છૂટા છવાયા ખૂણાઓમાં કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારાઓ જીવતી હોય છે.
શિયાળાના દિવસો શરૂ થાય, એટલે શિયાળાની સાંજ વધારે રસપ્રદ બનવા માંડે. ખાસ કરીને નવેમ્બરના ઉત્તરાર્ધથી માંડીને ફેબ્રુઆરીના પૂર્વાર્ધ સુધી કંઇ કેટ-કેટલું ય આયોજાતું હોય છે. વર્ષનો અંત એક દિવસ આડે છે, ત્યારે આપણે તારીખમાં આવતા પરિવર્તન સાથે જોડાયેલી ઉજવણી સિવાયની મિજલસોની વાત કરીએ. આ દિવસો જલસાન દિવસો છે કારણ કે ક્યાંક સાહિત્યના કાર્યક્રમો, ક્યાંક સંગીતના કાર્યક્રમો તો ક્યાંક નૃત્યના કાર્યક્રમો યોજાતા રહે છે. લેખન, કવિતા, નાટક, નૃત્ય, ગાયન, વાદન, ચિત્રકલા, શિલ્પકલા સહિતની અન્ય દ્રશ્ય કલાઓ અને ક્યાંક આ તમામનાં ફ્યુઝનની સાથે બૌદ્ધિક વિચારનો માહોલ સતત બંધાતો રહે છે. આ, વળી, દર વર્ષની માફક આ વર્ષે પણ કેટલાંક રસપ્રદ પુસ્તકો શેલ્ફ પર મુકાયા છે, જેમાં આપણી કલા સંબંધિત વાતો અંકિત કરાઇ છે.
આ આખી વાતમાં આપણી વાતોને બદલે આપણી કલા શબ્દપ્રયોગ પર ભાર મૂકવો જરૂરી બન્યો છે. આમ કરવામાં બે બાબતો કારણભૂત છે. એક તો છેલ્લાં પંદર વર્ષમાં જે બદલાવ આવ્યો છે, એને કારણે અત્યારની પેઢી અઢળક માહિતી આંગળીને ટેરવે રાખતી હોવા છતાં ય આ સમજણમાં ક્યાંક નક્કરતા ઓછી હોય છે એવું લાગે. જો સમજણમાં સહેજ ઊંડાણ જોવા મળે તો ય જે આપણું પોતાનું છે તે અંગેની જાગૃતતા અથવા તો તેની પ્રત્યેની ગર્વિત લાગણી બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળતી. બીજી બાબત એ કે રાજકીય અને સામાજિક બદલાવ જે દિશામાં વળાંકો લઇ રહ્યા છે, તેમાં વાડાબંધી, વાદ-વિખવાદ, અંતિમવાદ અને પૂર્વગ્રહો અને અણગમા, હિંસાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ભારતમાં રહેલી વિવિધતા જેટલી સમૃદ્ધ છે એટલી જ પડકારજનક પણ છે. આવા સંજોગોમાં જો આપણે આપણા સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે પ્રચાર પ્રસાર થાય તો સામાજિક ઐક્યની સૂઝ નવી પેઢીમાં ઊગી શકે.
આગળ ઉપર વાત કરી એ પ્રમાણે અત્યારે આવા કાર્યક્રમોની મોસમ છે જેમાં આપણી સંસ્કૃતિ, આપણી વાત અને આપણા વારસાનો વાવટો ફરકી રહ્યો હોય. આમાં સમસ્યા એ છે કે વર્ષોથી ચાલી રહેલી ‘ઇવેન્ટ્સ’ સફળ હોય છે, છતાં ય એક આખી પેઢી માટે તેના હિસ્સા હોવું એ કોઇ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને હેશટેગ જેટલું જ મહત્ત્વનું હોય છે. મોટા પાયે થતા કાર્યક્રમોમાં જવાથી કંઇ ફેર નથી પડતો, એમ નથી પણ નાના પાયે થતી અઢળક પ્રવૃત્તિઓ અથવા કોઇ પણ પ્રકારની તગડી પબ્લિસિટી વગર પ્રગટ થતાં પુસ્તકો એવા ખૂણાઓ છે જ્યાં ઓનલાઇન જિંદગી જેવું ઇન્સ્ટન્ટ સુખ નથી હોતું, પણ ધીરે ધીરે કલા-વારસા અને સંસ્કૃતિની સમજણનાં બીજ રોપાતાં હોય છે. જેમ કે મુંબઇમાં થોડાંક અઠવાડિયા પહેલાં ‘આઇડિયાઝ અનલિમિટેડ’ના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો, – ‘ફરી ફરી કવિતા’. દેખીતી રીતે કવિઓની અંગત બેઠક જેવો માહોલ ધરાવનારા આ કાર્યક્રમમાં આઠ કવિઓએ પોતાની રચનાઓ, એક યજમાનને ઘરે નાનકડા ઑડિયન્સ સામે રજૂ કરી. સોશ્યલ નેટવર્ક પર રૂપી કૌરની કવિતાઓ વાંચીને ગળગળી થઇ જનારી પેઢીને આપણા સાહિત્યિક વારસાની આ બાજુ પણ ખબર હોવી જોઇએ.
