" પપ્પા "
એ રોજ ઘરડા થાય છે,
હું રોજ સાંજે
એમનો ચહેરો જોઉં છું,
કરચલીઓમાં,
ઘેરી થતી
એ જિંદગીને જોઉં છું.
થોડી ઝાંખી,
પાણી ઝરતી,
ઝીણી થયેલી,
એ આંખોમાં
સ્વપનોને સ્થાને
યાદોને રઝળતી જોઉં છું …
ટીવીનું વોલ્યુમ
રોજ થોડું થોડું વધતું જાય છે,
કાનમાંથી બહાર દેખાતા વાળ
સફેદ થઈ ફરફરે છે,
કદાચ સંભળાય છે,
પણ સમજાતું નથી,
એ બેધ્યાન શ્રવણને
હું રોજ કાન માંડીને સાંભળું છું.
માઈલો સુધી ચલાવેલી
એ સાયકલની વાતો, દિવસો ચાલેલી
એ પદયાત્રાની વાતો,
મારા ભવિષ્ય માટે ભરેલી
પૂનમની વાતો,
હવે તો એ વાત
કરતા પણ થાકી જાય છે.
હું એ થાકના
કળતર ને રોજ અનુભવું છું.
પસંદગી પૂર્ણ થઈ છે,
ના કશું જોઈએ છે,
ના કશું પામવું છે.
દવા સિવાય
ખાસ કશું યાદ રાખવું પડે
એવું બચ્યું નથી.
હું એ સંકોચાતા જતા
યાદોના ફલકને રોજ સમજું છું.
મને લાગે છે,
એ સાચ્ચે જ રોજ ઘરડા થાય છે
અને ..
મારા મોટા થવાનો
આ એક જ અફસોસ
મને રોજ સતાવે છે
કે,
'પપ્પા' ઘરડા થાય છે .. !
31 જાન્યુઆરી 2016