પ્રથા પ્રચલિત થઇ છે. આ શોખ પહેલાં ધનાઢ્ય દેશોની પ્રજાને તેમ જ ગરીબ દેશોના ધનવાન લોકોને પોસાતો, હવે તેમાં દુનિયાના તમામ દેશોના ધનિક, ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકો પણ ભળ્યા. સારું જ થયું. યાતાયાતનાં સાધનો વધ્યાં, વધુ ઝડપી થયાં અને એ ખર્ચને પહોંચી શકે તેવા લોકોની સંખ્યામાં વધારો થયો, તેથી સાહેબો વિદેશ પ્રવાસ કરે અને કારકૂન મોં વકાસીને બેસી રહે એ દિવસો પૂરા થઇ ગયા, એ સ્થિતિ આવકાર્ય છે. પણ ઝીણવટથી જોતા લાગશે કે આપણા વડવાઓના કાળની ‘યાત્રાઓ’, આપણા નાનપણના સમયના ના ‘પ્રવાસ’ અને આજના યુગના ‘હોલીડે’માં ઘણો તફાવત છે.

મને યાદ આવે છે અમે સહેલગાહ કરવા જતાં તેની. ગામમાં આવેલ નાનાં મોટાં બગીચા, નદી કિનારો, દરિયા કિનારો, ટેકરી પર આવેલ મંદિર, અરે નાનું રેલવે સ્ટેશન પણ આવી આનંદ યાત્રાનું સ્થળ બની જતું. મોટે ભાગે ચાલીને સમવયસ્ક મિત્રો સાથે પૂર્વ યોજના વિના કોઈ રવિવારે કે શાળાની રજાઓ દરમ્યાન વહેલી સવારે નીકળી પડતાં. જો કે અમારી સાથે કોઈ એકાદ બે મોટેરાંઓનો સાથ રહેતો જેથી સહીસલામત ઘેર પહોંચવાની ખાતરી રહે. સાથે લઇ જવા દરેકની માવડીઓ એ સહેલગાહનું સ્થળ નજીક હોય તો ઘેર બનાવેલ સેવ-મમરા, શીંગ-રેવડી, ગોળપાપડી અને નમકપારા આપે અથવા જો આખા દિવસની સહેલગાહ હોય તો વળી થેપલાં અને શાક, સાથે અથાણું અને ડબ્બામાં દહીં ભરી આપે. રમવા માટે નાના મોટા દડા, રીંગ અને કૂદવાની દોરી, બસ બીજું કઇં નહીં કેમકે ઊભી ખો, બેઠી ખો, નાગોલ, લંગડી, હુતુતુ વગેરે તો સાધનો વિના જ રમી શકાય. પાછા ફરીએ ત્યારે ગામની સીમમાંથી હાથે વીણેલાં ચણી બોર, કોઈ વાડીમાં કામ કરનારે આપેલ જમરૂખ કે એવું કૈંક લઈને ઘેર આવીએ ત્યારે તો શું ય મોટી મિલકત કમાયાનો આનંદ થતો.

એવું જ 50/60/70ના દાયકાઓમાં કરેલ પ્રવાસોની મીઠી યાદ આવે. અમારી નિશાળમાં દર એકાંતરે વર્ષે શૈક્ષિણક પ્રવાસ થતો. વળી હું એટલી નસીબદાર કે અમે અમારા પરિવાર સાથે અનેક સંમેલનો, પરિષદો, શિબિરોમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણે જતાં. આ બધાં ય સ્મરણોને ટપી જાય તેવા એક શિબિરના ભાગરૂપ પર્યટન પર ગયેલા એ હંમેશ યાદ રહેશે. મારી ઉંમર 16/17ની હશે. રચનાત્મક કાર્યકરોનાં સંતાનો માટે એક ખાસ શિબિર ભાવનગર જિલ્લાના મણાર ગામે યોજેલી. સવાર-સાંજ સ્વ. મનુભાઈ પંચોળી અને વજુભાઇ શાહ તથા અન્ય સમાજસેવીઓ, શિક્ષણવિદ્દ અને કવિઓ પાસેથી કથા-વાર્તા અને વિવિધ વિષયો પરની ચર્ચાનું પાન કર્યા પછી આસપાસના ટેકરાઓ ચડવા, ખેતર-વાડીમાં રખડવા અને દરિયા કિનારે નાહવા જતાં એ પ્રદેશની જમીન, પર્વત, રેતી અને પાણીની લાક્ષણિકતાઓ, ત્યાં ઊગતી વનસ્પતિ, અનાજ, ફળફળાદિ અને ફૂલોની જાણકારી અમને જે તે વિષયોમાં નિષ્ણાત લોકો પાસેથી તેમની સાથે ચાલતાં-દોડતાં મળી ગઈ. તેને કહેવાય શૈક્ષણિક પ્રવાસ.

