
બબલભાઈ મહેતા
સામૂહિક પ્રાર્થનામાં બેસવાનો રિવાજ નવો છે. પહેલાં લોકો રાત્રે ભેગા થતા અને ભજન કીર્તન કરતા; એ રીતે ભગવાનનું નામ લઈ કૃતાર્થ થતા. પ્રભુને યાદ કરવો છે એવા ભાવથી ભજનો ગવાતા. મીરાં, નરસિંહ, સૂરદાસે દિલ હાલી ઊઠે એવી રીતે ગીતો ગાયાં છે. ગાંધીજીએ એવા જ ભક્તોની માફક પ્રાર્થનાને નવું સ્વરૂપ આપ્યું. ગાંધીજીએ આશ્રમ સંસ્થા સ્થાપી. આશ્રમો વિશે રામાયણ મહાભારતમાં ઘણું વાચ્યું છે. એ આશ્રમ શબ્દ ગાંધીજીએ ઉપાડ્યો અને તેમાં નવાં તત્ત્વો ઉમેર્યાં. પ્રાચીન કાળના આશ્રમોમાં ઋષિ મુનિઓ રહેતા. અમુક વિશિષ્ટ સમાજના જ વિદ્યાર્થીઓને જ્ઞાન માટે આશ્રમમાં દાખલ કરાતા. જ્ઞાનની તૃષાવાળા ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં રહેતા, સાથે શ્રમ કરતા, અને ભિક્ષા માગી લાવતા. ગાંધીજીએ આશ્રમમાં નવો સમાજ રચવાનો વિચાર કર્યો. ગાંધીજીએ બધા વર્ગના લોકને અંદર દાખલ કર્યા. એક બંધન હતું, તે એ કે બધા શરીરશ્રમ કરનાર હોય અને પ્રમાણિકતા ને સાદાઈથી જીવન જીવવા માગતા હોય. તે અંગે કેટલાક નિયમો કર્યા, તેમાં સામુદાયિક પ્રાર્થનાનો પણ સમાવેશ કર્યો.
એ પ્રાર્થના દશ-પંદર કે વીસ મિનિટ ચાલે. પછી આખો દિવસ આશ્રમ અંગેનાં કામો કરવાનાં હોય છે. એ બધાં કાર્યો અનાસક્તિપૂર્વક, ઈશ્વર પ્રીત્યર્થે કરવા જોઇએ. જેમ માળામાં સૂત્ર મણકાને સાથે રાખે તેમ પ્રાર્થના આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને હોય.
રામનામ લેવું એ ઠીક છે, પણ ખરેખર તો આપણું જીવન રામમય બનવું જોઇએ. દરેક કાર્ય રામ માટે કરું છું એ ભાવે તે કરવું. તેથી તે સારામાં સારી રીતે કરવું જોઈએ. પ્રાર્થના આખા દિવસનું બળ આપે છે. પ્રાર્થના એ આપણો આધ્યાત્મિક ખોરાક બની રહે.
સામાન્ય રીતે પ્રાર્થનામાં સુખી કરજે એવો ભાવ હોય છે, કે ઈશ્વરની ગુણસ્તુતિ હોય છે. પણ ગાંધીજીએ જે પ્રાર્થના તૈયાર કરી તેમાં માનવી કેવો બનવા માગે છે તે આદર્શ મૂકેલો છે. સાંજની પ્રાર્થનામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગણાવેલા છે. આદર્શ વ્યક્તિ કેવી હોય તેનું તેમાં ચિત્ર છે. આ આદર્શ જીવન સમક્ષ રાખીને તેની પ્રાપ્તિ માટે મથવાનું હોય છે. આ આદર્શની દિન પ્રતિદિન નજીક જવું એ પ્રાર્થના રાખવાનો હેતુ છે.
પ્રાર્થના ગમે તેટલી મિનિટની કરો પણ તેમાં તદાકાર થઇ જાઓ. એવી પ્રાર્થના જીવનમાં આપણને વધુ બળ આપે છે. ગાંધીજી કહેતા કે ખોરાક વિના હું દિવસો સુધી ચલાવી શકું, પણ પ્રાર્થના વિના તો હું એક દિવસમાં મરી જાઉં. તે કહેતા કે નિરાશામાં પ્રાર્થના જ બળ આપે છે. આવું આપણા જીવનમાં થાય તો પ્રાર્થના પારસમણિ રૂપ થઈ જાય.
માણસનું જીવન સમજથી, પ્રેમથી ફરે છે. ગામડાંમાં બેસી કામ કરવું કપરું છે. કેટલીક વાર કામ ધોવાઈ જતું લાગે. ધારેલું પરિણામ ન આવે તો ઈશ્વરનિષ્ઠ માણસ જ ત્યારે ટકી શકે. મીર આલમે જેમ ગાંધીજીની કસોટી કરી અને તે છેવટે મિત્ર બન્યો તેમ ઈશ્વરમાં શ્રદ્ધા હોય તે જ આકરી કસોટીમાથી પસાર થાય છે. આવે પ્રસંગે પ્રાર્થના માનવીને બળ આપે છે.
ઈશ્વર વિષે પણ બાપુજીએ આપણને સાચો ખ્યાલ આપ્યો છે. ઈશ્વર એટલે શંખ-ચક્ર-પદ્મધારી વ્યક્તિ કે મૂર્તિ નહિ; રામ એટલે દશરથપુત્ર રામ નહિ; ઈશ્વર એટલે તો એ મહાન શક્તિ, જે આખા વિશ્વનું તંત્ર ચલાવે છે. તે શક્તિ સત્ય છે. સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વરને ભજવો એટલે સત્યના નિયમ સાથે જીવન જોડાઈ જાય એવું કરવું તે, સત્યનું આચરણ. આ જાતનો ક્રાંતિકારી વિચાર તેમણે આપણી સમક્ષ મૂકેલો છે.
ગાંધીજીના પ્રાર્થના, રામનામ, ભક્તિ વિષેના ખ્યાલો જુદા છે. આચાર-વિચારનો મેળ હોવો જોઈએ એમ તેઓ ભારપૂર્વક કહેતા. ‘હજાર મણ તર્ક કરતાં અધોળ આચરણ ચડે.’ આમ ગાંધીજીએ આપણને પ્રાર્થનાની નવી દૃષ્ટિ આપી છે. તે પકડીએ તો પ્રાર્થના આપણને નિત્ય નવીન બળ આપશે.
26 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 223