વિશ્વભરમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા દેશ તરીકે ભારત હવે ફક્ત અમેરિકાથી પાછળ છે. અત્યાર લગી કેસસંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરે રહેલા બ્રાઝિલને પાછળ છોડીને ભારત બીજા નંબર તો પહોંચી ચૂક્યું છે. પરંતુ ન તો ભારતના વડાપ્રધાનને એ વિશે કંઈ કહેવાનું છે કે ન સદંતર અદૃશ્ય રહેલા આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધનને.
બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી ઉછાળાયેલો મુદ્દો કયો છે? અભિનેતા સુશાંતસિંઘના અપમૃત્યુનો. સરકારના તઘલકી નિર્ણયોને કારણે વતન પહોંચવા માટે અમાનુષી હાડમારી વેઠનારા અને ઘણા કિસ્સામાં જીવ ગુમાવનારા શ્રમિકો બિહાર ભા.જ.પ.ને યાદ નથી આવતા. આ સવાલ ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ પ્રકારનો નહીં, પણ એક પક્ષની-એક સરકારની બેશરમ પ્રાથમિકતા અંગેનો છે. બીજો સવાલ એક વ્યક્તિના અપમૃત્યુને વટાવી ખાવાની હલકી અને બીમાર માનસિકતાનો છે. તેનું એક પ્રતીક છે તસવીરમાં દેખાતી, બિહાર ભા.જ.પે. જારી કરેલી ડી.વી.ડી..
સત્તાધારી પક્ષના ખોળે બેઠેલી ગણાતી ચેનલો અને અર્નબ ગોસ્વામી જેવાં, જેમને પત્રકારત્વના નામ પર કલંક કહેવામાં કલંકનું અપમાન થાય એવા લોકો રોજ રાત્રે પોતાના શોમાં કીચડનો કુંડ સજાવે છે. પત્રકારત્વની વ્યાખ્યા એવી છે કે ઘઉંમાંથી કાંકરા છૂટા પાડવાનું કામ. એ તરાહ પર તંત્રીની કટાક્ષમય વ્યાખ્યા વાંચી હતીઃ જે ઘઉંમાંથી કાંકરા છૂટા પાડે અને ધ્યાન રાખે કે વાચકો સુધી ઘઉં ન પહોંચી જાય. ઘણીખરી ન્યૂઝ ચેનલોએ વ્યંગવાણીને સાચી પાડી બતાવી છે.
એટલે રવીશકુમાર તેમના શોમાં યુવાનોની નોકરી, વિદ્યાર્થીઓની પરીક્ષા, દેશનું અર્થતંત્ર, ચીનની ઘૂસણખોરી જેવા મુદ્દાની ચર્ચા કરતા હોય, ત્યારે મોટા ભાગની ચેનલો તેમના દર્શકોને સસ્તી ઉત્તેજનાની નશીલી સફરે લઈ જાય છે. રોજ તેમને ફાલતુ મુ્દાઓના આક્રમક-ઉશ્કેરણીજનક ચગડોળમાં બેસાડીને ચગડોળ એટલું જોરથી ફેરવે છે કે દર્શકોનાં સાનભાન ઊડી જાય છે, પણ આવે છે બહુ મઝા.
તમામ મોરચે નિષ્ફળતા જ નહીં, ધબડકા થયા પછી પણ મોરને ચણ ખવડાવતી વીડિયો ને સુશાંતસિંઘની ડી.વી.ડી. બનાવનાર સરકાર અને તેના વડા સમર્થકોની કટ્ટરતા વિશે, લોકશાહી સામે પ્રચારની તાકાત વિશે અને ચૂંટણી જીતાય એટલા મતદારોની આંખમાં ધૂળ નાખી શકાશે, એ વિશે કેટલી ખાતરી ધરાવતા હશે? એ ખાતરી ખોટી પાડવાનું કામ નાગરિકો જ કરી શકે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 01