‘પ્રકાશ’ બંગલો એ માત્ર બંગલો નહીં, ઘર નહીં, પણ ઉજાસ અને ઉમળકાભર્યું એક વાસ્તુ.
‘પ્રકાશ’ બંગલો એ હંમેશાં ખુલ્લો હોય, ક્યારે ય બંધ જ ન હોય, બંધ થવાનો પણ ન હોય એવું ભાસતું. એનો નાનકડો ઝાંપો તો ખરેખર જ પૂરો બંધ ન થતો. આવડા મોટા બંગલાનો મસમોટો વરંડો, પણ જાળી-બાળીનું નામ નહીં. કોટ પણ ઓછી ઊંચાઈવાળો. ઉભયને અને અભયને વરેલા દંપતીને અસલામતીનો કોઈ અહેસાસ નહીં, સલામતીની જરૂર નહીં.
તસવીર સૌજન્ય : ઉર્વીશ કોઠારી
‘પ્રકાશ’ બંગલા સાથે ઘણાં બધાંની જેમ મારી પણ યાદો સંકળાયેલી છે. એક ખાસ યાદ : સવારે પોણા સાત-સાતના સુમારે ‘નિરીક્ષક’ના તંત્રીને ત્યાં ઓટલા પર પડેલી નેતરની ગોળ ખુરશીમાં ‘મૅટર’ – લેખ મૂકીને, પછી એચ.કે. આર્ટસ કૉલેજ જતો.
આમ કરવું — સ્કૂટર બંગલાની બહાર ઊભું રાખવું, ખુલ્લા જ ઝાંપાને સહેજ ધકેલીને અંદર જવું, લેખના કાગળો મૂકવા, બહાર નીકળવું — બહુ સરળ, સહજ અને સંતોષ આપનારું હતું ક્યારેક પ્રકાશભાઈ છાપું (એટલે કે છાપાં) વાંચતા દિસે, હંમેશના મલકંત મુખે. લોકો મંદિરે દર્શન કરીને કામે જાય. હું લેખ આપવા ‘પ્રકાશ’ બંગલે જતો. અત્યારના રહેઠાણનું નામ ‘સંસિતા’ પ્રકાશભાઈએ પાડેલું નથી છતાં સમજાતું નથી !
એક વાર સવારે કૉલેજ જતાં મીઠાખળી છ રસ્તે નાનકડો અકસ્માત થયો. અકસ્માત ગંભીર નહીં, પણ માથે મૂઢ માર વાગ્યો એટલે હું ડરી ગયો હતો, ચક્કર આવવા જેવું લાગવા માંડ્યું.
એ વખતે 108 એમ્બ્યુલન્સ સેવા ન હતી, અને હું ભાનમાં પણ હતો. એટલે સ્કુટર ચલાવીને પ્રકાશભાઈને ત્યાં પહોંચ્યો હતો. જઈને આડા પડીને આરામ કરેલો. નયનાબહેને હોમિયોપાથીની અર્નિકાની ગોળીઓ પણ આપેલી. પણ બેમાંથી કોઈએ બિનજરૂરી ચિંતા કે દોડધામ કરી ન હતી. બિલકુલ સ્વસ્થ રહ્યાં અને મને પણ સ્વસ્થ રાખેલો.
પ્રકાશભાઈના જન્મદિવસે અમારું ગ્રુપ (ચંદુભાઈ, ઉર્વીશ, કેતન, દિવ્યેશ,બિનીત, આશિષ, આરતી અને અન્ય) પ્રકાશભાઈને ત્યાં બપોરે જમવાનું ગોઠવતા – હૅવમોરનું પૅક્ડ લન્ચ. આઇસક્રીમ પ્રકાશભાઈ ખવડાવતા.
ઘરના સ્વચ્છ, સુંદર, આરામદાયક ઉજાસભર્યા દિવાનખાનાના કૉર્નર પીસ પર નવાં પુસ્તકો હોય તેમનું ખૂબ આકર્ષણ રહેતું. ક્યારેક પ્રકાશભાઈ અંદરથી બહાર આવવાની વાર હોય તો એકાદ પુસ્તક ચોરી લેવાની લાલચે ય થતી.
ખબર નહીં કેમ, પણ એ દિવાનખાનામાં બહુ સારું લાગતું. શ્વેતોજ્જ્વલ ‘બહેન’ (પ્રકાશભાઈના માતુ:શ્રી)ને પણ એ જ દિવાનખાનામાં જોયાં છે. ‘તમારો લેખ વાંચ્યો’ એવું પણ એમણે મને એક કરતાં વધુ વખત કહ્યું હોવાનું યાદ છે. વિપુલભાઈ(કલ્યાણી)ને પણ પહેલવહેલી વાર અને પછી પણ અહીં જ મળ્યો છું. ચી.ના. પટેલ પ્રકાશભાઈના પાછળના જ બંગલામાં રહે છે એ હકીકત જાણી ન જાણે કેમ પણ મને ઘણી મજા પડેલી.
‘દર્શક’ ને પણ પહેલી વાર નજીકથી ‘પ્રકાશ’ બંગલાના બેઠકખંડના સોફા પર જોયા હતા. મુગ્ધ ક્ષણોમાં હજુ પણ એમ થાય કે જેમને ત્યાં સ્વામી દાદા (સ્વામી આનંદ) પણ કદાચ દેખાઈ ગયા હોત એવું અમદાવાદનું મારા પરિચયનું આ એક જ ઘર. કોવીડ-વર્ષના જાન્યુઆરી પછી ‘પ્રકાશ’ બંગલામાં જવાનું થયું જ નહીં.
પણ બીજી એક યાદ પાકી છે – એ બંગલામાં મસમોટા વરંડાની સામે એક નાનકડું આંગણું, એક નાનકડો હિસ્સો હતો જેમાં માટી હતી, અને એ મોટે ભાગે ભીની રહેતી. એ માટી બધાં વર્ષો અકબંધ હતી. તેની પર સિમેન્ટ કૉન્ક્રિટ ક્યારે ય થયું નહીં!
સવાર સિવાયના સમયે ગયો હોઉં, અને કામ પૂરું કરીને હું બહાર નીકળું ત્યારે પ્રકાશભાઈ એમને સમય હોય તો ઝાંપા સુધી મૂકવા આવતા, ઝાંપે પણ ઊભા રહીને વાતો થતી. ક્યારેક તો વળી હું હેલ્મેટ પહેરીને સ્કુટરને કિક મારીને નીકળું ત્યાં સુધી વાતો ચાલતી.
[નવું સરનામું : B 302, સંસિતા પ્રથમ, મંગલ વિદ્યાલય પાસે, મહારાષ્ટ્ર સોસાયટી, મીઠાખળી, અમદાવાદ 380 006]
24 નવેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર