મગજમાં જાળાં બાઝી જાય તો ઊર્જાનું મુક્ત વહન થઈ ન શકે. મગજ સુઘડ અને વ્યસ્થિત રહે એ માટે એને ધોધમાર માહિતી, નકારાત્મક વિચારો, પીડાદાયક સંબંધો, સોશ્યલ મીડિયાનો અતિરેક આ બધાના ત્રાસથી બચાવીએ અને પ્રેરણાદાયક પૉડકાસ્ટ, પુસ્તકો, અર્થપૂર્ણ વાતચીત, સારા મિત્રો, ઉષ્માભર્યા સંબંધોથી ભરપૂર રાખીએ …
યુરોપનો નકશો જોઈએ તો દક્ષિણપૂર્વ યૂરોપમાં છ દેશોથી ઘેરાયેલો એડ્રિયાટિક સમુદ્ર દેખાશે. આ છ દેશોમાંનો એક એટલે ક્રોએશિયા. ત્યાંના એક પરિવારમાં 1960માં એક બાળકનો જન્મ થયો. એની માએ ઘણી વાર લગ્ન કર્યાં હતાં એમાંના એક લગ્નથી આ બાળક જન્મેલો. નામ એન્ટોની. બાળપણ જરા ય સુખી કે સરળ નહીં. સાત વર્ષનો થયો ત્યાં માતાપિતા છૂટાં થઈ ગયાં. સોળની ઉંમરે ઘર છોડી ટોની અમેરિકા આવ્યો અને નાનીમોટી નોકરીઓ કરતો એક મોટા મકાનમાં ચોકીદાર તરીકે રહ્યો. પોતાના ઠેકાણા વગરના જીવનને સુધારવાની એને ઘણી હોંશ હતી, પણ રસ્તો મળતો નહોતો. એક દિવસ હિંમત કરી મકાનમાલિકને એની સફળતા અને સુખનું રહસ્ય પૂછી જ લીધું.
મકાનમાલિક ખેલદિલ માણસ. કહે, ‘એમાં રહસ્ય કે ચોક્કસ રસ્તા જેવું બહુ હોતું નથી, ઘણાં બધાં પરિબળો કામ કરતાં હોય છે. પણ મને જિમ રોનના એક લેક્ચરમાંથી પ્રેરણા મળી હતી.’
‘જિમ રોન? એ કોણ?’
‘એક ગરીબ માબાપનો દીકરો. 30ની ઉંમરે લખપતિ બન્યો, 33ની ઉંમરે દેવાળું ફૂંક્યું, 35ની ઉંમરે ફરી લખપતિ બન્યો. પછડાટો ખાઈને જે શીખ્યો એ હવે શીખવે છે.’
‘એમ? ઇન્ટરેસ્ટિંગ.’ અને ટોની એટલે કે એન્ટોની રોબિન્સે પણ એના લેકચર સાંભળવા જવા માંડ્યું. પછડાટો ખાવાની તો એને પણ ક્યાં નવાઈ હતી? થોડાં વર્ષ પછી એ પણ ‘લાઈફ લેસન્સ’ આપવા લાગ્યો. આજે 65 વર્ષની ઉંમરે મોટીવેશનલ સ્પીકર તરીકે 30-30 મિનિટના 18 સેશન્સના કોચિંગ પ્રોગ્રામ માટે એ અઢીથી પાંચ લાખ ડોલર લે છે, બેસ્ટ સેલર પુસ્તકો લખે છે.

ટોની રોબિન્સ
શું કહે છે ટોની રોબિન્સ? એ કહે છે કે સફળ, સમૃદ્ધ, કઇંક પામી ગયેલા માણસને જોઈ અસલામત કે ઈર્ષાળુ બનવા કરતાં વિચારવું કે એનામાં શું અલગ છે, એનું મગજ કઈ રીતે વિચારે છે, એની કામ કરવાની પદ્ધતિ કેવી છે. ઘણા બધા સફળ માણસોનો અભ્યાસ કરીને તેણે જે કહ્યું છે તે દુન્યવી સફળતા માટે જ નહીં, પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવા અને સર્જનાત્મક-અર્થપૂર્ણ જીવવા માટે પણ જરૂરી છે.
શિકાગોના 25 વર્ષ ચાલેલો પ્રખ્યાત ‘ઓપ્રાહ વિનફ્રે શો’માં ટોની રૉબિન્સની મુલાકાત લેવાઈ ત્યારે તેણે કહ્યું, મોટી મોટી વાતો ને મહાન પ્રતિભા એવું બધું નહીં, માણસને જે કામ આવે છે તે રોજની નાની નાની આદતો છે. એ આદતો કાઢી નાખો તો ગમે તેવો મહાન માણસ સડી જાય. અને એ આદતો પાડો તો ગમે તેવો સામાન્ય માણસ અસામાન્ય બને.
કઈ આદતો? રોજ સવાર પડે, દિવસભરનાં કામો તમારો કબજો લઇ લે એ પહેલા તમારા મગજને જરા સહેલગાહ પર લઇ જાઓ. દસ મિનિટ પૂરતી છે. ઊંડા શ્વાસ લો, નવો દિવસ મળ્યો તે માટે કૃતજ્ઞતા અનુભવો અને મગજને વિદ્યુતપ્રવાહ જેવી ઊર્જાથી ભરાવા દો. 30 ઊંડા શ્વાસ, ત્રણ મિનિટ કૃતજ્ઞતા અને ત્રણ મિનિટ વિઝ્યુઅલાઈઝેશન (દિવસમાં કરવાનાં કામ થઈ ગયાં હોય એવું કલ્પનાચિત્ર ઊભું કરવું) – આટલું કરવાથી ઊઠતાંની સાથે જે તાણ અનુભવાતી હોય છે તે હળવી બનશે. દિવસ ચિંતા અને તાણના બદલે શક્યતાઓથી શરૂ થશે. પ્રતિક્રિયાશીલતા ઘટશે અને એકાગ્રતા વધશે.
બીજું, માનસિક સ્થિતિ સુધારવા માટે શારીરિક સ્થિતિ સુધારો. ઇમોશન્સ ઈઝ ક્રિએટેડ બાય મોશન્સ. થોડાં ઝડપી પુશઅપ્સ, ઝડપથી ભરાયેલાં થોડાં પગલાં, સંગીત સાથે કરી લીધેલું થોડું નૃત્ય શરીરને પ્રાણવાયુથી ભરી દે છે, ડોપામાઈન અને સેરેટોનિન જેવાં હોર્મોનનો સ્રાવ વધારે છે અને મગજને સંકેત આપે છે, ‘બધું સરસ છે, સ્ફૂર્તિભર્યું છે, કામ કરવાની મજા પડશે.’ આજની દુનિયામાં કંટાળો કે ધીમી ગતિ પરવડવાનાં નથી. શરીરને ગતિમાન બનાવવાથી મગજ સક્રિય થઈ જાય છે. સુસ્તીનો અનુભવ થાય ત્યારે ત્રણ મિનિટ માટે હળવા કૂદકા, ઊઠબેસ કે હવામાં મુક્કાબાજી કરવાથી મગજનું ધુમ્મસ અદૃશ્ય થઈ જશે.
જપાનની મોટી બિઝનેસ કંપનીઓ પોતાના કર્મચારીઓને કાઈઝેન શીખવે છે. કાઈઝેન વિકાસની એક પદ્ધતિ છે, જેમાં મોટાં પરિવર્તનો પર નહીં પણ નાના અને સતત સુધારા પર ભાર મૂકવામાં આવે છે. રોજ નક્કી કરવાનું કે આજે હું મારામાં એક ટકા જેટલું પરિવર્તન લાવીશ – કૌશલ્યમાં, જ્ઞાનમાં, કાર્યક્ષમતામાં, માનસિકતામાં, વિચારવાની રીતમાં. એને માટે રોજ વીસેક મિનિટનો સમય ફાળવી થોડું નવું વાંચવું, સાંભળવું, શીખવું, પોતાના ક્ષેત્રમાં થતાં નવા અવિષ્કારોથી પરિચિત થવું. પ્રગતિનો ગ્રાફ ધ્યાનમાં રાખવો, કેમ કે જે પ્રાપ્ત થાય તેને ટકાવવાનું પણ હોય છે. સતત બદલતી દુનિયામાં આપણે પણ પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ.
ચોથી વાત છે મગજ પર પહેરો બેસાડવાની. મગજની સુઘડતા અને વ્યવસ્થા માટે એમાં શું જવા દેવું અને શું ટાળવું એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. ધોધમાર માહિતી, નકારાત્મક વિચારો, પીડાદાયક સંબંધો, સોશ્યલ મીડિયાનો અતિરેક આ બધું મગજને ત્રાસ આપે છે અને તેની એકાગ્રતા, કાર્યક્ષમતાને અવરોધે છે. આથી ઊલટું, પ્રેરણાદાયક પૉડકાસ્ટ, પુસ્તકો, અર્થપૂર્ણ વાતચીત, સારા મિત્રો, ઉષ્માભર્યા સંબંધો મગજની સર્જનાત્મકતા, એકાગ્રતા અને ક્ષમતા વધારે છે. ધ્યાન ન આપીએ તો મગજમાં જાળાં બાઝી જાય છે. તેને લીધે ઊર્જાનું મુક્ત વહન થઈ શકતું નથી. મગજમાં જતાં વિચાર કે માહિતીને, સંવેદનને ચકાસી લો – આનાથી મારો દૃષ્ટિકોણ વિસ્તાર પામશે કે પછી સંકુચિત બનશે? પછી બિનજરૂરીને કાઢી નવું ઉમેરો. તાજગીની જરૂર છે? તો ગમે તેમ સ્ક્રોલિંગ કરવાને બદલે કઇંક વાંચી લો, ઓડિયોબુકનું નવું પ્રકરણ સાંભળી લો અથવા પ્રેરણા આપનાર મિત્ર કે સાથી સાથે વાત કરી લો.
જાત પ્રત્યે આપણી એક ફરજ છે કે દિવસની શરૂઆત પોતાને હેતુપૂર્ણ સૂચનો આપવાથી કરવી, જે નકારાત્મકતા ટાળી શકાય એમ ન હોય એનાથી આખો દિવસ ત્રાસ પામવાને બદલે દિવસમાં એક વાર એના પર કામ કરી લેવું અને પોતાનાથી વધારે પ્રતિભા જેનામાં હોય એવી કોઈ વ્યક્તિને સામે રાખવી. પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવાથી પોતાને તો અનોખો આનંદ મળે જ છે, સાથે સંબધો અને કામોને સંભાળવાની ક્ષમતા પણ વધે છે.
કહે છે કે ‘ધ સિક્રેટ ઑફ લિવિંગ ઈઝ ગિવિંગ’ આપવાથી મન પ્રસન્ન થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. આપણી પાસે વધારે હશે ત્યારે આપીશું એવી રાહ જોવાની જરૂર નથી. સમય, સ્નેહ, આશ્વાસન, સધિયારો, હિંમત, સાથ, પ્રેરણા, હમદર્દી, કૌશલ્ય, આનંદ આપવામાં શ્રીમંત હોવાની જરૂર ક્યાં છે? સારું કામ કરીએ ત્યારે ઑક્સિટોસીનનો સ્રાવ વધે છે અને કોર્ટિઝોલનો સ્રાવ ઘટે છે. વિશાળતા અને સભરતાનો અનુભવ થાય છે. વ્યક્તિત્વને પોઝિટિવ આયામ મળે છે.
નકારાત્મક લોકો એક પ્રકારના વિષ જેવા હોય છે. તમને કણ કણ કરીને હણી નાખવાની એમનામાં ક્ષમતા હોય છે. ઝેન દર્શન કહે છે કે એમની સાથે લડવા ન જાઓ. એમને સુધારવા કે બતાવી દેવામાં શક્તિ ન ખર્ચો. પોતાને એમની અસરમાંથી મુક્ત કરો. પ્રતિક્રિયા ન આપો. યોગ્ય અંતર જાળવો, એમને એમની રીતે વર્તવા દો, શાંત રહો, સ્પષ્ટ રહો. પોતાની ગરિમા અને સારપને નુકસાન ન થવા દો.
આ બધી વાતો નથી જાણતા એમ નથી. પણ જિંદગીની દોડધામમાં એ ક્યારેક વિસરાઈ જતી હોય છે. નિદા ફાજલીએ જુદા સંદર્ભમાં લખેલી છતાં મમળાવવા જેવી આ પંક્તિથી વાત પૂરી કરીએ : ધૂપ મેં નિકલો ઘટાઓં મેં નહાકર દેખો, ઝિંદગી ક્યા હૈ કિતાબોં કો હટાકર દેખો …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 29 જૂન 2025