કુદરતી આફતની વાત આવે ત્યારે ભારતનો પ્રતિભાવ આફત નિવારવાને બદલે કટોકટી ટાણે વ્યવસ્થા ખડી કરવાનો જ રહ્યો છે. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું આપણી સરકારોને માફક આવે છે.

ચિરંતના ભટ્ટ
દર વર્ષે આપણને ચોમાસાનાં બેવડા સ્વભાવનો અનુભવ થાય છે. એક સ્વભાવ છે જીવન આપનાર અને બીજો છે જીવન ખોરવી નાખનાર, નષ્ટ કરનાર. આ ઓગસ્ટમાં, પંજાબે આ વિરોધાભાસનો ભાર વેઠ્યો. વરસાદ અને ડેમમાંથી છોડાયેલાં પાણીએ 1,400 ગામોને બેટમાં ફેરવી દીધા, 3.5 લાખ લોકોને વિસ્થાપિત કર્યા, અને લગભગ 1.8 લાખ હેક્ટર પાક પાણીમાં ડૂબાડી દીધો. અત્યાર સુધીમાં, 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે તમામ 23 જિલ્લાઓને “આપત્તિ-ગ્રસ્ત” જાહેર કર્યા છે, જે વિનાશની ભયંકરતાનો આકરો સ્વીકાર છે.
મુખ્ય મંત્રી ભગવંત માને આ પૂરને 1988ના પૂર કરતાં પણ વધુ ભયાનક ગણાવ્યું છે, અને વધુ વળતર તથા બાકી રહેલા કેન્દ્રીય ભંડોળને મંજૂર કરવાની માંગ કરી છે. પરંતુ, કામચલાઉ આશ્રયસ્થાનોમાં ફસાયેલા લોકો અથવા પોતાના પાકને સડતો જોનારાઓ માટે, આ માત્ર કુદરતનો પ્રકોપ નથી. કારણ કે તેમણે આ બધામાંથી એકથી વધુ વાર પસાર થવું પડ્યું છે. આ એક સતત પુનરાવર્તિત થતી બેદરકારી, નબળાં આયોજન, અને આવી આફત માટે પહેલેથી તૈયાર થવાને બદલે દુર્ઘટના પછી માત્ર પ્રતિક્રિયા આપતી સરકારની ગાથા છે.
સતલજ, રાવી, અને બિયાસ નદીઓમાં આવેલાં પૂર, સાથે ભાખરા, પોંગ, અને રણજિત સાગર ડેમમાંથી અચાનક છોડાયેલાં પાણીએ રાજ્યની નબળી પૂર સંરક્ષણ વ્યવસ્થાને તારાજીથી છલકાવી દીધી. રસ્તાઓ તૂટી પડ્યા, ટેલિકોમ નેટવર્ક નિષ્ફળ ગયું, અને ગ્રામીણ વિસ્તારો જળ બંબાકાર થઇ ગયા અને જાણે જેલમાં જ ફેરવાઈ ગયા. રાહત કાર્ય બહુ ધીમું રહ્યું છે. ખેડૂતો મોડા મળનારા વળતર, અપૂરતી ડૉક્ટરી સંભાળ, અને પીવાનાં પાણીના અનિયમિત પુરવઠાની ફરિયાદ કરી રહ્યા છે. ભગવંત માને દિલ્હી સરકારને-કેન્દ્ર સરકારને પાકના નુકસાન માટે પ્રતિ એકર ₹ 50,000ના વળતરની વિનંતી કરી છે—જે અત્યારે મળનારા વળતર કરતાં કરતાં સાત ગણું છે—અને મૃત્યુ વળતરમાં બમણો વધારો કરવાની માંગ પંજાબના મુખ્ય મંત્રીએ કરી છે. છતાં, દરેક આપત્તિ પછી સહાય માટે વિનંતી કરવાની આ પ્રક્રિયા આપત્તિને મામલે મેનેજમેન્ટ કરવાને મામલે આપણા દેશનું તંત્ર કેટલું રેઢિયાળ છે તે સાબિત કરે છે.
પંજાબની દુર્દશા એક અલગ કટોકટી નથી, પરંતુ એક એવી રાષ્ટ્રીય પેટર્ન છે જે ચિંતાજનક છે. આ ચોમાસાએ દર્શાવ્યું છે કે કેવી રીતે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં અનેક રાજ્યો, આ પ્રકારની મોસમી આફતો સામે ટકી જવા માટે, આકરી પરિસ્થિતિઓ માટે જરા ય તૈયાર નથી, સજ્જ નથી. મહારાષ્ટ્રની વાત કરીએ તો કોંકણ અને વિદર્ભનાં ગામો પાણીમાં ડૂબી ગયાં છે. એક અઠવાડિયામાં આઠ લોકોના જીવ ગયા, સેંકડો લોકોનું સ્થળાંત કરાયું, અને લાખો હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું. દેવાથી પીડાતા નાના ખેડૂતો માટે, વરસાદ વિનાશમાં ફેરવાઈ ગયો છે. આસામ અને પૂર્વોત્તર પ્રદેશો માટે પણ આ વાર્ષિક પડકાર છે. ત્યાંની તો જાણે કોઇને પરવા જ નથી. દર વર્ષે, બ્રહ્મપુત્રાના છલકાયેલા કિનારાઓને કારણે લાખો લોકો વિસ્થાપિત થાય છે. છતાં અહીંના પૂરમાં ટકી જવા માટેની નીતિની નિષ્ફળતાને બદલે આ મોસમમાં તો આવું થાય એ બાબતને સામાન્ય બનાવી દેવાઇ છે.
હિમાલયન બેલ્ટની વાત કરીએ તો—હિમાચલથી ઉત્તરાખંડ સુધી—અહીં પણ ભેખડો ધસી પડવાના બનાવો, તૂટી પડતા પુલો, અને ખતરાના નિશાન ઓળંગતી નદીઓનાં દૃશ્યો સર્જાઇ રહ્યાં છે. દિલ્હીની યમુના નદીની સપાટી પણ આ અઠવાડિયે જોખમી રીતે ઉપર આવી અને તેણે નીચાણવાળી વસાહતો અને હાઈવેને ડૂબાડી દીધા. ગુજરાતને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આઈ.એમ.ડી.એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. ગયા વર્ષના વિનાશને યાદ કરીએ જેમાં ડઝનેક લોકોના જીવ ગયા અને રાજકોટ અને વડોદરા જેવાં શહેરો પાણીમાં ડૂબી ગયાં, તાજી છે. સુરતમાં, વર્કશોપ અને ઘરો રાતોરાત ડૂબી જવાનો ડર લોકોના મનમાંથી ક્યારે ય જતો નથી.
ભારતમાં કહેર મચાવતી ચોમાસાની આપત્તિઓ પાકિસ્તાનના 2022ના વિનાશક પૂરથી લઈને જર્મનીના 2021ના વિનાશકારી પૂર સુધી, અને લ્યુઇસિયાનાના વાવાઝોડાની મોસમો—આ તમામ એ બાબતનો પુરાવો છે કે આખા વિશ્વમાં વાતાવરણ પર તણાવ વધી ગયો છે. ક્લાઇમેટ ચેન્જને હળવાશથી લેવાની ભૂલ ક્યાં સુધી કરાશે એ તો ભગવાન જાણે પણ જો આમ જ ચાલ્યું તો ધરા રસાતાળ થતાં વાર નહીં લાગે. બીજા બધા રાષ્ટ્રોમાં સજ્જતા સંપૂર્ણ હોય છે એવું નથી પણ ભારત કરતાં તો સારી જ હોય છે. કુદરતી આફતની વાત આવે ત્યારે ભારતનો પ્રતિભાવ આફત નિવારવાને બદલે કટોકટી ટાણે વ્યવસ્થા ખડી કરવાનો જ રહ્યો છે. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું આપણી સરકારોને માફક આવે છે.
