પ્રશાંત ભૂષણ સામેના બહુચર્ચિત કેસમાં પોતાની અવમાનના બદલ સર્વોચ્ચ અદાલતે રૂ. એકનો દંડ અથવા તેની કસૂરમાં ત્રણ વર્ષની સાદી કેદ અથવા ત્રણ માસ સુધી પ્રેક્ટિસ કરવા પર રોકની સજા ફરમાવી છે. અદાલતના તિરસ્કાર બદલ સજા કરીને ગૌરવ જાળવવાની વાત સામંતશાહી વિચારધારાનું પ્રતીક છે અને આધુનિક વિચારસરણીમાં તે માન્ય નથી.
રૂ. એકનો દંડ ભરવાની કસૂરમાં ત્રણ માસ કેદની સજા કરવા પાછળનો તર્ક સમજાતો નથી. રૂ. એકના દંડનો અર્થ એ થાય છે કે સજા કરવાની ઈચ્છા નથી, પરંતુ તમે ગુનો કરેલ હોવાથી ખાલી પ્રતિકાત્મક દંડ કર્યો છે. જો દંડ કરવા પાછળ આ તર્ક હોય, તો કેદની સજા પણ પ્રતિકાત્મક (દા.ત. કોર્ટ ઉઠવા સુધીની) હોવી જોઈએ અને પ્રેક્ટિસ કરવાની મનાઈની સજા તો બિલકુલ હોવી ન જોઈએ. કાયદાનો એ સિદ્ધાંત છે કે દંડના બદલામાં કેદની સજા પ્રમાણસર હોવી જોઈએ. રૂ. એકના દંડની કસૂરમાં ત્રણ માસ કેદ અથવા ત્રણ માસ પ્રેક્ટિસ કરવા પર રોકની સજા અપ્રમાણસર છે અને તેની પાછળનો તર્ક સમજી શકાતો નથી.
આ કેસમાં કેટલાક પ્રશ્નો અનુત્તર રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે તિરસ્કારના મામલે પોતાની મેળે (સુઓ મોટો – Suo Moto) પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ દાખલ કરી છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા,1973ની કલમ 207 જણાવે છે કે આરોપીને ફરિયાદની નકલ સહિત સંબંધિત તમામ કાગળોની નકલ આપવી જોઈએ. પ્રશાંત ભૂષણનો એ બચાવ હતો કે પોતાને ફરિયાદની નકલ મળી નથી. તેથી અહીં કલમ 207 ઉપરાંત કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે.
પ્રશાંત ભૂષણના સમર્થનમાં હજારો વકીલો ઉપરાંત અનેક પૂર્વ ન્યાયાધીશો અને કર્મશીલો પણ જોડાયા હતા. તેમાંના કેટલાકે કેસમાં પોતાને પક્ષકાર તરીકે ઉમેરવા સર્વોચ્ચ અદાલતને અરજી કરી હતી. તેમને પક્ષકાર તરીકે ઉમેરવા કે કેમ તે સર્વોચ્ચ અદાલતની વિવેકબુદ્ધિની બાબત છે. પરંતુ તે બાબતે ઉલ્લેખ સરખો પણ થયો નથી.
જાહેર હિતની તાકીદની અનેક બાબતો સર્વોચ્ચ અદાલત સમક્ષ વિચારાધીન હોવા છતાં, આ કેસને આ કોવિડકાળમાં અગ્રતા આપવા પાછળનું કારણ પણ સમજી શકાતું નથી. ભારતના એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતને સલાહ આપતાં આ કેસમાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના પૂર્વ નવ ન્યાયાધીશોએ ન્યાય વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનો અને ચાર પૂર્વ ન્યાયાધીશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તમાન હોવાનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2018ના જાન્યુઆરી માસમાં સર્વોચ્ચ અદાલતના ચાર તત્કાલીન ન્યાયમૂર્તિઓએ સર્વોચ્ચ અદાલતની વ્યવસ્થા સામે અસંતોષ અને લોકશાહી ખતરામાં હોવાની રજૂઆત કરી હતી, એ ઘટનાએ દેશભરમાં ઊહાપોહ જગવ્યો હતો. આ કેસના ચુકાદામાં તે ઘટનાનો ઉલ્લેખ કરાયો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તો પછી તેમની સામે અદાલત તિરસ્કારની સુઓ મોટો ફરિયાદ દાખલ થવી જોઈતી હતી.
ખરેખર સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલની સલાહ અનુસરીને કોઈ સજા જાહેર કરી ન હોત, તો તેનું ગૌરવ અને ગરિમા જળવાત. સજાના ચુકાદા બાદ અનેક અખબારોના તંત્રીઓએ પોતાના તંત્રીલેખમાં આ હકીકતનું સમર્થન કર્યું છે. ‘ધ હિંદુ’ અખબારે તંત્રીલેખમાં જણાવ્યું છે કે શું સર્વોચ્ચ અદાલત (ન્યાયતંત્ર) એટલી નબળી છે કે બે ટ્વીટથી તેના પાયા હલી જાય? તેમાં જણાવાયું છે કે પ્રશાંત ભૂષણને સજા કરાઈ છે, પણ તે અદાલત તિરસ્કાર બદલ આ સજા ફરમાવવામાં આવેલ નથી. બીજાં ઘણા નિષ્ણાતોએ પણ સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. સરવાળે, સવાલ તો સર્વોચ્ચ અદાલતના અવમાનનો જ આવ્યો, પણ તે પ્રશાંત ભૂષણના ટ્વીટથી નહીં, ખુદ અદાલતની કાર્યવાહીથી.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 12