હૈયાને દરબાર –
પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ ….
રાતદી’નો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ …
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે!
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે!
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ, તોય છેટાંનો ભાસ.
(૧૯૭૦)
• કવિ : માધવ રામાનુજ • સંગીતકાર : રાસબિહારી દેસાઈ • ગાયક કલાકારો : રાસબિહારી દેસાઈ-વિભા દેસાઈ
—
કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની,
વેણ એક વાંસળીનાં વેણ!
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપિચ્છ,
નેણ એક રાધાનાં નેણ!
− એવાં તો કેવાં ક’હેણ તમે આવ્યાં
કે લઈ ચાલ્યાં દૂર દૂર દૂર ! …
એકવાર યમુનામાં આવ્યું’તું પૂર …!
કવિ, ચિત્રકાર માધવ રામાનુજનો પરિચય મને આ ગીત દ્વારા થયો હતો. કેવી અદ્ભુત પંક્તિ છે કે કાંઠો તો યમુનાનો જ અને પીંછું તો મોરપિચ્છ જ હોઈ શકે, બીજું કંઈ નહીં. પરંતુ, આ ગીત પછી જે લાજવાબ ગીત સાંભળ્યું એ તો જાણે માધવભાઈનું યશકલગી સમાન ગીત છે.
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ …
આ પરિસ્થિતિમાંથી લગભગ દરેક વ્યક્તિ પસાર થઈ હોય છે. આ ગીતમાં વાત દાંપત્યજીવનની છે. સતત સહવાસ જ ઘણીવાર દૂરતાનું કારણ બની જાય છે. અતિ પરિચયેત્ અવજ્ઞાની જેમ લગ્નનાં થોડાં જ વર્ષોમાં એકબીજાંને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાની વૃત્તિનો જન્મ થાય છે. આ વૃત્તિ પ્રવેશે એટલે તકલીફ શરૂ થાય. સ્ત્રી-પુરુષ બન્નેને સાઉન્ડ બોક્સની જરૂર હોય છે કે કોઈ એમને સાંભળે, કોઈ એમને સમજે. એ ન થાય ત્યારે ‘સાથે’ હોવા છતાં ‘પાસે’ હોવાનો અહેસાસ નથી થતો. સંબંધમાં સમજદારી, પરસ્પર આદર અને પારદર્શકતા સૌથી અગત્યનાં છે.
કવિ માધવ રામાનુજે આમાં એક ગજબની વાત કરી છે કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ …! માધવભાઈએ અમદાવાદની સી.એન. કોલેજ ઑફ ફાઇન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ્સની પદવી મેળવી હતી. ૧૯૭૩થી તેઓ સી.એન. ફાઇન આર્ટસ કોલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. તેઓ અચ્છા ચિત્રકાર છે પરંતુ સાહિત્યસર્જનમાં વધુ ખૂંપેલા છે. લયમાધુર્ય અને ભાવોન્મેશ એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિ કાવ્યો તો એમનાં છે જ પરંતુ, એમનાં ગીતોમાં વિરહ અને પ્રતીક્ષાનો ભાવ સાહજિક પ્રવેશીને ગીતને અપેક્ષિત ઊંચાઈ આપે છે.
માધવભાઈએ આ ગીતના સંદર્ભે સરસ વાત કરી. તેઓ કહે છે, "કેટલીક બાબતો વિચિત્ર રીતે આપણા મનમાં રૂઢ થઈ ગઈ છે. જેમ કે આકાશ કહો તો આપણી નજર ઊંચે જ જાય. વાસ્તવમાં આકાશ એટલે કે અવકાશ – એ તો આપણને અડીને જ છે. આપણાથી જ શરૂ થાય છે. કેટલાક સંબંધો પણ એવા છે જે અત્યંત નિકટ હોય છતાં જાણે જોજનો દૂર હોય! પતિ-પત્ની રાત-દિવસ સાથે રહેતાં હોવાથી સામે મળવાનું સુખ તો કદી મળવાનું નથી. સતત સાથે રહેતી વ્યક્તિઓને સ્પેસ જોઈએ છે અને સંજોગોવશાત્ દૂર રહેનારને સાથે રહેવાની પ્રતીક્ષા હોય છે. હદ તો ત્યાં આવે છે કે પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ! મનથી સાથે નથી જ એટલે એ સપનું જ લાગે. સંબંધમાં આપણે કાં તો સાથે હોઈએ અથવા સ્મરણમાં હોઈએ. બે જ સ્થિતિ હોય છે. પછીનો અંતરો અદ્ભુત છે. ઝાડથી ખરે પાંદડું એમાં ય કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે? એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલાં દિવસ-રાતનાં સંભારણાં લઈને ખરતો હોય છે! ‘આવજો’ની ભીંત અને યાદોનું બારણું હશે … પંક્તિમાં દૂરતાની ચરમસીમા અને પ્રતીક્ષાની ખેવના હ્રદયસ્પર્શી રીતે પ્રગટી છે.
આખા ગીતમાં વિરોધાભાસી વિષાદની વાત બહુ નાજુક રીતે કહેવાઈ છે. જીવનની વાસ્તવિકતા સમજાવવા આકાશનું ઉદાહરણ યથાયોગ્ય છે. સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ!
"આ કવિતાનાં સર્જન સાથે કોઈ ઘટના જોડાયેલી છે? પ્રશ્ર્નના ઉત્તરમાં માધવભાઈ કહે છે કે "એવું કંઈ નથી અને હું માનતો પણ નથી. હા, એક કવિતા એવી રીતે સ્ફૂરી હતી. વર્ષો પહેલાંની વાત છે. અમદાવાદની હોટેલ પોએટ્સ પર કવિ-લેખકોનો અડ્ડો. દર ગુરુવારે ચિનુ મોદી સહિત ઘણા કવિઓ મળીએ. નિયમ એવો કે દરેકે નવી કવિતા લાવવાની. જે ન લાવે એણે ચા પિવડાવવાની. એ વખતે હું કોચરબ રહેતો હતો અને સાઇકલ લઈને આશ્રમરોડ પર દર્પણ એકેડેમીમાં સુશ્રી મંજુ મહેતા પાસે સિતાર શીખવા જતો. ગુરુવાર હતો ને રસ્તામાં યાદ આવ્યું કે કવિતા તો લખાઈ નથી. મનોમંથન થયું અને સાઈકલ પર જ આખી કવિતા રચાઈ ગઈ. એ કવિતા હતી :
એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
‘દર્પણ’ પહોંચીને તરત કાગળ પર ઉતારી લીધી. બાકી, "મોટેભાગે પંક્તિઓ સાહજિક જ ઊતરતી હોય છે.
રાસબિહારી દેસાઈએ આ ગીતનું સ્વરાંકન ખૂબ સરસ કર્યું છે. ૬ ઓક્ટોબર ૨૦૧૨માં સ્વરલીન થયેલા રાસબિહારી દેસાઈ નિષ્ઠાવાન સંગીતકાર હતા. કમ્પોઝ કરતી વખતે કાવ્યનું ભાવગ્રહણ, હ્રદયસ્થ થવું, શુદ્ધ ઉચ્ચારણ પર ખાસ ભાર મૂકતા. પોતે ફિઝિક્સના પ્રાધ્યાપક હોવાથી સંગીત એમને માટે મિશન જ રહ્યું હતું. ‘આદર્શ અમદાવાદ’ સહિત કેટલી ય જગ્યાએ તેઓ નિ:શુલ્ક શિખવતા. રાસબિહારી-વિભા દેસાઈએ ગાયેલાં આ યુગલગીત વિશે વિભાબહેન કહે છે કે, "રાસભાઈએ શબ્દોને અનુરૂપ ઉતારચડાવ સાથે આ ગીત સ્વરબદ્ધ કર્યું. ખાસ કરીને ગીતમાં આવતા આલાપમાં ‘પાસપાસે’ અને ‘દૂરતા’ની વાત સ્પષ્ટપણે પ્રગટે છે.
ગુજરાતીમાં યુગલગીતો ઓછાં છે પરંતુ આ બહુ ભાવપૂર્ણ અને લોકપ્રિય ગીત છે. એક કાર્યક્રમમાં અમે ગાયું ત્યારે સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રે પણ કમ્પોઝિશનની આ કમાલની નોંધ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ જ ગીત તાજેતરમાં હિમાલી વ્યાસ-નાયક અને પાર્થ ઓઝાએ નવી અરેન્જમેન્ટ સાથે રજૂ કર્યું છે.
માધવ રામાનુજનું અન્ય એક ગીત કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની પહેલી વખત વિભા દેસાઈ કંઠે સાંભળીને જ ગમી ગયું હતું. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ આ છે ;
કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની
કોઈ અનહદના સ્મરણમાં આંખ ભીની!
બીજી પંક્તિમાં એક અક્ષર માત્રથી અર્થ બદલાઈ જાય છે. પહેલી પંક્તિમાં પ્રિયજનના સ્મરણની વાત લાગે પણ બીજી પંક્તિમાં બદલાઈને પરમ તત્ત્વનાં સ્મરણ સુધી પહોંચી જાય છે. સંગીતકાર અમર ભટ્ટે આ ગીતનું સ્વરાંકન ખૂબ સરસ કર્યું છે. મુંબઈના પરેશ નાયકે પણ આ ગીત સુંદર સ્વરબદ્ધ કર્યું છે જે હિમાલી વ્યાસ નાયકે ગાયું છે.
આવાં ઉત્તમ ગીતો જ ગુજરાતી સુગમ સંગીતનાં આભૂષણો છે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઑક્ટોબર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657205