Opinion Magazine
Number of visits: 9451837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાબીબહેન રબારી : ભારતની પ્રથમ રબારી મહિલા ઉદ્યોગસાહસિક

નિલેશ પ્રિયદર્શી|Opinion - Opinion|1 December 2017

પત્ની ઘર સંભાળે, પતિ કમાવી લાવે, પત્ની ચુપચાપ ઘરમાં સાસુ – સસરાની સેવા કરે, બાળકોનો ઉછેર કરે. ડગલે ને પગલે અપમાનોના કડવા ઘૂંટ પીને પણ ઘરસંસારની ગાડી સુપેરે ચલાવે. ભારતના ગ્રામીણ સમાજમાં આદર્શ નારીની સર્વસામાન્ય વ્યાખ્યા કંઈક આવી જ છે.

હજુ હમણાં સુધી ભારતમાં સ્ત્રીઓનું સશક્તિકરણ સમાજના અમુક વર્ગો અને અમુક પ્રદેશો સુધી સીમિત હતું. વૈશ્વિકીકરણને કારણે આજે સશક્તિકરણનો વિચાર છેક છેવાડાનાં ગામડાંઓ સુધી પહોંચ્યો છે. ગામડાંની મહિલાઓ પણ સ્વબળે, સંઘર્ષ કરીને, પોતાની કોઠાસૂઝ અને આવડતનો ભરપૂર ઉપયોગ કરીને નોંધપાત્ર પ્રગતિ કરીને સમાજમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવો જ પ્રેરણાદાયક કિસ્સો છે કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં પાબીબહેન રબારીનો.

મુંદ્રા તાલુકાના કુકડસર ગામે જન્મેલાં પાબીબહેને માંડ શિક્ષણની શરૂઆત કરી હતી, ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. સૌથી મોટાં પાબીબહેને વિધવા માતા તેજુબહેનને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી પોતાનો અભ્યાસ છોડી દીધો, રૂપિયે હેલ પાણી ભરીને માતાને આર્થિક ટેકો પૂરો પાડ્યો. સંઘર્ષમય જિંદગીમાં, આર્થિક સંકડામણ દૂર કરવા માતા પાસેથી રબારીભરતની પરંપરાગત કારીગરી શીખી સ્થાનિક સંસ્થાઓ માટે ભરતકામ કરવાનું ચાલુ કર્યું. સમાજનાં રીતિરિવાજ મુજબ ૧૮માં વર્ષે ભાદ્રોઈ ગામના લક્ષ્મણ રબારી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં.

રબારીસમાજનાં રીતિરિવાજ મુજબ લગ્ન પહેલાં છોકરીએ પોતાના હાથે ભરતકામ કરીને ઘર-ઉપયોગી વસ્તુઓ તૈયાર કરીને દહેજના રૂપમાં પોતાના સાસરે લઈ જવાની હોય છે. લાંબા સમય સુધી દહેજની વસ્તુઓ તૈયાર થતી ન હોવાથી છોકરીઓનાં લગ્નમાં ઘણું જ મોડું થતું હતું, તેથી ૧૯૯૦ના દસકામાં સમાજમાં આગેવાનોએ પોતાના માટે કરવામાં આવતા ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો.

પોતાની ભરતકામની પરંપરા અચાનક અસ્ત ન થઈ જાય તે ઉદ્દેશ્યથી રબારી મહિલાઓએ ભરતકામના વિકલ્પ રૂપે ફૂમકા અને લેસનો ઉપયોગ કરીને પોતાનાં કપડાં બનાવવાનું શરૂ કર્યું. આ કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી. પાબીબહેને હરી જરી કળાનો ઉપયોગ કરીને પોતાના ઘરેલું ઉપયોગ માટે પહેલવહેલી બૅગ બનાવી, પરંતુ મર્યાદિત રંગોના કારણે તેમને તે આકર્ષક ન લાગી.

પાબીબહેને માર્કેટમાં જઈને પોતાની પસંદગીની લેસ અને જરી ખરીદીને આકર્ષક બૅગ તૈયાર કરી. કોઈના પણ માર્ગદર્શન વગર જાતે જ બૅગ તૈયાર કરી હોવાથી મનમાં ઉત્સાહ પણ હતો અને સાથે મૂંઝવણ પણ હતી કે આ બૅગ લોકોને ગમશે કે નહીં. જ્યુડી ફ્રેટરના સહયોગથી કેટલાક વિદેશી મહેમાનોનો અભિપ્રાય માગ્યો. વિદેશી મહેમાનોને પ્રથમ નજરે જ બૅગ ગમી ગઈ અને પાબીબહેનનાં ભરપૂર વખાણ કર્યાં. પાબીબહેનની આ ડિઝાઇન ઊડીને આંખે વળગે તેવી હોવાથી તેને ‘પાબીબૅગ’ એવું નામ આપવામાં આવ્યું. પાબીબૅગ ધીરેધીરે લોકપ્રિય થવા લાગી અને સીમાડાઓ વટાવીને હોલીવૂડ સુધી પહોંચી ગઈ. હોલીવૂડની ફિલ્મ ‘ધ અધર એન્ડ ઑફ લાઇન’માં ફિલ્મની અભિનેત્રીએ સમગ્ર ફિલ્મમાં પાબીબૅગનો ભરપૂર ઉપયોગ કર્યો. પોતાની ડિઝાઇન કરેલ બૅગને મળેલ ભવ્ય સફળતાથી પાબીબહેનની આંખોમાં હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં. ત્યાર પછી બોલીવૂડની ફિલ્મોમાં પણ પાબીબૅગનો ઉપયોગ થવા લાગ્યો.

પાબીબૅગની અભૂતપૂર્વ સફળતાને પગલે પાબીબહેનને હજુ પણ નવીન ડિઝાઈનો બનાવવાની પ્રેરણા મળી. હજુ સુધી બીજાઓ માટે બૅગ બનાવનાર પાબીબહેને વિચાર્યું કે નફાનો મહત્તમ ભાગ બૅગ બનાવનાર કારીગર બહેનને કેમ ન મળે? પાબીબહેનને વિચાર આવ્યો કે આ કામમાં રબારીસમાજની અન્ય મહિલાઓને કેવી રીતે જોડવી, તેમને કેવી રીતે પગભર કરવી? વિચારોની આ કશ્મકશમાં તેમને પોતાની જ કારીગર બહેનો માટેની કંપની બનાવવાનો વિચાર આવ્યો. કરિયાણાની દુકાનમાં નોકરી કરતા લક્ષ્મણ રબારીને પત્ની પાબીબહેને પોતાનો વિચાર જણાવ્યો. પતિ લક્ષ્મણભાઈએ સહેજ પણ વિલંબ વગર પત્નીના આ પ્રસ્તાવને વધાવી લીધો, અને પત્નીને ધંધામાં મદદરૂપ થવા પોતાની નોકરી છોડી દીધી. સંભવતઃ લક્ષ્મણભાઈ ગ્રામીણ ભારતના પહેલવહેલા પુરુષ હશે, જેમણે પત્નીને આગળ વધારવા પોતાની નોકરીનો ભોગ આપ્યો અને આર્થિક સંકડામણ વહોરી લીધી.

પાબીબહેન વિશ્વ સમક્ષ પોતાની કલાકારીગરીની ઓળખ પ્રસ્થાપિત કરવા માંગતાં હતા. તે પોતાના આ સાહસ માટે એક એવું નામ વિચારતાં હતાં કે જે એકદમ પરંપરાગત હોય, યાદ રાખવામાં સહેલું હોય અને લોકોના દિલને સ્પર્શી જાય. તેમને વિચાર આવ્યો કે રીતુકુમાર જેવા ડિઝાઇનરની પોતાની નામની બ્રાન્ડ હોય, તો કારીગરની પોતાની બ્રાન્ડ કેમ ના હોય? પોતાના હિતેચ્છુઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ તેમણે ‘પાબીબહેન.કોમ’ (http://www.pabiben.com) નામ પસંદ કર્યું . આ નામ જ દર્શાવે છે કે ગામડાંની એક સામાન્ય મહિલા પોતાની પરંપરાને સાથે રાખીને ઇન્ટરનૅટનો ભરપૂર ઉપયોગ કરીને નવી ક્ષિતિજો સર કરવા માંગે છે. કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછી સરકારે કચ્છને ટૅક્સ-ફ્રી બનાવીને ઘણા ઉદ્યોગોને કચ્છમાં આમંત્રિત કર્યા, જે કચ્છની હસ્તકલા માટે ફટકારૂપ સાબિત થયા. ભૂકંપ બાદ કચ્છમાં સ્થાપિત ઉદ્યોગોને મોટા પ્રમાણમાં મજૂરવર્ગની જરૂરિયાત ઊભી થઈ. ઉદ્યોગગૃહોએ પોતાની જરૂરિયાત સંતોષવા કચ્છના કારીગર-સમુદાય પર નજર દોડાવી. પૈસાના પ્રલોભન દ્વારા, વર્ષોથી પરંપરાગત કલાકારીગરીનું કામ કરતો કારીગર-સમુદાય, પોતાનું પરંપરાગત કામ છોડીને ફૅક્ટરીઓમાં મજૂરીકામ કરવા લાગ્યો. ખાસ કરીને ગ્રામીણક્ષેત્રની કારીગર બહેનો કલાકારીગરીનું કામ છોડીને ઉદ્યોગોમાં મજૂરીકામ કરવા લાગી, જેનાથી કચ્છની પરંપરાગત હસ્તકલાઅસ્તિત્વ સામે જોખમ ઊભું થયું. રબારીસમાજની બહેનો ધીમેધીમે પોતાના કામમાંથી રસ ગુમાવી રહી હતી અને બીજી બાજુ આર્થિક સંકડામણ દૂર કરવા ફૅક્ટરીમાં મજૂરીકામ કરતી હતી. પાબીબહેન ભવિષ્યમાં આવનારા જોખમ બાબતે ખૂબ જ ચિંતિત હતાં પણ પોતાના સમુદાયની બહેનોને યોગ્ય વિકલ્પ પૂરો પાડવા અસમર્થ હતાં.

પોતાના નવા સાહસ ‘પાબીબહૅનડોટકોમ’ના માધ્યમથી મજૂરીકામ કરતી આવી કારીગર બહેનોને શોધીને ફરીથી પરંપરાગત કલાકારીગરીના કામમાં જોડવી એવા ઉમદા વિચાર સાથે પાબીબહેને નજીકના મદદકર્તાઓ પાસે પોતાની બ્રાન્ડનો લૉગો અને ટૅગલાઇન પણ તૈયાર કરાવી છે.

‘રિડિસ્કવર ધ આર્ટિસન’ ટૅગલાઇન દ્વારા પાબીબહેન એવા કારીગરોને શોધવાં અને પાછા મેળવવાં માંગે છે, જેમણે આર્થિક સંકડામણના કારણે પરંપરાગત કલાનું કામ છોડી દીધું હોય અને મજૂરીકામ કરવાનું ચાલુ કર્યું હોય.

સમાજની ૫૦ બહેનોને જોડીને તેમણે પોતાના આ સાહસની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં આવી ૫૦૦ બહેનોને પોતાની સાથે જોડવાની ખેવના પાબીબહેન ધરાવે છે.

એક કારીગરની પીડા કારીગર જ સમજી શકે, તેવું કહેતાં પાબીબહેન કારીગરોને પોષણક્ષમ ભાવ મળી રહે તેની હંમેશાં વકીલાત કરે છે. મજાની વાત એ છે કે તેમના આ ઉદ્યોગસાહસમાં કારીગરો જ દરેક વસ્તુના ભાવ નક્કી કરે છે. તેઓ હંમેશાં કારીગરોને સમજાવે છે કે પોતાની કલાકારીગરીનો ભરપૂર ઉપયોગ કરીને, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવો, જેથી તેનું આપોઆપ માર્કેટ ઊભું થાય.સમગ્ર દુનિયામાં આજે ‘ફેરટ્રેડ’ના વિચાર ચાલે છે, ત્યારે પાબીબહેને એક કદમ આગળ ‘ફેર પ્રોડક્ટ’નો ઉમદા વિચાર પોતાના સમાજની કારીગર બહેનોને આપ્યો છે. ગ્રાહકે ખર્ચેલા પૈસાની સામે તેને ગુણવત્તાયુક્ત વસ્તુના રૂપમાં તેનું મૂલ્ય મળવું જોઈએ. જ્યારે પણ કોઈ નવી ડિઝાઇન તૈયાર કરે છે, ત્યારે પાબીબહેન પોતાની જાતને પ્રશ્ન કરે છે કે ‘શું હું પોતે આ કિંમતમાં આ વસ્તુ ખરીદું ?’ આ પ્રશ્ન દ્વારા તે પોતાની નવીન પ્રોડક્ટની યથાર્થતા ચકાસે છે.

પાબીબહેન પાસે બિઝનેસની કોઈ ડિગ્રી નથી, પરંતુ ધંધાનો સાદો મંત્ર જાણે છે કે ‘જો એક ગ્રાહક તમારી વસ્તુથી ખુશ થશે, તો તે બીજા પચ્ચીસ લોકોને તમારી વાત કરશે’. ‘વર્ડ ઑફ માઉથ’ની આધુનિક થિયરી પાબીબહેન હસતાં-હસતાં પોતાની કારીગર બહેનોને સમજાવે છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાબીબહેન જણાવે છે કે ગામડાંઓનો વિકાસ થશે, તો જ દેશ પ્રગતિ કરી શકશે. આજે ગામડાંઓમાં રોજગારીના અભાવે લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે. શહેરોમાં લોકોના ધસારાને કારણે ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, ગુનાહીત પ્રવૃત્તિઓમાં વધારો થાય છે. એક તરફ ગામડાંઓ તૂટી રહ્યાં છે, તો બીજી તરફ શહેરો સામાજિક અસમાનતાનું કેન્દ્ર બની રહ્યાં છે.

પાબીબહેન સારી રીતે જાણે છે કે શહેરીકરણની આ સમસ્યાઓનો કાયમી ઉકેલ ગ્રામોદ્યોગ છે. સ્થાનિક લોકોને સ્થાનિક સ્તરે ગામડામાં જ રોજગારી પૂરી પાડવામાં આવે તો ગરીબી, બેરોજગારી અને પ્રદૂષણ જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય.

પાબીબહેન પોતાની આ વાત સમજાવતાં કહે છે કે ગામડાંઓમાં જ નાના નાના ગૃહઉદ્યોગો ચલાવવામાં આવે, તો રોજગારી માટે શહેરોમાં જવું ના પડે, વાહનોનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય, પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થાય, પૈસાની બચત થાય, વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, એકબીજાં સાથે કામ કરવાથી સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય, બાળકોનું અને કુટુંબનું ધ્યાન રાખી શકાય. સાથે સાથે આપણી પરંપરાગત કલાકરીગરીનું જતન થઈ શકે અને નવી પેઢી તેમાંથી પ્રેરણા લઈ તેને ટકાવી રાખે.

પોતાના સાહસ ‘પાબીબહેનડોટકોમ’ના માધ્યમ દ્વારા ગાંધીજીના વિચારો મુજબના આદર્શ સમાજનું નિર્માણ થાય. એક ગ્રામોદ્યોગના માધ્યમ દ્વારા ગ્રામ્યસંસ્કૃિત અને કલાવારસાનું જતન થાય, એવું એક આદર્શ ‘ગ્રામીણ બિઝનેસ મૉડલ’ પાબીબહેને અમલમાં મૂક્યું છે.

પાબીબહેનનું ધ્યેય છે કે તેમણે શરૂ કરેલ આ સાહસ બીજી કારીગર બહેનો માટે રોલમૉડલ બને, કારીગર બહેનો તેમાંથી પ્રેરણા મેળવે, પોતાની આવડતને ઓળખે અને પોતાની આવડતનો ઉપયોગ કરીને નવી ક્ષિતિજો સર કરે. ગાંધીજીના વિચારો મુજબના આ ગ્રામીણ બિઝનેસમૉડલને ૨૦૧૬ના વર્ષમાં જાનકીદેવી બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.

રબારી ભરતકામથી હરી જરી અને હરી જરીમાંથી નવીન સંશોધન કરીને ‘પાબી જરી’ નામની નવીન કારીગરીનાં પ્રણેતાં પાબીબહેન રબારીની સમગ્ર વિશ્વના કલારસિકોએ નોંધ લીધી છે.

સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને યુવાઓને ઘેલું લગાડનાર ફેસબુક પર પાબીબહેન પોતાની બ્રાન્ડ https://www.facebook.com/pabiben.rabari નામનું પેજ ધરાવે છે. પાબીબહેનને ફેસબુક પર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કચ્છના યુવાનો દરરોજ ફેસબુક પેજ પર તેમની કામગીરીના અપડેટ, તેમની કારીગરી પત્નીઓને બતાવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. નાના એવા ભાદ્રોઈ ગામના તેમના આ સાહસને લઈને સ્ત્રીઓ, બાળકો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો ગામનાં બાળકોને પાબીબહેનની સાફલ્યગાથા વર્ણવીને પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો ભારતની સૌથી જૂની વેપારી સંસ્થા સુરત ચૅમ્બર્સ ઑફ કૉમર્સે પાબીબહેનને લેક્ચર માટે આમંત્રિત કર્યાં છે.

ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની કોઠાસૂઝ અને નવીન ડિઝાઇનના કારણે પાબીબહેન કચ્છની હસ્તકલાનો ચહેરો બની ગયાં છે.

એક સમયે છત્તીસગઢના રાયપુરનાં જંગલોમાં ઘેટ-બકરાં ચરાવતાં પાબીબહેનને પોતાની સૂઝબૂઝના કારણે રાયપુરની જ નામાંકિત હોટલમાં ‘માય એફએમ જીઓ દિલ સે ઍવૉર્ડ’ માટે આમંત્રિત કરીને સન્માનિત  કરવામાં આવ્યાં.

પોતાના આ સાહસ દ્વારા ફક્ત રબારીસમાજ જ નહીં, પરંતુ કચ્છની સૌ મહિલાઓ માટે પ્રેરણાદાયક માર્ગ ચીંધતાં પાબીબહેનની વાત ‘મિલિયોનર હાઉસવાઇફ’ નામના હમણાં જ પ્રકાશિત થયેલ પુસ્તકમાં કરવામાં આવી છે.

ટેક્‌નોલૉજીનો હંમેશાં સૂઝબૂજથી ઉપયોગ કરવાના ગાંધીજી હિમાયતી હતા. પાબીબહેન પણ ફેસબુક અને વૉટ્‌સઍપનો સૂઝબૂજપૂર્વક ઉપયોગ કરીને લોકો સાથે જોડાયેલાં રહે છે. અલગઅલગ ગામડાંમાં રહેતી કારીગર બહેનોને નવીન ડિઝાઇન સમજાવવા વૉટ્‌સઍપથી ફોટા મોકલીને, મોબાઇલ દ્વારા વાતચીત કરીને સમય બચવીને પોતાના ઉત્પાદનને વેગવંતું બનાવે છે.

મહિલા સશક્તિકરણના પરિપ્રેક્ષ્યમાં રાજકીય-સામાજિક કરવટ બદલાઈ રહી છે, ત્યારે કચ્છના રબારીસમાજની બે સંતાનોની માતા પાબીબહેને દેશની રબારી જ્ઞાતિમાં અને સંભવતઃ સર્વ મહિલા કારીગર- સમુદાયમાં ‘પાબીબહેનડોટકોમ’ નામની બ્રાન્ડ સ્થાપિત કરીને તેને ગાંધીજીના વિચાર મુજબનું એક આદર્શ બિઝનેસસ્વરૂપ આપીને એક નવીન પ્રકારના ‘ગ્રામીણ બિઝનેસ’ મૉડલ’ની શરૂઆત કરી છે.

‘પાબીબહેનડોટકોમ’ નામના આ નવીન બિઝનેસ-મૉડેલને એક સક્ષમ અને ટકાઉ ગ્રામીણ મૉડલ તરીકે વિકસિત કરીને પાબીબહેન જેવી બીજી મહિલાઓને ઉદ્યોગ સાહસિક બનાવવામાં આવે, તો જ એક આદર્શ ગ્રામીણસમાજનું નિર્માણ થઈ શકે. આવી ઉદ્યોગસાહસિક મહિલાઓ ગ્રામોદ્યોગ દ્વારા કલાસંસ્કૃિતનું જતન કરીને પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’નું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક કરી શકે એમ છે.          

E-mail : priyadarshing@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 15-16

Loading

1 December 2017 admin
← ‘હું છું વિકાસ …’
સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ! →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved