'ઓપિનિયન ઓનલાઇન'ના આ મંચે, લોકડાઉન દરમિયાન, સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની કોરોના-ડાયરી, કોરોના-લેખો અને કોરોના-કવિતા પ્રસંગોપાત મુકાતાં રહ્યાં છે. ગૌરાંગભાઈના શબ્દોમાં તેનું "સર્વાંગી સંપાદન" થઈને પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયું છે. પુસ્તકના સંપાદકને ટાંકીને કહીએ તો, "સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની આ ડાયરીઓ, લેખો અને કવિતાના વિષયોમાં વૈવિધ્ય ખાસ્સું છે. લોકડાઉનમાં વિવિધ વ્યવસાયી-મથામણ ને માઇગ્રન્ટ્સની અવદશા, ઘરમાં પૂરાઈ રહેવાનાં કારણે જન્મતી મનોવૈજ્ઞાનિક સમસ્યા ને મહામારી સંબંધિત વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્યમાં સામાજિક નિસબત ને આર્થિક અસમાનતાના કારણે શિક્ષણમાં સર્જાતી સમસ્યાઓ, લગ્નજીવનમાં સર્જાતી સમસ્યાઓથી લઈને વિધર્મી-વિ-દેશી લગ્નનાં કારણે તેમનાં સંતાનોને ઝેલવી પડતી મુસીબતો, માનસિક વિકલાંગોની મનોસ્થિતિ અને ચોક્કસ કોમ-જાતિને લઈને સંપૂર્ણ નરવા અંગોવાળાની ‘વિકલાંગદૃષ્ટિ’, … અને આ બધાંના યથાસંભવ ઉકેલરૂપે સરવાળે, સાંપ્રતકાળની સેવાના દાખલાથી લઈને બે સદી પહેલાંના પ્લેગ અને તેમાં લોકમાન્ય ટિળકની આજનાં કોઈ પણ નેતા માટે દાખલારૂપ ભૂમિકા જેવાં અનેક વરખ ખોલી આપે છે."
આ પુસ્તક સાથે પ્રકાશનમાં ય ઝંપલાવતા લેખકને અભિનંદન સાથે, પુસ્તકમાંથી તેમનું નિવેદન સાભાર ….
ભારતની રાજધાનીથી ફરમાન થયું – “ઘર પર હી રહીએ”, “દો ગજ કી દૂરી રખેં” અને રસ્તાઓ સૂના થઈ ગયા. મકાન ઘર બની ગયાં. પક્ષીઓનો કલરવ વાહનોનાં ઘોંઘાટ વિના સોળે કળાએ ખિલી ઊઠ્યો. વૃક્ષોનો છાંયો ખાલીખમ થઈ ગયો … પણ આ સૌની વચ્ચે, રોજ સવારે નવના ટકોરે ડોરબેલ રણકે. એ સિવાય ડોરબેલ પણ સૂનો થઈ ગયો હતો!
ઘરેઘરે ફરી કચરો વીણતી એ બહેનને પણ ઘરે કેમ નહીં રહેવાનું, એવો સ્વાભાવિક પ્રશ્ન થયો. એને પુછવાનું મન થતું, પણ ટી.વી.ના પડદે અને અખબારનાં પાને ‘સામાજિક અંતર’ની સલાહે, પૂછતાં પંડિત થવાય વાળી એ કહેવતનો સાર વિસારે પાડી દીધો. પણ હા, સામાજિક અંતરની સમાજશાસ્ત્રીય મથામણ શરૂ થઈ ચૂકી હતી.
ક્યાં કરું આ ‘મન કી બાત’? સમાજશાસ્ત્રના વર્ગોમાં તો ખૂબ બોલ્યો વિદ્યાર્થીઓ સંગ, પણ હવે તો એ પણ આસપાસ નથી નિવૃત્તિના સંગે. તો શું કરું? લખી નાખું બધું. હા, લખવા જ માંડું. … અને મારી આંગળીઓ મોબાઇલની સ્ક્રીન પર ફરતી થઈ ગઈ. મને મળ્યું મોકળું મેદાન મારા મનની વાત કહેવા માટે … અને પ્રારંભ થયો સમાજશાસ્ત્રીની કોરોના ડાયરીનો.
ગુજરાતી સાહિત્યમાં ઓછી જાણીતી અને મર્યાદિત ચર્ચિત ડો. સુમંત મહેતાની જેલડાયરીમાં સ્વાતંત્ર્ય આંદોલનના લડવૈયા તરીકેના અનુભવો ગ્રંથસ્થ થયા છે. નાનકડી આ જેલડાયરીમાં ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી જેલોનાં નિરીક્ષણો તો અંકિત છે જ, સાથે સાથે એ સમયના ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું વિવેચન પણ છે. આમ, જેલડાયરી સમાજની ડાયરી પણ બની રહે છે. આ જ દિશામાં આપના હાથમાં છે એ પુસ્તકમાંની ડાયરી કોરોનાકાળમાં આપણી આસપાસના સમાજમાં ડોકિયું કરવાની અને તેને સમજવાની તક પૂરી પાડે છે.
કોરોના મહામારીએ પ્રત્યેક દિવસે તેના વિસ્તરતા અને ઘાતક પ્રભાવનો પરિચય કરાવ્યો, તેને સમાંતર નાગરિક તરીકે તેનો સામનો કરવામાં આપણે કેવાં કેવાં માનવીય પાસાં ઉપસાવ્યાં એ આજની અને ભાવિ માટેની સમજ અર્થે ભાથું પૂરું પાડી રહ્યાં છે. ફેસબુક પર મુકેલી ‘સમાજશાસ્ત્રીની કોરોના-ડાયરી’ થકી એ પાસાં આ પુસ્તકમાં ઊજાગર થયાં છે.
૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો ને એ ખ્યાલ આવી ગયો કે આ તો મહામારી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ ૧૧ માર્ચે જાહેરાત કરી દીધી હતી મહામારીની. ઇતિહાસનાં પાનાં ફંફોસતાં ઓગણીસમી-વીસમી સદીની પ્લેગ મહામારીના દસ્તાવેજોમાં રસ પડ્યો. ભૂતકાળમાં ડોકિયું કરતાં વર્તમાનની ગંભીરતા સમજાવા માંડી અને થયું કે આ તો સમાજનું નવું દર્પણ છે. ‘ફૂલછાબ’માં દર બુધવારે ‘સમાજદર્પણ'ના સથવારે કોરોના વિષ્લેષણ કરવા માંડ્યું. અને એ અઠવાડિક સિલસિલો તંત્રીશ્રી કૌશિકભાઈની સાક્ષીએ કોરોનાનું સમાજશાસ્ત્ર બનતું ચાલ્યું.
કોરોનાનું પ્રતિબિંબ ઝિલતા ક્યારેક પીડા થતી, ક્યારેક ગુસ્સો, તો ક્યારેક નિઃસહાયતા … પણ આ મનમિશ્રણ કેવી રીતે અભિવ્યક્તિમાં ઢાળું? જ્યારે સમાજશાસ્ત્રીની કલમ એ માટે જરૂરી ધાર ન કાઢી શકી ત્યારે અનાયાસે જ એ કવિની કલમ બની ગઈ! કવિ કે વિવેચકમિત્રો કંઈક ઉદાર બને તો કવિતા કહી શકાય એવી રચનાઓ સર્જાવા માંડી ને ફેસબુક પર મુકાવા લાગી. સમાજના રોજેરોજ બદલાતાં રૂપે અને ફેસબુક મિત્રોના પ્રતિભાવે એ વિસ્તરતી ગઈ. “નિરીક્ષકે” તેનો વિસ્તાર અને પ્રચાર વધાર્યા.
જેમ જેમ સમય વીતતો ગયો, એ સમયે જ કોરોનાના સામાજિક વિશ્લેષણને મારો ધર્મ બનાવી દીધો અને ‘સોશિયોલોજિકલ ઇમેજિનશન’ની પાંખે આસપાસ બનતી ઘટનાઓને ઘાટ આપતો રહ્યો. … ‘ઓપિનિયન ઑનલાઇન’, ‘ખેડૂતવાણી’ અને ‘આદિલોક’ થકી પણ લેખો અને ડાયરીઓ પ્રસાર પામ્યાં. એ અરસામાં મારા ઘરમાં કામ કરતા કાળુએ કહ્યું કે તેના વતન રાજસ્થાનના મિત્રો ચાલતાં વતન જઈ રહ્યા છે. કોઈ મદદ નથી કરતું. તેઓ ત્રણ દિવસે પહોંચશે. આ બાબત મેં ફેસબુક પર લખી અને એક વિદ્યાર્થી-પત્રકારે આ વાત પોલીસ સુધી પહોંચાડી.
લોકડાઉનના બે અઠવાડિયા બાદ કાળુના મિત્રો જેવા હજારો શ્રમિકો વતનની વાટે નીકળી પડ્યા હતા … આ ઘટના પૂર્વે સરકારી થાળીઓ વાગી ચૂકી હતી. દીવા પ્રગટી ચુક્યા હતા. પછી તો, પી.પી.ઈ. કિટ્સની જરૂર હતી ત્યાં એને બદલે ફૂલો વરસી ગયાં હતાં. પણ થાળીઓનો અવાજ હવે શમી ગયો હતો. દીવા વિનાના અંધારા ને ‘કાંટાળા’ માર્ગો પર પરિવારો અથડાતાં-કૂટાતાં વતનની વાટે નીકળી પડ્યા હતા. ક્યાંક બળજબરી રોકવામાં આવ્યા તો ક્યાંક પહોંચતા અટકાવવામાં આવ્યા. સોનુ સુદ જેવા એકલવીરોએ કામ કરી સરકારને શરમાવી. શ્રમજીવીઓની ઘરભણીની યાત્રાના આ દિવસો ભવિષ્યના ભારતના ઇતિહાસમાં ઊંડી યાતનાનાં પ્રકરણો બની રહેશે. આ યાતના કે પીડાને લખતાં, પીડા સિવાય બીજો કયો અનુભવ થાય?! આશ્વાસન એટલું કે એ ડાયરી-લેખો-કવિતાઓ થકી વ્યક્ત થઈ શક્યો.
મે સુધીમાં તો ગણ્યાગાંઠ્યા દેશોને બાદ કરતાં ભારત અને લગભગ આખું વિશ્વ કોરાનાના કાળનો ભોગ બની ચુક્યા હતા. પ્લેગના સમયે તો વિદેશીઓ રાજ કરતા હતા, જેઓને એ મહામારીએ સર્જેલા ભેદભાવો મિટાવવામાં રસ ના હોય, પણ કોરોના તો સ્વતંત્ર અને લોકશાહી ભારતમાં પગ પેસારો કરી રહ્યો હતો, છતાં એક પછી એક સંપ્રદાય અને સમુદાયના માથા ઉપર ‘સુપર સ્પ્રેડર’નાં ઠીકરાં ફોડાતાં રહ્યાં. સામાજિક અંતર અને ભેદભાવથી ટેવાયેલા ભારતીય સમાજમાં આ નવા અપમાનનું નક્કર દસ્તાવેજીકરણ થતું ન હતું. ક્યાંક ક્યાંક થયું અને મેં પણ તેને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયત્ન કર્યો. કોરોનાએ સર્જેલા નવા સમાજ અને સંબંધો વિશે જુદાં જુદાં માધ્યમોથી લગભગ રોજેરોજ પ્રતિભાવ આપતો હતો.
મારા આ પ્રતિભાવો જાણી મિત્ર કેતન રુપેરાએ પ્રેમપૂર્વક અને ઉત્સાહથી કહ્યું કે “આ પુસ્તક રૂપે આવવું જ જોઈએ.” અને પછી જે સર્જન થયું છે તે આપ સૌ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું, તેના ભાગીદાર કેતન પણ છે. પુસ્તકનું સર્વાંગી સંપાદન કરી મારા સર્જન અને સર્જનપ્રક્રિયાને અર્થસભર રીતે ગુંથવામાં કેતનકલાનું અનેરું પ્રદાન છે. મારા અગાઉના પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પણ કેતનના સહયોગથી તૈયાર થયું હતું તેનો આનંદ વ્યક્ત કરું છું.
સતત ત્રણ મહિના સુધી ફેસબુક પર ‘સમાજશાસ્ત્રીની કોરોના ડાયરી’ને આવકાર અને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. હું કવિ તો નથી, મારી રચનાઓને પ્રોત્સાહિત કરનાર અનેક નામી-અનામી મિત્રો, સામયિકો, વેબસાઇટ્સ-પોર્ટલ્સનો આભાર. પત્ની હર્ષા અને પુત્ર અણમોલ પણ મારી વિચારયાત્રાના સહયાત્રી રહ્યાં છે. તેમનાં પ્રોત્સાહન વિના આ યાત્રા પુસ્તક સ્વરૂપે પૂર્ણ ન થઈ હોત.
કોરોનાકાળમાં વિશ્વભરમાં ‘કોરોના વોરિયર્સ’ પડઘાયા કરે છે, પણ હું વોરિયર્સના સ્થાને શાંતિદૂતથી સૌને નવાજવા ઇચ્છું છું. સફાઈકામદાર, નર્સ, ડોક્ટર, પોલીસ અને અનેક સ્વયંસેવી વ્યક્તિઓનાં પ્રદાન યુદ્ધભૂમિ પર નથી થયાં. ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. એટલે યુદ્ધ નહીં પણ બુદ્ધ અર્થાત્ પ્રેમ, કરુણા અને સુશ્રૂષા. આ સૌની ભૂમિકામાંથી મને પ્રેરણા મળી છે. અને તેના થકી એ સૌના કામનું દસ્તાવેજીકરણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે.
Email: gaurang_jani@hotmail.com
[કોરોના : બિંબ-પ્રતિબિંબ—વાત લોકડાઉનની, લેખક – ગૌરાંગ જાની, સંપાદક – કેતન રુપેરા, પ્રકાશક : અનમોલ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર 2020, ISBN : 978-93-5416-832-1, નોટબુક સાઇઝ, આર્ટ પેપર, પૃષ્ઠ : 128 (16 + 112), સોફ્ટ બાઉન્ડ કિંમત ₹ 225, હાર્ડ બાઉન્ડ કિંમત ₹ 350, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009]