અહીં ગુજરાતના શિક્ષણશાસ્ત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનું પ્રવાસની સાર્થકતા વિષે કરેલ વક્તવ્ય ટાંકીશ તો યથાયોગ્ય થશે. એમણે કહેલું, “પ્રવાસમાં સીધી રીતે જ્ઞાન મળો કે ના મળો પરંતુ ગૃહ અને શાળાની સાંકડી દીવાલોને લાત મારીને વિદ્યાર્થી બહાર કુદરતમાં ઊતરી પડે, ઘડીભર શિષ્ટ સમાજનો શિષ્ટ બાળક મટી જઈ એકવાર ફરીથી કુદરતનો બચ્ચો બની તેની ગોદમાં આળોટી લે અને સૌંદર્યનું ધરાઈ ધરાઈને સ્તનપાન કરી લે, જનતા અને ભ્રાતૃભાવનાં લાંબાં ચોડાં વ્યાખ્યાનો સાંભળવાને બદલે જનતા જ્યાં પડી છે ત્યાં તેને ઢુંઢીને ઓળખી લે અને એવી ઊંડી ઓળખ ઉપર જાણ્યો અજાણ્યે ભ્રાતૃભાવના ચણતર ચણે, પોતાની આસપાસ ઝાડપાન, ફળ-ફૂલ, પંખી, પશુ, કીટ વગેરે સૃષ્ટિ જીવતી જાગતી પડી છે, તેને તેના શુદ્ધ સ્વરૂપમાં ઓળખી લે, ઇતિહાસના અર્થહીન થોથાંને ત્યાગીને જે સ્થળોએ આ ઇતિહાસ ઘડાયો છે ત્યાં તેનું પરિશીલન કરે, ભૂગોળની જડ, કે શાબ્દિક વ્યાખ્યાઓ ગોખવાને બદલે એ ડુંગરાઓ, એ ઝરણાંઓ, એ સાગર વગેરે સાથે ખૂબ રખડી રખડીને સહવાસથી તેમનું હાર્દ પી જાય, ઘેર આરામખુરશીમાં પડ્યાં પડ્યાં ચંડોળ, બુલબુલ અને સાગરની કવિતાનો પદચ્છેદ કરવાને બદલે એ ચંડોળ, બુલબુલ અને એ સાગરને ચરણે બેસીને તેમનું કવન સાંભળે અને એ સર્વના પરિણામે પોતાના જીવનમાં અવનવો સંભાર ભરી લે એમાં જ આવા પ્રવાસોની સાર્થકતા છે.”

અમારા મોટા ભાગના પર્યટનો અને પ્રવાસો નાનાભાઈ ભટ્ટે વર્ણવેલ લાક્ષણિકતા ધરાવતા હતા તેથી જ તેની સાર્થકતા આજે પણ અકબંધ લાગે છે. કેમ કે એ તમામ પ્રવાસો ટ્રૈન કે બસમાં થતા. સફરની ગતિ ધીમી. બસ કે ટ્રૈનની બારીમાંથી ઉંધી દિશામાં દોડતાં વૃક્ષો, વીજળીના થાંભલાઓ ગણવાની મોજ પડતી. ખેતરોમાં ઊગેલ પાક ઓળખવાની કોશિશ કરતાં ખોટા પડીએ તેની રમૂજ થતી અને એ રીતે જુદા જુદા પ્રદેશમાં ઊગતાં અનાજ અને ફળોની ઓળખ થતી. રેલવેની અને સ્ટીમરની સફર કાયમ મારા મનથી વધુ રોમાંચક રહી છે. જ્યારે ગુજરાતમાં દૂરના સ્થળે કે દેશના અન્ય રાજ્યોમાં જવાનું થતું ત્યારે દરેક સ્ટેશને જુદા જુદા પોશાક પહેરેલા, જુદી બોલી અને ભાષા બોલનારા, જાતજાતની પ્રાદેશિક વાનગીઓ વેંચતા લોકો ભારતની ભાતીગળ પ્રજાની ઝાંખી કરાવે એ બહુ ગમતું. રાજસ્થાન આવે અને માટીની કુલડીમાં ગરમ ચાય અને ઠંડું દહીં મળે, મીઠી રબડી વેચાય. દિલ્હી-આગ્રાના સ્ટેશને પેઠાં અને ઈમરતિયા પડિયામાં મળે. મુંબઈ તરફ જતાં ચીકુ, એલચી કેળાં, તાજા તાડગોળા, ડાકોરનાં ભજિયાં, સુરતની ઘારી, વગેરે અનેક વાનગીઓ એ શહેરમાં પગ મુક્યા વિના રેલવે સ્ટેશન પર જ ચાખવા મળતી. આંખો એ દ્રશ્યોને મનભરીને માણતી અને કાન વિવિધ ભાષાઓ અને બોલીઓથી ટેવાતા જતા, તો વળી ઘ્રાણેન્દ્રિયને કોઈ જુદો જ અનુભવ થતો.

કોઈ ધર્મશાળામાં રોકાવાનું બને અને જો ભોગેજોગે પ્રવાસીઓમાંથી કોઈ માંદું પડે તો ધર્મશાળાનો માલિક તેને માટે દવા, ખોરાકની સગવડ કરાવી આપે અને ક્યારેક તો પોતે બિમાર વ્યક્તિનું ધ્યાન રાખી, અન્ય સહુને નગર દર્શન કરવા મોકલે એવી માણસાઈના અનુભવ જાણ્યા છે. ઘણા યાત્રાના સ્થળોએ પોતાના પ્રાંત કે જ્ઞાતિ સંચાલિત રહેવા-જમવાની સુવિધાવાળા સુંદર ધામમાં રહેવાની તક મળે અને તેમાં ય જો કોઈ ગરમ ગરમ રોટલી અને ખીચડી આગ્રહ કરીને પ્રેમથી પીરસે ત્યારે તો ઘરના સ્વજનના વ્હાલપની વર્ષા થયાનો આભાસ થાય. ત્યારે એ પ્રવાસ વધુ સ્મરણીય બની રહેતો. આપણા વડવાઓ સ્ટીમરમાં વિદેશ જતા અને બે કે ત્રણ અઠવાડિયાંની સફર દરમ્યાન સાથી મુસાફરો સાથે મૈત્રી બંધાતી અને સહુ એકબીજા સાથે ગમ્મ્ત કરે, રમતો રમી શકે, સાથે બેસીને ભોજન લઇ શકે એટલે એક બૃહદ્દ પરિવારમાં રહ્યાની મોજ માણીને સફર થતી એવો એ જમાનો હતો.

મને હંમેશ જોવાલાયક ઐતિહાસિક અને સાંસ્કૃિતક મહત્ત્વ ધરાવતાં સ્થળો જોવાનું જેટલું આકર્ષક લાગ્યું હતું તેટલું જ અન્ય પ્રાંતોમાં વસનારાઓની રહેણી કરણી, ખોરાક-પોશાકની પ્રણાલી અને ખાસ કરીને તેમની ભાષાની ખૂબીઓ માણવાનું ખૂબ જ ગમતું. વિનોબાજીએ ખરું જ કહ્યું છે કે ભારત દેશ માત્ર ભૌગોલિક રીતે એક ભૂ ખંડ છે માટે એક દેશ છે એ સાચું નથી, તેની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, કવિઓના કવનો અને યાત્રા કરવા જવા જેવી પરંપરાઓને કારણે જે ભાવાત્મક એકતા કેળવી શક્યું છે, તેને કારણે એક રહ્યું છે. આવી રીતે પ્રવાસ કરવાથી અન્ય લોકોનો પરિચય સહજ રીતે થાય, તેમની અલગ રીતભાત અને જીવન પદ્ધતિ, લોક સંસ્કૃિત તથા માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય, એટલું જ નહીં પણ તેમને માટે એક પ્રકારની બંધુત્વની લાગણી ઊભી થયા વિના ન રહે.

હું છેલ્લા કેટલાંક વર્ષોથી હોલીડે પણ લેવા લાગી છું. ઇન્ટરનેટ પર માહિતી મેળવી, ગમતો દેશ કે શહેર પસંદ કરીને ત્યાં ખિસ્સાને પોસાય તેવું રહેઠાણનું બુકીંગ કરવી દો એટલે પત્યું. પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રજા ગાળવાની હોય તો પોતાની કારમાં બને તેટલી ઝડપથી મુસાફરી કરીને ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહે. અલબત્ત, એ દોડમાં પણ પેલું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું શક્ય જરૂર બને, જો તમે પોતે કાર ચાલક ન હો તો. વિદેશ યાત્રા તો હવે હવાઈ જહાજ દ્વારા જ થાય અને મોટા ભાગનાં એરપોર્ટ લગભગ એક સરખાં લાગે, તેની અંદરની સુવિધાઓ, દુકાનો, સૂચના આપતાં યંત્રો એ તમામ સરખું. સ્વભાષાનો આગ્રહ સેવનાર દેશોમાં વળી તેમની ભાષામાં સાઈન બોર્ડ દેખાય નહીં, તો પેલી વિશ્વભાષા જ (ઇંગ્લિશ જ તો વળી) બધે દેખાય અને બોલાય એટલે પેલું ભાષા વૈવિધ્ય માણવાની મજા ઓછી આવે. જો કે યુરોપિયન પ્રજા એ રીતે આપણને જુદો અનુભવ કરાવે ખરી. હવે ભાષા, ખોરાક અને પોશાકની વિવિધતા જોવા જરૂર મળે, પણ તે જે તે દેશમાં પહોંચીએ ત્યારે, માર્ગમાં નહીં. તેમાં જો સિટી બ્રેક’ લીધો હોય તો તમામ મેટ્રોપોલિસ એવાં તો એકબીજાંની નકલ કરીને બનાવેલાં લાગે કે ન્યુયોર્કમાં ફરતાં ફરતાં મન સતત તેની મુંબઈ સાથે સરખામણી કર્યા કરે અને ક્યારેક તો ‘આના કરતાં આપણું કલકત્તા કે બેંગ્લોર સારું’ એવી લાગણી થાય. ખરી મજા તો કોઈ પણ દેશના અંતરિયાળ ભાગમાં જઇ, ત્યાંના લોકો વચ્ચે રહીને જાતે ખરીદી કરી, રસોઈ કરીને રહો તો આવે અને તો જ બીજી સંસ્કૃિતનો પરિચય થાય.

હોલીડે પર જઈએ ત્યારે જાણે બીજા પ્રદેશના લોકોના સ્વભાવ, ઉદારતા, આગતાસ્વાગતા અને તેમની ખૂબી-ખામીઓ જાણવાની તક ન મળે કેમ કે હોટેલના કર્મચારીઓ સરખા એટિકેટને જ અનુસરે.  સામાન ખોવાય કે માંદા પડીએ તો ટ્રાવેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીવાળા મદદ કરે. વળી મુસાફરી એટલી ઝડપી બની છે કે તે દરમ્યાન કોઈ સાથે પરિચય કેળવવાની તક મળે જ નહીં. જો કે તેનો એક ફાયદો એ થયો કે આજે પાંચ-દસ હજાર માઈલ દૂરના દેશોમાં પણ લોકો સહેલાઈથી જઇ શકે છે. આજે હવે ટ્રીપ કે હોલીડે પર જઈએ ત્યારે ભાતું સાથે લઇ જવાની તડખડ નહીં, એટલે જુદાં સ્થળની અવનવી વાનગીઓ ચાખવા મળે. હવે તો દરેક સ્થળની માહિતી લખેલી મળે, જાતે વાંચીને જાણી લો, કોઈ ગાઈડની જરૂર નહીં. મારગ ભૂલો તો નકશો જોઈ લો, કોઈને પૂછવાની પીડા નહીં. સત્તર વર્ષ પહેલાં જીનિવામાં અમે એક દંપતીને રસ્તો પૂછ્યો અને એમણે હિન્દીમાં જવાબ આપ્યો, તેવે ટાણે એકમેકને મળીને પારાવાર આનંદ થયો તેવો અવસર આજના ‘હોલીડે મેકર્સ’ને આવતો હશે?

જ્યારથી હોલીડે લેતી થઇ છું ત્યારથી જાણે ઘણાં ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃિતક સ્થળો વિષે જાણતી થઇ છું એમ લાગે, પણ જાણે જે તે દેશ-પ્રાંતના લોકોના સંપર્કમાં આવ્યા વિના એ પ્રવાસ અધૂરો લાગે છે. 2005ની સાલમાં અમે અજમેરમાં એક હવેલીમાં રહ્યાં અને રાતના ભોજન બાદ એક કઠપૂતળીનો ખેલ જોયો, ત્યારે ખેલ કરનારા કલાકારોએ પોતાના કસબ અને અનુભવોની વાતો માંડી તો ચન્દ્ર આભમાં ક્યાં ય ઊંચે ચડી ગયો તેનું ઓસાણ ન રહ્યું. અમે તેમને આવી રસાળ વાતો કહેવા બદલ નાની રકમ આપવા આગ્રહ કર્યો, તો કહે, “બહેનજી, મેરે ભાનજેકો કહાની સુનાનેકી ક્યા હમ કિંમત લેંગે?” આવો અનુભવ શું આજે ન્યુયોર્કના ગ્રાઉન્ડ ઝીરો પરના સ્મારક જોવા જતાં થતો હશે?

મને તો મારા બાળપણની સહેલગાહો, પર્યટનો, પ્રવાસો, યાત્રાઓમાં જે લહેજત આવેલી તેવી જ આજની ટ્રિપ્સ અને હોલીડેમાં આવે છે, છતાં જાણે પહેલાં હું જે તે સ્થળને સમગ્રતયા પામતી, અનુભવતી અને આત્મસાત કરી શકતી હતી. ત્યાંની સોડમ મારી સાથે આવતી. મારું દિલ ત્યાં રહી જતું. હવે જાણે દૂર સુદૂરના દેશમાં જઇ, કોઈ ઇમારત, સ્મારક, કે કુદરતી અજાયબી જોઈ, તેના વિષે જાણીને પાછી આવું છું. લાગે છે, ઇન્ટરનેટ પર કે વિકિપીડિયા દ્વારા તમામ જોવાલાયક સ્થળોની જે જોઈએ તે માહિતી ફોટા સહિત મળી રહે છે, હવે હજારો ખર્ચીને હોલીડે પર જવાનો શો મતલબ?

કદાચ મારા જૂના પ્રવાસોની સળવળી ઊઠેલી સ્મૃિતઓ જેવો અનુભવ ફરી ક્યાંક મળી આવે તે માટે સફરની નવી રીત અને સ્થળોની શોધ કરતી રહીશ.

e.mail : 71abuch@gmail.com

Loading

31 July 2017 admin
← લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત
હવે લિંગાયતો માગણી કરી રહ્યા છે કે તેમના વીરશૈવ સંપ્રદાયને અલગ ધર્મની માન્યતા આપવામાં આવે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved