મહાત્મા ગાંધીની હત્યા થઈ પછી RSS પર પ્રતિબંધ મૂકાયો હતો. ઉપરાંત, RSSના દ્વિતીય સરસંઘચાલક એવા માધવ સદાશિવ ગોલવલકર ઉર્ફે ગુરુજી સહિત અનેક સંઘીઓની ધરપકડ કરવામાં આવી હતી. પછી તે સમયના કાયદા અનુસાર લગભગ છ મહિનામાં એ બધાને જેલમુક્ત કરાયા હતા.
પરંતુ સરદાર પટેલ દ્વારા કે નેહરુની સરકાર દ્વારા RSS પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો નહોતો. ગોલવલકર એ હટાવી લેવાય તેને માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ કે મહાત્મા ગાંધીની લગભગ દરેક વાતનો વિરોધ જે સંઘ કરતો હતો તેણે ગાંધીના સત્યાગ્રહનો રસ્તો પોતાના પરનો પ્રતિબંધ હટાવવા માટે અપનાવ્યો હતો!
તેમાં ચાલેલા દેખાવો અને જેલ ભરો આંદોલનમાં સંઘના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૬,૧૮૦ જણની ધરપકડ થઈ હતી.
સરદાર પટેલ તે સમયે દેશના ગૃહ પ્રધાન હતા અને તેમના હાથ નીચે જ દિલ્હીની પોલિસ કામ કરતી હતી. આ દિલ્હી પોલિસના એક અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે, “વિદ્યાર્થીઓને તેમનાં માતાપિતાની સંમતિ વિના જ સત્યાગ્રહીઓ તરીકે મોકલી દેવામાં આવ્યા હતા અને કેન્દ્રીય પ્રાંત તેમ જ પૂર્વ પંજાબમાં અનેક સ્વયંસેવકોને પૈસા આપવાનું વચન આપીને સત્યાગ્રહમાં જોડવા માટે ભાડે રાખવામાં આવ્યા હતા.”
જો પોલિસનો આ અહેવાલ ખોટો છે એમ કહેવામાં આવે તો સરદાર પટેલની પોલિસ ખોટી હતી એવો એનો અર્થ થઈ જાય, નહીં? એવું તો કેવી રીતે કહેવાય હવે?
આ વાંચીએ તો ખ્યાલ આવે કે RSSના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી તેમની સભાઓમાં શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ફરજિયાત જોડે છે કેમ? અને વળી, પૈસા આપી આપીને લોકોને સભાઓમાં એકત્ર કરે છે કેમ? બહુ જૂની રીતરસમ અને હિન્દુત્વની પરંપરા લાગે છે પૈસા આપીને લોકોને ભેગા કરવાની!
ગાંધીના સત્યાગ્રહમાં કોઈને પૈસા આપીને ભેગા કરવામાં આવતા નહોતા. જેમાં પૈસા આપવાનું વચન આપીને લોકોને બોલાવવામાં આવે તેને સત્યાગ્રહ કહેવાય ખરો? RSS જ જાણે! અને વળી, જેને સત્ય સાથે કશી લેવાદેવા જ નહીં, એ સત્યાગ્રહ શબ્દ વાપરીને આંદોલન પણ કરે તે RSS!
જવાહરલાલ નેહરુએ તા.૦૫-૧૨-૧૯૪૮ના રોજ સરદાર પટેલના ગૃહ મંત્રાલયને લખેલી એક નોંધમાં લખ્યું હતું કે, “RSS……જે કંઈ કરે છે અથવા જાહેરમાં કહે છે એને એ જે કંઈ ખાનગીમાં કરે છે એની સાથે કોઈ સંબંધ હોતો નથી.” નેહરુએ ફરી કે વાર તા.૦૩-૦૨-૧૯૪૯ના રોજ પ્રાંતોના મુખ્ય પ્રધાનોને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”
તા.૨૬-૧૨-૨૦૨૫
સ્રોત:
‘Golwalkar: The Myth Behind The Man and The Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે ઝા, પાના નંબર: ૨૪૮, ૨૫૦, ૨૫૧, ૨૫૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

