ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ને રૂપાણી સરકારના મંત્રીઓ દાવેદારી ન નોંધાવે એટલે મુખ્ય મંત્રી રૂપાણી સહિત સિનિયર્સ, તેમના જ લેટરપેડ પર ‘હું ચૂંટણી નથી લડવાનો’ જેવું લખી-લખાવીને કે લખાવડાવીને વીરતા ભરી પીછેહઠ કરી રહ્યા છે. આવું હોય ત્યારે પેન્શનની વાત કરવાનું કોઈને ઉચિત ન લાગે એમ બને, પણ ચૂંટણી અને ચૂંટણી માટેની ભૂમિકાનો ખેલ હવે બારમાસી વેપાર છે ત્યારે મહત્ત્વના મુદ્દે વાત ન કરવાનું પણ ઠીક નથી, એટલે પેન્શન વિષે વાત કરવાનું સ્વીકાર્યું છે. કમાલ એ વાતે છે કે આ રાજ્યમાં જ એટલા રાજકીય વફાદારો ઊભા થયા છે કે વફાદારીમાં કૂતરાનો નંબર હવે બીજો આવે છે.
એવી ઘટના યાદ આવે છે જેમાં એક પેન્શનરનાં મૃત્યુ પછી તેના સંબંધીઓએ અંગૂઠો કાપીને અને પછી એ અંગૂઠો મારી મારીને થોડો વખત પેન્શન લીધે રાખેલું. પેન્શનરને મર્યાં પછી પણ શાંતિ ન હતી. એ પછી બીજી એક ઘટના ઉત્તર પ્રદેશના બાંદાની 2 નવેમ્બર, 2022ને રોજ સામે આવી છે, જેમાં 72 વર્ષની એક મહિલાએ SDM રજત વર્મા પાસે જઈને કહ્યું કે ગામના સચિવે તેને મૃત જાહેર કરીને તેનું પેન્શન બંધ કરી દીધું છે. એક ઘટનામાં મૃતને જીવિત રાખીને પેન્શન લેવાની વાત છે તો બીજીમાં જીવિતને મૃત ગણીને તેનું પેન્શન રોકવાની વાત છે. કોઈ એક વ્યક્તિ કોઈ એક સરકારી કે ખાનગી સંસ્થાને પગારના બદલામાં આખી યુવાની ને પ્રૌઢાવસ્થાનાં મહત્ત્વનાં વર્ષો સોંપી દે છે ને એ સેવાના બદલે તેની વૃદ્ધાવસ્થા ઓશિયાળી ન વીતે એટલે તેને પેન્શન પાત્ર ગણવામાં આવે છે. આમ તો પેન્શન નિયમો પ્રમાણે બંધાતું હોય છે, પણ પરિસ્થિતિમાં સમય જતાં ફેરફારો આવ્યા છે. જેમ કે સરકારે ને સંસ્થાઓએ, નવા જોડાનાર કર્મચારીઓને મળનારા નિવૃત્તિનાં લાભોમાંથી પેન્શનની બાદબાકી કરી નાખી છે, એટલે નિવૃત્તિ પછી પેન્શન વગર અન્ય લાભોમાંથી જ જે તે વ્યક્તિએ ચલાવવાનું રહે છે. વારુ, જે વ્યક્તિને પેન્શન આપવામાં આવે છે એ રકમ વધતી જતી મોંઘવારીની સામે અને વધતી વયની માંદગીના ખર્ચની સામે એટલી ઓછી છે કે કોઈના ઓશિયાળા બનવા સિવાય તેને ચાલે જ નહીં. જેમ પગારનું અપડેશન થાય છે, એમ જ પેન્શનનું પણ થવું જોઈએ, પણ એવું થતું નથી. બેન્ક પેન્શનર્સની પેન્શન અપડેશનની વાતો ઘણાં વર્ષથી સરકાર ટલ્લે ચડાવીને બેઠી છે ને મગનું નામ મરી પાડતી નથી તે દુ:ખદ છે ને એથી વધારે દુ:ખદ એ છે કે આપણી સરકારો હિંસક આંદોલન વગર કોઈ માંગણી કાને ધરતી જ નથી.
ગઈ 4 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન યોજનાની 2014ની સ્કિમને સમર્થન આપ્યું છે એ કેટલીક બાબતે ઠીક થયું છે, જેમ કે, સુપ્રીમે પેન્શન ફંડમાં જોડાવા માટેની 15,000 રૂપિયાની માસિક પગારની મર્યાદા રદ્દ કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમે, જે લોકોએ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમને એની પસંદગી માટે 6 મહિનાનો સમય આપ્યો છે. એટલે 15,000થી વધુ પગાર હોય તો તે મુજબ પેન્શનની રકમમાં વધારો થશે. કંપનીની અને કર્મચારીની મંજૂરીથી હવે 15,000થી વધુના પગાર પર પેન્શન નક્કી થતાં, વધતાં પેન્શનનો લાભ કર્મચારીઓને મળશે. આ ચુકાદાની મર્યાદા એ છે કે તે 1/09/2014 પહેલાંના નિવૃત્ત કર્મચારીઓ અંગે ફોડ પાડીને વાત કરતો નથી.
ઘણી વાર પેન્શન યોજના અંગે એકવાક્યતા જોવા મળતી નથી. એનું એક ઉદાહરણ સરકારે જ પૂરું પાડ્યું છે. ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડનું સંચાલન એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ કરે છે. આ ઓર્ગેનાઇઝેશનના સબસ્ક્રાઇબર્સના પેન્શનમાં વધારો કરવાની સંસદીય સમિતિએ દરખાસ્ત મૂકી જેને મોદી સરકારે ફગાવી દેતાં સંઘર્ષ થાય તેવા સંજોગો ઊભા થયા છે. લાંબા સમયની માંગને ધ્યાને લઈને બી.જે.ડી.ના સાંસદ ભર્તૃહરિ મહતાબના પ્રમુખપદ હેઠળની શ્રમ અને રોજગાર અંગેની સંસદીય સ્થાયી સમિતિએ શ્રમ મંત્રાલયને પેન્શન વધારવા અંગેની ભલામણ કરી હતી. મોદી સરકારના શ્રમ મંત્રાલયે એ ભલામણ માન્ય રાખીને નાણાં મંત્રાલયને પેન્શન વધારવા ભલામણ કરી હતી, પણ નાણાં મંત્રાલયે શ્રમ મંત્રાલયની એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી. આમ થતાં સંસદીય સમિતિએ નાણાં મંત્રાલયના અધિકારીઓ પાસે ખુલાસો માંગતાં નાણાંમંત્રાલય ધંધે લાગી ગયું છે. ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારીને મહિને માત્ર હજાર રૂપિયા પેન્શન મળે છે. એમાં સંસદીય સમિતિએ ઓછામાં ઓછાં 2,000નો વધારો કરવાની ભલામણ કરી હતી જે આર્થિક નિષ્ણાતોના મતે યોગ્ય હતી, કારણ આજના સમયમાં હજારનું પેન્શન તો મશ્કરી કે અપમાન કરવા બરાબર જ છે. કમનસીબે આ યોગ્ય ભલામણ નાણાં મંત્રાલયને અયોગ્ય લાગી ને તેને નકારી દેવામાં આવી. એ કેમ નકારવામાં આવી તેનો કોઈ ખુલાસો અત્યાર સુધી તો આવ્યો નથી, પણ આ બાબત કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે, શ્રમ મંત્રાલયની એટલી પાત્રતા નથી કે તે કોઈ વાજબી ભલામણ કરી શકે? ખાનગી કંપનીનાં નિવૃત્ત કર્મચારીને મળતું 1,000નું પેન્શન નાણાં મંત્રાલયને પૂરતું કઇ રીતે લાગ્યું? બે હજારનો વધારો એવો અજુગતો હતો કે તેને નકારવો જ પડે? હજારના પેન્શનમાં કોઈ નિવૃત્ત કર્મચારી જીવન નિર્વાહ સહેલાઈથી કરી શકે એટલી સોંઘવારી આ દેશમાં છે, ખરી? જો ના, તો નાણાં મંત્રાલયે આ ભલામણ નકારીને નિવૃત્તોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે કે બીજું કૈં?
એટલું સ્પષ્ટ જણાય છે કે બે મંત્રાલયો વચ્ચે કો-ઓર્ડિનેશન જેવું ઓછું છે. નાણાં મંત્રીની આ દેશના મધ્યમવર્ગીય લોકો અંગેની સમજ પણ સ્પષ્ટ નથી. 6 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિ એમને લોઅર મિડલ ક્લાસની લાગે છે ને બીજી તરફ પેન્શનમાં 2 હજારનો વધારો એમના મંત્રાલયને ફગાવવા જેવો લાગે છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. એક તરફ મંત્રીઓને અપાતો પગાર અને એમને મળનારું પેન્શન છે ને તેનાં ગંજાવર આંકડાઓ છે, બીજી બાજુએ અસહ્ય મોંઘવારીની સામે હજાર રૂપરડી પેન્શન સાથે મરવા વાંકે જીવી રહેલો નિવૃત્ત કર્મચારી છે. એક તરફ પેન્શન બધેથી કાઢતાં જઈને સરકાર જવાદારીઓમાંથી છટકી રહી છે ને બીજી તરફ મોંઘવારીની સામે વધી રહેલી આત્મહત્યાઓનાં વધતાં આવતા મોટા આંકડાઓ છે. આનાથી કોઈ સુખદ કે આનંદદાયક ચિત્ર નથી જ ઉપસતું. એક તરફ ગુલાબી ચિત્રો ઉપસાવાઈ રહ્યાં હોય ને બીજી તરફ ગરીબી અને મોંઘવારીને લીધે ગુનાખોરી વધતી આવતી હોય ત્યારે પ્રશ્ન થાય કે આઝાદીનો અમૃત મહોત્સવ, મૃત મહોત્સવની ગરજ તો નથી સારતોને?
બધેથી નીકળી રહેલું પેન્શન કોર્પોરેશન, વિધાનસભા અને સંસદમાંથી નથી નીકળ્યું. કેમ? એના સભ્યો વધારે ગરીબ છે, એટલે? પેન્શન નોકરી ન કરનારને પણ મળે એનો દાખલો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો બેસાડતી ગઈ છે. સરકાર જાણે છે કે સાંસદો અને વિધાનસભ્યો નોકરિયાતો નથી, તેઓ સેવકો છે, પણ તેમને મહિને લાખોનો પગાર ચૂકવાય છે. પગાર ઉપરાંત અનેક ભથ્થાં ને વીજળી, પાણી, મુસાફરીની મફત સુવિધાઓ અપાય છે. એમાં હવાઈ મુસાફરી પણ શરતોને આધીન ખરી જ ! આ ઉપરાંત ટર્મ પૂરી થતાં સભ્યોને ભરપેટ પેન્શન અપાય છે. હાલમાં પેન્શન મેળવતા કર્મચારીઓની પચીસ ત્રીસ વર્ષની નોકરી થઈ હોય ત્યારે પેન્શન બંધાયું હોય છે, જ્યારે કોર્પોરેટર કે વિધાનસભ્ય કે સાંસદ જો 5 વર્ષની ટર્મ પૂરી કરે તો તેનું પેન્શન પાકું થઈ જાય છે. તેની ખૂબી એ છે કે કોર્પોરેટરની ટર્મ પૂરી થાય તો તેનું, તે જો વિધાન સભ્ય થાય તો તેનું ને જો સાંસદ તરીકે ટર્મ પૂરી કરે તો તેનું, એમ ત્રણ ત્રણ પેન્શન એક જ વ્યક્તિને મળવાં પાત્ર બને છે, શરત એટલી કે ટર્મ પૂરી થઈ હોવી જોઈએ. એની વિશેષતા એ પણ ખરી કે આ રીતે પેન્શન કે પગાર મળે તેનાં પર કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. આવી રાજાશાહી ભોગવવા જ પાર્ટી સભ્યો સાંસદ કે વિધાનસભામાં બેસવા લાખોનું આંધણ કરે છે. આ રીતે આંધણ મૂકનાર બરાબર જાણે છે કે આ બધું તો ચપટી વગાડતામાં ફરી આવી મળવાનું છે. એ જ કારણ છે કે ગુજરાત વિધાનસભાની 182 સીટ માટે ચારેક હજારથી વધુ ઉમેદવારોનો મધપૂડો અત્યારે ચૂંટણીને બાઝ્યો છે.
તો, આ ચિત્ર છે. એક બાજુ ત્રીસ પાંત્રીસ વર્ષની નોકરી છતાં, નિવૃત્તિ પછી પેન્શનનો કોઈ લાભ ન મળે એની પેરવી ચાલે છે, જેમને મળે છે તેમને ય ભીખના ટુકડાની જેમ ફેંકાય છે ને બીજી તરફ એક જ વ્યક્તિ જો સરકારમાં સાંસદ થવા સુધી પહોંચે તો ટર્મ દીઠ તેને કોર્પોરેટરનું, વિધાનસભ્યનું અને સાંસદનું એમ ત્રણ ત્રણ પેન્શન કરમુક્ત રીતે મળવા પાત્ર બને છે. બંધારણમાં સમાનતાની વાત છે ને વાસ્તવિકતા એ છે કે અસમાનતા જ ઠેર ઠેર નજરે ચડે છે. એકને ગોળ ને એકને ખોળ એમને એમ તો નહીં જ કહેવાયું હોય, ખરું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 નવેમ્બર 2022