બાળપણમાં ઉનાળામાં ધાબે સૂતાંસૂતાં
તારાઓ નિહાળતાં, ધીંગામસ્તી કરતાં
ઊંઘવાનું નામ નહીં લેતાં, ત્યારે દાદીમા
ખોંખારો ખાઈને વાર્તાનો દોર શરૂ કરતાં.
અવારનવાર કહી સંભળાવેલી વાર્તાઓ
મનમાં સંગ્રહાયેલી પડી છે આજ દિન સુધી.
એક વાદળછાયી રાત્રે એમણે કહેલી વાર્તા
આજે સવારે સટાક કરતી મનમાં ઝબૂકી —
એક જંગલ હતું. એક સિંહ જંગલનો રાજા હતો.
સિંહ એવો જોરાવર હતો કે એનું નામ પડે
ને ભલભલા શેરખાનના હાંજા ગગડી જાય.
સમય જતા સિંહ ઘરડો થયો ને અશક્ત બન્યો.
દાંત-નહોર કામના ન રહ્યા. હવે કરવું શું?
પેટનો કૂવો ભર્યા વગર થોડું ચાલવાનું?
એક પછી એક તરકીબ વિચારવા લાગ્યો.
માંદગીનો ડોળ કરી ગુફામાં પડ્યો રહ્યો.
પ્રજામાં વાત વહેતી થઈ, ‘રાજા માંદો પડ્યો છે.’
એકએક કરીને પ્રાણીઓ ખબર કાઢવા જતાં.
જેવા અંદર જાય કે સિંહનો કોળિયો બની જાય.
સસલું હણાય, ત્યારે હરણ ના બોલે
ને હરણ મરાય, ત્યારે જંગલી ભેંસ મૌન રહે.
એક એક કરતાં પ્રાણીઓનો ભોગ લેવાતો ગયો
એમ ને એમ સિલસિલો ચાલુ રહ્યો . . .
ને વગર કોઈ વાંકગુનાએ
જંગલવાસીઓ ખૂટી ગયાં.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 ઍપ્રિલ 2020