સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ ખીલ્યા ને ખૂલ્યા
પર્યાવરણવિદ્દ અનુપમ મિશ્ર ગયા, અને એમને નિકટથી નહીં જોનારજાણનાર એક વ્યાપક વર્ગમાં એન.ડી.ટી.વી. પ્રકારનાં માધ્યમો વાટે કંઈક કૌતુકમિશ્ર ભાવો જગવતા ગયા. ખાસ કરીને ‘આજ ભી ભરે હૈ તાલાબ’ની સહૃદય સ્વાધ્યાયપુત, સ્થળમુલાકાતયુકત એટલી જ સરળ સોંસરી રજૂઆત સાથે તે ખાસા ઉચકાયા હશે. લાખો નકલોમાં આપગતિએ પહોંચેલી આ કિતાબની મૂંગી સફળતા, પછીથી, આમીરના ‘સત્યમેવ જયતે’ તરેહના કાર્યક્રમોમાં ઝળક્યાને કારણે પ્રતિષ્ઠાવિષય પણ બની હશે. ગમે તેમ પણ, આજના સમયમાં પર્યાવરણવિદ્દ હોવું અને ફાઇવ સ્ટાર સરકિટમાં સંકલ્પપૂર્વક ન હોવું – રે, મોબાઇલમુક્ત હોવું, કુશાંદે દફ્તર નહીં પણ સાદા કમરામાંથી કાગળની બીજી બાજુનો ઉપયોગ કરી કામ કરતા હોવું, અંગ્રેજીદાં એલિટ દાયરાથી પરહેજ કરવી, આ બધું હમણે હમણે અંજલિવચનો મારફતે બહાર આવતું લાગે ત્યારે કૌતુકમિશ્ર ખેંચાણ સાથે લગરીક ટીસ શો અનુભવ પણ થાય છે.
આ ટીસ જો વ્યક્તિગત હશે તો જાહેર પણ છે. આ ટીસને જાહેર એ અર્થમાં કહું છું કે પ્રશ્ન નકરી જીવનશૈલીનો નથી – એનો મહિમા તો છે જ – પણ આ તરેહનું સમર્પિત જીવન જીવતે જીવતે (અને જીવ્યું તે લખતે લખતે) એમણે જે વૈકલ્પિક વિકાસ દર્શન ઉપસાવ્યું એની સુધબુધ ને કદર મને તમને છે ખરી? ગાંધીમાર્ગી પરિવારની (કવિપિતા ભવાનીપ્રસાદ મિશ્રની) પરંપરામાં અને સમાજવાદી યુવજન સભા સાથેના આરંભિક સંધાનમાં આગળ ચલાતાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાના પર્યાવરણ કક્ષ વાટે એ ઊઘડ્યા. વચગાળાની એમની પહેલી, પર્યાવરણરક્ષા કામગીરી મધ્યપ્રદેશના તવા બંધ વખતના આંદોલનની હતી. એમણે એને મિટ્ટી બચાઅો આંદોલન તરીકે ઓળખાવેલું. એક રીતે, એ નર્મદા બચાવો આંદોલનનું પૂર્વસૂરિ હતું.
અલબત્ત, એનો વ્યાપ સ્વાભાવિક જ ઓછો હતો. પણ પરંપરાગત જલસંગ્રહની, કુદરત સાથે અનુબંધપૂર્વકની જે જૈવિક ને પ્રજાકીય કામગીરી હતી તેની સાથે બળાત્કારી ચેષ્ટા સામેનો એ અવાજ હતો. એ અર્થમાં ‘વિકાસ’ના પ્રસ્થાપિત અને પ્રક્ષેપિત અર્થ સામેનો એ અવાજ હતો. અનુપમે, પછીથી, એકથી વધુ વાર કહ્યું છે કે આગલી પેઢીઓએ આ બધે મુદ્દે ને મોરચે કેવી રીતે કામ પાડ્યું છે તે જાણ્યાસમજ્યા વગર એમને મૂરખ કે પછાત અગર અણઘડના ખાનામાં ખતવી દેવી તે ઠીક નથી. કંઈકેટલાં હજાર વરસથી મરુભૂમિ રાજસ્થાનમાં લોકોએ કેવી રીતે જળપ્રંબધન કર્યું, જીવન ટકાવ્યું ને વિકસાવ્યું તે સમજવાની આપણે કોશિશ જ ન કરીએ એ તે કેવી બૌદ્ધિકતા, કેવી આધુનિકતા ને કેવી વૈજ્ઞાનિકતા, અનુપમ પૂછતા. આ ખોજમાંથી ‘રાજસ્થાન કી રજતબૂંદે’ આવ્યું.
જેમ તવા બંધ સાથે ‘મિટ્ટી બચાઓ’નો મુદ્દો ઊંચકાયો તેમ ચિપકો આંદોલન સાથે એ માટીને ઝાલી ને બાંધી રાખતાં મૂળિયાંની વસાહત એટલે કે વૃક્ષોની ભૂમિકા ચિત્રમાં આવી. ચિપકો આંદોલનનો પણ પહેલો રિપોર્તાજ ‘દિનમાન’ દિવસોમાં અનુપમ મારફતે આવ્યો. પણ વાતમાં હું આગળ ચાલી ગયો. ગાંધીમાર્ગી સમાજવાદી યુવજન અનુપમ જયપ્રકાશ જોડે ચંબલ પંથકમાં ગયેલી એ ટીમ પર હતા જેણે ડાકુઓના આત્મસમપર્ણની આખી પ્રક્રિયા પાર પાડી હતી. આ જ ટીમ, પછીથી, કટોકટી સામેના લોકસંઘર્ષમાં પણ સક્રિય રહી. તો, કુદરત સાથેના અનુબંધપૂર્વક ભૂમિદાન આંદોલન અને ગ્રામસ્વરાજ ઝુંબેશ સાથે પણ તેઓ હતા જ. જ્યારે સંઘર્ષ અનિવાર્ય જણાયો અને સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ સમગ્ર સંદર્ભમાં ખીલ્યા ને ખૂલ્યા – એમનું ક્ષેત્ર પર્યાવરણ રહ્યું, સીધી રાજકીય મૂઠભેડમાં એ નયે હોય, પણ એમનો સંદર્ભ એક સમગ્ર સંદર્ભ હતો. અંગ્રેજી રાજ જવું જોઈતું હતું અને ગયું પણ ખરું. પણ તેટલાથી સ્તો સ્વરાજ સિધ્ધ થતું નથી. સાંસ્થાનિક સામ્રાજ્યશાહી ગાદી જેવી દિલ્હી પર બ્રાઉન સાહેબો બેસે, એમાં તો ઇતિ ક્યાંથી માની લેવાય? માટે લોકસંઘર્ષ – અને સમાજનવરચનાનો નવો નકશો.
આ નવા નકશામાં પરંપરાનું ઉત્તમ કાલવવાની અને મૂડીવાદી સંસ્થાનવાદી વિકાસની તરાહથી ઉફરાટે ચાલવાની દિલી તમન્ના … એટલે સ્તો ‘આજ ભી ખરે હૈ તાલાબ’ જેવું ઘોષવાક્ય કે ઘોષણાપત્ર. જરા ખસીને, બે મોટા કિતાબી પુરુષાર્થો સંભારીને આ મુદ્દો સ્પષ્ટ કરું. પંડિત સુંદરલાલનું ‘ભારત મેં અંગ્રેજી રાજ’એ જુલમ ને સિતમની દસ્તાવેજી દાસ્તાં છે. પણ સ્વરાજ પછીનાં વરસોમાં ધર્મપાલે જે કામ કર્યું છે. તે પરચક્ર દરમ્યાન છેલ્લી સદીઓમાં આપણું સમાજતંત્ર કેવુ ખોરવાયું ને ખોટકાયું અને તે પૂર્વે એક સમાજ તરીકે આપણે સજીવ-સપ્રાણ કેમ ને કેટલા હતા એનો ખ્યાલ આપે છે. સ્વરાજ ને સ્વધર્મ (‘ધર્મ’ના વ્યાપક અર્થમાં) જેમ સંસ્થાનવાદ સામેના સંઘર્ષમાં તેમ પંરપરાના સાતત્યને સમજવામાં પણ છે, એમ પણ તમે કહી શકો. આ સંજોગોમાં જો રાજેન્દ્રસિંહ આરાવરી નદીને નવેસર વહેતી કરે (અને એમાં પણ ક્યાંક ને ક્યાંક અનુપમની સંડોવણી હોય) તો એ ય છે તો સ્વરાજ આંદોલન જ ને.
પણ પરંપરાનો મહિમા કરવામાં જો વિવેક ન રહે, સાતત્ય પેઠે શોધનનો પણ ખ્યાલ ન રહે, તો શું થાય? ભલા ભાઈ, તમે ‘રીનેસાંસ’માં માનો છો કે ‘રિવાઇવલ’માં એ સવાલ તો કાન પકડે જ. ધર્મપાલના સાહિત્યને સંઘ પરિવારે ખાસું ઊચક્યું છે. એ આખું સાહિત્ય ગુજરાતીમાં ઊતર્યું. તે પ્રસંગે તત્કાલીન સરસંઘચાલક સુદર્શન ખાસ આવ્યા પણ હતા તે આ લખું છું ત્યારે સાંભરે છે. પ્રાચીન કાળમાં આપણે કેટલા આગળ હતા એ ગૌરવગાનનો અવસર આવે પ્રસંગે આવી મળતો હોય છે. માત્ર, સાતત્ય ને શોધનને ધોરણે એ પરંપરાઓ આજે જેને મજબૂત રાષ્ટ્રરાજ્યવાદ તરીકે ઓળખાવાય છે એના મેળમાં નથી અને ગૌરવબોધ જુદેસર મેળવવાનો છે એ ખ્યાલ રહેતો નથી.
ગુજરાતમાં આપણે એક તબક્કે પ્રાદેશિક અસ્મિતા અને હિંદુત્વનું કોકટેલ જોયું, પછી એમાં વિકાસનશો ઉમેર્યો, આ વિગતો સામે અનુપમ ને ધર્મપાલનો જૈવિક પરંપરાબોધ કેવી રીતે મૂકીશું? પરંપરા પાસે જવું તે ભૂતકાળવાદી હોવું નથી, અને આધુનિકતા પાસે જવું એ સંસ્થાનવાદી-સામાજ્યવાદી વલણોવાળા રાષ્ટવાદને આરાધવું તે નથી. ગંગાને માતારૂપે ઉપાસતી પ્રજા એને બધો કચરો વહેવડાવતા મોટા નાળા તરીકે વાપરતી માલૂમ પડે અને પછી શુધ્ધીકરણનો બેચ રચે એ પ્રકારનો વદતોવ્યાઘાત કે પછી પ્રાણધારા સરખી નદીને શોષી તેના રિવરફ્રન્ટીકરણમાં વિકાસનાં દર્શન કરવા તે યુગબલિહારી છે.
અનુપમે આ સંદર્ભમાં પાયાના પ્રશ્નો ઊભા કર્યા હતા અને એ રીતે વિકાસની વર્તમાન અવધારણા બાબતે આપણને જાતતપાસને ધોરણે પિંજરામાં ઊભા કરવાપણું જોયું હતું. જેપી આંદોલન હસ્તક થયેલો, આવકાર્ય ને અસરકારક પલટો પણ આ કસોટીએ તો હિમશિલાનું એક દશાંશમું ટોચકું માત્ર! અનુપમ કોઈ વાઇલ્ડ લાઇફ વંડર જેવું પર્યાવરણી પ્રાણી નહોતા, પણ ક્રાન્તિસૈનિક હતા, કોણ સમજશે? અનુપમ મિશ્રે પરંપરાગત પર્યાવરણ પંડિતોથી હટીને નવી અર્થનીતિ, નવી રાજનીતિ પરત્વે પ્રકૃતિ-અને-પ્રજાપરક, પ્રકારાન્તરે કહેતાં ત્રીજા મોજા ભણીની ભોં ભાંગી કૉંગ્રેસ-ભાજપ આદિ પક્ષોને હજુ બીજા મોજાની મૂર્છા વળતી નથી અને પહેલા મોજામાંથી છોડવા ને સાચવવા જેવું શું હોઈ શકે એનો ઇતિહાસબોધ નથી. પ્રશ્ન ત્રીજા મોજા વાસ્તે ત્રેવડ અને તૈયારીનો છે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘સ્વધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 24 ડિસેમ્બર 2016