
રવીન્દ્ર પારેખ
‘સંકલ્પ’નું 25 માર્ચ, 2023નું એક બિલ અત્યારે ચર્ચામાં છે. કોઈકે ‘સંકલ્પ’, ગરુડેશ્વરમાંથી અન્ય ખાદ્યસામગ્રીની સાથે છાશ મંગાવી તો 6 ગ્લાસ છાશનું બિલ 1,200 રૂપિયા આવ્યું ને તેનાં પર 18 ટકા લેખે જી.એસ.ટી. ચોંટયો તે નફામાં ! મતલબ કે એક ગ્લાસ 236 રૂપિયાનો પડ્યો. એ પછી પણ 236 રૂપિયાના ઘણા ગ્લાસ પીવાઈ ગયા હશે ને કોઈનો કાંગરો ય નહીં ખર્યો હોય એમ બને. જતે દિવસે દૂરથી છાશ બતાવવાના 10 રૂપિયા ને સૂંઘવાના 15 રૂપિયા લેવાય તો પણ ઘણાં તે સૂંઘી આવે એ શક્ય છે. એનું જોઈને દૂધ ડેરીઓ છાશની કોથળી મોંઘી કરે એમ પણ બને, એ તો થાય ત્યારે, પણ એપ્રિલ બેસતાં જ અમૂલ ડેરીએ ગુજરાતમાં દૂધનો ભાવ લિટરે બે રૂપિયા વધારી દીધો છે. છ મહિનામાં આ બીજો વધારો છે ને આ એપ્રિલફૂલ નથી એટલે હસવા જતાં ‘ખસી જાય’ તો નવાઈ નહીં ! ટૂંકમાં, ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરીએ તમામ પ્રકારના દૂધ પર લિટરે બે રૂપિયા વધારી દીધા છે. તેની ખૂબી એ છે કે તે ભાવ વધારો રાતોરાત અમલમાં આવે એ રીતે કરે છે ને હુકમનો અમલ થાય જ એની પૂરતી કાળજી લે છે.
આમ તો ગાય-ભેંશ દૂધ, અમૂલના દૂધના પ્રકાર પ્રમાણે નથી આપતી, તે તો એક જ પ્રકારનું દૂધ આપે છે, પણ તેનું પ્રોસેસિંગ દૂધના પ્રકારો ને ભાવ, નફાને ધોરણે જુદા જુદા પાડી આપે છે. હવેથી અમૂલ ગોલ્ડ 64, અમૂલ શક્તિ 58, અમૂલ તાઝા 52ના ભાવે પ્રતિ લિટરે વેચાશે. અમૂલની ખૂબી એ છે કે તે ભાવ વધારા માટેનો આદર્શ પૂરો પાડે છે. તેનું જોઈને દૂધના ફેરિયાઓ પણ દૂધનો ભાવ વધારી દે છે. ફેબ્રુઆરી, 2023માં પણ અમૂલે ગુજરાત સિવાયનાં રાજ્યોમાં લિટરે 3 રૂપિયા ભાવ વધારેલો, તે ગુજરાતમમાં બાકી હતો એટલે તે વધારીને બધું સરભર કરાઇ રહ્યું છે. અમૂલે એટલું કર્યું છે કે પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ભાવ વધારવાનાં કારણોમાં એ જ જૂનાં કારણો, પશુ આહારમાં ભાવ વધારો, ઇંધણમાં ભાવ વધારો, ઉત્પાદનખર્ચમાં વધારો … વગેરે વગેરે અપાયાં છે ને એમ જ રાબેતા મુજબ ઘરનું બજેટ ખોરવાવાની વાત પણ મીડિયા દ્વારા કરાઈ છે, જેમાં જીવદયા ઓછી ને મશ્કરી વધારે છે. ગૃહિણીનું બજેટ તો ખોરવાવા જ હોય છે. તે જરા બજેટ ગોઠવવા કરે છે કે દૂધ, શાકભાજી, દવા જેવામાં ભાવ વધતાં પથારી ફરી જાય છે.
એપ્રિલથી જ જીવન જરૂરી દવાઓના ભાવ 12 ટકા વધવાની વાત પણ હતી, જેમાં આ વધારો પણ બીજા વર્ષે 10 ટકાથી વધુ થવાની શક્યતા હતી. 2022 સુધી દવામાં ભાવ વધારો બે ટકાથી વધુનો ન હતો, પણ હવે 12 ટકા સુધીનો દવામાં ભાવ વધારો ઝીંકવાની વાત હતી, પણ કેન્દ્ર સરકારે દવાઓ પરનો ભાવ વધારો પાછો ખેંચ્યો છે ને પ્રજા પર મહેરબાની કરી છે. સરકારનું આ પગલું 100 ટકા સરાહનીય છે. તેણે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021 અંતર્ગત આયાતી દવાઓ અને વિશેષ ખોરાક પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી છે એટલે દવાના ભાવ હાલ તુરત તો વધવાથી રહ્યા છે.
દૂધ ને દવાની જરૂર નાનાંથી માંડીને મોટાં સુધીનાં સૌને હોય છે. મોટેભાગની પ્રજા એવી અબૂધ છે કે તે માને છે કે બજેટ તો ભાવ વધારવા માટે જ આવે છે. એટલે કે ભાવ તો બજેટમાં જ વધે. પણ, ભાવ વધારો બારમાસી છે તે હવે લગભગ બધાં જાણી ચૂક્યાં છે. ભાવ વધારાથી લોકો અળસિયાંની જેમ જરા તરા હાલીને રહી જાય છે ને ફરી કામે વળગે છે. આ ભાવ વધારો કોઈ બીજા માટે જ હોય તેમ તે સાવ નિર્લેપ રહે છે. એક બાજુ સરકારની જી.એસ.ટી.માં લાખો કરોડોની કમાણી થયાની જાહેરાત થતી રહે છે ને લોકો પણ પોતાનામાંથી સરકાર કેવી રીતે લાખો કરોડો કઢાવી લે છે એ વાતે પોરસાય છે ને બીજી તરફ સાધારણ લોકોની કમાણી એટલી ટાંચી પડે છે કે તે આપઘાત કે છેતરપિંડી તરફ વળે છે. મોંઘવારીમાં ન પહોંચી વળતાં લોકો પેટિયું રળવા ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યાં છે તે નોંધવું ઘટે. અલબત્ત ! તેનો બચાવ ન હોય, ગુનો એ ગુનો છે ને તેનો ન્યાય કાયદો કરે એ અનિવાર્ય છે.
પણ, જે રીતે થોડે થોડે વખતે દૂધ, શાકભાજી, દવા, અનાજ, કઠોળ વગેરેના ભાવ વધે છે, તે કુદરતી નથી. તે વધુને વધુ કમાણી કરવાની ગણતરીથી વધે છે. લીંબુનાં ભાવ કિલોએ 150 આસપાસ ઉનાળાની શરૂઆતમાં જ પહોંચે એ કોઈ રીતે ઇચ્છનીય નથી, પણ ભાવ વધે છે ને બસ ! વધે જ છે. કોઈ પણ સમયે માવઠું થઈ શકે છે. એને લીધે ફળો, શાકભાજીની આવક ઘટે છે ને ભાવ વધે છે. જો કે, ભાવ વધવા માટે કારણોની જરૂર પડતી નથી. લોકોની લાચારી ભાવ વધારાનું મુખ્ય કારણ છે. લોકો ચલાવી લે છે એનો વેપારીઓ, કંપનીઓ લાભ લે છે. પ્રજા તરીકે આપણે એટલાં નિર્માલ્ય છીએ કે આપણું ખૂન કરવા છરી પણ આપણે જ આપીએ છીએ. વરસાદ, ઉત્પાદન ખર્ચ, ઇંધણમાં વધારો … વગેરે પ્રજા કરતી નથી. આટલી મોંઘવારીમાં ટેક્સનો એક રૂપિયો સરકાર ઓછો કરતી નથી ને બીજી તરફ દૂધનો ભાવ વધારો ખમે છે પ્રજા. શા માટે પ્રજાએ ભાવ વધારો ખમી ખાવો જોઈએ? એને કૈં નડતું જ ન હોય એમ એ બધા પ્રકારનો ભાવ વધારો વેઠી લે છે. આ કાયરતા ભાવ વધવાનું નિમિત્ત પૂરું પાડે છે. થોડો વખત દૂધ લેવાનું બંધ થાય તો એ દૂધ ક્યાં સુધી ડેરીઓ પોતાની પાસે રાખી મૂકવાની છે? તેને પણ દૂધ વેચવાની ગરજ તો હશે ને !વધારે નહીં, એક અઠવાડિયું દૂધનો બહિષ્કાર થાય તો ભાવ વધે એમ લાગે છે? પણ, આપણે હરામની કમાણી કરતાં હોઈએ તેમ આ ભાવ વધારો આપણને કોઈ અસર કરતો જ ન હોય તેમ ચુમાઈને બેસી રહીએ છીએ ને એનો લાભ ડેરીઓ ને બીજા વેપારીઓ ઉઠાવતા હોય છે. દૂધમાં બેફામ નફો ડેરીઓ કરે જ છે. એક પણ ડેરી બંધ નથી થઈ એ જ બતાવે છે કે કોઈ પણ સહકારી કંપનીઓ કમાય છે ને ધૂમ કમાય છે.
વધારે સાચું તો એ છે કે વચેટિયાઓએ આ દેશમાં મોંઘવારી વધારવાની સાર્વજનિક મહેનત કરી છે. ખેડૂતને કોબીનો ખર્ચ ન નીકળતો હોય ને તે માર્કેટ સુધી પહોંચાડવામાં ખોટ ખાતો હોય તો તે, પોતાને લીધે? તે જવાબદાર નથી. તેને ભાવ ન આપતી માર્કેટો તેને માટે જવાબદાર છે. કાંદાનો ભાવ ખેડૂતને કિલોનો રૂપિયો મળતો હોય ને ગ્રાહકને તે બાર રૂપિયામાં વેચાતા હોય, તો અગિયાર રૂપિયા કોણ ખાય છે? જ્યાં પણ આવું થતું હોય ત્યાં સરકારે માથું મારીને નફાનો વાજબી માર્જિન નક્કી કરવો જોઈએ. ગ્રાહકને મોંઘું પડે ને ખેડૂતને પડતર કિંમત પણ ન મળે એ વચેટિયા સંસ્કૃતિનું વરવું ઉદાહરણ છે.
કેટલીક વસ્તુઓ માણસનું સ્ટેટસ મોંઘી થવા દે છે. કોઈ નેતા કે અભિનેતા લારી પર 100 રૂપિયાનાં ભજિયાં ન ખાય. એ જ ભજિયાં સારી કોઈ હોટેલમાં હજાર રૂપિયાને હિસાબે મળે તો તે તેની હોજરીને પોષાય. પણ, લારીવાળો એમ જ 100નાં ભજિયાંનાં હજાર પડાવે તો ચામડીની ચટણી થતી હોવાનું લાગે. અત્યારે એવું કશુંક ચાલી રહ્યું હોય એમ લાગે છે. દિલ્હીની ‘પુલમેન’ હોટેલમાં 750 રૂપિયાની ચાર પાણીપુરી મળે છે. આ ભાવ પાંચેક વર્ષ પહેલાંનો છે. અત્યારે એનો ભાવ કેટલો હશે તે નથી ખબર, પણ એનો પ્રચાર કરનારા એવી રીતે કહેતાં હોય છે કે ભાવ 750 રૂપિયા નહીં, પણ સાડાસાત જ હોય. ઘણાં એવા છે જે 350ની એક કપ કોફી શહેરમાં પી આવતાં હોય છે ને રાજી પણ રહેતાં હોય છે, પણ તે રોજ એમ પીવા બેસે તો વાળ ઊતરી જાય. કોઈ વાર મધ્યમવર્ગનાં લોકો એમ પણ આનંદ માણતાં હોય છે, તો ભલે. એ સિવાય રાજી રહેવા જેવું એમની પાસે બહુ હોતું નથી.
દેખાવ ખાતર, કોઈને બતાવવા આપણે ઘણું કરીએ છીએ. કેટલાંકને તો ભાવ શું ચાલે છે એની જ ચિંતા હોતી નથી. એની પાસે હરામની કમાણી એટલી છે કે દૂધ લાખ રૂપિયે લિટર થાય તો પણ તેને વાંધો ન આવે, કારણ દેશની 90 ટકા સંપત્તિ એવાં લોકો પાસે છે ને બાકીનાં 90 ટકા લોકો પાસે દેશની 10 ટકા સંપત્તિ છે ને જે સહન કરે છે તે એવાં 90 ટકા લોકો છે. એ લોકો પણ ચૂપ જ રહેવાનાં હોય તો બીજા 10 ટકા તો બોલવાના જ નથી.
100 ટકા મૂંગી પ્રજા લોકશાહીને ખતમ કરે છે ને સરમુખત્યારીને જન્મ આપે છે એ કદી ભૂલવા જેવું નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઍપ્રિલ 2023
![]()