સ્વાભાવિક છે દરેક વાલી માટે પોતાના ઘરમાં આ માહોલ ખડો કરવો શક્ય નથી, પણ તેનો અર્થ એવો જરા ય નથી કે જેને ‘ક્લાસિક’ કહી શકાય તેવા આપણી ભાષાના કવિઓનાં પુસ્તકો કે કાવ્ય પઠનનો લ્હાવો આપવાનો પ્રયત્ન પણ ન કરી શકાય. બીજી તરફ વડોદરામાં શરૂ થયેલા એક સાહિત્યિક અભિયાન ‘સંવિતિ’માં મહિલાઓ અને સાહિત્ય વિષય પર અવારનવાર કાર્યક્રમો રજૂ કરાય છે, વાર્તા પઠન અને વિવેચનનાં નાનકડાં સંવાદ યોજાય છે. આ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ જ શ્રોતા તરીકે ઑડિયન્સમાં આવે છે, જેમ કે મહિલા પોલિસકર્મીઓ. વળી વડોદરાના જ કેટલાક અગ્રણીઓએ શરૂ કરેલા ‘ઇનસિન્ક’ ગ્રૂપ દ્વારા સંગીત-નૃત્ય-ગાયન અને કાવ્ય સંબંધિત કાર્યક્રમો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત પણે યોજાતા રહે છે. સૂરતમાં જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર યોજાશે. નવી પેઢીને કદાચ અમુક પ્રકારનાં સાહિત્યનો બોજો લાગી શકે છે પણ તેનો અર્થ એમ નથી કે તેમને એ દિશામાં જોવા, વાળવાનો પ્રયાસ પણ ન થાય. કેરળમાં જાન્યુઆરી દરમિયાન કોચી બિએનેલ આર્ટ ફેસ્ટિવલ થશે તો ફેબ્રુઆરીના અંતમાં દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ફેર યોજાશે. બૌદ્ધિક વિચારધારાનો પ્રસાદ મળે કે થાળ મળે તેની અસર વૈચારિક વિકાસ પર હકારાત્મક રીતે જ પડે છે એ નક્કી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં હેશટેગ વાળી સેલ્ફી પડી શકે તો કવિતાની બેઠક કે સાહિત્યનાં સંમેલનોમાં પણ આ થઇ શકે છે. મુદ્દો એ છે કે મોટા માર્કેટિંગ સિવાય જ્યાં કોઇપણ ઘોંઘાટ વિના કલા તથા સાહિત્યનું બીજ રોપાતું હોય એવા કાર્યક્રમો વૈચારિક ઇંટને પકવવાની ભઠ્ઠીનું કામ કરે છે.
એક તરફ કાર્યક્રમોનો માહોલ છે તો બીજી તરફ પુસ્તકોની દુનિયા છે. તાજેતરમાં જ નમિતા દેવીદયાલનું પુસ્તક ‘ધી સિક્સ્થ સ્ટ્રીંગ ઑફ વિલાયત ખાન’ પ્રકાશિત થયું છે. સરળ, સાહજિક અને પ્રવાહી ભાષામાં લખાયેલા આ પુસ્તક પરથી એક આખી પેઢી જે વિલાયત ખાનનાં નામથી અપરિચિત છે, તેને સમજાશે કે વિલાયત ખાન કોઇ ‘રૉક સ્ટાર’થી કમ નહોતા. એડ શીરીનનાં ‘શેઇપ ઑફ યુ’ પર ઝુમતા યંગસ્ટર્સ માટે એ જાણવું જરૂરી છે કે જે પોતાના સિતાર પાસે જાણે ગવડાવતા એવા એક ખેરખાંએ કઇ રીતે ૫૦થી માંડીને ૭૦સુધી, એમ બે દાયકા સુધી મુખ્ય પ્રવાહમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનાં અસ્તિત્વને સતત અગ્રેસર રાખ્યું હતું. તેમનો અભિગમ વ્યક્તિગત અને જાહેર જીવનમાં કોઇ સુપર સ્ટારને ટક્કર આપે એવો હતો. તેઓ પાઇપ પીવાના શોખીન હતા, બૉલરૂમ ડાન્સ કરવું તેમને ગમતું અને મોંઘોદાટ વિદેશી શરાબ, ઇરાની જાજમો તથા પુરાણા મોંઘાદાટ અત્તરો ભેગા કરનારા વિલાયત ખાન સ્નુકર અને તાશબાજીનાં એક્સપર્ટ હતા. આપણા સાંસ્કૃતિક વારસામાં આવી કેટકેટલી ય જિંદગીઓ છે જેમાં રહેલો રોમાંચ, સાહસ અને પરાક્રમો કોઇ અન્ય સંસ્કૃતિના ‘સ્ટાર’ને ક્યાં ય પાછળ છોડી દે. પણ વિલાયત ખાને ભેટમાં મળેલી મર્સિડિઝ બેન્ઝ કાબૂલથી બોમ્બે સુધી જાતે ડ્રાઇવ કરી હતી. અને પછી એના આગમનનાં માનમાં પાર્ટી રાખી હતી, એવું જાણવા માટે આ પ્રકારનાં પુસ્તકો વંચાવા જોઇએ. આ તો એક વ્યક્તિ પર લખાયેલ પુસ્તકની વાત છે પણ આવું તો અન્ય કલાકારો વિષે, સંગીત વિશ્વ વિષે અન્ય લેખકો તથા આ જ લેખકે પણ પહેલાં લખ્યું છે. પણ સમસ્યા એ છે કે પૉપ્યુલિઝમની જાળમાં ફસાયેલી પેઢીની હાલત ખોબા ભર પાણીમાં તરફડતી પણ છતાં ય પોતે જીવે છેનું ગુમાન કરતી માછલી જેવી છે. અન્યનું વખાણીને પોતાને અલગ કહેવડાવતી પેઢી પોતાનું પામવાની કોશીશ કરે એ જરૂરી છે.
નવી પેઢીને ઉછેરનારા વાલીઓ પોતે આ દિશાઓમાં નજર કરે, રાજકારણ કે ક્રિકેટ કે પછી સેલિબ્રિટીનાં લગ્નોની વૉટ્સ-એપ પર ચર્ચા પડતી મૂકીને આસ-પાસ થનારી આવી નાની કલ્ચરલ ઇવેન્ટ્સમાં પોતાના સંતાનોને લઇ જશે, મોંઘા દાટ ફોનને બદલે ફોન કરતાં કિંમતમાં ઓછું પણ મૂલ્યમાં ઊંચું એવું આપણા ભવ્ય ઇતિહાસની વાત કરતું પુસ્તક તેમના હાથમાં મૂકશે. તો દસકા પછી વીસીમાં જનારી પેઢી બહેતર સમજવાળી ઘડાશે. સરમુખત્યારશાહી, વાડાબંધી, હુંસાતુસી કેટલી અયોગ્ય છે એ સંવેદનશીલતા સાથે સમજી શકાય, તેનો સચોટ રીતે વૈચારિક વિરોધ કરાવતો તખ્તો ખડો કરી શકાય એ માટે સંસ્કૃતિના વારસ ઉછેરવાં રહ્યાં. બુદ્ધિજીવીઓ પ્રત્યેનું સુગાળવાપણું પૂર્વગ્રહ, અસલામતી અને સંકુચિત માનસિકતાની નિશાની છે એ અત્યારની પેઢી સમજશે તો જ આગલી પેઢીને સમજણની મોકળાશનાં સ્તરે લઇ જઇ શકવા સક્ષમ બનશે.
બાય ધી વેઃ
દરેક શહેરમાં છૂટા છવાયા ખૂણાઓમાં કોઇને કોઇ રીતે કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારા જીવતી હોય છે. આવા ખૂણાઓ પારખી તેના સુધી પહોંચીને જેટલું ગ્રહણ કરી શકાય એ મેળવવું. આધુનિક કવિતા હોય કે શાસ્ત્રીય કલા હોય દરેકનું કામ ઉત્સુકતા ઉજાગર કરવાનું હોય છે. દરેક ભાષાનો એક આગવો લય હોય છે અને દરેક અલગ રીતે પોતાની વાત માંડે છે અને માટે જ બંધિયારપણાની ગુંગળામણ ત્યજવી જ રહી. દરેક સંસ્કૃતિનું કામ છે કે તે આગામી પેઢી સુધી પહોંચે પણ નવી પેઢીને માહોલ આપવાની કામગીરી સમાજની છે. જ્યાં પત્રકારોની હત્યા થાય, વાસ્તવવાદીઓને ગોળીએ દઇ દેવાય, સાહિત્યમાં ઇશ્વરની પ્રચલિત છાપ સાથે છૂટછાટ લે એવા લેખકને ખાત્મો બોલાવી દેવાની ધમકી અપાય તેવા રાષ્ટ્રમાં કલા અને સંસ્કૃતિનાં મૂલ્યો આત્મસાત કરવામાં જેટલી ઝડપ કરી શકાય એટલું બહેતર છે.
05 ડિસેમ્બર 2018
e.mail : chirantana@gmail.com
(‘ગુજરાતમિત્ર’)