દર વર્ષે આ નિષ્ફળતા શા માટે? દર વર્ષે જે સમસ્યા આવે જ છે તેને માટે આપણી માનસિકતા પ્રતિક્રિયાત્મક છે. પૂર નિયમિતપણે આવે છે, છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર—ડ્રેનેજ સિસ્ટમ્સ, કિનારા, બંધ બધું જ—અપેક્ષા મુજબ ભાગ્યે જ જાળવવામાં આવે છે. બધી સરકારો માત્ર પાણી વધ્યાં પછી જ ગભરાઈને સાબદી થાય છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) જેવા આપત્તિ ભંડોળ જૂના માપદંડો સાથે કામ કર્યા કરે છે, એટલે જે વળતર મળે છે નજીવું અને નામનું જ લાગે છે. પંજાબનો ખેડૂત કે આસામની ગ્રામીણ વ્યક્તિ એક ચેકથી પોતાનું જીવન ખડું નથી શકતાં કારણ કે આ ચેક તેમને થયેલા નુકસાનનો માત્ર એક અંશ કદાચ સાચવી લેતો હશે પણ બાકીની ખોટ પુરવાને મામલે આ ટેકો બોદો સાબિત થાય છે.
દરેક આફત ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે એકના એક વિવાદો ખડા કરે છે. પંજાબની રાજ્ય સરકાર દિલ્હીની કેન્દ્ર સરકારને ભંડોળ અટકાવવા માટે દોષ આપે છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગેરવહીવટ માટે દોષ આપે છે. જવાબદારી પૂરના પાણી સાથે ધોવાઈ જાય છે. મુંબઈથી અમદાવાદ સુધીના શહેરો દર વર્ષે ડૂબી જાય છે કારણ કે ડ્રેનેજ સિસ્ટમ્સ જૂની થઈ ગઈ છે અથવા ખદબદે એ રીતે ભરાયેલી છે. શહેરી પૂર હવે અપવાદ નથી; તે ચોમાસાના કેલેન્ડરનો એક હિસ્સો છે. પૂર પરંપરાગત અર્થમાં “કુદરતી આપત્તિઓ” બનવાનું બંધ થઈ ગયું છે. પૂર એ માનવ-નિર્મિત કટોકટીઓ છે, જે વહીવટી નિષ્ક્રિયતા અને રાજનૈતિક સ્તરે ટૂંકા-ગાળાની વિચારસરણીથી જન્મેલી છે.
પંજાબમાં જેવો પડકાર છે તેવો તો ગુજરાતના હિસ્સાઓએ પણ ભોગવ્યો છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રના ખેડૂતોને વરસાદની અનિયમિત પેટર્નથી કપાસ અને મગફળીના પાક ગુમાવવાનો સતત ફફડાટ હોય છે. સુરતમાં, હીરાના કારીગરો જાણે છે કે એક રાતનું પૂર તેમની વર્કશોપને નષ્ટ કરી શકે છે. અમદાવાદમાં, જ્યારે પણ ડ્રેનેજ ઉભરાય ત્યારે રહેવાસીઓ કમ્મર સુધીનાં પાણીમાંથી ચાલ્યા હોય, વિસ્તારોમાં વૉટર લૉગિંગ થયું હોય તે આપણે જોયું જ છે. વડોદરાના મગરો પણ પાણીની સપાટીઓની મદદ લઇ શહેરમાં લટાર મારી લેતા હોય છે.
પંજાબનું નુકસાન માત્ર પંજાબનું નથી. તે આખા ભારતીય ઉપખંડમાં ફેલાયેલા શાસન માળખાની નબળાઈ છતી કરનારું છે. જ્યારે એક રાજ્ય ડૂબે છે, ત્યારે સમગ્ર શાસન પ્રત્યેની વિશ્વસનીયતા તેની સાથે ડૂબી જાય છે. જે અર્થતંત્રમાં 600 મિલિયન લોકો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે આવતા ચોમાસાના વરસાદ પર નિર્ભર છે, તે માટે આ વાર્ષિક અરાજકતા માત્ર માનવતાવાદી કરુણા નથી—તે આર્થિક આત્મહત્યા છે.
ભારત દરેક પૂરને એક અલગ ઘટના તરીકે માની શકે તેમ નથી. આપણા દેશને હવે એક વ્યાપક રાષ્ટ્રીય પૂર સ્થિતિસ્થાપકતા યોજના(National Flood Resilience Plan)ની જરૂર છે, જેનો આધાર હોય નેધરલેન્ડ્સની સફળ પૂર વ્યવસ્થાપન પ્રણાલી અને યુ.કે.ની પર્યાવરણ એજન્સીના મોડલની સમજ. આ યોજનામાં પ્રારંભિક ચેતવણીનું તંત્ર, સચોટ, હાઇપર-લોકલ આગાહી અને સંદેશાવ્યવહાર નેટવર્ક્સ જે માત્ર શહેરી કેન્દ્રો સુધી નહીં, પરંતુ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચતા હોવા જોઇએ. નદી કે દરિયા કાંઠાની જાળવણી, ડ્રેનેજ સિસ્ટમ્સ, અને ડેમની નિયમિત સાચવણી અનિવાર્ય છે—માત્ર ભંગાણ પછી કામચલાઉ સમારકામથી આપણે લાંબો વખત કંઇ ચલાવી નહીં શકીએ.
આપણને જરૂર છે આખા વર્ષના રોકાણની, ચોમાસા વખતે ડરને માર્યે થયેલો ખર્ચો આનો ઉપાય ન હોઇ શકે. ખેડૂતોના પાક માટે વીમા, પૂર-પ્રતિરોધક ઘરોની બાંધણી, પુનર્વસન કાર્યક્રમો પણ વાતાવરણની અસ્થિરતાને ગણતરીમાં લે તે રીતે બનવા જોઇએ. આવા માળખાગત સુધારાઓ વિના, રાહત પેકેજો અને રાજકારણીઓ દ્વારા કરાતો હવાઈ સર્વે દેખાતો રહેશે તો એ તો માત્ર દેખાડો હશે જેનાથી કોઇ બદલાવ નહીં જ આવે.
બાય ધી વેઃ
દરેક ચોમાસામાં, સામાન્ય નાગરિકો—ખેડૂતો, કારીગરો, દાડિયા મજૂરો—સંસ્થાકીય નિષ્ફળતાની કિંમત ચૂકવે છે. દુર્ઘટના એ નથી કે ભારે વરસાદ આવે છે. દુર્ઘટના એ છે કે સરકારો, દાયકાઓથી ચેતવણીઓ છતાં, નાગરિકોને નેવે મૂકે છે. પંજાબની હાલત યાદ અપાવે છે કે ભારત ઉધાર લીધેલા સમય પર જીવી રહ્યો છે, અને ક્લાઇમેટ ચેન્જ અને શાસન નિષ્ફળતાના બોધને અવગણી રહ્યું છે. આપણે એ સવાલ કરવાની જરૂર છે કે આ જે થઇ રહ્યું છે તે “કુદરતી આપત્તિઓ” છે કે રાજકીય? જે બેદરકારી, વિલંબિત કાર્યવાહી, અને શબ્દરમતને કારણે વારંવાર લોકોને માથે ઝિંકાય છે. જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ પ્રામાણિકતા અને સંસ્થાકીય સ્તરે હિંમતથી નહીં અપાય ત્યાં સુધી દરેક ચોમાસુ જીવ આપનારા મોસમ બનીને નહીં રહે પણ છાજિયાં લેવડાવનારો મોસમ પણ બની રહેશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2025