મુસ્લિમ પર્સનલ લૉ સહિતના બધા જ પર્સનલ લૉઝ તળેઉપર તપાસ તથા તળિયાઝાટક સાફસૂફી માગી લે છે
નવ નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે ‘રાઇટ ટુ પ્રાઇવસી’ને મૂળભૂત અધિકાર કહ્યાના શીર્ષ ઉભરાટેભર્યાં છાપાંથી ઘેરાયેલ શુક્રવારની સવારે બે અક્ષર પાડતી વેળાએ સર્વોચ્ચ અદાલત બાબતે ‘આફરીન’, ‘આફરીન’ના આફરે ઝોકું ખાવાથી બચવાનો મનોવ્યાયામ પણ ચાલી રહ્યો છે. જાહેર સ્મૃિત કહેતીગત ટૂંકી લેખાય છે તો પણ આ ક્ષણે ભૂલી શકાતું નથી કે પૂર્વે બબ્બે વાર સર્વોચ્ચ સ્તરે અલબત્ત નાની બેન્ચે ‘પ્રાઇવસી’ની એક અધિકાર તરીકેની મૂળભૂતતા બાબતે હાથ ઊંચા કરી દીધા હતા.
નહીં કે મારા તમારા અંગત દાયરાની અધિકારમા વજત બાબતે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી હું રાજી નથી. નહીં કે ‘આધાર’ સહિતના મુદ્દે એણે સંભાવનાની જે ક્ષિતિજો ખોલી નાખી છે તે સ્વાગતાર્હ નથી. માત્ર, અદાલતી કુમક અને બંધારણી હૂંફનાં ઓશિંગણ રહેતે છતે એનાં ઓશિયાળાં ન રહેવાનો આગ્રહ ચોક્કસ છે, કેમ કે સવાલ છેવટે તો જણનારીના જોરનો છે. આપણી લોકશાહીના મુખ્ય પક્ષો રાજકીય સંસ્કૃિતની દૃષ્ટિએ કેટલાક બુનિયાદી આગ્રહમાં ઓછા અને પાછા પડે છે, અને નાગરિક તરીકે આપણે એમનું મૂલ્યાંકન કરવામાં કંઈક મોળા પડીએ છીએ. કદાચ, આપણે આશુતોષ છીએ, કેમ કે પાયાની સમજ અને ધોરણનો આગ્રહ હજુ આપણો સ્થાયી પ્રજાકીય ભાવ બન્યો નથી. બાકી, સીનીઅર ચંદ્રચુડના વારામાં ભરકટોકટીએ હેબિયસ કોર્પસ બાબતે સર્વોચ્ચ અદાલતે હાથ ઊંચા કરી દીધા તે પછી આપણે અદાલતો બાબતે આશાઅપેક્ષાવશ આશ્વસ્ત જ આશ્વસ્ત નહીં રહેવાની જરૂર હતી અને છે.
વાતની શરૂઆત સ્વાભાવિક જ શુક્રવારની સવારથી કરી પણ ખરું જોતાં ભઠ્ઠી તો બુધવારની બપોરથી જ તપવા માંડેલી હતી. ‘તીન તલાક’ને તલાક આપતો ચુકાદો ગમ્યો જ હતો. કોને ન ગમે. લાંબે સમયે પણ એક સોજ્જું પગલું શક્ય બન્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ પણ નથી. પણ પ્રશ્ન એ છે કે એક નાગરિક સમાજ તરીકે આ પ્રક્રિયામાં તમે અને હું ક્યાં ઊભા છીએ. પ્રશ્ન એ પણ છે કે શાસન પોતાના ઉત્તરાદાયિત્વને મુદ્દે ક્યાં ઉભેલું છે.
રાજકારણીઓનું તો જાણે કે સમજ્યા (જો કે તેઓ કોઈ આરોપથી અતીત નથી); પણ આપણે નાગરિક છેડેથી આ પ્રશ્નને ‘હિંદુ’ કે ‘મુસ્લિમ’ પ્રશ્ન તરીકે જોઈએ છીએ કે લૈંગિક ન્યાયની નાગરિક ચિંતા તરીકે જોઈએ છીએ? મોદી સરકાર મુસ્લિમ મહિલાઓની મુક્તિનો જશ હંમેશના સ્વાવલંબનપૂર્વક લે તો ભલે, પણ બન્યું તો સર્વોચ્ચના બહુમતી ચુકાદાથી છે – અને એ માટે જે પહેલ, જે ખાંખત અને સર્વાધિક તો જે હિમ્મત તે તો અદાલતનાં દ્વાર ખટખટાવનારી મુસ્લિમ મહિલાઓની છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ ચુકાદામાં ધરમમજહબ આધારિત પર્સનલ લૉની ફતેહ જોઈ છે, કેમ કે સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદામાં કહ્યા પ્રમાણે તીન તલાક ઇસ્લામની વિરુદ્ધ છે. મુસ્લિમ બોર્ડે, હકીકતે, મોડે મોડે પણ આ કેસમાં એક વિશેષ એફિડેવિટ વાટે આ મતલબની રજૂઆત પણ કરી હતી. જો કે, સાથોસાથ, સરકારને હસ્તક્ષેપ નહીં કરવા અનુરોધ પણ કર્યો હતો. અદાલતે પણ, તમે જુઓ કે, પર્સનલ લૉને અડવાપણું જોયું નથી અને ત્રણે પ્રકારની તલાકને ગેરકાનૂની ગણાવવાની કેન્દ્ર સરકારની રજૂઆત બહાલ નહીં રાખતા કેવળ ‘તીન તલાક’ બાબતે જ પગલું ભર્યું છે.
હવે શું, એ વિચારવા 10મી સપ્ટેમ્બરે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ મળી રહ્યું છે. ‘તીન તલાક’ ચુકાદાને મૂળભૂત અધિકારરૂપ ધર્મસ્વાતંત્ર્ય પરના પ્રહારરૂપે ઘટાવવાના જમિયત ઉલમા એ હિંદના વલણ કરતાં પર્સનલ લૉ બોર્ડની ભૂમિકા જરૂર આગળ જતી છે. પણ પ્રશ્ન એ છે કે પર્સનલ લૉ બોર્ડે પોતે આગળ પડીને ‘તીન તલાક’ને રદબાતલ ઠરાવવાની દિશામાં આટલાં વરસ સુધી કોઈ અસરકારક કારવાઈ કેમ ન કરી? મુસ્લિમ નેતાગીરી કોઈ રાજકીય ગણતરીથી પાછળ પડી હશે, કે પછી આપણે ત્યાં એકંદરે જે પુરુષસત્તાક સમાજમાનસ છે એ કામ કરી ગયું હશે? ઓછેવત્તે અંશે બંને કારણ હોઈ શકે છે.
રાજકીય ગણતરીઓ ઉપરાંત, સવિશેષ તો, રાજકીય માહોલનો પણ સવાલ છે. આ સવાલ ગઈ અગર એથી આગલી સદીથી ખેંચાતો આવ્યો છે; કેમ કે રાષ્ટ્રની વ્યાખ્યા ધર્મકોમને ધોરણે કરવાનો એક પ્રવાહ શરૂ થયેલો છે. આ પ્રવાહ 1947ના ભાગલા સુધી લઈ ગયા પછી અટક્યો નથી. એણે સામસામાં કોમી ધ્રુવીકરણથી, રાષ્ટ્રવાદની સાંકડી ને ઝનૂની સમજથી બળતામાં ઘી હોમવાનું ચાલુ રાખ્યું છે. સૌથી મોટી વાત કદાચ એ છે કે આપણા રાજકારણે અને જાહેર જીવને સુધારાની ચળવળને નામે લગભગ માંડી વાળેલું છે. જીર્ણમતના ગૌરવનું રાજકારણ, સમગ્ર સ્વરાજકારણને ગ્રસી તો નહીં જાય ને, એવી દહેશત અસ્થાને નથી.
મુસ્લિમ નેતાગીરીને આજે નર્મદ, દુર્ગારામ જેવા સુધારકોની એક આખી શૃંખલાની જરૂર છે. તીન તલાક, કેમ કે ઇસ્લામવિરુદ્ધ છે, માટે જાય એવી દલીલનો રાહ લેતી સર્વોચ્ચ અદાલત અગર તો અમે તીન તલાકને ધર્મ સમ્મત માનતા નથી એમ કહેતે છતે સુધારા બાબતે સુસ્ત રહેતું પર્સનલ લૉ બોર્ડ એ કોઈ ઉગાર નથી. મુદ્દાની વાત એ છે કે લૈંગિક ન્યાય અને સમાનતાનું જે મૂલ્ય છે એને ધોરણે મુસ્લિમ પર્સનલ લૉ સહિતના બધા જ પર્સનલ લૉઝ તળેઉપર તપાસ અને તળિયાઝાટક સાફસૂફી માગી લે છે.
સંઘ પરિવારગત ‘હિંદુ’ પ્રતિક્રિયા આવા સમગ્ર સંદર્ભમાં ભાગ્યે જ પથ્ય પુરવાર થાય. મુસ્લિમ સ્ત્રીઓના ત્રાતા તરીકે પોતાને આગળ કરતી રાજનીતિની પનાહમાં સ્ત્રી-અત્યાચારના જખમ હજુ નીંગળતા નથી એમ કહી શકાતું નથી. યુનિફોર્મ સિવિલ કોડનો નારો ને નેજો આ નિમિત્તે ફરી ઊઠવાનાં હોય તો પહેલાં તો એના ભળતા ગુજરાતી બાબતે નિર્ભ્રાન્ત થઈ જઈએ. ‘સમાન નાગરિક ધારો’ માંનો ‘નાગરિક’ શબ્દ ગેરરસ્તે દોરે છે. આ ધારો વારસા, લગ્ન ઇત્યાદિ કૌટુંબિક બાબતોને લગતો છે. દેશની એકતાના અર્થમાં અહીં ‘નાગરિક’ એ પ્રયોગ નથી તે નથી. બીજું, હિંદુ-ખ્રિસ્તી-મુસ્લિમ પર્સનલ લૉઝને એક જ લૉ બનાવી દેવા સાથે કથિત ધર્મસ્વાતંત્ર્યના સવાલો સંકળાયેલા હોય એ સંજોગોમાં નવાં મૂલ્યો (જેમ કે જેન્ડર જસ્ટિસ)ને ધોરણે જે તે પર્સનલ લૉમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાય, એ વાનું અગ્રતા માંગી લે છે.
અંતમાં મેન ઓફ ધ મેચ – સૉરી, પર્સન્સ ઑફ ધ મેચ રૂપ ઉભરેલી મુસ્લિમ મહિલાઓને સલામ સાથે આપણે મજાઝની એ પંક્તિઓ સંભારીશું જે આ દિવસોમાં આરીફ મોહમ્મદ ખાને દોહરાવી છે:
તેરે માથે પે યે આંચલ બહૂત હી ખૂબ હૈ લેકિન
તૂ ઇસ આંચલ સે પરચમ બના લેતી તો અચ્છા થા.
સૌજન્ય : ‘સુધારાનો સાદ’, “દિવ્ય ભાસ્કર”, 26 અૉગસ્ટ 2017