Opinion Magazine
Number of visits: 9451945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પારસીઓનાં ગરબા અને લગ્ન ગીતો

દીપક મહેતા|Opinion - Literature|13 November 2017

ગુજરાતના ગરબા વિષે, જુદા જુદા પ્રદેશોમાં અને જુદી જુદી જ્ઞાતિઓમાં ગવાતાં લગ્ન ગીતો વિષે, આપણે ત્યાં ઘણું લખાયું છે. એનાં સંપાદનો, સંકલનો, પણ થયાં છે. અને હવે તો ઓડિયો અને વીડિયો રૂપે પણ તેમાંની કેટલીક સામગ્રી મળે છે. પણ પારસીઓમાં ગવાતા ગરબા વિષે, તેમનામાં ગવાતાં લગ્ન ગીતો વિષે ? આપણા ઘણાખરા અભ્યાસીઓ, જેને ‘મુખ્ય પ્રવાહ’ માને છે તેને ધ્યાનમાં રાખીને જ કામ કરતા હોય છે. તેનાથી અલગ અને આગવી ધારાઓ પ્રત્યે પણ ધ્યાન આપવાનું કાં તેમને સૂઝતું નથી, કાં જરૂરી લાગતું નથી.

પણ છેક ૧૮૭૯માં ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામા બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ’ નામનું પૂરાં ૪૭૪ પાનાંનું પુસ્તક પ્રગટ થયું હતું. (અવતરણ ચિહ્નો વચ્ચે બધે જ લખાવટ મૂળ પ્રમાણે રાખી છે.) તેના ‘બનાવનાર’ હતા ‘શોરાબજી હોરમજી.’ અને પુસ્તકના મુખપૃષ્ઠ પર તેમની ઓળખ આ રીતે આપી છે: ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ પુસ્તક મુંબઈના ‘પરીંતરશ પરેશ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપાખાનામાં છાપીઊં છે.’ કિંમત છ રૂપિયા.

પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે  જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણે ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી, અને હજી માગ તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કીમત’ ઘણાને પરવડતી નહોતી. તેથી તે ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. ‘રમૂજી ગરબાઓની ચોપડી’ના ત્રણ ભાગ ક્યારે પ્રગટ કરેલા તે પ્રસ્તાવનામાં જણાવ્યું નથી. પણ ‘પારસી પ્રકાશ’ના બીજા દફતરના ૪૫મા પાને ‘રમૂજી ગરબાઓની ચોપડી’નો બીજો ભાગ ૧૮૬૨ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે પ્રગટ થયો હોવાનું જણાવ્યું છે. પહેલા અને ત્રીજા ભાગ વિષે ‘પારસી પ્રકાશ’માં નોંધ મળતી નથી. પણ પહેલો ભાગ ૧૮૬૨ પહેલાં ક્યારેક, અને ત્રીજો ભાગ ૧૮૬૨ અને ૧૮૭૯ની વચમાં ક્યારેક, પ્રગટ થયો હોવો જોઈએ. બીજા ભાગ અંગેની વિગતોમાં ‘પારસી પ્રકાશ’ આ શોરાબજીને ‘ચીકન છાપનાર અથવા પુટલાં દેખાડનાર’ તરીકે ઓળખાવે છે. પણ આ ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર’ અથવા ‘પુટલાં દેખાડનાર’ શોરાબજી હતા કોણ? ફરી ‘પારસી પ્રકાશ’ મદદે આવે છે. ૧૮૯૫ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વર્ષની વયે શોરાબજી બેહસ્તનશીન થયા તે અંગે બીજા દફતરના ૫૧૮મા પાને આ પ્રમાણે નોંધ છાપી છે: “ઇંગ્રેજી ભાષાનાં બીલકુલ જ્ઞાન વગર ગરીબાઈમાં આબરૂથી પોતાનું ગુજરાન ચલાવા જુદા જુદા સાહસોમાં મગજ દોડાવ્યું હતું. આશરી ૪૦) વર્ષની વાત ઉપર પાયધોણીના લતા ઉપર મરહુમ પેહલા સર જમશેદજી, શેઠ જગન્નાથ શંકરશેઠ અને બીજા આગેવાન મુંબઈગરાઓના માતીના પુતલા બનાવી તે નાહાની ફી લેઈ તેવને જોવા મેલ્યા હતા. પછી જાત્રાઓ અને મેલાઓમાં એવાં પુતલાં અને ચીતરો દેખાડવાનો ધંધો કરતા હતા, અને લગન વગેરે ખુશ હીગાંમોપર ગરબાઓ ગવાડવા જતા હતા, અને તે માટે ચાલુ બનાવો પર ગરબાઓ જોડી તેનાં આશરે અર્ધો દજન પુસ્તકો બહાર પાડ્યાં હતાં. આ ગરબાઓમાં પીંગલનો કશો નીયમ હતો નહી એ છતાં ઘરેઘર ગવાતા હતા.”

ભલે જરા આડવાત જેવું લાગે પણ અહીં જ ‘પાયધોણી’ વિષે થોડી વાત કરી લઈએ. મુંબઈનો એક લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધૂની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગાંવના ટાપુઓને જૂદા પાડતી છીછરી ખાડી હતી. ભરતીને વખતે જ તેમાં પાણી ભરાતું. તે સિવાય કાદવ-કીચડ પથરાયેલો રહેતો. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા. એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. તે વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. તેવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગાંવના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડાક લોકો પૂતળાં જોતા હશે.

માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ ‘અડધો ડઝન જેટલા’ પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.

આ પુસ્તકનું છાપકામ પણ ધ્યાન ખેંચે એવું છે. ૧૮૭૯ સુધીમાં ગુજરાતી મુદ્રણને ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઇ હતી. ગુજરાતી ટાઈપ પણ પ્રમાણમાં સુઘડ બન્યા હતા. પણ આ પુસ્તક છપાયું છે તે ટાઈપ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં વપરાતા હતા તેવા, જરા બેડોળ વળાંકવાળા જણાય છે. વળી પદ્યની પંક્તિઓ છૂટી પાડીને ન છાપતાં, અગાઉની હસ્તપ્રતોમાં, અને શરૂઆતનાં છાપેલાં પુસ્તકોમાં, સળંગ છપાતી તેમ છાપી છે. એક કૃતિ પૂરી થાય પછી તરત તે જ પાને અલગ પડે એ રીતે મથાળું છાપીને બીજી કૃતિ શરૂ કરી છે. આમ કરવાનું સંભવિત કારણ પુસ્તકનાં પાનાંની સંખ્યા બને તેટલી ઘટાડવાનું હોઈ શકે. કારણ પાનાંની સંખ્યા મર્યાદિત રહે તો જ ‘પોસાઈ શકે’ એવી છ રૂપિયાની કિંમતે પુસ્તક વેચી શકાય. પણ આ રીતે છાપકામ થયું હોવાથી કૃતિઓ વાંચતાં આજે થોડી મુશ્કેલી પડે તેમ છે. કાગળ પણ પ્રમાણમાં હલકા પ્રકારનો વપરાયો છે તેથી આ લખનારે જે નકલ જોઈ છે તેનાં પાનાં પીળાં પડી ગયાં છે અને  ખાસ્સાં બરડ થઇ ગયાં છે, અને થોડાંક ફાટીને ગુમ પણ થયાં છે. એ નકલનું મૂળ બાઈન્ડીંગ અને પૂંઠું સચવાયું નથી એટલે પૂંઠા અંગે કશું કહી શકાય તેમ નથી.

પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે. અહીં જે ગરબા જોવા મળે છે તે આજે આપણે જેનાથી પરિચિત છીએ તેવા ટૂંકા ઊર્મિ ગીતોના પ્રકારના નથી. પણ આપણા મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્રવર્ણન પ્રધાન અને કથાકથન પ્રધાન ગરબા જોવા મળે છે તે પ્રકારના છે. ચરિત્રવર્ણન પ્રધાન ગરબાના આરંભે જે-તે વ્યક્તિનો ટૂંકો પરિચય પણ ‘વાંચનારી બાઈઓ’ એવું સંબોધન કરીને આપ્યો છે. આ પુસ્તકમાંનાં ગરબા અને લગ્ન ગીતો ગાતી વખતે જે શબ્દ ‘લંબાવીને’ ગાવાનો હોય તેની આગળ અંગુલી નિર્દેશની નિશાની કાઉન્સમાં મૂકીને () આ રીતે છાપી છે. જ્યાં પંક્તિ પૂરી થતી હોય ત્યાં *  નિશાની મૂકી છે.

