આશરે 1,370 કરોડ વર્ષ પહેલાં
એ કોઈ ગૂઢ, ન સમજી શકાય તેવી સ્થિતિ હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હતું. તેમાં દૃવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. એ બિન્દુની બહાર કેવળ શૂન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું. જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું તેનું ઉષ્ણતામાન, શૂન્ય અંશ કેલ્વિન હતું. આ બન્ને, સાવ વિભિન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદૃશ્ય, અને જડ આવરણ પણ હતું જ. અથવા આનાથી સાવ વિપરિત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દૃવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શૂન્ય હતું – કોઈ કદ વિનાનું, ઉષ્ણાતિઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તિત્વ.
એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ ત્યાં હાજર ન હતું.
પણ આવું કશુંક, અનાદિ કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને સૂતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાં ય – તે સમયે કે તે પહેલાંના સમયે – કશું બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરિવર્તન વિનાની એ કેવળ જડતા હતી. અને ત્યાં કશુંક થયું. શું થયું? શા માટે થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? કઈ રીતે કર્યું? આવા કોઈ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું.
પણ કશુંક થયું તો ખરું જ.
ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરિવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્ત્વની પ્રચ્છન્ન અભિપ્સાના બળે આમ થયું. જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતી દૃવ્ય રાશિઓ ફેંકાવા માંડી. હવે એ જડ હોવાપણાની અપરિવર્તનશીલ સ્થિતિ ક્ષણાર્ધ માટે પણ ટકી શકે તેમ ન હતું. પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય, બળબળતા વાયુની બનેલી, નિહારીકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બિન્દુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દૂર ને દૂર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષેલી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચૂક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતિક્રમીને એમની પ્રચંડ ગતિને કાયમી કરતું – હર ક્ષણ એ બહિર્મુખ ગતિને વધારતું – કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચુક્યું હતું.
[સોમ્બેરો નિહારિકા – પૃથ્વીથી 2.8 કરોડ પ્રકાશવર્ષ દૂર, 50,000 પ્રકાશ વર્ષ વ્યાસ, તારાઓની સંખ્યા આશરે 80,000 કરોડ! [હબલ દૂરબીન વડે લેવાયેલ ફોટો.]
અસ્તિત્વવાળા બ્રહ્માંડનો જન્મ થઈ ચૂક્યો હતો. પરિવર્તનની ન રોકી શકાય તેવી ઘટના આકાર લઈ ચૂકી હતી.
——–
બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતિ પ્રચંડ સમૂહો તીવ્ર વેગે દૂર અને દૂર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે, નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. વળી પાછું દૃવ્ય ઘનીભૂત થતું ગયું. તારાઓ અસ્તિત્વમાં આવ્યા.
આવો એક તારો તે આપણો સૂર્ય. એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમૂહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને નવ ગ્રહો સર્જાયા. સૂર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ બધા સૂર્યમાં ન સમાયા – એની આસપાસ ઘુમતા રહ્યા. સૂર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.
એનાથી ય નાના પદાર્થો એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.
સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધૂળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.
સાડા છ કરોડ વર્ષ પહેલાં …..
એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમૂહ હતો, માણસ જાતે આપેલું નામ – ગોન્ડવાના લેન્ડ. અને તેના ખાડામાં ભરાયેલાં પાણીનો તેનાથી મોટો સમૂહ હતો – એક મહાન મહાસાગર. બન્નેમાં જાતજાતનાં અને ભાતભાતનાં પ્રચંડકાય ડિનોસોર મહાલતાં હતાં. કોઈ વનસ્પતિ આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરૂપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતીને આવરી રહેલાં હતાં. આ ચિત્રવિચિત્ર દુનિયાનો વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો હતો. જુરાસિક પછીના ક્રિટેશિયસ યુગની સંધ્યાનો એ અંતિમ તબક્કો હતો. એક નવા યુગની ઉષા ઊગવાની હતી.
કોઈક ધૂમકેતુના સૂર્યની નજીક આવવાના કારણે, મસમોટી એક ઉલ્કાની ગતિ બદલાઈ. તે પૃથ્વીની થોડીક નજીક સરકી. પછી તો તે સરકતી જ ગઈ – સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ તેનો વેગ વધવા માંડ્યો. ધરતી તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને?!
ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ 6 માઈલના વ્યાસ વાળી, વજન માત્ર દસ લાખ ટન. જો થોડીક દૂર રહી હોત તો, પૃથ્વીથી થોડે દૂર રહી, પાછી સૂર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવિતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ધરતીમાં સમાઈ જવા આતુર હતી.
અંધાર ઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના 7,000 માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી. દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના 7,000 માઈલ.
(એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના 60 માઈલની ઝડપે અથડાય તો એના ભુક્કા બોલી જાય. કલાકના 600 માઈલની ઝડપે અથડાય તો, તે આગનો અને ઓગળેલા લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ. કલાકના 6,000 માઈલની ઝડપે અથડાય તો? આખી શીલાના ભૂક્કે ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે!)
અને પેલી માયા તો માળી ખાબકી હોં! મધરાતે સો સો સૂર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા કંઈ કેટલા ય માઈલની ઝડપે – બહુ જ ઊંડે ને ઊંડે – ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર ખાબકી એ તો.
ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફૂટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભૂકી ઉઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.
આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુદ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્નિ અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પહોંચી ગયું. અને ત્યાં પહોંચતાની સાથે જ શૂન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.
ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળિયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો. ધૂળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતિચક્રવાત – એક જગ્યાએ નહીં – ઠેર ઠેર.
ધરતી પરનું અને વાતાવરણનું આ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધૂળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધૂળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટિનું નિકંદન કરતી રહી. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે પ્રચંડ ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો.
સેંકડો વર્ષોની ઠંડી અને અંધાર ઘેરી એ રાત હતી. કોઈ જીવ કે વનસ્પતિનું અસ્તીત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચૂકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી સૃષ્ટિ આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સૂતી રહી. એક નવા યુગની ઉષા, સૂર્યના કિરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી.
અપ્રતિમ,
અભૂતપૂર્વ,
ન ભૂતો ન ભવિષ્યતિ
– ઉલ્કાપાત.
પણ બીગ બેન્ગની તુલનામાં? એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી! સમષ્ટિના સ્થળ અને સમયના પરિમાણના પરિપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે આશ્લેષ અનુભવ્યો હતો.
પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન – પ્રચંડ પરિવર્તન.
e.mail : surpad2017@gmail.com
![]()

