અઢારમી સદીની છેલ્લી પચીસીમાં, આશરે અઢીસો વરસ પૂર્વે, ઈ.સ. ૧૭૭૨ની ૨૨મી મેના રોજ આદ્ય સમાજસુધારક રાજા રામમોહન રાયનો જન્મ થયો હતો. સતી થવાના અમાનુષી અને કલંકી રિવાજને તિલાંજલિ અપાવનાર અને આધુનિક ભારતના મહાન જ્યોતિર્ધર તરીકે તેમનું નામ અને કામ ઇતિહાસમાં અંકિત છે.
બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામે રામમોહન રાયનો જન્મ થયો હતો. રૂઢિવાદી પિતા રમાકાંત નવાબી રાજ્યના અધિકારી હતા. ગામમાં આરંભિક શિક્ષણ મેળવ્યા પછી નવાબના દરબારમાં નોકરી માટે આવશ્યક એવા અરબી-ફરસીના શિક્ષણ માટે નવ વરસના રામમોહન પટણા અને પછી સંસ્કૃતના શિક્ષણ માટે કાશી ગયા હતા. અભ્યાસકાળથી જ તેઓ હિંદુ ધર્મના કર્મકાંડ-મૂર્તિપૂજાના વિરોધી અને એકેશ્વરવાદી બન્યા. સોળ વરસની ઉંમરે તેમણે ધર્મએ ઊભી કરેલી ધારણાઓ વિશે નિબંધ લખી પિતાની નારાજગી વહોરી હતી. ઈ.સ. ૧૮૦૪માં ફરસી ભાષામાં તુહફત-એ-મુઝાહિદ્દીન (એકેશ્વરવાદીઓને ભેટ) નામક ગ્રંથ લખ્યો હતો.
ઘર છોડી હિમાલય અને તિબેટ ગયેલા રામમોહને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોથી વિપરીત આચરણ કરતા, બૌદ્ધ લામાઓ સાથેના ઉગ્ર વિવાદમાં લામાઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ મરણતોલ હુમલામાંથી તેમને કેટલીક યાત્રાળુ સ્ત્રીઓએ બચાવ્યા હતા. એ ક્ષણથી જ એમને સ્ત્રીઓ પ્રત્યે હમદર્દી જાગી હતી. એક તરફ ધાર્મિક પાખંડો અને બીજી તરફ સમાજસુધારા માટે તેઓ ઝઝૂમવા લાગ્યા. ૧૮૧૧માં એમના મોટાભાઈનું અવસાન થયું ત્યારે તેમનાં ભાભીને પતિની ઠાઠડી સાથે બાંધી પતિની ચિતામાં જીવતાં જલાવી દેવાયાં. આ અમાનુષી બનાવનો આઘાત તેમના જીવનનો મહત્ત્વનો વળાંક હતો. આ ક્ષણે જ તેમણે સતીપ્રથા નાબૂદીનું પ્રણ લીધું.
સ્ત્રીને સતી થવાની ફરજ કેમ પાડવામાં આવે છે તેનાં કારણો શોધ્યાં. જેમાં તેમને સ્ત્રીની લાચારી અને ભાવિ જીવન વિશેનો અંધકાર જણાયો. ‘જીવીને જાત વેચવી એના કરતાં બળી મરવું સારું’ એવી સ્ત્રીઓની માનસિકતા હતી. તેને કારણે સ્ત્રીને પોતાના સ્વતંત્ર અસ્તિત્વની કિંમત નહોતી. રામમોહન રાયે સતીપ્રથા નાબૂદી માટે લેખો લખ્યા. સભા, સરઘસો, પરિષદો, સંમેલનો તેમ જ સરકારમાં અરજીઓ કરી. સતીપ્રથાને એક ચળવળનું રૂપ આપ્યું. કલમ દ્વારા કુરિવાજો સામે લડવા તેમણે બ્રહ્માનિકલ મેગેઝિન (અંગ્રેજી-બંગાળી), સંવાદ કૌમુદી (બંગાળી) અને મિરાતુલ અખબાર (ફરસી) શરૂ કર્યા હતા. સતીપ્રથા નાબૂદીને એક ચળવળનું રૂપ આપ્યા બાદ, ખાસ્સાં સાત વરસ પછી ઈ.સ. ૧૮૨૫માં એમણે પોતાનાં કાર્યોની અસર તપાસી તો નિરાશા હાથ લાગી. એ વરસે માત્ર કલકત્તામાં ૩૦૯ અને આખા બંગાળમાં ૬૫૦ સ્ત્રીઓને સતી કરવામાં આવી હતી.આ પરિણામથી નિરાશ થવાને બદલે તેમણે સુધારાની ગતિ તેજ કરી.
ઈ.સ. ૧૮૨૯માં રામમોહન રાયના સતીપ્રથા વિરોધી વિચારો અને ચળવળથી પરિચિત એવા વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલ બન્યા. ૧૮૧૮માં સતીપ્રથાને શાસ્ત્રોનું કોઈ સમર્થન નથી તે પુસ્તક લખીને પ્રગટ કરનાર રામમોહનને બેન્ટિકનો સધિયારો સાંપડયો. બેન્ટિકે રામમોહન પાસેથી સતીપ્રથા અંગેની વિગતો મેળવી. તેની નાબૂદીથી સમાજ, ધર્મ અને લશ્કર પર પડનારી અસરો જાણી. અંતે ૧૮૨૯ની ચોથી ડિસેમ્બરે સતીપ્રથાને ગેરકાયદે જાહેર કરતો કાયદો કર્યો. રામમોહન રાયની દીર્ઘ લડત સફ્ળ થઈ.
સમાજસુધારક રામમોહન સાથે જોડાયેલા ‘રાજા’ જેવા સામંતી વિશેષણનો પણ રસપ્રદ ઇતિહાસ છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં પગદંડો જમાવી રહી હતી ત્યારે દિલ્હીમાં બાદશાહ અકબર બીજાનું શાસન હતું. તેમને વર્ષાસન બાંધી આપવાની રજૂઆત સંદર્ભે ઇંગ્લેન્ડમાં રાજાના દરબારમાં રજૂઆત માટે રામમોહન રાયને મોકલવાના હતા. આ પ્રકારના કામ માટે તે જમાનામાં રામમોહન જ એકમાત્ર યોગ્ય વ્યક્તિ હતી, બાદશાહે તેમને ‘રાજા’નો ખિતાબ આપ્યો ને ઇંગ્લેન્ડ મોકલ્યા. આરંભે અંગ્રેજ સત્તાએ તે સ્વીકાર્યો નહીં, પરંતુ રામમોહનની બુદ્ધિ ચાતુર્યભરી દલીલો પછી તેમણે રાજાનો ઈલકાબ માન્ય રાખ્યો, જે તેમની ઓળખ બની ગયો.
ઈ.સ.૧૮૧૪થી કલકત્તામાં સ્થાયી થયેલા રામમોહન રાયે ૧૮૧૫માં ‘આત્મીય સભા’ અને ૧૮૨૮માં ‘બ્રહ્મોસમાજ’ની સ્થાપના કરી હતી. અનેક પુસ્તકોના લેખક રામમોહન રાય તર્ક, જ્ઞાન અને વિચારના માધ્યમથી લોકોમાં ચેતના જગાવતા હતા. તેમને સમર્થકોના જેટલા જ વિરોધીઓ પણ મળ્યા હતા. તેમણે લખ્યું છે : “માત્ર સુધારાવાદીઓ અને તેના વિરોધીઓ વચ્ચે જ સંઘર્ષ છે તેવું નથી. સમગ્ર દુનિયામાં સ્વાતંત્ર્ય અને જુલમ વચ્ચે, ન્યાય અને અન્યાય વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે પણ એટલો જ સંઘર્ષ છે.” તેમણે બધા જ ધર્મોની ઉણપો પ્રત્યે ધ્યાન દોર્યું હતું.
વિલિયમ બેન્ટિકે તેમના સેવક સાથે રાજા રામમોહનને મળવા બોલાવ્યા ત્યારે તે આમંત્રણ તેમને અપમાનજનક લાગ્યું એટલે ન ગયા. આ વાત સમજી ગયેલા બેન્ટિકે બીજીવાર ‘બેન્ટિકને તમને મળતાં આનંદ થશે’ એવા શબ્દો સાથે સેવકને મોકલ્યો. રાજાને આ નિમંત્રણ આત્મીય લાગ્યું એટલે તેઓ મળવા ગયા. ૧૯૩૦માં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. સતીપ્રથા નાબૂદી સામેની ધર્મસભાની અપીલ પ્રીવી કાઉન્સિલે રદ્દ કરી એ સમયે તેઓ હાજર રહ્યા. જાણીતા ફ્લિસૂફ જેરેમી બેન્થામ રાજા રામમોહન રાયને લંડનમાં તેમના ઉતારા પર જાતે મળવા ગયા હતા. બેન્ટિકે ભારતમાં આવતા પૂર્વે ભારતમાં શાસન મારું હશે પણ તે તમારા સુધારક વિચારો મુજબનું હશે એવી જેમને ખાતરી આપી હતી. તે બેન્થમ રાજા રામમોહનને મળવા આવે તેના પરથી રાજાની ખ્યાતિનો ખ્યાલ આવે છે.
રાજા રામમોહન રાયના લઘુ જીવનચરિત્રમાં તેના લેખક વિજિતકુમાર દત્તે આજે ખાઉધરા લાગે એવા તેમના ખાવાપીવાના શોખ વિશે લખ્યું છે કે, ‘ચાળીસ કેરીનો તેઓ નાસ્તો કરતા હતા. પચાસ લીલા નાળિયેરનું પાણી પી જતા તો ય તરસ્યા રહેતા. તેઓ એક ટંકે બાર કિલો દૂધ અને ચાર કિલો માંસ ખાતા હતા.’ (પૃષ્ઠ-૧૨) પહેરવેશમાં ઝભ્ભા-પાયજામાનો મુસ્લિમ પહેરવેશ તેઓ કાયમ પહેરતા. આજથી સવા બસો વરસ પહેલાં તેમના ખાતે ખાસ્સી ૮૦ વીઘા જમીન હતી. સુધારક તરીકે સમાજના ઉચ્ચ વર્ગોમાં કામ કરતા હતા, છતાં રાજા રામમોહન જમીનદારી પદ્ધતિના વિરોધી હતા.
૨૭મી સપ્ટેમ્બર, ૧૮૩૩ના રોજ એકસઠ વરસની ઉંમરે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલમાં તેમનું અવસાન થયું હતું. સમાજસુધારાની વાત આજે સાવ વિસરાઈ ગઈ છે ત્યારે આ આદ્ય સમાજ સુધારકનાં કાર્યો યાદ કરવાં જેવાં છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 20 મે 2020