જે વ્યક્તિઓની સ્તુિત કે પ્રશંસા કરવા આ ગરબા લખાયા છે તે કોણ છે? મુખ્યત્વે અંગ્રેજ રાજ્યકર્તાઓ અને પારસી અગ્રણીઓ. ૧૯મી સદીમાં નર્મદ અને દલપતરામ જેવામાં પણ અંગ્રેજ રાજવટ પ્રત્યેની વફાદારી અને તેની પ્રશંસા કરવાની ધગશ જોવા મળે છે. આ પુસ્તકનો પહેલો જ ગરબો મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે વિશેનો છે. હિન્દુસ્તાનમાં મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાયું તે પછી રાણી દ્વારા નિમાયેલા તેઓ પહેલા ગવર્નર હતા. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ આ પદે રહ્યા હતા. આ ગરબો પાંચ પાનાંનો છે. તો બીજો ગરબો ૧૮૭૨થી ૧૮૭૬ સુધી ગવર્નર જનરલ રહેલા લોર્ડ નોર્થબ્રૂક વિશેનો છે. મુંબઈની મુલાકાત દરમ્યાન તેમણે જે દરબાર ભર્યો હતો તેનું વર્ણન ગરબાનો મોટો ભાગ રોકે છે. પ્રિન્સ ઓફ વેલ્સ વિશેનો ગરબો પણ છે. તો કેટલાક અંગ્રેજ અફસરોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા ગરબા પણ અહીં છે. પારસી અગ્રણીઓમાં સર કાવસજી જાહાંગીરજી રેડીમની, ખાનબહાદુર દસ્તુરજી નસરવાનજી જામાશજી, નસરવાનજી રતનજી તાતા, ખાનબહાદુર અરદેશર કોટવાલ, ડોક્ટર હાડવૈદ ભીમજીભાઈ રાન્દેલીઆ, વગેરે વિષે ગરબા જોવા મળે છે. કથાપ્રધાન કે પ્રસંગ પ્રધાન ગરબાઓમાં ઈ.સ. ૧૮૭૨માં ગુજરાતમાં મોટી રેલ આવેલી તે અંગેનો ગરબો છે, મુંબઈમાં ડુંગરવાડી પર આવેલા પારસીઓના દખમા અંગે અદાલતમાં કેસ થયો હતો તે અંગેનો ગરબો છે, સુરતની મોટી આગ અંગેનો ગરબો છે.

આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારી એવી સંખ્યામાં છે: રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમુજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી, વગેરે.

અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે તેવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે: ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંનતીનો ગરબો, હીનદુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશનાં વાલાજીનો ગરબો, વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે તેમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હુંડીનો ગરબો. તેની શરૂઆતમાં લખ્યું છે કે આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે. પણ તેમાંના ‘હિંદુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એક શરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધુ તેનો ગરબો’. તેની સાથેની નોંધમાં લખ્યું છે: “એ ગરબાને વાણીઆં લોકો ઘણો પસંદ કરે છે, તથા હાલમાં આપના લોકો લગંનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાએ છે અથવા ગવરાવે છે.” અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે! પારસી લોકોનાં મન કેટલાં તો ખુલ્લાં હોય છે તેનો આ એક વધુ પુરાવો છે. તેઓ અંગ્રેજ અમલદારોના ગુણગાન ગાય છે, તો નરસિંહ મહેતા જેવા આપણા મધ્યકાલીન સંતકવિના જીવનના પ્રસંગો પણ હોંશથી માણે છે.

સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર, અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે તે સમૂહમાં ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? હકીકતમાં આ ગરબા સમૂહમાં બેઠા બેઠા ગાવા માટેના છે. પુસ્તક ‘બનાવનાર’ શોરાબજીની એક ઓળખાણ ‘ગરબા ગવડાવનાર’ તરીકે અપાઈ છે. એટલે કંઈ નહિ તો સાધનસંપન્ન પારસી કુટુંબોમાં વારતહેવારે ગરબા ગવડાવવા માટે વ્યવસાયી વ્યક્તિને બોલાવવાનો ચાલ એ વખતે તો હોવો જોઈએ. સંભવ છે કે અગાઉનાં ત્રણ પુસ્તકો અને આ પુસ્તકની નકલો શોરાબજી ગરબા ગવડાવવા જાય ત્યારે વેચતા હશે, કદાચ યજમાન કુટુંબ થોડી નકલો આગોતરી ખરીદી લેતું હશે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતમાં, મુંબઈમાં, અને બીજે પણ, નાગરાણીઓ બપોરને વખતે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઇને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.

પુસ્તકના ૩૦૫મે પાને બીજો ભાગ શરૂ થાય છે જેમાં ‘વેહેવા તથા લગંનમો પાછલી રાતે બેથા બેથા ગાવાનાં શહવે નાના ગીતો’ રજૂ કર્યાં છે. ‘મુખ્ય ધારા’માં પણ લગ્ન ગીતો મોટે ભાગે બેઠા બેઠા જ ગવાય છે – હમચી જેવા પ્રકારોને બાદ કરતાં. પણ તેમાં જુદી જુદી લગ્ન વિધિઓ ચાલતી હોય ત્યારે સાથોસાથ તેને અનુરૂપ ગીતો સ્ત્રીઓ સમૂહમાં ગાતી હોય છે. જ્યારે અહીં જે પારસી લગ્ન ગીતો સંગ્રહાયા છે તે ‘પાછલી રાતે બેથા બેથા ગાવાના’ ગીતો તરીકે ઓળખાવાયાં છે. આવાં કૂલ ૬૧ ગીતો અહીં જોવા મળે છે. આ વિભાગની શરૂઆતમાં જે નોંધ મૂકી છે તેમાં જણાવ્યું છે કે “આએ નીચે છાપેલા સઘલા ગીતો હાલમાં આપની પારશી બાનુંઓ લગંનશરામાં તથા બીજે શરઅવશરે પાછલી તથા આગલી રાતના બેઠા બેઠાના ગીતો ગાએ છે તે એછે.” અલબત્ત, અહીં લગ્ન ઉપરાંત નવજોતની વિધિનું ગીત, આતશનું ગીત, અઘરણી વખતનું ગીત, વગેરે અન્ય પ્રસંગે ગાવાનાં ગીતો પણ સમાવી લીધાં છે. લગ્ન ગીતોમાં લગ્નનું મુરત લઈને આવે તે વખતે ગાવાનું ગીત, હરધના મુરતાનું ગીત, આદનનીનું ગીત, માદવશઅરાનું ગીત, પીઠી ચોળતી વખતે ગાવાનું ગીત, ઉકરડી નોતરવાનું ગીત, વેવાઈ માંડવે આવે તે વખતે ગાવાનું ગીત, મોસાળાનું ગીત, કન્યાદાન વખતનું ગીત, ચોરી તથા હથેવાળા વખતનું ગીત, દીકરીને વળાવતી વખતનું ગીત, વગેરેનો સમાવેશ થાય છે.

શોરાબજીએ અગાઉ જે ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં હતાં તેની કેટલાંક વર્તમાન પત્રોએ ટીકા કરી હશે. દીબાચામાં આ અંગે તેઓ કહે છે: “ઊપલા માહારા ગરબાઓના તરણદે પુશતકોઊપર કેટલાક વરતમાન પતરોએ ટીકા કરીઆ હતા, પણ એવા તેમના ટીકાની દરકાર કરીઆ વગર ગરબાના શોખીનો તરફથી એ પુશતકોનો શારો ખપ થઓ હતો, તેથી આ પુશતક પણ તેવા ટીકા કરનારાઓને વાશતે ખોલું મુકવામાં આવેઊં છે, કારણ કે આ માહારા બનાવેલા પુશતકોની ઊપર ટીકા કરીઆથી ગરબાના શોખીનોમાં ઓછો ખપ થવાના કરતાં ઊલતી વધારે નકલોનો ખપ થાએ છે કે જે વીશેની શાબેતી આએ માહારુ ચોથુ પુશતક કરી આપશે.”

એટલે, ટીકાકારોની ટીકા કરવાનો કે એમની તો ઐસી-તૈસી કહેવાનો   ચાલ આજ-કાલનો નથી, ઓગણીસમી સદીમાં પણ એવો ચાલ હતો. પણ આપણા આજના ટીકાકારો તો સુખિયા જીવો છે. આવાં પુસ્તકો સામે આંખ આડા કાન જ કરી દઈએ પછી તેની ટીકા કરવાની પણ તસ્દી લેવાની જરૂર નહિ! હાથમાંનું કંગન જેને જોવું જ ન હોય તેની સામે આરસી ધરો તો શું, અને ન ધરો તોય શું? પણ પારસીઓના સાહિત્ય સામે આંખ આડા કાન કરવાથી આપણે શું શું ગુમાવ્યું છે તેનો ખ્યાલ આવાં પુસ્તકો જોઈએ ત્યારે આવે છે.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

13 November 2017 admin
← લોકશાહીની અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું
ગિજુભાઈનું અધૂરું ‘દિવાસ્વપ્ન’ →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved