વો જો આપસે પહલે ઇસ સિંહાસન પર બૈઠા થા, ઉસે ભી યહી યકીન થા કિ વહ ખુદા હૈ
NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે
બહુ આશ્ચર્ય થયું કે આમ કેમ! NDTVના સ્થાપક ડૉ. પ્રણોય રૉય અને રાધિકા રૉયના ઘરે તેમ જ NDTVની ઑફિસો પર CBIએ રેઇડ પાડી એ પછી સોશ્યલ મીડિયા શાંત કેમ છે? અપેક્ષા એવી હતી અને ઇતિહાસ પણ એમ કહે છે કે જ્યારે પણ કેન્દ્ર સરકાર ભૂંડી લાગે એવી કોઈ ઘટના બને એટલે સોશ્યલ મીડિયા પર ભક્તોનું કટક ઊતરી આવે અને વિરોધ કરનારા લોકોને ગાળો આપવાનું શરૂ કરી દે. તેમના આક્ષેપોનું સાધારણીકરણ કરો તો આટલા આક્ષેપો જોવા મળશે : એક, વિરોધ કરનારાઓ દેશદ્રોહી છે. બે, તમે કૉન્ગ્રેસ વખતે ક્યાં હતા? ત્રણ, કાશ્મીરમાં જવાનો મરે છે એ વિશે કેમ કંઈ નથી બોલતા? ચાર, આ દેશમાં હિન્દુઓ બહુમતીમાં છે તો હિન્દુઓની તરફેણ કરવામાં આવે તો એમાં ખોટું શું છે? પાંચ, પાંચમી દલીલ આજ સુધી વાંચવા મળી નથી. તમે જો વાંચી હોય તો ધ્યાન દોરવા વિનંતી.
એ પછી ચારિત્ર્ય હનનનો, ગંદી ઇશારતોનો, પુરાવા વિનાના વાહિયાત આરોપોનો, ફોટોશૉપમાં મૉર્ફ કરવામાં આવેલી વીડિયો-ક્લિપોનો, કોઈકના અવાજમાં કોઈક બોલતું હોય એવા વૉઇસ-ઓવરનો મારો શરૂ થાય. ઉદ્દેશ બે હોય છે. એક, વાડામાંથી ઘેટાં નાસી ન જાય એનો અને બીજો, વિરોધીઓને ડરાવવાનો. આવતી કાલે આ લોકો આપણને આંટામાં લે એના કરતાં ચૂપ રહેવું સારું એમ માનીને લોકો ડરી જશે એમ માનવામાં આવે છે; પણ યાદ રહે, એવા કેટલાક લોકો છે જે ડરતા નથી. તેમના અવાજમાં આરતીની ઘંટડીના અવાજ કરતાં લાખ ગણો મોટો ઘંટારવ હોય છે. બીજું, એવા કેટલાક લોકો છે જે વેચાતા પણ નથી. આ ઉપરાંત સત્તા પાસે શાણપણ ન ચાલે એમ માનીને જે લોકો ચૂપ રહે છે એ લોકો ડરપોક હોય છે, અબુધ નથી હોતા. તેઓ શાણપણ નથી બતાવતા, પરંતુ સત્તાનો સ્વભાવ જાણે છે; બલકે સત્તાનો સ્વભાવ જાણે છે એટલે શાણપણ નથી બતાવતા. તેઓ સત્ય-અસત્યનો વિવેક કરવા જેટલી સમજણ ધરાવે છે, માત્ર બોલવાની હિંમત નથી ધરાવતા; પરંતુ તેમને જ્યારે સલામત મોકો મળી જાય છે ત્યારે તેઓ સત્યના પક્ષે ઊભા રહી જાય છે.
તો આ વખતે બન્નેમાંથી એકેય મોરચા ન ખૂલ્યા એનું શું કારણ? ન લેબલ, ન ઇશારતો; ન ધમકી, ન ગાળો. પાકિસ્તાન મોકલી આપવાની વાત પણ કોઈએ નથી કરી. કારણ બહુ સાદું છે. સાઇબર સેલને કહેવામાં આવ્યું છે કે આ ઘટનાને ભૂલવાડી દેવાની છે, જેમ નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલો સૂટ પહેરવાના સાહસને એક તૂરી-ખાટી ઘટના તરીકે ભુલવાડી દેવામાં આવે છે એ રીતે. કેટલીક ઘટનાઓ કાઉન્ટર-પ્રોડક્ટિવ હોય છે જેની ચર્ચા કરવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. એન.ડી.ટી.વી.વાળી ઘટના આવી છે.
તો આનો સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે ભક્તો તો બિચારા સાધનમાત્ર છે, હૅન્ડલ છે. તેઓ દેશને ચાહનારા ભલા-ભોળા ઇન્સાન છે જે કૉન્ગ્રેસનાં પાપોને કારણે ગુસ્સામાં છે. નવમૂડીવાદે આર્થિક, સામાજિક અને શારીરિક-માનસિક પ્રશ્નો પેદા કર્યા છે જેને કારણે તેઓ હતાશ છે. તેમને તેમની આશાને ફળીભૂત કરી આપે એવા જાદુગરની જરૂર હતી. સાઇબર સેલે મીડિયા અને સોશ્યલ મીડિયાને સાથે લઈને નરેન્દ્ર મોદીને જાદુગર તરીકે પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું હતું. જરૂર લાગતી હોય તો એ સમયના કન્ટેન્ટ પર એક નજર નાખો. કૉન્ગ્રેસની નાદારી, કૉન્ગ્રેસીઓનો ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને પાકિસ્તાનના મોરચે કૉન્ગ્રેસની નિર્બળતા, સેક્યુલરિસ્ટો તેમ જ ઝોલાવાલાઓનો હિન્દુિવરોધી પક્ષપાત તો બીજી બાજુ ગુજરાતમાં થયેલો અસાધારણ વિકાસ અને નરેન્દ્ર મોદીની છપ્પનની છાતી એ સમયના વિષયો હતા. આશાવંતો હરખે-હરખે એ કન્ટેન્ટ આગળ ધકેલતા જતા હતા.
એ પછી બીજો દોર શરૂ થયો જેમાં આખા દેશમાં ગુજરાતની જેમ સુવર્ણ યુગ બેસી ગયો છે અને દેશે વિકાસ તરફ હરણફાળ ભરી છે એ બતાવવાનું હતું. એન.ડી.એ. સરકારના કાર્યકાળના પહેલા વરસના કન્ટેન્ટને યાદ કરશો તો ખ્યાલ આવશે કે ત્યારે તમારા સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શું ઠલવાતું હતું? જુઓ વડા પ્રધાન વિદેશમાં કેવા છવાઈ ગયા છે. જુઓ અમેરિકન પ્રમુખ વાઇટ હાઉસની પરસાળમાં આવીને નરેન્દ્ર મોદીને રિસીવ કરવા આવ્યા હતા અને એટલું માન તો નેહરુને પણ આપવામાં નહોતું આવ્યું; પછી ભલે અમેરિકાનો આવો પ્રોટોકૉલ હોય. અથવા મોદી-મોદીના નારાઓની વીડિયો-ક્લિપ્સ મોકલવામાં આવતી હતી અને વિકાસની દરેક જાહેરાત વખતે કૉન્ગ્રેસ એના શાસનકાળમાં શું નથી કરી શકી એના ખોટા આંકડા આપવામાં આવતા હતા. કેટલીક વાર આગલી સરકારની યોજનાઓને મોદી સરકારની યોજના તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. યાદ આવે છે ૨૦૧૫નું વરસ? ઉદ્દેશ હતો જાદુગર જાદુ કરી રહ્યો છે એ બતાવવાનો અને ભક્તોની આશા ટકાવી રાખવાનો. તમે આવા અનેક મેસેજિસ રિસીવ કર્યા હશે અને આગળ ફૉર્વર્ડ કર્યા હશે.
હવે જાદુગરની ઇમેજ ટકાવી રાખવી મુશ્કેલ છે એટલે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તમારી થાળીમાં જે વાનગી પીરસવામાં આવી રહી છે એમાં દેશદ્રોહીઓ સામે મોઢામાંથી ધુમાડા નીકળે એવી તીખીતમતમતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. ફૉર અ ચેન્જ ભારતના અતીતની ભવ્ય વાતો (એ પણ મૅન્યુફૅક્ચર્ડ) કહેવાય છે જેના દ્વારા ભોળિયા ભક્તને મીઠાઈનો સ્વાદ મળે છે. એવા-એવા મેસેજિસ ઠલવાય છે કે એ જોઈને એમ લાગે કે પાકિસ્તાન સામેની લડાઈ ભારતીય લશ્કર નથી લડવાનું, ભક્તો લડવાના છે. દેશભક્તોને સરહદે જતા રોકવા પડે એવી સ્થિતિ એક દિવસ પેદા થવાની છે. ઉદ્દેશ ધ્યાન અન્યત્ર દોરવાનું છે અને દેશપ્રેમ તેમ જ ધર્મપ્રેમ લોકોને નશામાં રાખવાનું સારું અફીણ છે. આજકાલ તમે આવા મેસેજિસ મેળવતા હશો અને તમારામાંના કેટલાક એને ફૉર્વર્ડ પણ કરતા હશે.
તો વાત એમ છે કે સોશ્યલ મીડિયા પર અને ટીવી મીડિયા પર જે કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે એ એક જગ્યાએથી આવે છે. એને ખાસ ઉત્પાદિત કરવામાં આવે છે. ઉત્પાદિત માલ ભોળિયા ભક્તોને મફતમાં વહેંચવા માટે આપવામાં આવે છે અને તેઓ મહેનતાણું માગ્યા વિના એ માલને ફૉર્વર્ડ કરે છે. બીજો માલ ન્યુઝના સ્વરૂપમાં પેદા કરવામાં આવે છે જે મીડિયાને (પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક બન્ને) નાણાં ચૂકવીને વેચવામાં આવે છે. તેઓ માલિકના હાથમાં હાડકું જોઈને પૂંછડી પટપટાવવા માંડે છે. તેમને એ હાડકામાં કદાચ હન્ટર પણ નજરે પડતું હશે. ઉત્પાદનનો એક ત્રીજો થર નહીં વેચાનારા અને નહીં ડરનારાઓ માટેનો છે. એ કામ સોએક જેટલા ટ્રોલ્સ(ભાડૂતી ચારિત્ર્ય હનન કરનારાઓ)ને સોંપવામાં આવે છે. તેઓ આ ધરતી પર થયેલા તમારી નજરમાંના પવિત્રમાં પવિત્ર માણસને પણ કુકર્મ કરતા બતાવી શકે છે. આવા ટ્રોલ્સને વડા પ્રધાન ફૉલો કરે છે એમ ટ્રોલ્સ પોતે સગર્વ દાવો કરે છે અને વડા પ્રધાનના મંત્રાલયે આ જ સુધી એનો અસ્વીકાર નથી કર્યો. ટેક્નૉલૉજી એવી છે કે અસ્વીકાર થઈ શકે એમ નથી. ઇલેક્ટ્રૉનિક મીડિયા બેધારી તલવાર છે, એ સગડ પણ મૂકીને જાય છે. આની સદસ્તાવેજ વિગત જોઈતી હોય તો સ્વાતિ ચતુર્વેદીનું ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામનું પુસ્તક વાંચવાની ભલામણ છે.
તો NDTVની ઘટના વિશે સાઇબર સેલને અને આર્મી ઑફ ટ્રોલ્સને કહેવામાં આવ્યું હોવું જોઈએ કે આ ઘટનાને પેલા સૂટની જેમ ભુલવાડી દેવાની છે. એટલે તમે NDTVની અને એના સમર્થકોની નિંદા કરનારા, ગાળો દેનારા કે ચારિત્ર્ય હનન કરનારા મેસેજિસ ભાગ્યે જ જોયા હશે. ફૅક્ટરીને આ એક ઇશ્યુ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. શા માટે? એવી કઈ મજબૂરી છે કે સરકાર એને ખરાબ સપનાની જેમ ભૂલી જવા અને ભુલવાડી દેવા માગે છે.
જે કારણ આપવામાં આવી રહ્યું છે એ સુખદ છે, આશા જગાડનારું છે. NDTVની, ખાસ કરીને NDTV હિન્દીની અને એમાં પણ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP વધી રહી છે. આમાં રવીશ કુમારના પ્રાઇમ ટાઇમની TRP તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. બન્યું છે એવું કે સાઇબર સેલે આક્રમક બનીને ટીવી-ચૅનલોના ન્યુઝરૂમનો કબજો લઈ લીધો અને ટીવી-ચૅનલોના માલિકોએ વેચાઈ જઈને ન્યુઝરૂમનો કબજો આપી દીધો એ પછીથી બુદ્ધિશાળી સમજદાર દર્શકો NDTV તરફ વળી રહ્યા છે.
જે લોકોની આંખ ખુલ્લી રહી છે એવા દર્શકો NDTV તરફ વળી રહ્યા છે. જે લોકો ખોટા પ્રચારથી કંટાળી ગયા છે અથવા દેશભક્તિના ગોકીરાથી જેમના કાન બહેરા થઈ ગયા છે એ લોકો NDTV તરફ વળી રહ્યા છે. કોઈ ઇશ્યુ સાથે આપણને લાગતુંવળગતું ન હોય ત્યારે એ ઇશ્યુની જગ્યાએ બીજા દેશભક્તિના કોઈ ભળતા જ ઇશ્યુ પર ચર્ચા થતી હોય ત્યારે આપણને કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યારે ઇશ્યુ આપણો પોતાનો હોય અને ચૅનલવાળાઓ તારસ્વરે દેશભક્તિની પાખંડી ચર્ચા કરતા હોય ત્યારે આપણને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. ઊના કે સહારનપુર જેવી ઘટના બને ત્યારે દલિતો દેશભક્ત દર્શકોની જમાતમાંથી બહાર નીકળી જાય, મંદસૌરની ઘટના બને ત્યારે ખેડૂતો બહાર નીકળી જાય. આ સ્વાભાવિક છે. દેશભક્ત એ કોઈ સાંચામાંથી બનાવેલી મૂર્તિ નથી પણ જીવતો-જાગતો માણસ છે જેનો પોતાનો સ્વાર્થ છે અને બદલાતો મૂડ છે.
આમાં NDTV એક એવી ચૅનલ છે જ્યાં પાખંડી ચર્ચા કરવામાં આવતી નથી. NDTV એક એવી ચૅનલ છે જ્યાં સરકારની ભાટાઈ કરવામાં આવતી નથી અને સરકારને ન ગમે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં કોઈ પણ પ્રશ્ને વિગતે ચર્ચા કરવામાં આવે છે અને પૅનલિસ્ટને બોલવાનો મોકો આપવામાં આવે છે. આ એક ચૅનલ એવી છે જે ગરીબોના અને મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે ડર્યા વિના ઊભી રહે છે. આ એક ચૅનલ એવી છે જ્યાં અન્ય પૅનલિસ્ટો બોલી ન શકે એ માટે જાણીબૂજીને ખલેલ પહોંચાડનારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબીત પાતરાને સભ્ય ભાષામાં સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહેવાની હિંમત બતાવવામાં આવે છે. આ ઘટના પહેલી જૂને બની હતી અને ચોથી જૂને NDTV પર રેઇડ પાડવામાં આવી હતી. આ એક ચૅનલ એવી છે જે નિર્મલબાબાના સમોસા-જ્ઞાનની, સેક્સ-પાવર વધારવાની, માથાના વાળ ઉગાડવાની, વજન ઘટાડવાની કે સાંધાના દુખાવાની દવાઓ વગેરેનું પ્રસારણ કરતી નથી. આ એક ચૅનલ એવી છે જ્યાં રાતના બાર વાગ્યાથી સવાર સુધી ટેલીશૉપિંગની ઍડ્વર્ટાઇઝમેન્ટ આવતી નથી. દર્શક એક વાર NDTV પર જાય છે ત્યારે તેને ચૅનલની હિંમત, પ્રામાણિકતા, પ્રોફેશનલિઝમ, શાલીનતા અને જેને અન્યાય થતો હોય તેમના માટેના સરોકારનો પરિચય થાય છે.
NDTV પાસે બહુ મોટી સંખ્યામાં દર્શકો છે એવું નથી. સોમાંથી દસ માંડ હશે. ફરક એ છે કે એ દસ દર્શકો લૉયલ છે. પ્રાઇમ ટાઇમના આરંભથી અંત સુધી બુલેટિન જુએ છે. આ બાજુ બાકીના ૯૦ દર્શકો ૯૦ ચૅનલોમાંથી કઈ ચૅનલ પર ડાકલાં વાગી રહ્યાં છે એ શોધતા ફરે છે. વળી આગળ કહ્યું એમ ધીરે-ધીરે NDTVના દર્શકોની સંખ્યા વધી રહી છે. ઑક્યુપાઇડ ચૅનલોના માલિકોએ સરકારને કહ્યું હશે કે રેઇડને બચાવવામાં બહુ બોલવાથી અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલોને લાભ થશે અને એને વધારે દર્શકો મળશે. અતિની ન હોય ગતિ એમ કહેવાય છે. ઊબકો આવે એ રીતે પ્રચારનો અને એ પણ જૂઠાણાનો પ્રચાર કરવામાં આવે તો બેવકૂફમાં બેવકૂફ માણસ પણ સચ્ચાઈ પામી જાય. અંગ્રેજીમાં આને કાઉન્ટર પ્રોડક્ટિવ કહેવામાં આવે છે. દેશની અન-ઑક્યુપાઇડ ફ્રી ચૅનલને વધારે લાભ ન મળે એ માટે સાઇબર સેલનું NDTV સેલ અત્યારે શટડાઉન કરી નાખવામાં આવ્યું છે.
હવે NDTV સામેનો કેસ શું છે એ સંક્ષિપ્તમાં સમજી લઈએ. NDTVએ ૨૦૦૮માં એક પ્રાઇવેટ બૅન્ક પાસેથી લોન લીધી હતી. ૨૦૧૦માં બૅન્કના એ સમયના ઘટાડેલા વ્યાજે લોન પરત કરવામાં આવી હતી. વ્યાજના મૂળ દરમાં ઘટાડો કરવા બૅન્ક સંમત થઈ હતી. આમ NDTVએ પૈસા નથી ચૂકવ્યા એવું નથી. બૅન્કને જે નુકસાન થયું છે એ વ્યાજનું નુકસાન થયું છે. હવે પહેલી વાત તો એ કે ઘટાડેલા વ્યાજે સેટલમેન્ટ બૅન્કે કર્યું છે. આમ છતાં જો ફરિયાદ કરવી જ હોય તો ફરિયાદ કરવાનો અધિકાર બૅન્કનો છે. વધુમાં વધુ બૅન્કનો ઑડિટર બૅન્કને પહોંચાડવામાં આવેલા નુકસાન વિશે શેરો મારી શકે. હજી રિઝર્વ બૅન્ક ફરિયાદ કરી શકે. આમાંથી કોઈએ CBI સમક્ષ જઈને ફરિયાદ નથી કરી કે નથી કોઈ નુકસાન અંગે નુક્તેચીની કરી. સાદો નુકસાન ભરપાઈનો પત્ર પણ લખવામાં નથી આવ્યો. જેને કોઈ લેવાદેવા નથી એવો અજાણ્યો માણસ CBI સમક્ષ ફરિયાદ કરે અને CBI રેઇડ પાડે એવું આજ સુધી ક્યારે ય બન્યું નથી. પાછો સંજય દત્ત નામનો તે માણસ CBI પાસે જતાં પહેલાં અદાલતમાં ગયો હતો અને અદાલતે તેનો કેસ દાખલ કર્યો નહોતો. સંબંધિત પક્ષો જ્યારે ફરિયાદ કરતા નથી તો કયા અધિકારથી CBIએ કેસ દાખલ કર્યો અને રેઇડ પાડી એ વિશે CBI કોઈ ખુલાસો કરતી નથી. NDTVના માલિક પ્રણોય રૉયે પડકાર ફેંક્યો છે કે એક પણ તારીખ માગ્યા વિના સર્વોચ્ચ અદાલતમાં એક મહિનો કેસ ચલાવવામાં આવે અને CBI જીતી બતાવે.
મૂળમાં NDTVની તટસ્થતા અને નીડરતા સરકારને પરેશાન કરે છે. એમાં સંબીત પાતરાને સ્ટુડિયોમાંથી જતા રહેવાનું કહ્યું એને કારણે સરકાર સમસમી ગઈ હતી. પ્રણોય રૉય આપણા યુગના રામનાથ ગોએન્કા છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’, “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2017
‘પ્રેસ ક્લબ અૉવ્ ઇન્ડિયા’ની નવી દિલ્હીમાં મળેલી તાજેતરી સભામાં “ઇન્ડિયન અૅક્સપ્રેસ”ના પૂર્વ મુખ્ય તંત્રી તેમ જ અટલવિહારી બાજપાઇના વર્ચસ્વાળી એન.ડી.એ. સરકારના એક પ્રધાન અરુણ શૌરીનું પ્રવચન