
રવીન્દ્ર પારેખ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT-એન.સી.ઈ.આર.ટી.) અત્યારે ઠીક ઠીક ચર્ચામાં છે ને તેનાં તઘલખી તુક્કાઓ દ્વારા તેણે શૈક્ષણિક સંસ્થાઓ, તેનાં શિક્ષકો અને વૈજ્ઞાનિકોને ઘણાં આશ્ચર્ય અને આઘાતો આપ્યાં છે. આ કાઉન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકોમાં રિસર્ચને નામે ઈરાદાપૂર્વકની બાદબાકીનો જે અણઘડ રીતે મહિમા થઈ રહ્યો છે તે શિક્ષણ ક્ષેત્રે ઘણાં જોખમો ઊભાં કરે એમ બને. તેણે મોગલોના ઇતિહાસના પાઠ કાઢી નાખ્યા છે, ગાંધીજીની હત્યાને લગતી સામગ્રીની બાદબાકી કરી છે, 2002માં જે ગોધરાકાંડ થયેલો ને તે પછી જે તોફાનો થયેલાં તે પ્રકરણ ધોરણ 12માંથી કાઢી નાખવામાં આવ્યું છે, તેથી તે વખતે સંસદમાં અપાયેલી માહિતી કે તોફાનોમાં અંદાજે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા તે રેકોર્ડ તો કાઢી શકાય એમ નથી. માહિતી દૂર થતાં જે હજારેક જીવ ગયા તે ગયા નથી એમ કહેવાશે? એ જીવો પરત આવી જશે? ટેક્સ્ટબુકમાંથી એ વિગતો જાય તો મીડિયામાં જે સચવાયું છે તે નાબૂદ થઈ જશે? એટલું ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે ધોરણ 9-10નાં વિજ્ઞાનનાં પુસ્તકોમાંથી ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી પણ એન.સી.ઈ.આર.ટી.એ કાઢી નાખી છે. આ બધું કેમ થાય છે ને એમાં કોનો દોરી સંચાર છે તે કલ્પવાનું બહુ અઘરું નથી.
ઇતિહાસ જોડે ચેડાંની નવાઈ નથી, પણ વિજ્ઞાન પણ હવે તેમાંથી બાકાત નથી. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આજે બહુ સ્વીકાર્ય નથી, પણ ઉત્ક્રાંતિ જે ક્રમે થઈ તેમાં તેનું ચોક્કસ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ એ ક્રમ જાણે, શીખે એ માટે પણ તે દુનિયા આખીમાં ભણાવાય છે, પણ એન.સી.ઈ.આર.ટી.એ કોરોનાને નામે એ પાઠ કાઢી નાખીને જે વીરત્વ દાખવ્યું છે એથી દેશના 1,800 જેટલા વૈજ્ઞાનિકોએ, વિજ્ઞાનના શિક્ષકોએ, લેખકોએ વાંધો ઉઠાવીને એ પાઠ ફરી અભ્યાસક્રમમાં દાખલ કરવાની ખુલ્લી સહી ઝુંબેશ ચલાવી છે. જે પરિવર્તનો એન.સી.ઈ.આર.ટી.એ અભ્યાસક્રમોમાં કર્યાં છે તે શુદ્ધ બુદ્ધિથી થયાં હોવાનું એટલે લાગતું નથી, કારણ એમાં રાજકીય પૂર્વગ્રહો સંભળાયા કરે છે. કોઈ પણ વિદેશી શાસક તેનાં પ્રચારનું ધ્યાન રાખે અને તેની તરફેણનો ઇતિહાસ ભણાવે એ થતું આવ્યું છે. આ દેશે મોગલોનું અને અંગ્રેજોનું શાસન જોયું છે ને તેની સૈકાઓ સુધી ગુલામી વેઠી છે. એ પહેલાં હિન્દુ રાજાઓ આજની ‘હિન્દુત્વ’ની કશી ફ્લેવર ધરાવતા ન હતા. એમની વિલાસિતા ને એમનાં અંદરોઅંદરના કુસંપને કારણે જ વિદેશી પ્રજા આ દેશ પર શાસન કરવામાં સફળ રહી. બલકે, અંગ્રેજોને શાસન કરવાનું નિમંત્રણ આ દેશના ગદ્દારોએ આપ્યું અને રોબર્ટ ક્લાઇવે અંગ્રેજી સલ્તનતનો દેશમાં પાયો નાખ્યો. એ પહેલાં બાબરથી ઔરંગઝેબ સુધી મોગલોનું શાસન રહ્યું અને ત્યારે પણ હિન્દુ રાજાઓ અને હિન્દુ પ્રજાની કોઈ કારી ફાવી ન હતી. એ તો આજે હિન્દુ હિન્દુનું સંકીર્તન ચાલે છે, બાકી હિન્દુઓ સક્ષમ હોત તો સેંકડો વર્ષોની ગુલામી સામે ન આવી હોત. એવું ન હતું કે હિન્દુ રાજાઓ ત્યારે હતા જ નહીં. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ જેવાં વીરો અને વીરાંગનાઓનો તોટો ન હતો, પણ શત્રુઓની સામે ટકવાનું મુશ્કેલ હતું. વળી વિદેશી શાસકો વધુ ક્રૂર અને ઘાતકી હતા. વધુ શસ્ત્ર સરંજામ ધરાવતા હતા. ભારતના જ હિન્દુઓને લશ્કરમાં જોડીને તેનો હિન્દુઓ પર જ ઉપયોગ કરવામાં શાસકો સફળ થયા હતા. હિન્દુઓને વટલાવીને, તેમનાં મંદિરો તોડીને, તે પર મસ્જિદો બાંધીને સમગ્ર પ્રજાને હતોત્સાહ કરવાની કોઈ તક વિદેશી શાસકો ન ચૂક્યા, પણ કેટલાક શાસકો કળાપ્રીતિ, સ્થાપત્યપ્રીતિ પણ ધરાવતા હતા, તેનો એકડો કાઢી ન શકાય. અંગ્રેજોના સમયમાં કેટલાક સુધારાઓ પણ થયા એની નોંધ લેવી જ પડે. એ વખતે જે ઇતિહાસ લખાયો તે જે તે શાસકની આરતી ઉતારનારો હોય તો પણ તેમાં જે સાચું હોય તેટલું તો સ્વીકારવાનું રહે જ છે. એન.સી.ઈ.આર.ટી.નાં ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીને આ અંગે પુછાયું તો તેમણે જણાવ્યું કે પાઠ્યપુસ્તકોમાં જે બાદબાકી કરવામાં આવી છે તે તેમણે ચાર્જ સંભાળ્યો એ પહેલાંની છે. ગમ્મત તો એ છે કે જે રાજ્યમાં ગોધરાકાંડ સર્જાયો એની વાતો અન્ય રાજ્યોમાં ભણાવાતી હતી, માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને જ એ માહિતી અપાતી ન હતી.
ધારો કે કોઈ કોમ કે ધર્મ પ્રત્યે અણગમો હોય એટલે તેનો પાઠ કાઢી નાખવાનો હક એન.સી.ઈ.આર.ટી.ને મળી જતો નથી. ઇતિહાસમાં કોઈ ખામી હોય તો તે જરૂર સુધરાવે, પણ ખામીને કારણે આખા યુગ પર ચોકડી ન મારી શકાય. ધોરણ 12ના ઇતિહાસના પાઠમાંથી 28 પાનાંનું મોગલ શાસકોનું પ્રકરણ કાઢી નંખાયું. મોગલો કે અંગ્રેજી સત્તા પરત્વે ગમે એટલા વાંધા હોય તો પણ એવું કદી સાબિત ન થઈ શકે કે મોગલો આ દેશમાં આવ્યા જ ન હતા કે અંગ્રેજો એ આ દેશને ગુલામ બનાવ્યો ન હતો. અંગ્રેજો આવ્યા એ સ્વીકારવાનું હોય તો એ ગયા તે પણ સ્વીકારવું પડે. ગાંધી સામે ગમે એટલો તિરસ્કાર હોય તો પણ, અંગ્રેજોને કાઢવામાં એમનો ફાળો ન હતો એવું ભલે કેટલાંક ભારતીયો માને, તેથી કૈં દુનિયાને દેખાતું નથી એવું નથી. કેટલાક ભારતીયો ભલે ગાંધી કરતાં ગોડસે મહાન હતો એવું માનતા હોય તો પણ, તેણે દેશને આઝાદી અપાવી હતી એનો છેદ ઉડાવી શકાય નહીં. બાકી, ખોટું જ સાબિત કરવું હોય તો કૈં પણ થઈ શકે એવી રાજકીય સગવડો હાથવગી છે જ ! આજે ભા.જ.પ.ની સરકાર છે એટલે એ ભા.જ.પ. તરફી કૈં પણ કરવા સક્ષમ છે, પણ એ કદી સાબિત થઈ શકે એમ નથી કે 2014 પહેલાં પણ કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર હતી. એ સ્વીકારવું જ પડે કે ગમે એટલા વાંધા કાઁગ્રેસ સામે હોય તો પણ, નહેરુ દેશના પહેલા વડા પ્રધાન હતા. સારું કે ખરાબ, મુખ્યત્વે કાઁગ્રેસનું જ શાસન 2014 સુધી દેશમાં હતું. એ શાસનનાં જ સારાં માઠાં પરિણામો આજ સુધી ભોગવતાં હોઈએ તો પણ 1947માં ભા.જ.પ.નું શાસન હતું એ ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ સાબિત થઈ શકે એમ નથી. એ વખતે નહેરુ હતા તે હતા જ ! ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ તથ્ય ભા.જ.પ. કદી છેકી શકે એમ નથી. નહેરુનો પાઠ કાઢી નાખવાથી નહેરુ નામશેષ થઈ શકશે?
એટલે એન.સી.ઈ.આર.ટી. એ ચેષ્ટાઓ ન કરે તો ચાલે જે કેવળ બાલિશ છે. એમાં રમૂજ થાય એવી વાત તો એ છે કે આ ‘પાઠ કાઢ અભિયાન’ વિદ્યાર્થીઓનાં હિતમાં ચલાવાયું. એન.સી.ઈ.આર.ટી. જ જગત આખામાં એવી વ્યવસ્થા છે જે ઈચ્છે છે કે વિદ્યાર્થી ઓછું ભણે, બાકી બધાં જ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ ખૂબ ભણે. એન.સી.ઈ.આર.ટી.ને પૂછવામાં આવ્યું કે ‘પાઠ કાઢ અભિયાન’નો હેતુ શો છે? તો એનો રાજકીય જવાબ હતો કે પાઠ નથી કાઢ્યા, કેટલુંક પુનરાવર્તન હતું તે દૂર કર્યું. એવું કરવાની જરૂર કેમ પડી? તો એનો જવાબ હતો કે કોરોના સમયમાં વિદ્યાર્થીઓ પર ભારણ ન વધે ને અભ્યાસક્રમ તર્કસંગત બને. વિદ્યાર્થીઓની આટલી દયા કોઈએ ખાધી નથી. એ સાહેબોને પૂછી શકાય કે કેટલાક વિદ્યાર્થીઓને તો ભણવું જ ભાર રૂપ લાગે છે, તો એમને સીધું બોર્ડની પરીક્ષાનું પ્રમાણપત્ર મળી જાય એવી કોઈ જોગવાઈ થઈ શકે એમ છે? વિદ્યાર્થીઓને ભણ્યા વગર પ્રમાણપત્ર મળી જાય, અરે ! નોકરી જ મળી જાય તો કોઈ કાકો ભૂલમાં ય સ્કૂલ કે યુનિવર્સિટીનાં પગથિયાં ચડવા રાજી ન થાય એમ બને. તો, આવું ભારણ ન વધે એવી કોઈ વ્યવસ્થા એન.સી.ઈ.આર.ટી. કરવા તૈયાર છે? ને અભ્યાસક્રમ તર્કસંગત કરવા પાઠ કાઢ્યા તો સવાલ એ થાય કે ગોધરકાંડનું પ્રકરણ, ડાર્વિનની થિયરી … આ બધું તર્કસંગત ન હતું? એ તર્કસંગત નથી કે એન.સી.ઈ.આર.ટી.માં તર્કદોષ છે એનો જવાબ કોણ આપશે?
મુશ્કેલી એ થઈ છે કે વિદેશી સત્તાએ મરજી મુજબનો ઇતિહાસ લખાવ્યો, પણ હવે વિજેતા દેશી પક્ષો પોતાની રીતે ઇતિહાસ રચવાની પેરવીમાં છે. કાઁગ્રેસનું શાસન દાયકાઓ સુધી રહ્યું ને તેણે મોગલોનો ઇતિહાસ પોતાની રીતે ભણાવ્યો ને એવી અસર ઊભી થઈ કે દેશમાં મોગલોનાં શાસન સિવાય બીજું કૈં બહુ મહત્ત્વનું ન હતું. એ પછી ભા.જ.પ.નું શાસન આવ્યું ને તેણે નહેરુને બાજુ પર મૂક્યા. ગાંધી કરતાં ગોડસેનું મહત્ત્વ સિદ્ધ કરવાની કોશિશો થઈ. એ તો છે જ ને કે રામ, રાવણ વગર યાદ કરવાનું શક્ય નથી, કૃષ્ણ, કંસ વગર યાદ ન કરાય એ સમજી શકાય એવું છે. ભા.જ.પ.નાં શાસનમાં એટલું જરૂર થયું છે કે સરદાર વૈશ્વિક ઊંચાઈએ પહોંચડાયા છે. એમને ન તો ગાંધીએ ન્યાય કર્યો કે ન તો નહેરુએ. સરદારનું સ્થાન તો સ્પષ્ટ થયું છે, પણ એન.સી.ઈ.આર.ટી. કશાકથી પ્રેરાઇને જે રીતે ઇતિહાસ જોડે ચેડાં કરે છે તે ક્ષમ્ય નથી. ઇતિહાસને સુધારી શકાય, એ છેકીને એવું કૈં બન્યું જ નથી એમ સાબિત કરવામાં તો કોઈ બુદ્ધિમાની નથી. ઇતિહાસ કાઢવાથી બદલાતો નથી, તે વધુ સજીવ થાય છે. સોમનાથ કેટલી વાર તૂટયું તો પણ રહ્યું, તાજમહાલ કાગળ પરથી નીકળી શકે, યમુના પરથી કાઢવાનું અઘરું છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઍપ્રિલ 2023