
નેહા શાહ
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ ઓપરેશન સિંદૂરના ચહેરા બનીને ઉભર્યાં, જ્યારે યુદ્ધના ચાર દિવસ દરમ્યાન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભારતનો પક્ષ રજૂ કર્યો. એક હિંદુ અને એક મુસલમાન મહિલા અધિકારી જોડે સ્ટેજ પર આવીને દેશ અને દુનિયાને એક સ્પષ્ટ સંદેશો આપ્યો કે આપત્તિના સમયે ભારતનો દરેક નાગરિક એક બીજા સાથે ખભેખભા મેળવીને ઊભો છે. આઝાદીના સમયે ‘ભારત’ની જે કલ્પના આપણા પૂર્વજોએ કરી હતી એની જ એક છબી આપણી સામે રજૂ થઇ, જે માટે ગૌરવની લાગણી થઇ.
યુદ્ધ વિરામ જાહેર થયું નથી અને ‘વૈવિધ્યમાં એકતા’ અને ‘નારી શક્તિ’ની જે છબી ઓપરેશન સિંદૂર દરમ્યાન ઊભી થઇ હતી એને તોડતી હરકતો શરૂ થઇ ગઈ! મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના વિધાયક વિજય શાહ એક જાહેર કાર્યક્રમમાં કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીની બહેન’ કહી બેઠા! વિધાયકશ્રીની ટીપ્પણી એ ભારતીય સેનાના એક સન્માનીય અધિકારીની ઓળખ એક ઝાટકે એમની ધાર્મિક ઓળખ પૂરતી સીમિત કરી દીધી! ભાષાના અણછાજતા પ્રયોગમાં લૈંગિક દ્વેષ તો હતો જ. આ અંગે વિવાદ ઊભો થયો અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ વાતની નોંધ લઈને પોલીસને એમની સામે પગલાં લેવા આદેશ કર્યો, ત્યારે એમની સામે એફ.આઈ.આર. દાખલ થઇ. સુપ્રીમ કોર્ટે પણ ટીપ્પણી કરી અને વિજય શાહની માફીનો સ્વીકાર કર્યો નહિ. હાલમાં કોર્ટના આદેશથી ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની સ્થાપના થઇ છે. અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે જે પણ કાંઈ પગલાં લેવાયાં એ કોર્ટના આદેશથી લેવાયાં – સરકાર દ્વારા તેમના વિધાયક સામે કે ભા.જ.પ. દ્વારા પક્ષના સભ્ય સામે શિસ્તના કોઈ પગલાં લેવાયાં નથી, કે નથી એમની પાસે કોઈ સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી. મહિલા આયોગે પણ માત્ર મહિલા અધિકારી વિરુદ્ધની ટિપ્પણી સામે ખેદ વ્યક્ત કર્યો. વિજય શાહ અત્યારે પોતાની પેરવી માટેના પ્રયત્નોમાં મુક્ત પણે પ્રયત્નો કરી રહ્યા છે.
બીજા કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ ગજબની સ્ફૂર્તિ બતાવી. અશોકા યુનિવર્સિટીના પ્રાધ્યાપકની ફેસબૂક પર ઓપરેશન સિંદૂર અંગે લખાયેલી એક બૌદ્ધિક, અને વિચક્ષણ પોસ્ટ જેનો સાર હતો કે – “ભારતે પહેલી વાર પાકિસ્તાનની સરકાર અને આતંકવાદ બંને વચ્ચેનો ભેદ વ્યૂહાત્મક રીતે તોડી પાડ્યો એટલે હવે પાકિસ્તાન આતંકની પાછળ છુપાઈ નહિ શકે …. કર્નલ સોફિયા કુરેશીને જમણેરી વિચારધારા વાળા પણ બિરદાવી રહ્યાં છે એ જોઇને આનંદ થાય છે, પણ તેમણે નફરતની રાજનીતિને કારણે થતા મોબ લીન્ચિંગ અને બુલડોઝર જસ્ટિસની સામે પણ બોલવું પડશે. નહીંતર, બે મહિલા અધિકારીઓએ ઊભી કરેલી ભારતની છબી એક દંભ બનીને રહી જશે.” આ પોસ્ટની સામે બે ફરિયાદ થઇ. એક સોનીપાત જિલ્લાના જથેરી ગામના સરપંચ અને ભા.જ.પ.ના યુવા મોરચાના સભ્ય યોગેશ જથેરીએ કરી, જેમને આ લખાણ કોમી સંવાદિતાને જોખમમાં મૂકી, વૈમનસ્ય પેદા કરનારું અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને જોખમમાં મુકનાર કૃત્ય લાગ્યું. બીજી ફરિયાદ હરિયાણા રાજ્યના મહિલા આયોગનાં અધ્યક્ષ રેણુ ભાટિયાએ કરી, જેમને આ લખાણમાં થયેલ મહિલા અધિકારીની છબીનો ઉલ્લેખ મહિલાના શીલના અપમાન સમાન લાગ્યો! બંને ફરિયાદના પગલે એફ.આઈ.આર. નોંધાઈ, ધરપકડ થઇ અને આ લખાઈ રહ્યું છે, ત્યારે સોનેપત જિલ્લા અદાલતે એમને ૨૭ મે સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાના હુકમ પણ આપી દીધા! પ્રાધ્યાપકનું નામ છે અલી ખાન મહમૂદાબાદ, જે અશોકા યુનિવર્સિટીના રાજ્ય શાસ્ત્ર વિભાગના વડા છે. તેઓ મુક્ત વિચારસરણી માટે, પ્રેમ અને શાંતિની વાત માટે અને યુદ્ધ વિરોધી પોતાના મંતવ્ય માટે જાણીતા છે. તેમના વિદ્યાર્થીઓ અને સહ-પ્રાધ્યાપકો તેમના ટેકામાં જાહેરમાં આવ્યા છે, અને તેમને પોલીસની હેરાનગતિથી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એમની એ પોસ્ટ હજુ ફેસબૂક પર છે. દરેક વાચકને એ વાંચવા માટે વિનંતી છે જેથી તમે જાતે નક્કી કરી શકો એ એમાં વાંધાજનક કશું છે કે નહિ. ઓપરેશન સિંદૂર અંગેનું નાનકડું અને સચોટ વિશ્લેષણ છે. એની સાથે સંમત થવું કે નહિ એ વ્યક્તિગત અભિપ્રાય છે, પણ એમના લખાણમાં લેશમાત્ર રાષ્ટ્ર વિરોધી કે સ્ત્રી વિરોધી સુર નથી. કે નથી સરકાર વિરોધી કોઈ ટીપ્પણી. ભાષા પણ અટપટી નથી કે જેને કારણે ગેરસમજ ઊભી થાય. તેમ છતાં એમની વિરુદ્ધ રાષ્ટ્ર દ્રોહના તેમ જ મહિલાનું અપમાન કરવાના આરોપ છે! જો પ્રો. મહમૂદાબાદની ટીપ્પણી દેશદ્રોહ ગણાય તો પોતાનો આગવો અભિપ્રાય ધરાવનાર દરેક ભારતીય નાગરિકને દેશદ્રોહી ગણાવી શકવાની શક્યતા છે!
હરિયાણા મહિલા આયોગે મહિલા અધિકારીને જાણે પવિત્ર દરજ્જો આપી કોઈ પણ જાહેર ચર્ચામાં એનો ઉલ્લેખ માત્ર જાણે વર્જિત ગણી લીધો. લઘુમતી કોમના બૌદ્ધિકો સામે નિશાન સાધવાનો અભિગમ લઘુમતી વિરોધી તો છે જ પણ સાથે સાથે લોકશાહી વિરોધી અને મહિલા વિરોધી પણ છે. પહેલગામ ત્રાસદી વિરુદ્ધ ભારતની લઘુમતી કોમમાંથી અવાજ ઉઠ્યો છે. આ સમય છે લઘુમતી કોમના ઉદારમત વાદીઓને બોલવા દઈ એમને સાંભળવાનો. નહિ કે એમને કારણ વગર રંજાડવાનો. એ સૂરને દાબી દઈશું તો ધાર્મિક કટ્ટરવાદ સામે વૈકલ્પિક વિચાર ક્યાંથી ઊગશે?
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર