જુઓ આ જંગ, ઘડીમાં રંગ ને ઘડીમાં પતંગ !
એક શરીર ને ઝાઝા અંગ
જુઓ એનો જંગ ય ઘડીમાં રંગ ને ઘડીમાં પતંગ
સભા ભરીને બેઠાં સહુ
છે મનના રાજા સહુ.
હાથ :
એક સમયે હતા અમે તો ક્રાન્તિ માટે !
દાળભાતના સબડકા માટે
કલાકસબના જાદુ માટે
કથાકથનની રચના માટે
હજી પણ અમે ભાવ અમારા ઊંચાં
તાજમ અમારી હજારગણી.
મોં :
હેઠો પડ હવે,
ખબરદાર, આવ્યો છે મારા સુધી તો
નથી ભાઈબંધ તું સારો, એકલપેટો !
વાપરે દારુ તણું સેનેટાઈઝર ને પહેરે મોજાં
ટટલાવે મને વારંવાર, એક વાર નહીં હજારવાર !
નાક :
રહેવા દો હવે, વટ તો મારો ભારે
મોંપત્તી બાંધી ફરો ને સાચવો મને
કહું સાચું રહું જ ગંધથી દૂર તો
ટકી રહું આરામથી !
આંખ :
ખબરદાર, હાથ ન જોઈએ મારી પર
ભૂલ ન થાય સર આંખો પર
જોઈ જોઈને થાકી અમે
આરોઓવારો નહીં હવે !
કાન :
સમાચાર સૂણી સૂણી થાક્યા હવે
બહેરા થઈએ તો મળે વરદાન
પણ, એ હાથ ન જોઈએ તમારો સાથ
અમ પર પર મૂકવા બબ્બે હાથ !
વાળ :
એ હાથ, જરા તો મદદ કરો
ન કોઈ અમને પૂછે ને કોઈ સૂંઘે
ગઈ તાજમ હવે વાળ ને નામ
પ્લીજ, ધૂઓ મને ને રાખો સાફ.
જીભ :
એ હાથ, જરા લાવને જરા લીંબુપાણી
મહીં નાખજે મીઠું ચપટી
સારો થવાનો એક ઉપાય
એ હાથ જરા આપ સાથ
તો ગળે ઉતરે ગરમપાણી
કારણ છે ચટાકા મારા તો ભારે !
દાંત :
એ હાથ, લે ચમચી હાથ
ગરમ કોળિયો મૂક એની સાથ
ઓ બેન લાળ, ઝરે જો તારું અમી
તો ચાવેલો કોળિયો બને અમૃતિયો
ગળું :
ખોંખોરો આવ ને લોકો ડરે
દૂર ભાગે ખોંખલાં જણથી
લીંબુપાણીમાં નાખજે ગોળ ભઈલા,
મરીમસાલો ભૂલતો નહીં,
તો જ જાય એ ખરેટી
ફેફ્સાં :
રચે છે જાળું ને મારે તાળું
આ કોરોનિયા કાળું
કોરી કોરીને ખાઈ જાય છે શ્વાસ
કરે છે સહુને ઉદાસ
એ હાથ, જરા સાથ આપ બાપુડિયા
તો બચશે સહુના જીવ માવડિયા.
હૃદય :
ધબકારા ચૂકું છું હું
ડરી ડરીને પડું છું ધીમું હું
મન ને મગજને થાય છે અસર સીધી
આડીઅવળી થઈ જાય છે રેખા સીધી
ઓ હાથ, આપ જરા સાથ!
જઠર :
ખોરાક રહે છે પચ્યા વગર
ચાવી ચાવીને નથી ખાતા આ દાંત
થાય પછી એસિડિટી ને આવે ઓડકાર
એ ભાઈ દાંત ને બેન જીભલડી
જરા સમજો તો થઈએ પાર !
આંતરડાં :
વળી જઈએ છીએ આ બબાલથી
નથી રાહત કોઈ કરમથી
ઓ ભાઈ જઠર, કાંઈ કર બાપલિયા !
પગ :
કરી ઘણી દડમજલ તોયે ના આવ્યું ઘર
ઘરે રહો, સલામત રહો
પણ છે ક્યાં ઘર?
ને જ્યાં છે ઘરનો વિસામો
તો પણ નહીં ટકે ટાંટિયા ઘરે
છે કામ હજાર બહાર હવે
ટાંટિયાતોડ જંગનો વારો હવે !
ખભા :
ઝિલ્યો છે ભાર, છૈયાંછોકરાં તણો
ઘરવખરી સાથે
ગિરાસમાં તો ચાપુચપટી ને
ખભે કાવડનો ભાર !
છે સાથ હાથ તણો
તો ઝિલાયો ભાર જંગ કેરો.
પીઠ ને કરોડરજ્જુ :
થાકે ખભા તો ભાર
ઝિલાય પીઠે ને એને
સાથ કરોડરજ્જુ તણો
ટકી રહે સઘળાં અળવીતરાં
કરોડરજ્જુ સંગાથે
પણ જો રિસાઈ કરોડરજ્જુ ને
ખસકે મણકાં તો ન રહે આરોઓવારો !
મગજ :
તો હવે બોલું?
લડો, નહીં ને સમજો સહુ
અંતર રાખી જીવો સહુ
છતાં યાદ રાખો
સંપ ત્યાં જંપ
મન :
છો તમે બધાં એક મનઆત્માપ્રાણ ને
એક દેહના નિવાસી
રહો અહીં, કરો મોજ
ડરો નહીં પણ જીવો રોજ
નથી આરો એકમેકનો
સાથ સહુનો સાચો સારો
મોં હોય કે હાથ
કરવા સહુએ કામ સંગાથ
જો અરસપરસ રહીશું સંપથી
તો હરાવીશું કોરોના કંઠથી જ
ને રહી શકીશું જંપથી.
સહુ સાથે :
વાત સાચી મન તણી
નહીં લડીએ ને નહીં સડીએ
બસ, નહીં અડીએ એકમેકને
પણ કરીએ પ્રેમ એકમેકને………..
[15-05-2020]