ચૂંટણી પંચ આજકાલ ચર્ચામાં છે.

રવીન્દ્ર પારેખ
એક તરફ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીને વોટ ચોરીને મામલે સોગંદનામા પર વાત કરવાનું કહીને ચૂંટણી પંચ ભીડાવે છે, તો સુપ્રીમ કોર્ટ એ જ મામલે ચૂંટણી પંચને સાણસામાં લે છે. સુપ્રીમ ન ટકોરે ત્યાં સુધી વોટ ચોરીના મુદ્દાની ગંભીરતા આપણે હૈયે વસતી નથી, પણ હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવાનો આદેશ આપ્યો છે, સાથે જ રદ્દ કરાયેલા નામોની સામે તે રદ્દ કરવાનું કારણ પણ સૂચવવા જણાવ્યું છે. બિહારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે સમગ્ર દેશમાં વિવાદ ચાલે છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કામગીરીમાં નક્કર પારદર્શિતા રાખવા ચૂંટણી પંચને ચોક્કસ નિર્દેશો આપ્યા છે.
બન્યું એવું કે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં, સ્પેશિયલ વોટર લિસ્ટ રિવિઝન પછી, ચૂંટણી પંચે પહેલી ઓગસ્ટે પહેલો મુસદ્દો જાહેર કર્યો તો તેમાં 65 લાખ લોકોનાં નામ ન હતાં. પંચે એ ખુલાસો પણ કર્યો કે આ 65 લાખમાં 22 લાખ એવા હતા જેમનું મૃત્યુ થઇ ચૂક્યું હતું ને 36 લાખ મતદારો એવા હતા જે બીજે ચાલી ગયા હતા કે પછી સરનામાં પર મળતા ન હતા ને 7 લાખ મતદારો એવા હતા, જેમના નામ બે જગ્યાએ બોલતા હતા. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પંચે હાથ ધરેલ SIR અભિયાનના વિરોધમાં કાઁગ્રેસ, રાજદ…ના વિપક્ષી નેતાઓએ સુપ્રીમમાં અરજી કરી ને તેની સુનાવણી ચાલે છે.
સુપ્રીમે ગુરુવારે ચૂંટણી પંચને વચગાળાનો આદેશ આપ્યો ને એ અંગેનો રિપોર્ટ પણ માંગ્યો છે. સુપ્રીમે તેના આદેશનું જિલ્લા સ્તરે પાલન થાય એનો આગ્રહ પણ રાખ્યો છે ને ઉમેર્યું છે કે આગામી શુક્રવારે આગળની સુનાવણી કરશે. સુપ્રીમે મતદાતાઓની યાદી બૂથ લેવલ ઓફિસર(BLO)થી માંડીને જિલ્લા અને પંચાયત સ્તરની ઓફિસોમાં લગાવવા કહ્યું છે. બેન્ચે, પંચને આ સંદર્ભે મીડિયામાં બહોળો પ્રચાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે યાદી સંદર્ભે એવી સૂચના પણ આપી છે કે તે એવી હોવી જોઈએ કે મતદાતા તેનો વોટર આઈ.ડી. નંબર નાખીને પોતાનું નામ શોધી શકે.
સુપ્રીમની બેન્ચે જે મતદાતાનું નામ રદ્દ થયું હોય તે, આધાર કાર્ડ સાથે ચૂંટણી અધિકારીનો સંપર્ક કરી શકે એવી મંજૂરી પણ આપી છે. બેન્ચે આ અંગેની સુનાવણી 22 ઓગસ્ટ પર રાખી છે. સાથે જ ચૂંટણી પંચે નિર્દેશોની પૂર્તતા અંગેનો રિપોર્ટ ફાઈલ કરવા પણ જણાવ્યું છે. એ ઉપરાંત જે 65 લાખ લોકોનાં નામ રદ્દ થયાં છે તેની યાદી બિહારના મુખ્ય ચૂંટણી કમિશનર(CEO)ની સાઈટ પર અપલોડ કરવા પણ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને મામલે કોઈ ઢીલ રાખવાના મૂડમાં નથી. તેણે સ્પષ્ટ કર્યું છે કે 2003ની SIRની પ્રક્રિયામાં કયા દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તેની યાદી પણ પંચ આપે.
બીજી તરફ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર વોટચોરીના આક્ષેપો કર્યા છે. પંચ એ મામલે વ્યથિત છે ને તેણે આરોપો સોગંદનામા સાથે કરવાનું રાહુલને જણાવ્યું છે. જો કે, રાહુલ ગાંધીએ તો બિહારમાં ’વોટ અધિકાર યાત્રા’ ગઈ કાલથી સાસારામથી શરૂ કરી દીધી છે ને તેમાં લાલુપ્રસાદ યાદવ સહિત ઘણા નેતાઓ જોડાયા છે. એની સમાંતરે ચૂંટણી પંચે પણ પ્રેસ કોન્ફરન્સ કરી મતદાતા અને મતદાનનો મહિમા સમજાવ્યો ને સાથે જ વળતા પ્રહારો પણ કર્યા કે મતદાર યાદી તૈયાર કરતી વખતે તેમાં રહી જતી ભૂલો સુધારવા બાબતે રાજકીય પક્ષોને પૂરતો સમય આપવામાં આવે છે, પણ ત્યારે કંઇ થતું નથી ને સમય વીતી ગયા પછી કે ચૂંટણી પછી, મતદાર યાદીની ભૂલો સંદર્ભે સવાલો ખડા કરવામાં આવે છે. જો સમય પર પાર્ટીઓ ફરિયાદ કરતે ને એમાં તથ્ય હોત તો સંબંધિત એસ.ડી.એમ. કે ઈ.આર.ઓ. તે સુધારી પણ લેતે. તે ન કરતાં હવે વોટ ચોરીનો આરોપ મુકાય છે તે બંધારણના અપમાન બરાબર જ છે. પંચે ફરી એક વાર રાહુલ ગાંધીને સોગંદ પર વાત કરવા કહ્યું છે, પણ રાહુલનો અગાઉથી જવાબ સ્પષ્ટ છે કે તેમણે સંસદમાં ઓલરેડી સોગંદ લઇ લીધા છે.
આ દરમિયાન એક ઘટના સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી આવી કે તેણે ચૂંટણી પંચને બરાબરની લપડાક લગાવી છે. હરિયાણાના પાણીપત જિલ્લાનાં એક ગામ બૌના લાખુમાં બે નવેમ્બર, 2022માં સરપંચની ચૂંટણી યોજાયેલી, જેમાં કુલદીપ સિંહ વિજેતા જાહેર થયેલા ને પ્રતિસ્પર્ધી મોહિત કુમારનો પરાજય થયેલો. મોહિત કુમારે એ પરિણામને ઈલેકશન ટ્રિબ્યુનલમાં પડકાર્યું. તેમનો આરોપ હતો કે એક બુથ પર ઈ.વી.એમ. મતગણતરીમાં ગોબાચારી થઇ હતી. આ મામલો પછી હાઈકોર્ટમાં પણ પહોંચ્યો, તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટ્રિબ્યુનલનો આદેશ રદ્દ કર્યો ને છેવટે મામલો સુપ્રીમમાં પહોચ્યો. સુપ્રીમ કોર્ટે 31 જુલાઈને રોજ આ મામલામાં ફેર મતગણતરીનો આદેશ આપ્યો અને તે પણ તમામ બૂથો પર !
6 ઓગસ્ટે સવારે 10 વાગે પાનીપત જિલ્લાના ચૂંટણી અધિકારીને તમામ ઈ.વી.એમ. સાથે સુપ્રીમના પરિસરમાં બોલાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારની દેખરેખ હેઠળ ફેર મત ગણતરી કરવામાં આવી ને તેણે ચૂંટણીનું પરિણામ બદલી કાઢ્યું. વિજેતા ઉમેદવાર હાર્યો ને હારેલો ઉમેદવાર વિજયી થયો. આ આખી ગણતરીની વીડિયોગ્રાફી કરવામાં આવી અને બન્ને ઉમેદવારોના હસ્તાક્ષર કરાવીને પરિણામ જાહેર કરવામાં આવ્યું. કુલ 3,767 મત પડ્યા, જેમાંથી મોહિત કુમારને 1,051 મત મળ્યા ને હરીફ કુલદીપ સિંહને 1,000 મત મળ્યા. બાકીના મત અન્ય ઉમેદવારોને મળ્યા. આ પરિણામ સ્વીકારીને સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટને રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો અને પાણીપતના ડેપ્યુટી કમિશનરને બે દિવસમાં એવું જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો, જેમાં મોહિત કુમાર સરપંચ તરીકે વિધિવત વિજેતા જાહેર થયા હોય.
સાધારણ રીતે વિપક્ષો હારી જાય તો ફેર મતગણતરીની માંગ કરવા માટે પંકાયેલા છે, પણ બૌના લાખુનાં પરિણામે એ સિદ્ધ કરી દીધું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા તળિયાઝાટક ફેરફાર માંગે છે. વિપક્ષો વગોવવા માટે જ છે એ મામલો પણ ફેર વિચારણા માંગે છે. ચૂંટણી પંચ, પંચની પારદર્શિતાની દુહાઈ દેતાં થાકતું નથી, તો તેને પૂછી શકાય કે આ પરિણામ અંગે તેનું શું માનવું છે? એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે કે તેમ રહી શકે એવું વાતાવરણ નથી. તે વગર સુપ્રીમે આટલી દખલ કરવી પડે ને આટલા નિર્દેશો ચૂંટણી પંચને આપવા પડે એવું બને કઈ રીતે? એનાં ચોક્કસ કારણો હશે જ, પણ બિહારમાં 65 લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી નીકળી જાય ને એ મામલે સુપ્રીમે, ચૂંટણી પંચને આટલા આદેશો આપવા પડે એ વાતને હળવાશથી લઇ શકાય નહીં.
જરા વિચારીએ કે બૌના લાખુ ગામની ફેર મતગણતરી થતાં પરિણામ બદલાયું, એ રીતે બધે જ ફેર મતગણતરી થાય તો કોઈ જ પરિણામ બદલાય નહીં એમ લાગે છે? કુલદીપ સિંહ બે વર્ષથી વધુ વખત સરપંચ રહ્યા ને તેમને લીધે જે વિજેતા હતા તે મોહિત કુમાર તેમના હકથી બેથી વધુ વર્ષ વંચિત રહ્યા. મત ગણતરી યોગ્ય રીતે ન થવાને લીધે મોહિત કુમાર બેથી વધુ વર્ષ સરપંચ ન રહી શક્યા એને માટે કોને જવાબદાર ગણીશું? આવું તો કેટલા ય કિસ્સાઓમાં બન્યું હશે, પણ બધે ફેર મતગણતરી થતી નથી એટલે યોગ્ય તે વ્યક્તિ જે તે સ્થાન પર હોતી નથી ને અયોગ્ય વ્યક્તિ અનધિકાર તે સ્થાન પર બિરાજે છે. તળિયાઝાટક તપાસ થાય ને તે પણ જરૂર પડ્યે સુપ્રીમની હાજરીમાં, તો ઘણા મંત્રી, સાંસદો, ધારાસભ્યો કે કોર્પોરેટરો ઘરભેગા થઈ શકે અને જેમને ઘર ભેગા કરવામાં આવ્યા હતા તે સત્તા સ્થાનો પર આવે એમ બને.
એમ લાગે છે તમામ ક્ષેત્રે પારદર્શિતા ખૂટે છે ……
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2025